બ્રહ્મચારી પ્રકરણમ્ (૨)
પૂર્વોકત ઊપોદઘાતપ્રકરણના નવ શ્લોક વડે સમગ્રશાસ્ત્રનો ઈપોદઘાત કહીને હવે વર્ણાદિકના ધર્મ કહેવા માટે પ્રથમ વર્ણો કહે છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણો છે. અને તેમાં પ્રથમ ત્રણ દ્વિજાતિ કહેવાય છે અને તે દ્વિજાતિઓની ગર્ભાધાનથી મરણાન્ત સુધીની ક્રિયાઓ વેદોકત મંત્રોથી થાય છે. ૧૦
ઋતુકાલમાં ગર્ભાધાન, ગર્ભના હલન પહેલા પુંસવન, છઠ્ઠે અથવા આઠમે માસે સીમન્ત, જન્મ લીધા બાદ જાતકર્મ, ૧૧મે દિવસે નામકરણ, ચોથા મહિનામાં નિષ્ક્રમણ, છઠ્ઠા મહિનામાં અન્નપ્રાશન સંસ્કાર અને પોતાની કુળ પરંપરાને અનુસારે યૂડાકર્માદિક (મુંડન) સંસ્કાર કરવા. ૧૧-૧૨
આ પ્રમાણે ઊપરોકત કર્મ કરવાથી બીજ (શુક્ર) અને ગર્ભ (શોણિત) થી ઊત્પન્ન થયેલ પાપ નષ્ઠ થાય છે. અને સ્ત્રીઓના જાતકર્માદિક સંસ્કારો વેદમંત્રોવિના કરવા પરંતુ વિવાહ સંસ્કાર તો વેદોકત મંત્રો વડે કરવો. ૧૩
ગર્ભથી આઠમે અથવા જન્મથી આઠમે વર્ષે બ્રાહ્મણનું ઊપનયન કરવું, તેમજ કુલાનુસાર ક્ષત્રિયનું અગિયારમે વર્ષે અને વૈશ્યનું બારમે વર્ષે ઊપનયન કરવું. ૧૪
ગુરુ પોતાના શિષ્યને યજ્ઞોપવીત આપીને મહાવ્યાહૃતિપૂર્વક વેદાધ્યયન કરાવે અને શૌચ તથા આચરણના નિયમોની શિક્ષા આપે. ૧૫
જમણા કાન ઊપર યજ્ઞોપવીતને (જનોઈ) ચઢાવીને ઊત્તરાભિમુખે બેસી દિવસે, અને સંધ્યા સમયે મળ-મૂત્રનો ત્યાગ કરવો તેમજ રાત્રિએ દક્ષિણાભિમુખે બેસી મૂત્ર અને મળનો ત્યાગ કરવો. ૧૬
શિશ્ન (લિંગ)ને ગ્રહણ કરી ઊઠીને આળસનો ત્યાગ કરી માટી અને જળ વડે શૌચ કરે કે જેથી દુર્ગન્ધ અને લેપનો નાશ થાય. ૧૭
દ્વિજાતિઓ પ્રતિદિન બન્ને ઘૂંટણની વચ્ચે હાથ રાખીને પવિત્ર સ્થાને ઊત્તર અથવા પૂર્વ દિશામાં મુખ રાખીને બેસે અને બ્રાહ્મતીર્થથી આચમન કરે. ૧૮
કનિષ્ઠા, તર્જની અને અંગૂઠો આ ત્રણેયના મૂળભાગમાં અનુક્રમે પ્રજાપતિતીર્થ, પિતૃતીર્થ અને બ્રહ્મતીર્થ રહેલાં છે અને હાથના અગ્રભાગમાં દેવતીર્થ રહેલું છે. ૧૯
અંગૂઠાના મૂળભાગથી ત્રણવાર જળનું પાન કરી, બે વખત મુખશુદ્ધિ કરે અને ફીણ કે પરપોટા ન હોય તેવા જળવડે નાક, કાન, આંખ વગેરે ઈંદ્રિયોની શુદ્ધિ કરવી. ૨૦
દ્વિજાતિ એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અનુક્રમે હૃદય, કંઠ અને તાલુ સ્થાને જળ પહાચે તેથી શુદ્ધ થાય છે. તેમજ સ્ત્રી અને શૂદ્ર તો તાલુસ્થાનમાં એકજવાર જળનો સ્પર્શ કરવાથી શુદ્ધ થાય છે. ૨૧
