અધ્યાય ૮૬
પછી મહારાજ અક્ષર ઓરડીએ બિરાજ્યા અને ત્યાં થાળ જમ્યા. પછી કડિયાને તેડાવીને મંદિરનું કારખાનું ચલાવ્યું. અને સંતો તથા પાળાઓને છાતીમાં ચરણારવિન્દ આપીને મહારાજે પથ્થર કાઢવા ખાણે મોકલ્યા. અને મહારાજ જળપાન કરીને પોઢ્યા. તે સમયે ભણનારા સંતોને પણ ત્રીજે દિવસે ખાણેથી પથ્થરો લેવા મોકલતા. તે સંતો પથ્થર લઇને આવે તેમને હેતે કરીને મળતા. પછી મહારાજ જાગીને જળે કરીને મુખારવિન્દ ધોઇને જળપાન કરીને મોજડીઓ પહેરીને કડિયા પાસે ખુરશી ઉપર બિરાજ્યા. અને સંતો તથા બ્રહ્મચારીઓ અને હરિભક્તો સર્વે પગે લાગીને બેઠા. તે સર્વે મંદિરના કામમાં તત્પર થયા. અને રાત્રિ ચાર ઘડી ગઇ ત્યારે મહારાજે કહ્યું જે, હવે કામ રાખો. એમ કહીને ઉતારે પધાર્યા અને ત્યાં થાળ જમીને જળપાન કર્યું. મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા. અને સવારમાં વહેલા જાગીને નિત્યવિધિ કરીને વસ્ત્રો પહેરીને ચાલ્યા તે જ્યાં મૂર્તિઓ ઓપાતી હતી ત્યાં આવીને ચાકળા ઉપર બિરાજ્યા.
પછી થાળ જમવા પધાર્યા. થાળ જમીને જળપાન કરીને મુખવાસ લીધો અને ઢોલિયે સુખાળા થયા. શતાનંદ મુનિએ શિક્ષાપત્રીનું ભાષ્ય કરવા માંડ્યું. ત્યારે મહારાજ ત્યાં જઇને બિરાજ્યા. તે સાંભળીને બહુ રાજી થયા. પછી સત્સંગિજીવન નામનો ગ્રંથ તેનાં બે પુસ્તકો લખાવીને તથા શોધાવીને પોતાની પાસે રાખ્યાં. પછી લીંબવૃક્ષની નીચે શ્રીજીમહારાજ ઢોલિયે બિરાજ્યા. આગળ સંતો અને હરિભક્તો બેઠા હતા. તે સમયે શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા જે, જેને અલૌકિક સમજણ હોય તેનું દિવ્યશરીર છે. લૌકિક સમજણવાળાનું શરીર લૌકિક હોય છે. લૌકિક સમજણમાં દુઃખ રહ્યું છે. અલૌકિક સમજણમાં જેને શ્રધ્ધા તથા આદર ન હોય ત્યાં અમને રહેવાનું પણ ગમતું નથી, ત્યાં તો અમે ઉદાસ થઇએ છીએ. જે ભક્તોને ભગવાન અને સંતો તથા હરિભક્તો ઉપર જેવો ભાવ હોય છે તેમને અમારાં દર્શન તેવાં થાય છે, અંત સમયે સત્સંગના પ્રતાપે કરીને માયિક ભાવ નાશ થાય છે અને અલૌકિક ભાવ દેખાય છે અને તેથી બુધ્ધિ શુધ્ધ થાય છે. લૌકિક માણસના સંગથી લૌકિક ક્ષુદ્ર સમજણ આવે અને એવા ક્ષુદ્ર મનુષ્યોને સત્સંગ થાય તો પણ તેનાથી પોતાના અંગની વૃધ્ધિ થાય નહિં. ચિંતામણી સમાન સત્સંગ છે. તે જેવી સમજણ હોય તે પ્રમાણે ફળ આપે છે. સત્સંગરૂપી પુરમાં ભગવાનના અવતાર થાય છે.
