આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ધન્ય આજની ઘડી (૪)?

Submitted by swaminarayanworld on Tue, 12/04/2016 - 9:36pm

 

રાગ : ગોડી

પદ - ૧

આજની ઘડી રે ધન્ય આજની ઘડી,

મારો પ્રભુજી પધાર્યા ધન્ય આજની ઘડી. ટેક. ૧

જેની નિત્યે વાટ જોતાં જરૂખે ચડી,

તે તો અમપર આવ્યા કરતા અમૃતઝડી. આજ૦ ૨

પિયુજી પધાર્યા એવી ખબર જડી,

ઉમંગે શું ઉઠી હુંતો તજી આખડી. આજ૦ ૩

મારા મનમાં લોકડીયાંની ના’વે લાજડી,

હરિને જોઇ જોઈ જીવું એવી ટેવ પડી. આજ૦ ૪

મુક્તાનંદ કે’ મોહન સાથે લાગી પ્રીતડી,

તેને સુપના જેવો સંસાર ન શકે નડી. આજ૦ ૫

 

પદ - ૨

હરિને જોઇ રે સખી હરિને જોઇ,

મારો જનમ સફળ થયો હરિને જોઇ. ટેક. ૧

મોહનજીનું મુખડું જોતાં રહી છું મોઇ,

હુંતો ત્રિકમજીને તોલે બિજું ન દેખું કોઇ. હરિ૦ ૨

લોકડીયાંની લાજ મેંતો ખાંતે શું ખોઇ,

જાણ્યું કોઇ મુને કાનુડાની કે’છે વગોઇ. હરિ૦ ૩

દરદિડાંની વાતું જાણે દરદિડાંની સોઇ,

હરિને નિમખ ન દેખું ત્યાં તો મરૂં છું રોઇ. હરિ૦ ૪

મુક્તાનંદ કે’ મોહનજીમાં મનડું પ્રોઇ,

મેંતો જાણપણું જગતનું નાંખ્યું છે ધોઇ. હરિ૦ ૫

 

પદ - ૩

માવને મળી રે આજ માવને મળી,

હું તો અતિશે ઉમંગે આજ માવને મળી. ટેક. ૧

મોહનજીને મળતાં ગયા તાપ ટળી,

મારી આજ શુભ ઇચ્છા વેલ્ય સુફળ ફળી. માવ૦ ૨

પલંગે પધાર્યા પાય લાગી હું લળી,

મારો કંકણ સહિત કર સાયો છે વળી. માવ૦ ૩

રસિયા સંગે રસબસ થઇને રહી છું મળી,

એની અકળ કળાને તોય ન શકી કળી. માવ૦ ૪

મુક્તાનંદ કે’ મહા પ્રભુ બળીયા બળી,

એ છે અબળાને આધીન પીછે પ્રેમની ગળી. માવ૦ ૫

 

પદ - ૪

સુખડું દીધું રે મુને સુખડું દીધું,

મારો વાલોજી સુહાગી મુને સુખડું દીધું. ટેક૦ ૧

અધર અમૃત મેં તો પાઇને પીધું,

મારે ભક્તિ મુક્તિ સોત સર્વ કારજ સીધું. સુખ૦ ૨

બ્રહ્મા ભવ જેવાને જે દુર્લભ કીધું,

તે તો સુખ માવાનું મેં લુંટીને લીધું. સુખ૦ ૩

મારાં નયણાં ચકોર જોઇ વદન વિધુ,

અતિ ઉમંગે ભરાણી જેમ ઉમંગે સિંધુ. સુખ૦ ૪

મુકતાનંદ કે’ માવજીની ગતિ છે ન્યારી,

મારો વાલોજી વિહારી તોય બ્રહ્મચારી. સુખ૦ ૫

Facebook Comments