અધ્યાય ૯૯
એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનોને ઐશ્વર્ય જણાવ્યાં છે તે સંક્ષેપમાં કથા કહી. હવે સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજે ધીરજનાં વચનો કહ્યાં હતાં તે કથા કહું છું.
એક સમયે શ્રીજી મહારાજે વાર્તા કહી જે ‘મનુષ્ય પ્રાણી માત્રને વારંવાર જન્મ મરણનું જે દુઃખ છે તે બહુ ભારે છે. તેમાંથી છૂટીને અવિનાશી સુખ પામવાની જેને ઇચ્છા હોય અને પૂર્ણપુરુષોત્તમ સર્વોપરી ભગવાનનું જે અક્ષરધામ તેમાં અવિનાશી સુખ છે તેને પ્રાપ્ત કરવાની જેને ઇચ્છા હોય તેમણે આવો વિચાર કરવો જે બીજે કોઇ ઠેકાણે અવિનાશી સુખ નથી. અવિનાશી સુખ તો અક્ષરધામમાં જ છે. તે ધામમાં ભગવાન પુરુષોત્તમ સાક્ષાત્ સર્વોપરી મૂર્તિનું સુખ રહ્યું છે. અને તે પૂર્ણપુરુષોત્તમ ભગવાનને રહેવાનું ઉત્તમ સ્થાન છે. પૂર્ણપુરુષોત્તમ ભગવાન સદાએ સાકાર દ્વિભુજ પણે બીરાજે છે. તે અતિશય શ્વેત અને અત્યંત મનોહર છે. જેનું કોઇ પણ રીતે વર્ણન થઇ શકે તેમ નથી. તે મૂર્તિનું સુખ નિરંતર અક્ષરમુક્તો લે છે. તે જ મૂર્તિ આ પ્રત્યક્ષ પ્રમાણ મને મળી છે તે માટે હું ધન્ય છું, એવો વિચાર કરવો. વળી શ્રીજી મહારાજે કહ્યું જે, જેને આ લોકમાં સુખીયા થાવું હોય તેને મહાપ્રભુ સર્વોપરી પુરુષોત્તમ તેનાં વચનો જે નાનાં મોટાં જેને જેને પાળવાનાં કહ્યાં તે તે સર્વે શિર સાટે મુમુશ્રુએ પાળવાં એજ સુખનું દ્વાર છે. ઇત્યાદિક ઘણીક વાતો શ્રીજી મહારાજે કહી. ત્યાર પછી કોઇક સમયે મહારાજે સંતો, પાર્ષદો, સર્વ હરિભક્તો અને બાઇઓ સર્વને બોલાવીને કહ્યું જે, ‘હવે આ અમારા દેહનો નિરધાર નથી, માટે તમારે કોઇને અમારી વાંસે મૂંઝાવું નહીં તથા આત્મઘાત કરવો નહીં. ત્યારે સર્વેએ કહ્યું જે, ઠીક મહારાજ. ત્યારે મહારાજે કહ્યું જે, એમ નહીં, જેને અમે કહ્યું તેમ કરવું હોય તે આવીને પગે હાથ મેલો, ત્યારે સર્વેએ ઊઠીને હાથ મેલ્યા. તે સમયે શ્રીજી મહારાજની પાસે અયોધ્યાવાસી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, માનજીભાઇ અને હરજી પાળો એટલા જણા હતા.
તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા જે ‘આજ સુધી તો અમે અન્ન અમૃત કરીને જમ્યા, હવે જમવું નથી. દેહ પણ નથી રાખવો.’ ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! તમે સુખેથી પોઢો, અમારું જેમ થવાનું હશે તે થશે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, તમે એમ કહ્યું તેથી હું તમારી ઉપર રાજી છું, માટે તમે મનમાં ધારશો તે થશે, સર્વે સંતોમાં મોટેરા તમે છો. ત્યાર પછી સંવત્ ૧૮૮૬ના જેઠ સુદ ૯મીને દિવસે સવારના પહોરમાં શ્રીજી મહારાજ ઊઠ્યા અને કહ્યું જે, ‘દાતણ લાવો કરીએ.’ ત્યારે સર્વે સંતો હરિભક્તોને ઉમંગ થયો જે, અહો હો !! મહારાજે ચાર પાંચ દિવસે દાતણ માંગ્યું માટે સારું થયું. પછી મહારાજે કહ્યું જે, કાંઇક જમવાનું લાવો, ભૂખ લાગી છે. ત્યારે કહ્યું જે, મહારાજ ! શું લાવીએ ? ત્યારે મહારાજે કહ્યું જે, શીરો લાવો. ત્યારે તે સાંભળીને હરિભક્તો સર્વેને સુખ ઉત્પન્ન થયું. પછી સાકરનો શીરો કરી લાવ્યા તેને મહારાજ જમ્યા.