ભગવાનનાં ચરિત્ર, તીર્થ, વ્રત વગેરે ઉત્તમ વસ્તુ સત્સંગમાં રહેલી છે. સત્સંગરૂપી નૌકામાં બેસવાથી ભવસાગર સહેલાઇથી તરી જવાય છે. મત્સ્ય જેવા કામી જીવો ભવસાગરમાં જ આનંદ માને છે, પણ કાળરૂપી ઢીંમર કોઇને દેખાતો નથી. તે કાળ જ્યારે વેગથી આવીને કંઠ દબાવે છે ત્યારે કોઇ પણ ઉપાય રહેતો નથી. સંબંધીજનો બે ચાર દિવસ હાયવોય કરીને પછી તેને ભૂલી જાય છે. સંસારનો બધો સંબંધ એવો છે. પરલોકમાં કોઇ સહાય કરી શકે તેમ નથી. ત્યાંતો એક સત્સંગ જ સહાયરૂપ થાય છે. તેમાં જેટલી કસર રહે છે તેટલું પાછળથી પસ્તાવું પડે છે. સત્સંગમાં જ્યાં સુધી રસ જણાતો નથી ત્યાં સુધી નામ માત્રનો સત્સંગી કહેવાય. સત્સંગમાં તો બાળક હશે તેને માથેથી પણ જન્મ મરણ અને યમપુરી ટળી જશે. કાળ અને માયા તેનું નામ લઇ શકશે નહીં.
ભગવાન તેને ધામમાં અલૌકિક ભોગ આપશે. નિર્વાસનિક જનો તેમાં સાર માનતા નથી. બાળક, અંધ, રોગી, અને ગાંડો એ બધાના માબાપો સહાય કરે છે, ભાઇ ભોજાઇ સહાય કરતા નથી, બધી રીતે અનાદર કરે છે. બાળક, અંધ, રોગી, ગાંડા અને સર્વે મનનું ધાર્યું કરે છે, અને સેવા કરે છે તેને ગાળો આપે છે. મનધારી જે ક્રિયા કરે એ બધાને એવા જ જાણવા, શુધ્ધ કામ કરવું હોય તે સંબંધમાં તે બાળક આદિકને કોઇ પૂછે નહીં, જ્યાં સુધી કામ કરવું હોય ત્યાં સુધી એને અધિકાર આપે નહીં. અને તેને અધિકારનો ખપ પણ ન હોય. તેવા જનો તો મનધાર્યું કરવામાં જ અધિકાર માને છે. સુજ્ઞજનો તેવાને અતિ તુચ્છ માને છે, અને તે લોકો બુધ્ધિવાળાને તુચ્છ માને છે. તેવી રીતે ભગવાન સંતો તથા હરિભક્તો મનુષ્ય દેહમાં હોવાથી તેમની અલૌકિક રીત જોવામાં આવતી નથી, તેથી તેમને મનમાં ભાવ થતો નથી, પણ તેથી કરીને ભગવાનની અલૌકિકતા મટી જતી નથી. વિધિનિષેધથી જે જનો બહાર વર્તે છે. તેને ભગવાન તથા સુજ્ઞ રાજાઓ શિક્ષા કરે છે. શિક્ષા કર્યા વિના મનુષ્યો પશુની માફક વર્તે છે. આ લોકમાં તથા પરલોકમાં દુઃખી ન થવાય એમ વર્તતો હોય તેને મનુષ્ય કહેવાય. આ રતો બસીઓ છે તે કાઠી છે. અને રાજબાઇનો કાંઇક સંબંધી થાય છે. તેનું ચિત્ત ભ્રમિત થઇ ગયું છે પણ તે અમારો ભાઇબંધ થઇને વર્તે છે. અમો જ્યારે તેને દેખીએ છીએ ત્યારે અમારૂં ચિત્ત પ્રસન્ન થાય છે. ઉમરમાં એ અઢાર કે વીસ વર્ષ જેટલો છે પણ દેખાવમાં જાણે કોઇ રાજા હોય ને શું ? તેવો ગૌરવર્ણનો છે.
