બૃહદ એટલે ઊત્તમ, શતાનંદસ્વામી કહે છે- પ્રભુ ! તમે ઊત્તમ વ્રતને ધારણ કરનારા છો. ઊત્તમ વ્રત કયું કહેવાય ? બ્રહ્મચર્ય વ્રત ઊત્તમમાં ઊત્તમ વ્રત છે. બ્રહ્મ એટલે ભગવાન, ચર્ય એટલે ભગવાનને પામવું, ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મચર્યનો પાયો રોપવા આવ્યા છે, અનેક ભકતજનોને બ્રહ્મચર્ય પાલન કરવાની શકિત આપે છે. બ્રહ્મચર્ય રાખવાથી શું ફાયદો થાય છે ? બ્રહ્મચર્ય રાખવાથી અનેક ફાયદા થાય છે.
બ્રહ્મચારીની બુધ્ધિ કુશાગ્ર અને વિશાળ બને છે, તેનો અવાજ મોહક હોય છે. તેની વાણી પ્રશંસનિય હોય છે. તેની સ્મરણ શકિત સારી હોય છે, તેનો સ્વભાવ આનંદી અને ઊત્સાહી હોય છે, તેનું મુખ તેજસ્વી હોય છે, તેને થાક બહુ ઓછો લાગે છે, શકિત જળવાઈ રહે છે, તેની ઈન્દ્રિયો સંયમિત હોય છે, આમ બ્રહ્મચર્યનો અપાર મહિમા છે.
બ્રહ્મચર્ય પાલન કરનાર મનુષ્યનું શરીર સુંદર હૃષ્ટ પુષ્ટ અને નિરોગી હોય છે, ચેતના અને મેધા સ્મરણ શકિત, પાચન શકિત વિગેરેનો ઊત્તમ રીતે વિકાસ પામે છે. બ્રહ્મચર્ય એટલે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ, સ્ત્રી હોય તેમણે પુરુષનો ત્યાગ કરવો. તપ એ તપ નથી, બ્રહ્મચર્ય એજ ખરું તપ છે.
-: યુવાની આવશે ત્યારે ખબર પડશે :-
શ્રીજીમહારાજ કહે છે- અમને નિષ્કામી વ્રત બહુ ગમે છે, અને જેને નિષ્કામી વ્રતમાન દૃઢ હોય તેનાથી અમે હજાર ગાઊ દૂર હોઈએ તો પણ પાસે જ છીએ.
બાળ ઘનશ્યામે અગ્યાર વરસની વયે વન પ્રયાણ કર્યું, ફરતાં ફરતાં નેપાલ પ્રદેશમાં આવ્યા. ત્યાં મહાદત્ત રાજાને મળ્યા. તેની બહેન મયારાણી બહુ ભાવિક અને પ્રેમીલાં, બાલાયોગીને જોયા કે તરત તેનું મન એના રૂપમાં ખચાઈ ગયું, કેવા અદભુત યોગીરાજ છે ! નીલકંઠવર્ણીનું રૂપ ભલાભલાને મોહિત કરી દે એવું છે. મયારાણીએ કહ્યું, "બાલાયોગી ! તમે અહિ જ રહો, હવે કયાંય જવાનું નથી, આ મારી બે દીકરી છે તેને તમારી સાથે પરણાવી દઈએ."
પ્રભુએ કહ્યું, "અમારે પરણવું નથી અને અમારે શરણે જે આવશે તેને પણ પરણવા દેવા નથી," મયારાણીએ કહ્યું, "શું કહો છો? હજુ તમે નાના છો બાળબુદ્ધિ છે એટલે પરણવાની ના પાડો છો. પણ જુવાની આવશે ત્યારે ખબર પડશે." મયારાણી કહે છે :-
જયારે થાશે જોબન જોર પછી પસ્તાશો, મળી કોઈ વૈરાગ્ય નાર લઈ ભાગી જાશો. મળી બુટોલપુર૦
યોગીરાજ જુવાની એવી છે કે સ્ત્રી વગર નહિ રહી શકો. માટે મારું માનો.
