વિવાહ પ્રકરણમ્ (૩)
વેદધ્યયન અથવા વ્રતને સમાપ્ત કરી અથવા તો તે બન્નેના પારને પામી ગુરૂને યથાશકિત દક્ષિણા આપી તેમની આજ્ઞાથી સ્નાન (સમાવર્તન) કરે. ૫૧
બ્રહ્મચર્ય વ્રતનો ભંગ નહીં કરીને દ્વિજ જે સ્ત્રી પ્રથમ અન્ય કોઈ પુરૂષને ન આપી હોય અથવા કોઈ દ્વારા ઊપભોગ ન થયેલી હોય એવી સુંદર, અસપિણ્ડ હોય અને ઉંમર તથા શરીરના પ્રમાણથી પોતાનાથી નાની હોય એવી શુભલક્ષણ સમ્પન્ન સ્ત્રી સાથે વિવાહ કરે. ૫૨
અસાધ્ય રોગથી રહિત હોય ને ભાઈ હોય એવી, અને સમાન ગોત્ર કે પ્રવર ન હોય તેની સાથે વિવાહ કરવો. માતૃકુળમાં પાંચ પેઢીથી ઊપર અને પિતૃકુળમાં સાત પેઢીથી ઊપરની કન્યાની સાથે વિવાહ કરવો. ૫૩
જે ઊચ્ચકુળના પુરૂષ દસ પેઢીઓથી પ્રખ્યાત હોય તેવા કુળની કન્યા ગ્રહણ કરવી પરંતુ જે મહાકુળમાં સંસર્ગજ (ચેપી) રોગ હોય તો તેવા કુળમાંથી કન્યા ન લાવવી. ૫૪
વર પણ પૂર્વકત ગુણોથી યુકત, સર્વણ અને વિદ્વાન્ જોઈએ. તેમજ કાળજીપૂર્વક પુરૂષત્વની પરીક્ષા કરાયેલો. યુકત વિવેકી તથા જનપ્રિય હોવો જોઈએ. ૫૫
દ્વિજાતિઓને જે શૂદ્રવર્ણથી સ્ત્રીગ્રહણ કરવાનું અન્યત્ર (મનુસ્મૃતિમાં) કહેવામાં આવ્યું છે, તે મને (યાજ્ઞવલ્કયને) માન્ય નથી કારણકે સ્ત્રીમાં સ્વયં (પુરૂષનો આત્માજ) જન્મ ધારણ કરે છે. ૫૬
વર્ણાનુલોમથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની અનુક્રમે ત્રણ, બે અને એક પત્ની હોય છે પરંતુ શુદ્રની તો પોતાની જાતિની એક જ ભાર્યા હોય છે. ૫૭
વરને બોલાવી યથાશકિત આભૂષણ અલંકારાદિક વડે સુશોભિત કન્યાનું વરને પ્રદાન કરવામાં આવે તેને બ્રાહ્મવિવાહ કહે છે. આવા વિવાહથી ઊત્પન્ન થયેલ પુત્ર પોતાની એકવીસ પેઠીઓને પવિત્ર કરે છે. ૫૮
યજ્ઞમાં રહેલ ઋત્વિજને કન્યા આપે તેને દૈવ વિવાહ અને બે ગાય લઈને કન્યાનું દાન કરાય તેને આર્ષ વિવાહ કહે છે. તેવા દૈવ વિવાહથી ઊત્પન્ન થયેલ પુત્ર ચૌદ પેઢીને અને આર્ષ વિવાહથી ઊત્પન્ન થયેલ પુત્ર છ પેઢીઓને પવિત્ર કરે છે. ૫૯
સાથે રહીને ધર્મનું આચરણ કરો એમ કહીને જયારે કન્યા વિવાહેચ્છુ પુરૂષને પ્રદાન કરે તેને પ્રાજાપત્ય વિવાહ કહે છે. અને તેથી ઊત્પન્ન થયેલ પુત્ર પોતાની પેઢીએ સહિત પૂર્વની છ અને પછીની છ અને પોતાની એક એમ તેર પેઢીઓને પવિત્ર કરે છે. ૬૦