ત્યારે સર્વેએ એમ જાણ્યું જે, હવે સારું થશે. પછી થોડીક વાર રહીને શ્રીજી મહારાજે કહ્યું જે, ભજનાનંદ સ્વામીને કહો જે કંઇ ઔષધ કરવું હોય તે કરે, ત્યારે ભજનાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને હિરણ્યગર્ભની ગોળી પાઇ. ત્યારે તે વખતે સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાં અક્ષરમુક્ત પાસેથી કોલ લઇને આવીને બેઠા હતા તે બોલ્યા જે, મહારાજ ! આ ઔષધ આદિ તૈયાર કરાવીને શું પાખંડ લઇને બેઠા છો ? અમને શું ફોસલાવો છો ? પણ હમણાં આ બધા પથ્થરો લઇને માથાં ફોડશે અને લોહીની નીકો વહેશે, તેમાં શિક્ષાપત્રી પણ લોપાશે, ત્યારે જાણશો. ત્યારે મહારાજ બોલ્યા જે, ઊઠ પાજી, તારે તો જેમ કરવું હોય તેમ કર. હું પરમેશ્વર તો ખરો જે કોઇની નાકોડી પણ ફૂટવા નહીં દઉં. આ સમયે જો કોઇના દેહનું આયુષ્ય આવી રહ્યું હશે તો પણ મરવા નહીં દઉં.
કોઇકે કોઇક ભક્તનું મસ્તક કાપ્યું હશે તો પણ મારા ભક્તનું માથું ચોડીને જીવતો કરીશ પણ મરવા તો નહીં દઉં. અને તને તો મારા સમ છે, જે તેં ધાર્યું હોય તે કર, ઊઠ, ઊભો થા. પછી સચ્ચિદાનંદ સ્વામી અક્ષરમુક્તો પાસેથી કોલ લઇ આવ્યા હતા જે, જો મહારાજ અક્ષરધામમાં અહીં આવે, ત્યારે હું આવું ત્યારે તમે મને રાખશો ? ત્યારે મુક્તે કહ્યું જે ‘રાખશું’ તેવો કોલ આપ્યો હતો. તેનું બળ લઇને સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે ‘હું સાધુ તો ખરો જે, તમારી પાસે જ દેહ મેલીને આવું.’ ત્યારે મહારાજે કહ્યું જે, આવજે તો ખરો. પછી સચ્ચિદાનંદ સ્વામીએ પોતાના ઉતારામાં જઇને પોતાને દેહને યોગક્રિયાથી નિચોવી નાખ્યો, જેમ સારો મર્દ લુગડાંને નિચોવે તેમ. પોતાના દેહને વિષે નાડીઓમાં પ્રવેશ કરીને પોતાની નાડીઓ તોડી નાખી. અને રૂધિર નીકળ્યું, તે કાન તથા નાસિકા આદિકનાં છિદ્રોમાંથી તથા રૂવાડામાંથી રુધિર વહ્યું. જેમ હુતાશનીની પિચકારીઓ વહે તેમ વહ્યું. તથા માંસ પણ તોડીને અસ્થિથી જુદું કર્યું તે મૂળ દ્વારે માંસના લોચા દેખાયા. એવી રીતે શરીરને ચૂંથી નાખ્યું, અને નેત્ર દ્વારે ધામમાં ગયા. અને કેળનું લુંબ જેમ લટકે તેમ નેત્રના ડોળા લટકી પડ્યા. ભગવાનના ધામમાં છાનામાના ગયા. પછી મહારાજ પોતાના ધામમાં મુક્તો પ્રત્યે બોલ્યા જે, અહીં એક ચોર આવ્યો છે, ત્યારે તે વાત સાંભળીને મુક્તોને આશ્ચર્ય થયું. ત્યારે મુક્તો બોલ્યા જે, હે મહારાજ ! અહીંયાં ચોર શાનો ? ત્યારે તે સમયે સચ્ચિદાનંદ સ્વામીનો દેહ દશ હજાર યોજન ઊંચો ઉછળે અને પાછો પડે. અને કોટી કોટી વીંછીની વેદના થાવા લાગી. એટલે સ્વામી કહે જે, મેં જાણ્યું હતું જે મહારાજની મરજી વિના આવ્યો છું, તેથી દુઃખ થાશે. અહીં નહીં રહેવાય. તે તેમજ થયું. પછી પોતે બે હાથ જોડીને મહારાજની સન્મુખ ઊભા રહિને કહ્યું જે, મહારાજ ! હું તમારો ચોર છું. એમ કહીને સન્મુખ ઊભા રહ્યા. અક્ષરમુક્તોએ ઘણો કોલ આપ્યો હતો, પણ અક્ષરમુક્તો કોઇએ રક્ષા કરી નહીં. પછી મહારાજે કૃપા કરીને કહ્યું જે, આવો ત્યારે મહારાજની મરજી જોઇને પાસે ગયા. ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમે તરસ્યા છો ?’ ત્યારે સ્વામીએ કહ્યું ‘હા મહારાજ!’ એ વખતે એક મુક્ત જળ લાવી મહારાજને આપ્યું. મહારાજે તે જળને પ્રસાદીનું કરીને સચ્ચિદાનંદ સ્વામીને પાયું, ત્યારે શાંતિ થઇ.
