મંત્ર (૧૦૨) ૐ શ્રી પૂર્ણકામાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે પૂર્ણકામ છો, પૂર્ણ પુરુષોત્તમ છો, તંતમારામાં કોઇ અપૂર્ણપણું નથી, ભગવાન પૂર્ણ છે. ભગવાનના સર્વે મનોરથો પણ પૂર્ણ છે, સ્વયં પૂર્ણ મૂર્તિ છો.
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે । પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમેવાવશિષ્યતે ।।
ભગવાન આ પૃથ્વી ઉપર શા માટે પધારે છે ? પોતાના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા માટે પધારે છે. કોઇક ભક્તને ભગવાન મારા દીકરા થાય એવી ઇચ્છા છે, કોઇકને ભગવાનને જમાડવાની ઇચ્છા છે, કોઇકને ભગવાનના મા-બાપ બનવાની ઇચ્છા છે, કોઇકને સખા બનવું છે. આ બધાના સંકલ્પ પૂર્ણ કરવા ભગવાન આ લોકમાં પધારે છે.
પ્રભુ પૂર્ણકામ છે, અપૂર્ણ હોય તે વસ્તુથી રાજી થાય. પૂર્ણકામ હોય તે પ્રેમથી રાજી થાય, કોઇકને તમે પદાર્થ આપો એટલે તે ખુશ થઇ જાય, અને કહેવા લાગે, વાહ !!! સારું કર્યું હો, તારા દીકરા જીવે. તારું ભલું થાય, આશીર્વાદનો વરસાદ વરસાવી દે, કારણ કે એ અપૂર્ણ છે, જે પૂર્ણકામ છે એ પદાર્થોથી પ્રસન્ન થતા નથી. પ્રેમથી પ્રસન્ન થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણે યાદવોને પહેલાં ઠેકાણે કર્યાં કે મારી હાજરીમાં આવા પાપ કરે છે તો એ બધા મારી ગેરહાજરીમાં કાળો કેર કરશે, કોઇને શાંતિથી રહેવા નહિ દે, સંતો, બ્રાહ્મણોનો અપરાધ કરે છે, ને વધારે કરશે, તેથી પોતાની હાજરીમાં યાદવોને ધામમાં મૂકી દીધા.
ભગવાન રામચંદ્રજી ભગવાને અનેક અસુરોનો નાશ કર્યો, અને ધર્મની સ્થાપના કરી, ત્યાર પછી અતરધાન થયા. તેવી જ રીતે, સ્વામિનારાયણ ભગવાન પણ પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરી, અસુરોનો નાશ કરી, પોતાની જીવન લીલા સંકેલવા માટેની તૈયારી કરી. જેઠ સુદ નવમીને દિવસે સંતો અને હરિભકતોને બોલાવીને કહ્યું કે, ‘‘મારે તમને એક વાત કરવી છે, અમને ખાતરી છે કે, એ વાત તમને કોઇને ગમશે નહિ, છતાં પણ સ્વીકારવી પડશે. હે ભક્તજનો ! અનાદિ કાળથી અટવાતા જીવને માટે જે કરવાનું હતું તે અમે સંપૂર્ણ કર્યું છે, કાંઇ બાકી નથી રહ્યું, અવતાર ચરિત્ર અમારાં પૂર્ણ થયાં છે. મંદિરો બાંધીને મૂર્તિ પ્રતિષ્ઠા થઇ ગઇ છે. શાસ્ત્રો રચાઇ ગયાં છે, ગાદીની સ્થાપના થઇ ગઇ છે. પરમહંસો પણ તૈયાર કર્યા છે, હવે તમે એ સત્સંગના બગીચાને ભક્તિના પાણી પાતા રહેજો. જેથી બગીચો સદાય લીલો છમ અને નવ પલ્લવિત રહે,’’ પ્રભુ કહે છે.
હવે જઇશ હું ધામ મારે રે, મારે શીખ દેવી છે તમારે રે..
રાજી રહેવું રોવું નહિ વાંસે રે, કેડે કરવો નહિ કંકાસરે..
અમ કેડે મરશો નહિ તમે રે, અન્ન મૂકશો માં કહીએ અમેરે..
આત્મઘાત ન કરશો જન રે, એહ માનજો મારૂં વચન રે..