ધન લઇને કન્યાનું દાન કરે તે આસુર વિવાહ, પરસ્પર પ્રેમ થવાથી કરેલો વિવાહ ગાંધર્વ, યુદ્ધ કરીને કન્યાનું અપહરણ કરે તે રાક્ષસ વિવાહ, અને છળ કપટથી કન્યાને ફોસલાવીને કરેલો વિવાહ પૈશાચ એવાં નામથી કહેવાય છે. ૬૧
પોતાની જાતિની કન્યા સાથે વિવાહ કરતી વખતે પાણિગ્રહણ કરવું. (તેનો હાથ પકડવો) ઊચ્ચવર્ણના વર સાથે પરણતી વખતે ક્ષત્રિયની કન્યાએ (બાણ) અને વૈશ્યની કન્યાએ (ચાબુક) પકડવો. ૬૨
પિતા, પિતામહ, ભાઈ, કુળનો કોઈ પુરૂષ, માતા વગેરે, અનુક્રમે પ્રથમ પ્રથમના અભાવમાં પછીની વ્યકિત ઊન્માદાદિક રોગથી રહિત હોય તો કન્યાદાન કરે. કન્યાદાનનો અધિકારી જો કન્યાદાન ન કરે તો કન્યાના પ્રત્યેક ઋતુકાળમાં તેને ભ્રૂણહત્યાનું પાપ લાગે છે. જો કન્યાદાન કરનાર કોઈજ ન હોય તો કન્યાએ યોગ્ય વરનું સ્વયં વરણ કરી લેવું જોઈએ. ૬૩-૬૪
કન્યા એકજ વાર વિવાહમાં અપાય છે માટે વરને આપીને પુનઃ તેનું અપહરણ કરનાર ચોરની સમાન દણ્ડાર્હ છે, પરંતુ પ્રથમ વર કરતાં જો બીજો સારો વર મળે તો આપેલી કન્યાનું પણ હરણ કરી લેવું. ૬૫
દોષ પ્રસિદ્ધ કર્યા વિના કન્યાદાન કરે તો તેને ઊત્તમ સાહસનો દંડ કરવો. નિર્દોષ કન્યાને ગ્રહણ કરી પછી તેની ઊપર મિથ્યા દોષનું આરોપણ કરી તેનો ત્યાગ કરનારને પણ ઊત્તમ સાહસનો દંડ આપવો. અને વિવાહ પૂર્વે કન્યામાં મિધ્યાદોષનું આરોપણ કરનારને સો ‘પણ’ (પ્રાચીન કાળનો એક સિક્કો) નો દંડ આપવો જોઈએ. ૬૬
કન્યાનો પુરૂષ સાથે શરીર સંબંધ થયો હોય અથવા ન થયો હોય પણ જો તે બીજી વાર વિવાહ કરે, તો તે ‘પુનર્ભૂ’ કહેવાય છે. અને જે સ્ત્રી પતિનો ત્યાગ કરી કામવાસનાથી સ્વવર્ણના પરપુરૂષનો આશ્રય કરે તે ‘સ્વૈરિણી’ કહેવાય છે. ૬૭
પિતા વગેરે વડીલોની આજ્ઞાથી દિયર, સપિંડ અથવા તો સગોત્ર પુરૂષે પોતાના શરીરને ઘી ચોપડી અપુત્રા સ્ત્રી પાસે ઋતુકાળમાં ગર્ભસ્થિતિ સુધી જ જવું. ગર્ભ રહ્યા પછી પણ જો ગમન કરે તો તે પતિત થાય છે. આ વિધિથી ઊત્પન્ન થયેલ પુત્ર ‘ક્ષેત્રજ’ કહેવાય છે. ૬૮-૬૯
વ્યભિચારિણીનાં અધિકાર છીનવી, મલિન રાખવી તેમજ ફકત જીવવા પૂરતું અન્ન આપવું, તિરસ્કાર કરવો અને ભોંય ઊપર શયન કરાવવું. ૭૦
