મંત્ર (૭૫) ૐ શ્રી કંદર્પદર્પદલનાય નમઃ
શતાનંદ સ્વામી કહે છે, પ્રભુ ! તમે કામદેવના ગર્વને હરનારા છો. કામદેવે ભલભલાની સાધના પર પાણી ફેરવી દીધું છે. કામનું બાણ જ્યારે વાગે ત્યારે તો બ્રહ્મા, શિવ અને અનેક ઋષિઓ, મુનિઓ હલબલી જાય, બધાય ધ્રૂજી જાય, એવું જબરું બાણ છે.
ઇન્દ્ર અહલ્યામાં લોભાઇ ગયો. ચંદ્રમા ગુરુ પત્નીનું હરણ કરી ગયા.એકલશૃંગીએ જરાક વેશ્યાના હાથનો રસાસ્વાદ ચાખ્યો તો તપ ગુમાવી બેઠા. ભલભલાની કામદેવે લાજ લીધી છે. સૌભરિ ઋષિને માયાએ એક ક્ષણમાં પછાડ્યા, મનનું ઠેકાણું ન રહ્યું, માંર્ધાંતાની પચાસ કન્યા પરણીને તપ ગુમાવી બેઠા.
-: માયા બહુ જબરી છે :-
જુઓ અજામિલે વિશ્વાસ કર્યો તો ભટકાઇ ગયો વેશ્યામાં. નારજીએ વિશ્વાસ કર્યો તો માંકડાંનાં મોઠાં થયાં. માયા બહુ જબરી છે. માયા મોહનવરને મળવા દેતી નથી, હરિ શરણ અને હરિ સ્મરણ કરે તો માયા ત્રાસ આપતી નથી. ભગવાન જેનો હાથ ઝાલે તેને માયા ત્રાસ આપતી નથી, ભગવાનમાં અતિશય શ્રદ્ધા થાય, આત્મનિષ્ઠા પરિપક્વ થાય, દઢ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન થાય, ત્યારે ભગવાન એનો હાથ ઝાલે છે.
જેનો હાથ ભગવાન ઝાલે તેને કામદેવ કાંઇ કરી શકે નહિ. કામ કોણ છે ? દેવ છે, કામદેવના મંત્ર લગ્નમાં બોલાય છે. કામ કોઈ દૈત્ય નથી, એનો તિરસ્કાર ન કરાય, છેડાય નહિ. એ પ્રભુનો દીકરો છે. કામરૂપી શક્તિ મહાન છે, એ શક્તિથી આ સૃષ્ટિની વૃદ્ધિ થઇ શકે છે. જો કામ ભયંકર હોય, દૈત્ય હોય, તો સદ્ગૃહસ્થનું કોઇનું કલ્યાણ થાય નહિ. કામવિના સૃષ્ટિની વૃદ્ધિ થતી નથી, પણ એનો સદ્ઉપયોગ કરતા શીખવો જોઇએ. ને જો દુરઉપયોગ થાય તો એ નર્કમાં ફેંકી દે અને અપકીર્તિ પણ થાય.
કામદેવ, ભગવાનનો દીકરો છે. આપણે ભગવાનને ખોળે બેસી જઇએ તો કામદેવ થકી ભગવાન આપણું રક્ષણ કરે. કામદેવ અતિ રૂપાળો છે, તેથી તેમાં ભલભલા મોહિત થાય છે. પણ ભક્તજન એમ વિચારે કે, એનાથી કરોડ ઘણા રૂપાળા, ઐશ્વર્યવાન, ગુણવાન મારા ભગવાન છે, તો કામદેવ એને કાંઇ પરેશાન કરી શકે નહિ.
જેમ બંગલામાં રહેનાર માણસને ઝુપડાંમાં રહેવું ગમે નહિ. તેમ સંપૂર્ણપણે ભગવાનની મહિમા સહિત ભજન ભક્તિ કરનારને તુચ્છ કામ ભોગવ્યાની ઇચ્છા જાગે નહિ. કામને બાળવો બહુ સહેલો છે, પણ કામને જીતવો બહુ કઠણ છે. બળેલો કામ અગ્નિમાંથી ઉભો થઇને આવી જાય. પણ જીતેલો કામ ક્યારેય આંખ ઊંચી ન કરી શકે.
કાળના કાળ સદાશિવે કામને બાળીને ભસ્મ કરી નાખ્યો, પણ ખીજાઇને કામદેવ ફરીને સદાશિવને મોહ પમાડવા આવ્યો. જ્યારે ભગવાન મહિનીનું રૂપ લઇને સદાશિવ પાસે આવ્યા, ત્યારે સદાશિવ ભાન ભૂલી ગયા, એની પાછળ મંડ્યા દોડવા, કામ પાછો જાગી ગયો. હમણાં મોહિનીને પકડી લઉં, એમ દોડાવ્યો, છેવટે મોહિનીનો હાથ પકડી લીધો, ત્યાં તુરત મોહિની રૂપ બદલીને મોહન થઇ ગયા સદાશિવ ભોંઠા પડી ગાય. જ્યાં જુવે ત્યાં ભગવાનનાં દર્શન થયાં શરમમાઇ ગયા. શું જબાબ દેવો ? ભગવાને કહ્યું. કેમ છે સદાશિવ ? તમે કહેતા હતા કે મને માયા લોભાવી ન શકે ને આ શું કર્યું, કોની પાછળ દોડો છો ? સદાશિવ ચૂપ થઇ ગયા. કહેવાનો હેતુ મહાદેવ કામદાહક છે અને ભગવાન મદનમોહન છે, કામના મદને હરનારા છે.