ગ્રહો કુંવરી મારી દોય રાજા કરી સ્થાપું, ઘણાં ગામ દંતીને અશ્વ પેદલ હું આપું... મળી બુટોલપુરની૦
સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી.
આ મારી બંને દીકરી અને આ રાજપાટ બધું તમને સોંપી દઈએ. તમે અમારા જમાઈ થઈ જાવ. મયારાણીને પ્રેમ ઊભરાયો કે આ યોગીરાજને દીકરો ન બનાવી શકી પણ જો જમાઈ થઈ જાય તો પણ એના સંબંધે મારું પણ કલ્યાણ થઈ જાય. બહુ રૂપાળા છે. એને જોઈને મને હેત ઊભરાય છે. એવું સાંભળી ભગવાન બોલ્યા, "શું કહો છો મયારાણીજી ?"
એવાં મર્મ ભરેલાં વેણ સુણી સુખધામી કહે શુકજી જેવા કૈક કરૂં નિષ્કામી.. મળી બુટોલપુરની૦
નીલકંઠવર્ણીએ કહ્યું, "હું તો નહિ પરણું, પણ મારે શરણે આવશે તેને શુકદેવજી જેવા અનેક સંતો તૈયાર કરીશ. તમે અમારી ચિંતા ન કરો." આવું કહી પ્રભુ તે જ રાત્રીએ એકલા છાના માના ચાલી નીકળ્યા. પ્રભુ બૃહદવ્રતધારી છે. પ્રભુને બ્રહ્મચર્યવ્રત બહુ વહાલું છે.
-: હું પણ બ્રહ્મચર્ય વ્રત પાળીશ :-
નીંગાળા ગામના આહીર દાન ભકત હતા. તે એક વખત ગઢપુરમાં શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્યા. શ્રીહરિને નમસ્કાર કરી દાન ભકત ભકતોની સભામાં બેઠા અને બાઈઓની સભામાં એમનાં પત્ની બેઠાં.
તે વખતે શ્રીહરિએ કહ્યું, "આ દાન ભકત તો મુકતરાજ છે અને બ્રહ્મચર્ય પાળવામાં શ્રદ્ધાવાળા છે."
બસ આટલી મહારાજની વાણી સાંભળીને દાન ભકતે નિશ્ચય કરી લીધો કે મારે આ જન્મે અખંડ બ્રહ્મચર્યવ્રત પાલન કરવું છે. દંપતી ગઢપુરથી પોતાને ગામ આવ્યા, ભગતે પોતાનાં પત્નીને કહ્યું; "દેવી ! આજથી તમે મારી મા, બહેન અને દીકરી સમાન છો. મારે આખી જદગી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું છે. માટે તમારે રાજી ખુશીથી બીજું ઘર કરવું હોય તો મારો રાજીપો છે. બાકી મારે સંસારી થવું નથી. સંત તરીકે રહેવું છે."
આ વાત સાંભળી બાઈ બોલ્યાં "હે દેવ ! આપ શું કહો છો ! એકવાર તમારા નામનો ચૂડલો પહેર્યો, સેંથામાં સિંદૂર પૂર્યું, તમારા નામની ચૂંદડી ઓઢી, હવે બીજાને વરીને શું કરવું છે ? જેમ તમારી પ્રતિજ્ઞા છે, તેમ મારી પણ પ્રતિજ્ઞા છે. હું પણ બ્રહ્મચર્યવ્રત પાળીશ." આવી રીતે શ્રીહરિની વાણી માત્રથી મુમુક્ષુ જીવાત્માઓ બ્રહ્મચર્યવ્રત પાડવા તત્પર થતા.
બૃહદવ્રત ધારણ કરનારા એવા પ્રગટ પુરૂષોત્તમને નમસ્કાર કરી શતાનંદ સ્વામી પંદરમા મંત્રનો ઊચ્ચાર કરે છે.