પ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી (૭) ♫

Submitted by swaminarayanworld on Tue, 12/04/2016 - 8:57pm

રાગ - ગરબી

પદ-૧

પ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી,

શ્રીહરિ આજ અવતારી છપૈયામાં પ્રગટ થયા૦

બ્રહ્મા ભવ શેષ શારદ ગાવે રે, ગાવે જેને વેદ ચારી. છ૦ ૧

કોટી કલ્પ જેનું ધ્યાન ધરે છે રે, દ્રઢ મુનિ વરત ધારી. છ૦ ૨

કારણ પ્રેરક સર્વના કહાવે રે, ભક્તવત્સલ ભયહારી. છ૦ ૩

અવધપ્રસાદ કહે અવની ઉપર રે, તારવા અનંત નરનારી. છ૦ ૪

 

પદ-૨

ખેલ કરે બહુનામી, છપૈયામાં ખેલ કરે બહુનામી,

અક્ષરધામના ધામી. છપૈયામાં ખેલ કરે૦

બાલક સહુને પાસે બોલાવી રે, ખેલ રાખે નહિ ખામી. છ૦ ૧

સહુજનને સુખ આપે અલૌકિક રે, શ્રી સહજાનંદ સ્વામી. છ૦ ૨

ખેલ ખેલાવીને અગણિત જનને રે, કીધા પોતે નિષ્કામી. છ૦ ૩

અવધપ્રસાદ કહે એ છબી નીરખી રે, હૈયાની પૂરી મેં તો હામી. છ૦ ૪

 

પદ-૩

નારાયણ સરમાં નહાવે, છપૈયામાં નારાયણ સરમાં નહાવે,

ખાંતેથી ખેલ મચાવે, છપૈયામાં નારાયણ સરમાં૦

નહાવે વા’લોને બહુ તાળી બજાવે રે, જોવાને સુરમુનિ આવે. છ૦ ૧

જોઈ લીલા જગના જીવનની રે, આનંદ ઉર ન સમાવે. છ૦ ૨

જય જયકાર કરે દેવ જોઈને રે, ધાઈને પુષ્પે વધાવે. છ૦ ૩

અવધપ્રસાદના નાથની લીલા રે, જોઈને ભવદુઃખ જાવે. છ૦ ૪

 

પદ-૪

લીલા કરે રંગ લેરી, છપૈયામાં લીલા કરે રંગ લેરી,

કટી પર કાંચની પે’રી, છપૈયામાં લીલા કરે૦

અંગરખી અંગે ધારી અનોપમ રે, પાઘ ગુલાબી શિર ઘેરી. છ૦ ૧

પુરવાસી સહુને પુરુષોત્તમ રે, હસી આપે સુખ હેરી. છ૦ ૨

જાંબુ તણા જાય ફલ ખાવા રે, બાગમાં સખા સંગ ઘેરી. છ૦૩

અવધપ્રસાદના નાથની લીલા રે, દેખી ટળે ભવ ફેરી. છ૦ ૪

 

પદ-૫

શ્યામ સુંદર સુખદાઈ, છપૈયામાં શ્યામ સુંદર સુખદાઈ,

ખેલ કરે હરખાઈ. છપૈયામાં શ્યામ સુંદર૦

બહુનામી બાલક બહુ લઈને રે, રમે ભમે પુરમાંહી. છ૦ ૧

કોઈક દિન વિશ્વામિત્રીમાં જાઈ રે, ઘૂમ મચાવે ધાઈ. છ૦ ૨

કોઈક દિન ધર્મ તલાવ જાઈને રે, ના’વે તે કીર્તન ગાઈ. છ૦ ૩

અવધપ્રસાદ કે’ નારાયણ સરમાં રે, બહુ ના’વે બળભાઈ. છ૦ ૪

 

પદ-૬

ધન્ય છપૈયાના વાસી, નિગમ કહે ધન્ય છપૈયાના વાસી,

જેના ભેળા રમ્યા અવિનાશી નિગમ કહે ધન્ય૦

કોટી બ્રહ્માંડના કર્તા જે કહાવે રે, રમ્યા જે સંગે હુલાસી. નિ૦ ૧

સહુજનને સુખ આપે અલૌકિક રે, શ્યામસુંદર સુખરાશિ. નિ૦ ૨

સર્વ તીર્થનું ફળ સહુ પાવે રે, નથી ગયા ગયા કાશી. નિ૦ ૩

અવધપ્રસાદ કહે એ પુરવાસી રે, પ્રગટ પ્રભુના ઉપાસી. નિ૦ ૪

 

પદ-૭

છપૈયા ધામ મોટું જગકાવે, છપૈયાધામ મોટું જગકાવે,

તેની તોલે બીજું કોઈ નાવે, છપૈયા ધામ મોટું૦

સાત પુરી ચાર ધામ ધરા પર રે, તે પણ તે તોલ્ય નાવે. છ૦ ૧

કુળ અનંત ભવ તરે તે તેના રે, જાઈ ત્યાં શ્રાદ્ધ કરાવે. છ૦ ૨

કોટિક પાપ કર્યા જન જેને રે, નામ લેતાં પાપ જાવે. છ૦ ૩

અવધપ્રસાદ કહે જાતાં છપૈયામાં રે, જન અક્ષરધામ જાવે. છ૦ ૪

Facebook Comments