અમો બજારે જઇએ છીએ ત્યારે તેના ખભા પર હાથ મૂકીને ચાલીએ છીએ. મોટાં સંતથી પણ એને વધારે લાભ દીધો છે. અમો જમતા હોઇએ ત્યારે જો તેને દેખીએ તો તુરત જ તેને બોલાવીને જમાડીએ છીએ. એને મનમાં કાંઇ ઇચ્છા નથી છતાં અમો પૂછીએ છીએ, અને તેને વારંવાર કહીએ છીએ જે કંઇ ઇચ્છા હોય તો માગજો અને અમો તો તમારા ભાઇબંધ છીએ. ત્યારે તે એમ બોલે જે, હે મહારાજ ! તમે તો ભગવાન છો. તમારાથી કાંઇ અધિક નથી. હું તમારાથી કંઇ અધિક જોઇશ ત્યારે માગી લઇશ. તમારા શરણે આવ્યો છું ત્યારથી બધી તૃષ્ણા નાશ પામી ગઇ છે અને દુઃખ માત્ર ટળી ગયાં છે, બધી સંપત્તિ તથા સુખ મલ્યાં છે, હવે માંગુ તો ભિખારી કહેવાઉં. અમોએ તેની વાત સાંભળીને કહ્યું જે, તમો મારા ખરા ભાઇબંધ છો. આવા ભાઇબંધ અમોને કોઇ પણ મલ્યા નથી. રોજ માગવાનું અમો કહીએ છીએ તો પણ તમો કંઇ માગતા નથી અને સદા શાંત રહો છો તેથી તમારા પર અમોને બહુજ પ્રેમ થાય છે. અમો તેમને એમ કહીને રાજી રાખીએ છીએ. તે માગતા નથી છતાં પણ અમો તેમને ક્યારેક કપડાં આપીએ છીએ. આવા નિષ્કામ ભક્ત ઉપર અમને પ્રેમ થાય છે.
અવધપુરીમાં ભુવનાદીન અને દીનાસિંગ એ નામે અમારા ભાઇબંધ હતા. એક વિપ્ર હતા અને એક ક્ષત્રિય હતા. આખા પુરમાં એના જેવા કોઇ શૂરવીર ન હતા. તે દેશના શૂરવીરો પણ એમનાથી ડરતા. એમને અમારા પર ઘણીજ પ્રીતિ હતી. તેઓ અમને જે દિવસે ન દેખે તે દિવસે અકળાઇ જતા. બરફી, પેંડા વગેરે અમોને આપ્યા સિવાય ક્યારે પણ ખાતા નહીં. બન્નેની ઉંમર પચીશ વર્ષની હતી. સ્ત્રીઓ માત્રને તેઓ માતા સમાન માનતા. સ્ત્રીઓનો સહવાસ કોઇપણ પ્રકારે રાખતા નહીં. આ પૃથ્વીમાં સ્ત્રીઓ છે જ નહીં એમ માનતા. બન્નેની રુચિ એક સરખી હતી. કોઇ રાજાના નોકર પણ તે થયા ન હતા. તેમજ તેમણે ગામ ગરાસ પર પણ ભાવ ન હતો. બજારમાં દુકાનોની ચોકી કરતા. ચોકી ન રાખે તો દુકાનો લૂંટાતી અને હજારો રૂપિયાની કિંમતનો માલ જતો. એ બન્ને જણા જ્યારથી ચોકી કરવા લાગ્યા ત્યારથી ચોર આવી શકતા નહી. તે બન્ને મલ્લ વિદ્યામાં નિપુણ હતા. તેમને મરવાનો ભય નહોતો. લોકો દેખીને ભય પામી જાય એવો તે ભયાનક વેષ રાખતા. તેમની પાસે કોઇ પણ માણસ સ્ત્રીઓની વાત કરે તો તેને તરત ઉઠાડી મૂકતા. સ્ત્રીઓનો વેષ રાખે તેવા નર્તકોને પણ જોતા ન હતા. સાંજે અને સવારે સરયુમાં નાહવા જતા, તેમને દેખીને સ્ત્રીઓ છેટે જ રહેતી. બન્ને એક પથારીમાં સુતા નહીં. તેમને જેટલું ધન જ્યારે જોઇએ ત્યારે ત્યાંના શાહુકારો આપતા. તેઓ પ્રયોજન વિના પૈસો રાખતા નહિ. અને એક બીજાથી કાંઇ છૂપી વાત પણ રાખતા નહિં. કપટ રાખે તો નારદ અને પર્વતની પેઠે ચિત્ત જુદાં પડી જાય. સ્ત્રી, ધન, ખાન, પાન, આદિક કપટ કરાવનારાં છે. શ્રી કૃષ્ણ ભગવાન અને બળદેવજી બન્ને શુધ્ધ હતા છતાં બળદેવજીને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે કપટપણાનો સંકેત થયો છે જે સ્યમંતક મણિ શતધન્વા પાસેથી મલ્યો તો હશે પણ પોતાનાં પત્નિ સત્યભામાને આપવા સારું મારી પાસે જુઠું બોલે છે. આવી ભાવના થઇ. પ્રિય પ્રદાર્થનો એવો જ ગુણ છે.