સોમ દેવતાએ નારીને પવિત્રતા આપી, ગન્ધર્વે મધુરવાણી આપી અને અગ્નિએ સર્વપ્રકારે પવિત્ર થવાની શકિત આપી માટે સ્ત્રીઓ સર્વત્ર પવિત્ર હોય છે. ૭૧
(માનસ) વ્યભિચારના દોષથી અશુદ્ધ સ્ત્રીની શુદ્ધિ ઋતુકાળ પ્રાપ્ત થવાથી થાય છે. અન્ય પુરૂષનો ગર્ભ રહી જાય તો તેમાં તેના ત્યાગનું વિધાન છે. ગર્ભપાત, પતિવધ આદિકમાં અને બ્રહ્મહત્યા વગેરે મહાપાતક કરે તો પણ સ્ત્રીનો ત્યાગ કરવો. ૭૨
સુરાપાન કરનારી, દીર્ઘ રોગવાળી, ધૂર્ત, વાંઝણી, ધનનો નાશ કરનારી, અપ્રિયભાશિણી, કેવળ કન્યાને જન્મ આપનારી, અને પતિનું અહિત કરનારી પત્ની હોયતો બીજી સ્ત્રી સાથે વિવાહ કરવો જોઈએ. ૭૩
પરંતુ પૂર્વોકત દોષયુકત પ્રથમ વિવાહિત પત્ની તેનું પાલન પોષણ કરવું, અન્યથા મોટું પાપ થાય છે. કારણ કે ઘરમાં પતિ પત્નીની પરસ્પર અનુકૂળતા હોય છે તે ઘરમાં ત્રિવર્ગની વૃદ્ધિ થાય છે. ૭૪
પતિ જીવતો હોય ત્યારે કે મૃત્યુ પામ્યા પછી પણ જે સ્ત્રી અન્ય પુરૂષનો સંગ કરતી નથી, તે આ સંસારમાં મહાન્ ર્કીતિને પામે છે. અને પોતાનાં મૃત્યુ પછી પતિવ્રતાના પુણ્યના પ્રભાવથી પાર્વતીની સાથે સુખેથી નિવાસ કરે છે. ૭૫
આજ્ઞાંકિત, કુશળ, વીરપુત્રને જન્મ આપનારી અને મધુરભાષિણી પત્નીનો જો પુરૂષ ત્યાગ કરે અથવા તેની ઊપસ્થિતિમાં અન્ય સ્ત્રી સાથે વિવાહ કરે તો, પ્રથમ પોતાના ધનનો તૃતીયાંશ ભાગ પત્નીને આપે અને નિર્ધન હોય તો ભરણ પોષણ કરે.૭૬
પતિની આજ્ઞાનું પાલન કરવું તે સ્ત્રીઓનું પરમ કર્તવ્ય છે. અને જો તે મહાપાતકી થયો હોય તો પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ થાય ત્યાં સુધી તેની પ્રતીક્ષા કરવી. ૭૭
પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર વડે આ લોકમાં વંશ અવિચ્છિન્ન (નિરંતર) રહે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેથી સ્ત્રીઓનો ઊપભોગ કરવો અને તેમનું સંરક્ષણ કરવું. ૭૮
સ્ત્રીઓનો ઋતુકાળની સોળ રાત્રિઓ હોય છે. તેમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી યુગ્મ (બેકી) રાત્રિઓમાં ગમન કરવું. તેમાં શરૂઆતની ચાર રાત્રિ તથા અમાવાસ્યા વગેરે પર્વ તિથિની રાત્રિ વજર્ય કરવી એવા નિયમથી જે રહે છે તે બ્રહ્મચારી જ હોય છે. ૭૯
