મન લીધું મોરલડીના તાનમાં રે, (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:04pm

રાગ - ગરબી

પદ - ૧

મન લીધું મોરલડીના તાનમાં રે,

હું  તો મોહી છું છેલાજીના વાનમાં રે. મન૦ ટેક.

સખી આજ ગઈ’તી હું  તો પાણીએ રે,

વાલે મુજને બોલાવી મીઠી વાણીએ રે. મન૦ ૧

વાલો ઊભા ગોવાળોના સાથમાં રે,

લીધી બંસી મનોહર હાથમાં રે. મન૦ ૨

રૂડાં છોગાં મેલ્યાં  તે રળિયામણાં રે,

ભાળી લીધાં ભૂધરજીનાં ભામણાં રે. મન૦ ૩

મારી લગની લાગી છે નંદલાલમાં રે,

બ્રહ્માનંદને વા’લે જોયું વા’લમાં રે. મન૦ ૪

 

પદ - ૨

ઓરા આવોને નાગર નંદના રે,

આવી વાળોને ઓઘ આનંદના રે. ઓરા૦

વા’લા હાસ ઘણી છે મારા મનમાં રે,

તમ આવ્યે ટાઢું થાયે  તનમાં રે. ઓરા૦ ૧

વા’લા એકલાં  તે કેમ કરી રીઝીયે રે,

કાના આવોને ગોઠડી કીજીએ રે. ઓરા૦ ૨

તમ સાથે બંધાણી  પ્રીત ઘાટડી રે,

મારી ઊઘડી હૈયા કરી હાટડી રે. ઓરા૦ ૩

બ્રહ્માનંદના તે શ્યામ સુજાણ છો રે,

પ્યારા પરમ સ્નેહી મારા પ્રાણ છો રે. ઓરા૦ ૪

 

પદ - ૩

મનમાની મોહન  તારી મૂરતી રે,

એક નિમિષ ન મેલું મારા ઊરથી રે. મન૦ ટેક.

મને નેહડો જણાણો  તારા નેણમાં રે,

રઢ લાગી ન ભુલું દિન રેણમાં રે. મન૦ ૧

જોયું રૂપ  તારું રળિયામણું રે,

બીજું સરવે થયું છે અળખામણું રે. મન૦ ૨

હું  તો ગરક થઈ તારા ગીતમાં રે,

ચઢ્યો કેફ અલૌકિક ચિત્તમાં રે. મન૦ ૩

પિયા પ્રેમેથી સેજ પધારજો રે,

બ્રહ્માનંદને ઘડી ન વિસારજો રે. મન૦ ૪

 

પદ - ૪

વહાલી લાગે વા’લા  તારી વાતડી રે,

છેલા મળીને ઠરે છે મારી છાતડી રે. વા’લી૦

રંગ ભીના રંગાણી  તારા રંગમાં રે,

અતિ આનંદ થયો છે મારા અંગમાં રે. વા’લી૦ ૧

હું  તો જીવું મોહન  તુને જોઈને રે,

છેલા રાખું આંખલડીમાં પ્રોઈને રે. વા’લી૦ ૨

કહાના નેણુંમાં કામણ કીધલાં રે,

રૂડાં લટકાં કરી મન લીધલાં રે. વા’લી૦ ૩

વારી એકાંતે રંગભેર આવજો રે,

બ્રહ્માનંદને હસીને બોલાવજો રે. વા’લી૦ ૪

Facebook Comments