પાછો એનો એ કામ નરનારાયણ ભગવાનની પરીક્ષા લેવા બદરિકાશ્રમમાં આવ્યો. ઇન્દ્રરાજાએ કહ્યું, તું જા અને નરનારાયણ ભગવાનના તપનો ભંગ કર, કામદેવ આવીને પોતાની માયાવી શક્તિ ખૂબ પ્રસરાવી, પણ ભગવાન આંખ ઊંચી કરી જોતા નથી, સ્થિર થઇ પ્રભુનું ધ્યાન કરે છે. પછી કામદેવ ખીજાઇને પુષ્પની અંજલિ લઇને નરનારાયણની છાતી પર ફેંકી, પ્રભુએ ધીમે ધીમે કરુણા ભર્યાં નેત્રોથી જોયું, ત્યાંતો કામ થરથરી ગયો. હવે શું થશે ? સદાશિવે મને બાળી નાખ્યો હતો ને હવે નરનારાયણ બાળી નાખશે તો ? ભગવાનને જોઇને કામ ટાઢો હિમ થઇ ગયો. ભગવાને કામને ઠારી દીધો.
ભગવાન બોલ્યા. ભાઇ તું મારા બદરિકાશ્રમમાં કેમ આવ્યો ? કામે કહ્યું, મને ઇંદ્રરાજાએ મોકલ્યો છે, કે અપ્સરામાં મોહ કેમ પામે છે તેની આજ્ઞાથી આવ્યો છું. ભગવાને પોતાના સાથળ ઉપર હાથ ફેરવ્યો ત્યાંતો રૂપ રૂપની અંબાર ઉર્વશી અપ્સરા પ્રગટ થઇ. પ્રભુએ કહ્યું. આ અપ્સરા જેવી કોઇ રૂપાળી અપ્સરા ઇન્દ્રલોકમાં નહિ હોય, આ ઉર્વશીને લઇ જા મારા વતીથી ઇન્દ્રને ભેટ કરજે. કામદેવ ચક્તિ થઇ ગયો. જેના સાથળમાંથી અપ્સરા પ્રગટ થાય,એને મારી અપ્સરાનાં ઝાંઝરનો ઝણકાર કેમ મોહ પમાડી શકે ? કામદેવે ભગવાન સામે હાથ જોડ્યા.
-: પ્રભુ મને માફ કરજો :-
હવે હું કોઇ દિવસ તમારી પરીક્ષા લેવા નહિ આવું, મને એમ હતું કે, મેં ભલભલા સાધુ, સંત મહાત્માને કબજામાં લીધા છે, તો નરનારાયણને શું કબજામાં ન લઇ શકું ? જીતવા માટે આવેલો પણ તમે અપરાજિત છો, તમે કોઇથી જીતાવોતેવા નથી. પ્રભુ ! આપ કંદર્પદલનાય છો. કામદેવના ગર્વને દળી નાખ્યો, કામદેવ ભોંઠો પડી ગયો, ઠરી ગયો, પ્રભુ શાત છે, ભગવાને કહ્યું, તું મારી પાસે ભલે આવ્યો ! પણ તને આજ્ઞા દઉં છું કે, મારા સ્વરૂપનું ધ્યાન કરે, પૂજા પાઠ કરે, ત્યાં તારે જવું નહિ, જે ભક્તજન ભગવાનનું સ્વરૂપ સદાયને માટે આંખમાં રાખશે, કીર્તન ભજન કરશે તેને કામદેવ પરેશાન નહિ કરે, તોફીની ચિત્ત શાત થાશે.
ચિત્ત ચડવામાં બહોત તોફાને રે, કથા પ્રભુની સાંભળજે કાને રે
બ્રહ્માનંદનું કહ્યું સત્ય માને.... બદરીપતિનાથનું લેને શરણું રે.
મટે મહાદુઃખ જન્મને મરણ.. બદરી પતિનાથનું લેને શરણું રે.
યોગીઓ શું કરે ?... કામ પર ક્રોધ કરો, કામાત્ક્રોધોભિજાયતે... ક્રોધથી બીજા અનેક દુર્ગુણો શરીરમાં પ્રવેશ કરશે, કામદેવ પર ક્રોધ કરશો અને છંછેડશો તો કામદેવ શરીર પર સામ્રાજ્ય કરશે. કૂતરાંને હડહડ કરશો તો સામે વધારે ભસશે,તમે કાંઇ ન કહો ને સીધે સીધા ચાલ્યા જાઓ તો કૂતરૂં કાંઇ ન કરે, કામદેવને અતિ આવકાર્યાની જરૂર નથી અને અતિ છંછેડવાની જરૂર નથી, સૌ સૌની મર્યાદામાં રહીને હરિભજન કરશો તો કામદેવ હેરાન નહિ કરે.