નિષ્કપટતારૂપી અમૃતમાં કપટરૂપી ઝેર મળે તો બધું ઝેર થઇ જાય છે. સૌથી પ્રથમ પોતાના વર્તનને નિષ્કપટ કરવું. આ પ્રમાણે શ્રીહરિએ પોતાના નવા તથા જૂના મિત્રોની વાત સભામાં કરી. આ પ્રમાણે શ્રીજી મહારાજ જેવો પ્રસંગ હોય તે પ્રમાણે વાત કરે અને જે જે વાત કરે તેમાં આત્યંતિક મોક્ષરૂપી ફળ દેખાડતા. આ પ્રમાણે વાત કરીને શ્રીજીમહારાજ મંદિરનું કામ થતું હતું ત્યાં ગયા. પછી અક્ષર ઓરડીની ઓસરીએ ઢોલિયા પર બિરાજ્યા અને સદ્ગુરૂને ત્યાં બોલાવ્યા. પોતાના દત્તપુત્રો જે અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી તેમને પણ બોલાવીને સત્સંગી જીવનનું એક પુસ્તક આપ્યું. વસ્ત્ર જે બ્રહ્મચારી પાસે હતાં તે સર્વે બન્ને ભાઇઓને વહેંચી આપ્યાં. પછી થાળ જમવા બિરાજ્યા તે જમીને મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા.
વહેલા જાગીને નિત્યવિધિ કરીને કથા વાંચવા માંડી. તે સમયે જુનાગઢથી સંતનું મંડળ આવ્યું, તેને મહારાજ ઊભા થઇને મળ્યા. તે સંતોએ મહારાજને સર્વ સત્સંગીઓના નારાયણ કહ્યા. ત્યારે મહારાજે પૂછ્યું જે, મંદિરની કોળી કરીને આવ્યા ? ત્યારે આનંદ સ્વામીએ કહ્યું, હા મહારાજ ! પછી કથા રખાવીને થાળ જમવા બિરાજ્યા. તે જમીને મુખવાસ લઇને થાળ આનંદ સ્વામીને આપ્યો. સંત મંડળ માટે રસોઇ કરાવીને પંક્તિ કરાવીને પોતે ડંકા ભરી ભરીને શીરો પીરસવા માંડ્યા. અને મહારાજની પાછળ બ્રહ્મચારી તાણ કરીને પીરસતા જાય.
પછી મહારાજ હાથ ધોઇને ઢોલિયે બિરાજ્યા. અને સંત હરિભક્તો પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ બોલ્યા જે, પરમ દિવસે મૂર્તિઓ પધરાવવી છે, તે સામાન તૈયાર કરાવો. અને ગોપાળાનંદ સ્વામી ! તમે વેદિકા કરાવો. અને ભણેલા બ્રાહ્મણોને વરુણીમાં વરાવો. એમ કહીને ઉતારે પધાર્યા. અને બાઇઓએ સીધાંનો સામાન તૈયાર કરવા માંડ્યો. પછી મહારાજ થાળ જમવા બિરાજ્યા. થાળ જમીને જળપાન કરી મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા.
પછી સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને પછી વસ્ત્ર પહેરીને ચાલ્યા તે જ્યાં મૂર્તિઓ આગળ હોમ થતો હતો ત્યાં પધાર્યા, અને ખુરશી ઉપર બિરાજ્યા. તે સમયે અગણિત વાજાં વાગવા લાગ્યાં. અને ચાર વેદો બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા. અને મહારાજને પગે લાગ્યા અને વરુણીમાં વર્યા. અને વેદના અંગ જે ગાયત્રી છંદ અને ઉપનિષદ્ તે વિદ્યાર્થીઓ થઇને આવેલા હતા તે પણ મહારાજને પગે લાગીને વેદની શ્રુતિઓનું ઉચ્ચારણ કરવા લાગ્યા, અને સંતો, હરિભક્તો, અને બ્રહ્મચારીઓ મહારાજને પગે લાગીને બેઠા તે સમયે અગ્નિદેવ મૂર્તિમાન આવ્યા અને મહારાજને પગે લાગીને અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો. અને અક્ષરધામ તથા શ્વેતદ્વીપ તથા બદ્રિકાશ્રમના જે મુક્તો આવ્યા હતા તે પણ મહારાજનાં દર્શન કરવા આવ્યા. પછી મહારાજ થાળ જમવા પધાર્યા. થાળ જમીને જળપાન કર્યું, પછી મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા.
