શતાનંદસ્વામી કહે છે- શુધ્ધ સ્વરૂપ એવા ઈષ્ટદેવ પુરુષોત્તમનારાયણને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ ! તમે શુધ્ધ સ્વરૂપ છો. કેવા શુધ્ધ સ્વરૂપ છો ? તો પ્રભુ! તમારું જીવન શુધ્ધ, વિચાર શુધ્ધ, નેત્રો અને કાર્ય પણ શુધ્ધ છે.
હે પ્રભુ ! તમારી લીલા શુધ્ધ છે, તમારી વાણી શુધ્ધ છે, તમારું સમગ્ર સ્વરૂપ પવિત્ર અને શુધ્ધ છે. કહેતાં મંગળ છે. પ્રભુનું નામ મધુર, પ્રભુની લીલા મધુર, પ્રભુનું હસવું મધુર, સ્વયં મધુર સ્વરૂપ છે.
પ્રભુની આંખ કેટલી શુધ્ધ અને પવિત્ર છે ! જેની ઊપર દૃષ્ટિ પડે તે શુધ્ધ અને પવિત્ર થઈ જાય. ઘનશ્યામ મહારાજની બાળલીલા જુઓ. ગયાજીના ગોર છપૈયામાં આવ્યા, ત્યારે બાળઘનશ્યામ પારણિયામાં પોઢ્યા છે. જયાં દૃષ્ટિ ગોર ઊપર પડી, ત્યાં ગોર બાપાના વિકાર માત્ર ટળી ગયા, હૃદયમાં શાંતિ શાંતિ થઈ ગઈ. ઘણાં તીર્થમાં ફર્યા હતા પણ આવી શાંતિ નહોતી થઈ, પણ ઘનશ્યામનાં દર્શન થતાં જ હૃદયમાં આનંદ છવાઈ ગયો. દૃષ્ટિ માત્રથી અનેકને શુધ્ધ કરે એવા શુધ્ધ સ્વરૂપ છે ભગવાન શ્રીસ્વામિનારાયણ.
લાડુદાનજીનું જીવન જુઓ. ગઢડામાં શ્રીજીમહારાજ પાસે આવે ત્યારે ગોઠવણી કરીને આવ્યા, આમ પૂછીશ, આવી રીતે કહીશ. ચાર સંકલ્પો કરેલા. એ સાચા પડે તો માનું કે સ્વામિનારાયણ સાચા. એને બીજા ગુજરાતી માને પણ અમે તો દેવીપુત્ર ચારણ જાત, કોઈના કહેવાથી ભગવાન માની લઈએ નહિ. એ કાઠીને વશ કરે, અમે તો જાડેજા કહેવાઈએ. એનું પ્રભુપણું કેવું છે તે ઊઘાડું પાડી દઈશ. આવું બધું નક્કી કરીને આવ્યા. જયાં શુધ્ધ સ્વરૂપ પુરુષોત્તમનારાયણનાં દર્શન થયાં કે તરત જ સંકલ્પો વીરમી ગયા. શું પૂછવું તે બધું ભૂલાઈ ગયું અને શુધ્ધ સ્વરૂપ સહજાનંદમાં જોડાઈ ગયા ને પછી જીવુબા અને લાડુબાએ સત્સંગનો રંગ ચડાવ્યો. તેથી સાધુ થયા અને નામ રાખ્યું બ્રહ્માનંદસ્વામી.
શુધ્ધ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ જાય તે પોતે શુધ્ધ એટલે પવિત્ર થઈ જાય. જાતે ભીલ હોય કે અભણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય પણ જેટલી જે વ્યકિત પરમાત્માની સાથે એક થાય છે, જેટલી પરમાત્મામાં અંતર્મુખ થાય છે, (પછી સુરદાસ હોય કે મીંરા હોય, નરસૈયો હોય કે ઊપલેટાનો ચોર વેરો હોય, ગઢપુરનો દાદો હોય કે રૂડિયો રખડું હોય, જેટલો સન્મુખ થાય) તેટલી તે દેહાધ્યાસથી દૂર જતી રહે છે અને પરમાત્માની નજીક આવે તેટલી શુધ્ધ થઈ જાય છે. પવિત્ર જીવન જીવતી થાય છે, મલિનતા અને પાપ રહેતાં નથી.
જેનું તમે સ્મરણ કરો જેને તમે યાદ કરો તેવા ગુણ તમારામાં આવશે જ. શુધ્ધ સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનને તમે જેમ યાદ કરશો, ધ્યાન કરશો તેટવું તમારું જીવન શુધ્ધ થશે, સ્વચ્છ થશે. પાણી શુધ્ધ અને સ્વચ્છ હોય તો અંદર પ્રતિબબ દેખાય. તેમ શુધ્ધ અને સ્વચ્છ હૃદયમાં પરમાત્માનાં દર્શન થાય છે.