પ્રાતઃસ્નાન, અબ્દૈવત (વરૂણ દેવતા) ના મંત્રોદ્વારા માર્જન, પ્રાણાયામ, સૂર્યોપપસ્થાન અને ગાયત્રીમંત્રનો જપ પ્રતિદિન કરે. ૨૨
શિરોમંત્ર અને મહાવ્યાહૃતિ ઊપરાંત પ્રણવ (ઓંકાર) ને જોડી શ્વાસ રોકીને ત્રણવાર ગાયત્રીનો જપ કરે તે એક પ્રાણાયામ કહેવાય છે. ૨૩
પ્રાણાયામ ઊપરાંત જળદેવતાના માર્જન મંત્ર વડે શરીર ઊપર જળ છાંટીને તારાઓનો ઊદય થાય ત્યાં સુધી ગાયત્રી જપ કરતા બેસીને સંખ્યા કરવી. ૨૪
આ રીતે પૂર્વસંધ્યા (પ્રાતઃ સંધ્યા) સીર્યોદય થાય ત્યાં સુધી કરવી. ત્યારબાદ બન્ને સંધ્યાઓમાં અગ્નિહોત્ર કર્મ કરવું. ૨૫
તદનન્તર હું અમુક છું એમ કહી વડીલ ગુરૂજનોને પ્રણામ કરે અને આધ્યયનમાં મનની એકાગ્રતા રાખી ગુરૂની સેવા કરે. ૨૬
ગુરૂ જયારે બોલાવે ત્યારે અધ્યયન કરવું અને ભિક્ષાયાચના કરતાં જે અન્નાદિ પ્રાપ્ત થયું હોય તે ગુરૂને અર્પણ કરવું અને મન, વાણી, કર્મથી ગુરૂનું હિત થાય તેમ વર્તવું. ૨૭
કૃતજ્ઞ, અદ્રોહી, મેઘાવી, શુદ્ધ, નિરોગી, અનિંદક, સાધુ (સદાચારી), સમર્થ, બન્ધુજન તથા જ્ઞાન અને ધનદાતા આવા શિષ્યો શાસ્ત્રાનુસાર અધ્યયન કરાવવા યોગ્ય છે. ૨૮
પલાશ (ખાખરા)નો દંડ, કૃષ્ણમૃગચર્મ, યજ્ઞોપવીત અને મેખલા ધારણ કરે. અને પોતાના જીવનનિર્વાહ માટે પવિત્ર બ્રાહ્મણને ઘેર ભિક્ષાયાચના કરે. ૨૯
બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય આદિ, મધ્ય અને અન્તમાં અનુક્રમે ‘ભવત્’ શબ્દનો પ્રયોગ કરી ભિક્ષા યાચના કરે. ૩૦
(હોમાદિક) અગ્નિકાર્ય કરી ગુરુની આજ્ઞા મેળવી આચમન કરે અને ત્યારબાદ અન્નનું સન્માન કરી, અન્નની નિંદા ન કરતો મૌન રહીને ભોજન કરે. ૩૧
બ્રહ્મચારીએ રોગાદિક આપત્તિ વિના એક વ્યકિતના ઘરનું અન્ન જમવું નહીં. બ્રાહ્મણ પોતાના વ્રતની રક્ષા કરી શ્રાદ્ધમાં યથેચ્છ ભોજન કરી શકે છે. ૩૨
મધ, માંસ, લેપ, અંજન, ઈચ્છિષ્ટ ભોજન, કઠોર વચન, સ્ત્રીસંગ, જીવહિંસા, અશ્લિલ તથા અસત્ય ભાષણ અને દોષાન્વેષણ ઈત્યાદિનો બ્રહ્મચારીએ ત્યાગ કરવો. ૩૩
જે બધી જ ક્રિયાઓ વિધિપૂર્વક કરવી બ્રહ્મચીરીને વેદાધ્યયન કરાવે તે ગુરૂ, અને જે કેવળ યજ્ઞોપવીત કરાવી વેદ ભણાવે તે આચાર્ય કહેવાય. ૩૪
વેદના એક ભાગની અથવા એકાદ અંગની જે શિક્ષા આપે તે ઊપાધ્યાય, અને યજ્ઞકર્મ કરાવે તે ઋત્વિક્ કહેવાય છે. ઊપરોકત ગુરૂ, આચાર્ય, ઊપાધ્યાય અને ઋત્વિક્ અનુક્રમે પૂજન છે. પરંતુ માતા તો સર્વથી અધિક પૂજનીય છે. ૩૫