સમજીને ધીરજ રાખજો, અમારા વાંસે કોઇ આત્મઘાત કરશો નહિ, રડશો નહિ અને કંકાસ પણ કરશો નહિ, આ મોટા સંતો છે એમની આજ્ઞામાં રહેજો. કોઇ બાબતની ચિંતા ન કરજો. મને જ્યારે સંભારશો, ત્યારે હું દર્શન આપીશ. જેમ બાપ દીકરાને ભલામણ આપે તેમ શ્રીજીમહારાજે સત્સંગીઓને ભલામણ આપી છે, હું સદાય તમારી સાથે જ છું. પછી સ્વામી ગોપાળાનંદજી તથા મુકતાનંદજી આદિ સદ્ગુરુઓને કહે છે, હે વહાલા સંતો !
સતસંગના સ્થંભ છો તમે, એમ ધાર્યું છે અંતરે અમે..
માટે ધીરજ સૌ તમે ધરજો, સતસંગનું રક્ષણ કરજો...
શ્રીજીમહારાજ કહે છે, સ્વામી ! ‘‘અમારા સત્સંગના સ્થંભ તમે છો, ભક્તિની ગંગા ઉત્તરોત્તર વૃદ્ધિ પામે, સત્સંગમાં શ્રધ્ધા, ભાવના અને નિષ્ઠા સદાય વહતી રહે, સ્વામિનારાયણની ધજાની સુંદર કીર્તિ સારાય વિશ્વમાં ફરકતી થાય, એવી ખેવના અને ધગશ રાખજો, તમે ધીરજ રાખજો અને બીજાને ધીરજ દેજો, મારા વચન પ્રમાણે તમે સદાય રહ્યા છો, અને હજુ પણ રહેજો.
હું તમને મૂકીને ક્યાંય જતો નથી, સદાય હું સત્સંગમાં રહ્યો છું, પણ હમણાં દેખો છો તેમ નહિ દેખો, દિવ્ય સ્વરૂપે દેખી શકશો. આવું સાંભળી બધા આકુળ વ્યાકુળ થઇ ગયા. ધરતીપર ઢળી પડ્યા. પ્રાણ વિનાનાં પૂતળાની જેમ સ્થિર થઇ ગયા. શરીર ધ્રુજવા લાગ્યાં, હવે શું કરવું ? સભામાં સૂનકાર છવાઇ ગયો. ભગવાને સ્વામિનારાયણ ધૈર્ય શક્તિને બોલાવીને કહ્યું, તમે આ બધાના હૃદયમાં રહીને મનને મજબૂત અને ધીરજવાન બનાવો, જેથી મારા વિયોગનાં દુઃખને સહન કરી શકે.’’
છતાં પણ ભક્તજનો શ્રીજીમહારાજની સામે એક દૃષ્ટિ કરીને જોઇ રહ્યા, ‘‘હે પ્રભુ ! તમને જે ગમે તે ખરું. ’’ અમે કહી ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. આખી રાત કોઇને ઊંઘ નથી આવી, અતર તરફડ્યા કરે છે, અમારો પ્રાણ પ્યારો કાલે અમારાથી દૂર થઇ જશે. અતર ઝંખ્યા કરે છે. સવાર થયું. સૌ ભેગા થયા. આજે કોઇના મુખ ઉપર તેજ નથી. દાદાનો દરબાર સૂનો સૂનો થઇ ગયો છે. આંખમાંથી અવિરત આંસુ પડે છે. દશમનો દિવસ છે. બપોરના બરાબર બાર વાગ્યા ને ભગવાને પોતાની લીલા સંકેલી લીધી. અક્ષરધામમાંથી મુકતો આવ્યા, દિવ્ય વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઇ ગયા. પછી સંતો ભકતો મળીને પાર્થિવ દેહને લક્ષ્મીવાડીએ લઇ જઇને છેલ્લે સંસ્કાર અગ્નિનો કર્યો, શ્રીજીમહારાજ જે કાર્ય કરવા પધારેલા, તે કાર્ય પૂરું થયું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની આ જગતમાં પૂરે પૂરી સ્થાપના કરી છે. તેથી હે મહારાજ ! તમે પૂર્ણકામ છો. કોઇ વાતની અધુરાશ રાખી નથી. પૂર્ણકામ એવા પુરુષોત્તમ નારાયણ શ્રીસ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં વારંવાર નમસ્કાર કરીએ છીએ.