-: પાપી શુધ્ધ થઈ ગયા :-
ભગવાન શુધ્ધ સ્વરૂપ છે. કેવા પાપીને શુધ્ધ અને પવિત્ર કરે છે તે બાબત બરાબર સમજીએ. કંથકોટનો રાજા બહુ પાપી હતો. ગૌહત્યા કરાવે અને બ્રાહ્મણો પાસેથી કરવેરો લે. સ્વામિનારાયણ ભગવાને ઘણું સમજાવ્યું પણ સમજયો નહિ, ઉલટાનો ખીજાયો. સત્તાના બળથી ઊધ્ધત થઈ બોલ્યો, "સ્વામિનારાયણ ! તમે મને કોણ સમજાવનાર ? નીકળી જાઓ મારા રાજમાંથી ફરીથી કંથકોટમાં આવશો તો જેલમાં પૂરીશ. તમને જે માને છે, ભજે છે, તેને પણ જેલમાં પૂરી દઈશ."
શ્રીજીમહારાજે બધા ભકતજનોને કહ્યું, "તમને મારા જાણીને રાજા હેરાન કરશે, માટે બીજા ગામમાં રહેવા જતા રહેજો."
કચરા ભગત ઘર સંપત્તિ લઈ બીજે ગામ જવા માટે રવાના થયા. પાપી રાજાએ મીંયાણાને કહ્યું, "જાઓ કચરાને લૂંટી લ્યો. અને મારી કૂટીને કાઢી મૂકો." બે મીંયાણા ઊંડી ખાઈમાં સંતાઈને બેઠા. અહિથી પસાર થશે ત્યારે લૂંટી લેશું. કચરા ભગત અને એમનાં પત્ની ધનબાઈ દુઃખનાં માર્યાં બીજે ગામ જાય છે. રસ્તામાં કીર્તન ગાતાં ગાતાં ચાલે છે.
આવોને ઓરા છેલછબીલા મારી શેરીએ આવોને ઓરા મનની આંટી તે હવે મેલીએ.
ત્યાં તો ઓચતા મીંયાણા એ બૂમ પાડી, "એય !!! કયાં જાઓ છો ? ખબરદાર જો આગળ પગલું ભર્યું છે તો." ભગત ફફડી ગયા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરવા લાગ્યા. મીંયાણા જયાં હાથ ઝાલી મારવા જાય, ત્યાં ભગવાન આવી ગયા મદદમાં. તેજનો પૂંજ છવાઈ ગયો. "આ શું ?" એમ કહી જયાં ઊંચી નજર કરી ત્યાં શુધ્ધ સ્વરૂપ અલ્લા, પ્રભુની દૃષ્ટિ અને મીંયાણાની નજર એક થઈ. તુરંત વ્રુતિ બદલાઈ ગઈ. પાપી શુધ્ધ થઈ ગયા. વિચાર શુધ્ધ થઈ ગયા. મીંયાણા હાથ જોડી બોલ્યા,
"અલ્લા ! તમે આવી ગયા ?" "હા અમે આવ્યા છીએ. આ તમે શું કરો છો ?"
"અમે લૂંટ કરવા આવ્યા છીએ." "કોને લૂંટશો ? કચરાને ? કોણે કહ્યું છે કે લૂંટો ? "અમારા રાજાએ," "અરે રાજા તો મહાપાપી છે. તમને શું નરકમાં જાવું છે ?" "લૂંટારા બોલ્યા, "અમારે નરકમાં નથી જવું પણ તમો જેમ કહેશો તેમ કરવું છે." "તો એક કામ કરો, આ પોટલાં જે કચરા ભગતે ઊપાડ્યાં છે તે તમે ઊપાડીને એમને સહીસલામત બીજે ગામ મૂકી આવો, આટલી સેવા કરો."
પ્રભુએ વચન દીધું "જાઓ આજથી કોઈને લૂંટશો નહિ, દારૂ માંસનું ભક્ષણ કરશો નહિ, ગૌહત્યા કરશો નહિ." "અચ્છા ખુદા !" તો તમે સુખી થશો. આટલું કહી પ્રભુ અદૃશ્ય થઈ ગયા.
શુધ્ધ સ્વરૂપનાં દર્શન થવાથી મુસલમાનનું જીવન બ્રાહ્મણ જેવું પવિત્ર થયું. જીવ્યા ત્યાં સુધી કોઈ પાપ કર્યું નહિ, તો એનો બીજો જન્મ શેઠ પદમશીને ત્યાં થયો. મોટા થયા પછી બે ભાઈ સાધુ થયા. એકનું નામ રાખ્યું ચૈતન્યદાસજી, બીજાનું નામ રાખ્યું ઊધ્ધવદાસજી.
ગમે તેવો મલિન જીવ શરણે આવે છે તો તેનાં અંતઃકરણને પ્રભુ પવિત્ર કરે છે. આપણને હૃદય પવિત્ર શુધ્ધ કરવું હોય તો જનમંગલના નિત્ય પાઠ કરવાથી મન સ્વચ્છ અને નિર્વિકારી બને છે. અને અંતે તે ભકત ઊત્તમ ગતિને પામે છે.