પ્રત્યેક વેદ માટે બાર અથવા તો પાંચ વર્ષનો બ્રહ્મચર્યકાળ કહ્યો છે. પરંતુ કેટલાક ઋષિઓ તો વિદ્યાસંપાદન કરતાં સુધી બ્રહ્મચર્ય કહે છે. અને કેશાન્ત (ગોદાન) સંસ્કાર તો ગર્ભાધાનથી સોળમેં વર્ષે કરવો. ૩૬
સોળ, બાવીસ, અને ચોવીસ વર્ષ સુધી ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય માટે ઊપનયનસંસ્કારનો અંતિમ અવધિ છે. આ સમય સુધી જો સંસ્કાર ન કરે તો સર્વધર્મકર્મથી બહિષ્કૃત થઈ ચ્યુત (પતિત) સાવિત્રીદાન માટે અયોગ્ય થાય છે અને વ્રાત્યસ્તોમ યજ્ઞ વિના વ્રાત્ય (સંસ્કારહીન) થઈ જાય છે. ૩૭-૩૮
બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પ્રથમ માતાથી જન્મ ધારણ કરે છે અને ત્યાર પછી મૌંજ મેખલા બાંધે ત્યારે (ઊપનયન સંસ્કાર સમયે) તેમનો બીજો જન્મ થાય છે માટે તેમને દ્વિજ કહ્યા છે. ૩૯
યજ્ઞ, તપ અને ઊપનયનાદિક શુભકર્મોના અવબોધક (જણાવનારા) વેદ હોવાથી દ્વિજાતિઓને તે પરમોપકારક (શ્રેયસ્કાર) છે. ૪૦
જે દ્વિજ પ્રતિદિન ઋગ્વેદનું અધ્યયન કરે છે, તે મધ અને દૂધ વડે પિતૃઓનું તર્પણ કરે છે. જે દ્વિજ દરરોજ યજુર્વેદના મંત્રોનું અધ્યયન કરે છે તે ઘી અને જળ વડે દેવતાઓને અને આજય (ઘી) તેમજ નધ વડે પિતૃઓને પ્રસન્ન કરે છે. અને જે દ્વિજ પ્રતિદિન સામવેદના મંત્રોનું અધ્યયન કરે છે તે સોમરસ અને ઘી વડે દેવતાઓને તેમજ મધ અને ઘી વડે પિતૃઓને તૃપ્ત કરે છે. ૪૧-૪૨-૪૩
અથર્વાઙ્ગિરસનું અધ્યયન કરનારો દેવોને મેદ વડે અને મધ તથા ઘી વડે પિતૃઓને તૃપ્ત કરે છે. વાકોવાકય, પુરાણ, નારાશંસી, ગાથા, ઈતિહાસ તથા વરૂણાદિ વિદ્યાઓનું અધ્યયન કરનારો દૂધ, ભાત અને મધ વડે દેવતાઓને તથા મધ અને ઘી વડે પિતૃઓને પ્રસન્ન કરે છે. તૃપ્ત થયેલા દેવતાઓ અને પિતૃઓ સ્વાધ્યાય કરનારને કર્વે ઈચ્છિત ફળ આપી સુખી કરે છે. ૪૪-૪૫-૪૬ ।।
તૃપ્ત થયેલા દેવતાઓ અને પિતૃઓ સ્વાધ્યાય કરનારાને અભિષ્ટ ફળ પ્રાપ્તિ કરાવી સુખી કરે છે, અને જે જે યજ્ઞનું તે અધ્યયન કરે તે તે યત્રના ફળને પમાડે છે. તેમજ ધનધાન્યથી પૂર્ણ પૃથ્વીનું ત્રણવાર દાન કરવાથી અને ઉત્કૃષ્ટ તપસ્યાથી જે ફળ થાય છે તે પણ દ્વિજ નિત્ય ભોગવે છે. ૪૭-૪૮
નૈષ્ઠિક બ્રહ્મચારી તો આચાર્ય સમીપેજ નિવાસ કરે, આચાર્ય જો ન હોય તો તેમના પુત્ર કે પત્ની પાસે રહે. તેઓ પણ જો ન હોય તો અગ્નિની સમીપે નિવાસ કરે. આ વિધિ પ્રમાણે શરીરની સાધના કરતો વિશેષ પ્રયત્નપૂર્વક ઇંદ્રિયો પર વિજય મેળવી તે બ્રહ્મચારી બ્રહ્મલોકને પામે છે અને પુનઃ આ સંસારમાં જન્મને પામતો નથી. ૪૯-૫૦
ઈતિ બ્રહ્મચારી પ્રકરણમ્