મંત્ર (૭૪) ૐ શ્રી સાધ્વીધર્મપ્રવર્તકાય નમઃ
શતાનંદસ્વામી કહે છે. હે પ્રભુ ! તમે સાધ્વી ધર્મની પ્રવૃત્તિ કરનારા છો. પતિવ્રતા ધર્મના પ્રવર્તક છો, સ્ત્રીનાં જીવન કચડાઇ રહ્યાં હતાં, જૂનવાણીના માણસો સ્ત્રીને હલકી ગણતા અને સ્ત્રી વિધવા થાય તો એનાં મા-બાપ બીજુ સગપણ કરે નહિ, આખી જિંદગી રગદડાઇ જાય. બીજું પહેલાંની અંધાધૂધી રીત એવી હતી કે, પતિ પાછળ બળજબરીથી એ સતી થાય. પતિ મૃત્યુ પામે તો સ્ત્રીને જીવતી પતિ સાથે બાળવાનો રિવાજ હતો તે ભગવાન સ્વામિનારાયણે અટકાવ્યો. શ્રીજીમહારાજે એવી સરસ રીત ચલાવી કે પતિ મૃત્યુ પામે તો તેની પાછળ મરવું નહિ, પણ પતિ તરીકે પરમાત્માને માનીને ભગવાનનું ભજન કરવું.
-: સાધ્વીના ધર્મો ખૂબ સુંદર રીતે શીખવ્યા :-
સાંખ્યયોગ ધર્મની પ્રવૃત્તિ કરી, સ્ત્રીને કોઇ સંપ્રદાયમાં દીક્ષા અપાતી નહિ,તે રિવાજ ભગવાન સ્વામિનારાયણે શરૂ કર્યો. પાછી કેવી મર્યાદાની પાળ બાંધી. સ્ત્રી જ દીક્ષા આપે. આચાર્ય પત્ની દ્વારા દીક્ષા લેવી, સ્ત્રીના ધર્મ બરાબર સચવાઇ રહે તે માટે બાઇઓનાં મંદિરો જુદાં કર્યાં. સ્ત્રીના ધર્મો ખૂબ ઝીણી નજરથી અમલમાં મૂકાવ્યા. સાધ્વીના ધર્મો ખૂબ સરસ રીતે શીખવ્યા. ભક્ત ચિંતામણીમાં પ્ર. ૧૧૧ માં નિષ્કુળાનંદસ્વામીએ કહેલું છે, એક વખત સંખ્યયોગી બહેનો બધાં ભેગાં થઇને અત:શત્રુને જીતવાની અરસ પરસ વાત કરે છે.
એવી કોણ નારી જે હશે, જે કોઇ દેહનાં સુખ ઇચ્છશે । દેહ સુખમાં રહ્યો સંસાર, દેહ સુખમાં વિષય વિકાર ।।
ત્યારે બહેનોને દેહના સુખના સુખને ઇચ્છવાં નહિ, કોઇ સ્ત્રીનો દેહ, ને કોઇ પુરુષનો ગેહ, જરા મનની વૃત્તિ પાછી પાળીને વિચાર કરશું તો જણાશે કે, માંસ, મજ્જા, મેદ, લોહી, હાડકાં, થૂંક, લાળ, ચીપડાં, ઉદરમાં આતરડાંઓ, મળમૂત્રના કયારાઓ એવો દગુત ંધથી અને રાગે થી ભરલો આ ક્ષણ ભંગુર અને નાશવત દેહ છે. માથે માત્ર રૂપીળું ચામડું મઢેલું છે. મોઢામાં હાડકાંની હાર છે, ઘણાં મિષ્ટાન્ન મેવા ખાધા છતાં જીભ કોરીને કોરી રહે છે અને રસાશક્તિને વધારનારી છે. સારાં વસ્ત્રો પહેરીને આ નાશવત દેહને શણગારીને શું કરવું છે ? હવે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો શણગાર પહેરીને પુરુષોત્તમ નારાયણને વરવું છે, હવે ભવસાગરના ફેરા ફરવા નથી.
મારે ભવમાં ફેરા નથી ફરવા રે, મેંતો તનડું લીધું છે તમને વરવારે;
મારે મંદિરે પધારો ને માવારે, અલબેલાજી આવાને આવા રે. મારે મંદિરે પધારોને માવારે....