મઘા અને મૂલ નક્ષત્રને છોડી, ચંદ્રમા આદિ અગિયાર શુભ સ્થાનમાં રહ્યો હોય ત્યારે કૃશાંગી સ્ત્રી પાસે એકવાર ગમન કરવાથી શુભ લક્ષણ સંપન્ન પુત્ર ઊત્પન્ન થાય છે. ૮૦
ઈન્દ્રે સ્ત્રીઓને આપેલા વરદાનનું સ્મરણ કરી તેની ઈચ્છાનુસાર સંભોગ કરે અને પોતાની સ્ત્રીમાંજ રત રહે (પ્રિતિ કરે) કારણ કે સ્ત્રીઓની રક્ષા કરવાનું વિધાન કહેલું છે. ૮૧
પતિ, ભાઈ, પિતા, જ્ઞાતિજનો, સાસુ, સસરા, દિયર અને બન્ધુવર્ગે સાધ્વી સ્ત્રીઓની આભૂષણ, વસ્ત્ર તથા ભોજનાદિક વડે થયાયોગ્ય સેવા કરવી. ૮૨
ઘરની સંસારોપયોગી વસ્તુઓને યથાયોગ્યસ્થાને વ્યવસ્થિત ગોઠવીને રાખવી. હાશિયારીપૂર્વક આનંદમાં રહેવું, નિરર્થક ધનવ્યય ન કરવો. સાસુ સસરાના ચરણમાં વંદન કરવું અને પતિની આજ્ઞામાં રહેવું. ૮૩
જે સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય તેણીએ ક્રીડા કરવી, શુંગાર કરવો, જનસમુહમાં (મેળામાં આદિ ઊત્સવોમાં) જવું, હાસ્ય મશ્કરી કરવી, પારકે ઘેર બેસવા જવું વગેરેનો ત્યાગ કરવો. ૮૪
કન્યા હોય ત્યારે પિતા, વિવાહિતા થાય ત્યારે પતિ, વૃદ્ધાવસ્થામાં પતિના અભાવમાં પુત્રાદિક સ્ત્રીઓનું રક્ષણ કરે. ઊપરોકત રક્ષણ કરનારા જો કોઈ ન હોય તો જ્ઞાતિજનો તેની રક્ષા કરે, પરંતુ સ્ત્રીને કયારેય પણ સ્વતંત્ર ન રહેવા દેવી. ૮૫
પતિની અનુપસ્થિતિમાં સ્ત્રીએ પિતા, માતા, પુત્ર, ભાઈ, સાસુ, સસરા અને મામા વગેરેથી દૂર ન રહેવું, નહિ તો તે સ્ત્રી નિંદાને પામે છે. ૮૬
પતિનું શ્રેય અને હિત કરવામાં તત્પર રહેનારી સદાચાર વાળી, પ્રયત્નપૂર્વક ઈંદ્રિયોને જીતનારી સ્ત્રી આલોકમાં મહાન ર્કીતિને પામે છે અને મૃત્યુ બાદ પરલોકમાં ઊત્તમ હતિને પ્રાપ્ત કરે છે. ૮૭
સવર્ણા (પોતાની જ્ઞાતિની) પત્ની વિદ્યમાન હોય ત્યારે પરવર્ણની સ્ત્રીને હાથે ધર્મકૃત્ય કરાવવું નહીં. અને જો સવર્ણા પત્નીઓ અનેક હોય તો જયેષ્ઠ પત્ની પાસે કાર્ય કરાવવું, પણ અન્યથી નહીં. ૮૮
જો સદાચારી પત્નીનું મૃત્યું થાય તો પતિએ અગ્નિહોત્રના અગ્નિવડે તેનો અગ્નિસંસ્કાર કરવો અને યથાશીઘ્ર વિધિપૂર્વક બીજી પત્નીને ગ્રહણ કરી પુનઃ અગ્નિહોત્રાગ્નિનો સ્વીકાર કરવો. ૮૯
ઈતિ વિવાહપ્રકરણમ્