મંત્ર (૧૦૩) ૐ શ્રી સત્યવાદિને નમઃ
શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે પૂર્ણકામ છો, તેમ સત્યવાદી પણ છો. ભગવાન બોલે તેવી જ રીતે પાલન કરે, ભગવાન સત્ય પ્રતિજ્ઞાવાન છે. સત્યવાદી કોને કહેવાય ? જે બોલે તે સાચું જ બોલે, તેને સત્યવાદી કહેવાય. ભગવાન વચનામૃતમાં કહે છે, અમે ખોટું કહેતા હોઇએ તો અમને રામાનંદ સ્વામીના સમ છે. આમ શા માટે બોલે છે ? વિશ્વાસ આપવા માટે.
ભગવાન સ્વામિનારાયણ પરમહંસના સમ ખાય, સાચી વાતને સત્ય કરવા પરમહંસના સમ ખાધા છે. ભગવાન સત્યવાદી છે, અહિ તમને શંકા થશે, ભગવાન સત્યવાદીના પ્રેરક છે તો કૃષ્ણાવતારમાં કેમ ખોટું બોલ્યા ? ક્યારે ! ગોપીઓનું માખણ ખાધું ત્યારે, ગોપીઓ કહે, ‘‘કનૈયા માખણ કોણ ખાઇ જાય છે ? કનૈયો ચોખું કહી દે, મેં ખાધું નથી.’’ ખાધું હોય છતાં ના કહી દે તો આનું કેમ સમજવું ? ભગવાને ગોપીનું માખણ નથી ખાધું, ભાવ ખાધો છે, ભગવાન પદાર્થના ભૂખ્યા નથી, ભાવનાના ભૂખ્યા છે.
એક વખત અયોધ્યામાં બાલઘનશ્યામે ભાભીની અંગૂઠી ચોરી લીધી, ભાભી કહે, ‘‘ઘનશ્યામ ! અંગૂઠી લીધી હોય તો દો,’’ મેં અંગૂઠી લીધી નથી. લઇ ગયા છે, કંદોઇને આપી છે, કંદોઇ પાસે મીઠાઇ લઇને ખાધી છે. છતાંય કહે છે, ‘‘મેં અંગૂઠી નથી લીધી,’’ ખોટું બોલ્યા, પણ એવી કોઇ શંકા ન કરશો, અંગૂઠી લીધી છે તે વાત ચોક્કસ, પણ લોભી કંદોઇને ભાન કરાવવા, એની લોભવૃત્તિ મુકાવવા અને લીલાને વિસ્તારવા. બાકી ભગવાન સત્યવાદી છે. અસત્ય કરતા જ નથી.
સત્ય છે એજ મોક્ષનું સાધન છે, જ્યાં સત્ય છે ત્યાં સુખ સંપત્તિ સિધ્ધિ અને કીર્તિ છે. સદાય સત્યનું જ સેવન કરવું. સત્યથી પૃથ્વી સર્વેને ધરી રહી છે. સત્યથી સૂર્ય તપી રહ્યો છે. સત્યથી વાયુ વાય છે. સત્યથી સાગર મર્યાદામાં રહ્યો છે, જેને સુખી થવું હોય તેણે હંમેશાં સત્યનું જ સેવન કરવું. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા અને નળ રાજાના જીવનમાં અણધાર્યાં અને ઓચિંતા દુઃખના ડંગુરો ગબડી પડ્યા, વિઘ્નોનાં વાદળાં તૂટી પડ્યાં, પણ સત્ય છોડ્યું નહિ, તો શ્રીહરિના કૃપાપાત્ર બન્યા અને છેવટે પ્રભુના અક્ષરધામને પામ્યા. દુર્યાધેને અસત્ય રાખ્યું તો અનિષ્ઠ થયું. યુધિષ્ઠિર રાજાએ સત્ય રાખ્યું, તો સર્વે પ્રકારે વિજય થયો. તે બધો પ્રતાપ સત્યનો છે.
-: હું તમને નહિ જવા દઉં :-
શતાનંદસ્વામીએ આ જનમંગલમાં ગજબની શક્તિ ભરેલી છે. તમામ સત્સંગિજીવનનો સાર આ ૧૦૮ મંત્રમાં ભરી દીધો. આ જનમંગલની કથા વાંચે તેને સત્સંગિજીવન શાસ્ત્રનાં પાંચે પ્રકરણ વાંચ્યા સમાન પુણ્ય થાય છે. માળાના મણકા ૧૦૮ હોય, તેમ આ જનમંગલ પણ એક બ્રહ્મસ્વરૂપીણી માળા છે. અપાર મહિમાથી ભરેલાં ભગવાનનાં નામ છે. પ્રભુ સત્યવાદી છે, સત્ય સ્વરૂપ છે. આપણામાં કહેવત છે કે, અંતે ધર્મનો જય થાય છે તે વિશે એક સરસ કથા છે, પ્રેમ ભાવથી વાંચો ને સાંભળો.