-: સાંખ્ય યોગી બાઇઓને ખૂબ સમજવા જેવી આ કથા છે :-
જાડું મોટું મળે જેવું પટ, તેણો કરીને ઠાંકીએ ઘટ । ખારું ખાટું મળે જેવું અન્ન, જમી કરીએ હરિ ભજન ।।
દ્રવ્ય રાખવું નિર્વાહ કાજ, નહિ તો આપણી ન રહે લાજ ।
સાંખ્યયોગી બાઇઓને બહુ પાતળું વસ્ત્ર પહેરવું નહિ, સારી રીતે અંગઢાંકીને વર્તવું, બહુ સ્વાદિયાં થવું નહિ, જેવું મળે તેવું જમીને હરિ ભજન કરવું. ગુજરાન પૂરતા પૈસા રાખવા. બાકી લોભ રાખવો નહિ, પોતાના પડછાયાથી પણ બીતા રહેવું. સાંખ્યયોગી બાઇઓ ભેગાં મળીને અસર પરસ કહે છે.
આપણું છે અબળાનું તન, તેમાં રાખવી જોઇએ જતન । ઘણું વર્તવું ઠાવકું ઠીક, અતિ આણી અતરમાં બીક ।।
મને કોઇની બીક નથી, હું કોઇથી બીતી નથી. આવા ઉડાઉ જવાબ દેવા નહિ, સર્વપ્રકારે ભગવાનની બીક રાખવી. હમેશાં દૃષ્ટિ નિયમમાં રાખવી.
માટે રહેવું સદાય સચેત, હરિ વિના ન રાખવું હેત । આણી અતરમાંહીં વૈરાગ્ય, કરવા તન મન સુખ ત્યાગ ।।
આ ભારતભૂમિ સતી, સાધ્વી, શૂરા અને સંતોની ભૂમિ છે. આ ધરતી ઉપર અનેક સંતો અને સતીઓએ જીવન કુરબાન કરી ઝળહળતી કીર્તિ મેળવી છે. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી અનેક વિકટો અને સંજોગોમાં મુશ્કેલીમાં સમજણ મોળી પડી નથી. પરમેશ્વર એ જ મારા પતિ માનીને સમગ્ર જીવન સહજાનંદના ચરણમાં સમર્પિત કર્યું છે.
-: સ્ત્રી સમાજને ન્યાલ કરી દીધા :-
સ્વામિનારાયણ ભગવાન સાધ્વીધર્મના પ્રવર્તક છે, ભગવાને મર્યાદાની રીત પોતે શીખવાડી. સારંગપુરમાં શ્રીજીમહારાજે રંગ ઉત્સવ કર્યો, ભગવાન સંતોની સામે અને ભકતોની સામે રંગ ઉડાડે, સંતો ભગવાનની સામે રંગ ઉડાડે ખૂબ રંગે રમ્યા. બાઇઓ કહે પ્રભુ ! અમને આવો લાભ આપો. પ્રભુએ કહ્યું બહેનો ! તમને રંગે રમવું હોય તો બાઇઓ બાઇઓમાં રંગ રમો. તેમાં સાંખ્યયોગી બાઇઓએ રંગે રમવું નહિ, સધવા બાઇઓ રંગે રમે તો વાંધો નહિ. શ્રીજીમહારાજે ખૂબ મર્યાદા રખાવી છે.
સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પણ સાંખ્યયોગી બાઇઓ હતાં, લાડુબા, જીવુબા, રાજબા, ઝમકુબા વગેરે સાધ્વી સ્ત્રીનો ઉદ્ધાર સ્વામિનાારાયણ ભગવાને કર્યો છે. એજ સાંખ્યયોગી બાઇઓથી સત્સંગ ભર્યો ભર્યો લાગે છે, યુવાન બાઇઓ હોય છતાં વસ્ત્રનો મોહ નહિ, દાગીનાનો, વાળનો કોઇ મોહ નહિ. રાત્રે ભૂમિપર સાદડી પાથરી સૂઇ જાય. કંઠમાં કેવળ તુલસીની કંઠી પહેરે. આપણે કોઇ વસ્તુ દાનમાં દઇએ ત્યારે, તુલસીપત્રે અર્પણ કરીએ છીએ, તેમ આ દેહ ભગવાનને અર્પણ થઇ ચૂક્યો તે માટે તુલસીની કંઠી પહેરીએ છીએ. ઘણા સાધારણ માનવીને એમ થાય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયવાળા સ્ત્રીનો તિરસ્કાર કરે છે. ભગવાને સ્ત્રીનો તિરસ્કાર કર્યો જ નથી, સ્ત્રીનું રક્ષણ કર્યું છે, દૂધ પીતી દીકરીનો બચાવ કર્યો છે, સ્ત્રી સમાજને, સ્વામિનારાયણ ભગવાને ન્યાલ કરી દીધો છે.