પછી જાગીને મુખારવિંદ ધોયું અને જળપાન કર્યું પછી મૂર્તિ પાસે આવીને ઢોલિયે બિરાજ્યા. ત્યારે સંતો, બ્રહ્મચારીઓ અને પાર્ષદો, સર્વે મહારાજને પગે લાગીને બેઠા. પછી મશાલો થઇ, આરતી ધૂન્ય કરીને તથા સ્તુતિ બોલીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું, આવતીકાલે મૂર્તિઓ પધરાવવી છે. તે એક બ્રાહ્મણનો ચોકો કરાવો તેમાં જેને જ્યાં ખપે ત્યાં તેને જમાડજો. કોઇ અન્નનો ક્ષુધાર્થી ભૂખ્યો ન જાય. એમ કહીને અક્ષર ઓરડીએ પધાર્યા. ત્યાં જળના કોગળા કરીને સ્નાન કર્યું. પછી જમી જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા. જાગીને નિત્યવિધિ કરીને પોષાક અને મોજડીઓ પહેરીને ચાલ્યા તે મૂર્તિઓ પાસે આવીને ખુરશીએ બિરાજ્યા. અને બોલ્યા જે, બ્રાહ્મણોનો ચોકો વાડીએ કરો અને સાધુનો ચોકો વંડામાં કરો. પછી દાદાખાચર હાથમાં નાળિયેર લઇને ઊભા થયા અને કુંડમાંથી અગ્નિએ બહાર આવીને દાદાખાચરને ઘેરી લીધા. ત્યારે મહારાજે કહ્યું, અગ્નિએ હાથ કાઢ્યો તે નાળિયેર નાખો.
પછી નાખ્યું ત્યારે જ્વાળા શમી ગઇ પછી મૂર્તિઓ મંદિરમાં લાવ્યા અને દાદાખાચરે ત્રણ હજાર રૂપિયા આપીને ધ્વજ અને કળશ ચડાવ્યા. પછી મહારાજ પાસે જઇને ઊભા રહ્યા. ત્યાર પછી ગોપીનાથજી તથા રાધિકાજી, ધર્મદેવ, ભક્તિ, વાસુદેવ તથા સૂર્યનારાયણ આદિ દેવોને મંદિરમાં પધરાવીને શ્રીહરિએ આરતી ઉતારી. તે સમયે દેવતાઓ જયજયકારના શબ્દો સહિત ધામધૂમપૂર્વક ઉત્સવ કરવા લાગ્યા. આવી રીતે મંદિરમાં મૂર્તિઓની સંવત્ ૧૮૮૫ના આસો સુદ ૧૨ બારસને દિવસે સ્થાપના કરી. વસ્ત્રો ઘરેણાં અને ફૂલના હાર પહેરાવ્યા. જે બ્રાહ્મણને રૂપે ચાર વેદો આવેલા હતા તેમણે વેદ મંત્ર ભણીને પુષ્પાંજલિ આપી. પછી દેશદેશના જે હરિભક્તો હતા તેમણે ભેટો મેલવા માંડી. તે ઘરેણાં, રૂપિયા, પૃથ્વીના લેખ આપવા માંડ્યા. પછી રઘુવીરજી શેલાં અને પાઘડીઓ લાવ્યા. જે બ્રાહ્મણો વરુણીમાં વર્યા હતા તેમને આપ્યાં અને પોશ ભરીને રૂપિયા આપ્યા. અને બીજા બ્રાહ્મણોને ચાર ચાર રૂપિયા આપ્યા. તે સમયે મહારાજ પાસે કેટલાક ગુજરાતના હરિભક્તોએ આવીને પગે લાગીને ભેટો મેલી. તે વખતે મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. તે સર્વ સભા દર્શન કરીને રાજી થઇ અને સાકર લાવીને મહારાજની પ્રસાદીની કરાવીને હરિભક્તોએ વહેંચવા માંડી. પછી થાળ થયો તે જમવા પધાર્યા. જમતા જાય અને ગંગામા સાથે વાતો કરતા જાય. પછી તે સંતોને થાળ મોકલાવ્યો. પછી જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી એ નામે છ્યાસીમો અધ્યાય.૮૬