એક સત્યદેવ રાજા હતા. જેવું નામ તેવા ગુણો હતા. પ્રભુ પ્રેમી અને ભગવદ્ ભક્ત હતા. પુત્રની જેમ પ્રજાનું પાલન કરે, અને ન્યાય પ્રમાણે સત્ય પ્રમાણિકતા પ્રમાણે સર્વનો ન્યાય આપે. કોઇને કલ્પાવે નહિ. એના જીવનમાં એક જ ધ્યેય હતો, ગમે તેવું નુકશાન થાય છતાં સત્ય છોડવું નહિ. નિત્ય સત્યનારાયણની પૂજા કરે, અને પ્રભાતમાં ઊઠીને જાપ કરે. ભગવાનના ભક્તની ટેવ વહેલા ઊઠવાની જ હોય.
એક વખત વહેલા ઊઠી માળા ફેરવે છે, ત્યાં એમના રાજમહેલમાંથી એક સુંદર સ્ત્રીને બહાર નીકળતાં જોયાં. રાજાને આશ્ચર્ય થયું, તેથી તરત પુછ્યું, ‘‘બહેન ! આપ કોણ છો ?’’ ‘‘હું લક્ષ્મી છું, તારા ઘરમાંથી જવા માગું છું,’’ રાજાએ કહ્યું, ‘‘ભલે આપ જઇ શકો છો,’’ થોડીવાર થઇ ત્યાં એક સુંદર પુરુષ ઘરમાંથી બહાર નીકળ્યો, રાજાએ પૂછ્યું ‘‘આપ કોણ છો ?’’ હું દાન છું, લક્ષ્મી આંહીથી ચાલ્યાં ગયાં એટલે તમે દાન ક્યાંથી કરી શકશો, લક્ષ્મી સાથે હું પણ જાઇશ, ‘‘રાજાએ કહ્યું,’’ ભલે ‘‘આપ જઇ શકો છો ? ’’ ત્યાં તો થોડીવાર પછી, ત્રીજો પુરૂષ બહાર નીકળ્યો, પૂછ્યું, ‘‘આપ કોણ છો ?’’ મારું નામ સદાચાર છે, લક્ષ્મી અને દાન ગયાં તો હું પણ જઇશ, રાજાએ કહ્યું ભલે, ‘‘આપ પણ જઇ શકો છો,’’ ત્યારબાદ એક ચોથો પુરુષ બહાર નીકળ્યો રાજાએ પૂછ્યું, ‘‘આપ કોણ છો ?’’ હું યશ છું, લક્ષ્મી ગયાં, દાન ગયું, સદાચાર ગયો તેની સાથે હું પણ જઇશ, રાજાએ કહ્યું ભલે, ‘આપ પણ જઇ શકો છો,’’ તેની પાછળ યવુ સાન તેજસ્વી સુંદર પુરુષ બહાર નીકળ્યો, રાજાએ પૂછ્યું, ‘‘આપ કોણ છો ?’’ મારું નામ સત્ય છે, તારા ઘરમાંથી લક્ષ્મી, દાન, સદાચાર, યશ ગયો, તો હું પણ એમની સાથે જઇશ, ‘‘રાજાએ કહ્યું’’ મેં તમને કોઇ દિવસ છોડ્યા નથી, મારા જીવનમાં તમામ કાર્ય સત્યમાં જ રહીને કર્યાં છે. એક પણ કાર્ય અસત્ય કર્યું નથી, કોઇ ખોટું કર્મ કર્યું નથી, ખોટું બોલ્યો નથી, કોઇની ખોટી સાક્ષી પુરી નથી, કોઇ ઉપર ખોટું કલંક ચડાવ્યું નથી, ખોટું બોલીને પૈસા ભેગા કર્યા નથી, સદાય સત્યનું જ સેવન કર્યું છે. પરમાત્માની એક પણ આજ્ઞાનો લોપ કર્યો નથી, તો તમે કઇ રીતે જઇ શકશો ! તમને હું નહિ જવા દઉં,’’ બધું જાય તો જવા દેજો પણ સત્ય જવા ન દેશો.
રાજાએ સત્યને કહ્યું, તમે જાવ તો મારું સર્વસ્વ જાય, સત્ય ન ગયું ! સત્ય રહી ગયું, લક્ષ્મી, દાન, સદાચાર અને યશ બહાર રહીને વાટ જોતાં હતાં, સત્ય રહી ગયું, તેથી લક્ષ્મી, દાન, સદાચાર અને યશ આ ચારેય પાછાં આવ્યાં, જ્યાં સત્ય હોય ત્યાં આ બધાને આવવું જ પડે. સત્યને જીવનમાં ટકાવી રાખજો. ધર્મની વ્યાખ્યા શું ? સત્ય, તપ, દયા અને પવિત્રતા આ ચાર ધર્મોનાં અંગો છે, આ ચાર તત્ત્વો જેનામાં હોય તેને પરિપૂર્ણ ધર્મી કહેવાય.
જ્યાં સત્ય છે ત્યાં જ પરમાત્મા છે, અસત્ય બોલે છે તેનાં પુન્યનો ક્ષય થાય છે, શતાનંદસ્વામી કહે છે, ‘‘હે પ્રભુ ! તમે સત્યવાદી છો.’’