પછી સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ’ ! હજી અધૂરું કામ છે. ત્યારે મહારાજે કહ્યું જે, ‘શું અધૂરું છે ? કાંઇ-અધૂરું નથી. જુવોને, અમદાવાદ, ભુજ, વડતાલ એ આદિક ગામોમાં મોટાં મોટાં ધામો બાંધીને તે માંહી નરનારાયણ તથા લક્ષ્મીનારાયણ એ આદિક દેવોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે અને તેમાં અખંડ હું વિરાજમાન છું. તથા અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી ધર્મવંશી બ્રાહ્મણોને મારા દત્તપુત્ર કરીને મેં મારે ઠેકાણે આચાર્યપદે રાખ્યા છે. શિક્ષાપત્રીમાં ધર્મ-ભક્તિ, જ્ઞાન-વૈરાગ્ય તેમનો પ્રતિબંધ બાંધ્યો છે. અને મોટા સાધુઓ છે. તે અનાદિ મુક્તો જેવા છે અને અજીત છે, સભાઓને જીતે એવા છે. તે જો બ્રહ્મા, શિવ આદિક જેવા કોઇ હશે અને એની સંગાથે પ્રશ્ન-ઉત્તર સંબંધી વિવાદ કરશે તો પણ દેવતાઓ પગે લાગીને ચાલ્યા જશે. તથા સાધુઓ-ગોપાળાનંદ સ્વામી આદિક સંતો તથા ધ્રુવ, પ્રહ્લાદ આદિક જેવા ગૃહસ્થો પણ કર્યા છે. તથા સત્સંગીઓ સમસ્તની ભલામણ પણ ગોપાળાનંદ સ્વામીને કરી છે. તથા ભૂત, પ્રેત આદિ દુઃખરૂપ જીવને તમો હણવા સમર્થ છો. અને તમો સ્વપ્રતાપે કરીને સ્વતંત્રપણાને પામ્યા છો. તમારી મેળે ધામમાં આવો છો. તે કોને પ્રતાપે આવો છો ? ત્યારે સ્વામીએ કહ્યું, હે મહારાજ ! તમારા પ્રતાપે હું આવું છું. ત્યારે મહારાજે કહ્યું જે, લ્યો હવે શું અધૂરું છે ? છતાં પણ અમો તો સ્વતંત્ર છીએ. માટે તમો પાછા દેહમાં જાઓ. શા માટે જે, અમોએ શિક્ષાપત્રીમાં પ્રથા બાંધી છે તેને તોડીને તમારી મેળે અહીં આવ્યા છો તે બહુ અન્યાય કર્યો છે. તે માટે તમો અહીંથી જાઓ, જો મારા વચને કરીને નહીં જાઓ તો દુઃખી થાશો. તમારા મનમાં જો નહિ જવાનું હોય તો પણ જાવું પડશે. અને જો નહીં જાઓ તો હજાર વર્ષની આવરદાવાળા દેહમાં ખોશી મેલીશ. મારું અને તમારું ભેળું નહીં થાય ત્યારે તમે કેમ કરશો ? માટે અત્યારે જ મારે વચને જાઓ, તમારી આવરદા તો મારા હાથમાં છે માટે જાશો તો સુખી થાશો. તમારા પ્રેમની આગળ બીજાના પ્રેમની હદ છે. તે આ લોકમાં અને પરલોકમાં સહુ જાણે છે જે, સચ્ચિદાનંદ સ્વામી જેવો શ્રીહરિને વિષે કોઇનો પ્રેમ નથી. રાધિકાજીનો પ્રેમ શાસ્ત્રમાં વખણાય છે.
રાધિકાજીનો પ્રેમ અનહદ છે એમ સહુ જાણે છે, કેમ જે ભગવાનનાં દર્શનમાં વિક્ષેપ થાય ત્યારે તત્કાળ તાવ આવે અને તેણે કરીને કપાળનો ચાંદલો કાળાં ઠીકરાં જેવો થઇ જાય અને ચંદન બચ્યું હોય તે પણ કાળું થઇ જાય એવો પ્રેમ હતો. અને તમારો પ્રેમ તો બેહદ છે. તમને જો અમારાં દર્શન ન થાય તો મૂર્છા આવી જાય. નાસિકા આદિક શરીરનાં છીદ્રો તથા રુવાડાંના છીદ્રોમાંથી રૂધિરની ધારાઓ વહે છે, એવો એક તમારો પ્રેમ છે. માટે તમો મોટા છો. તમારા જવાથી સત્સંગમાં સહુ સંતો અને હરિભક્તોને સમાસ થાશે અને શાંતિનું બળ વધશે અને સહુને ધીરજ આવશે. માટે જાઓ, નહીં તો તમારો દેહ ત્યાં બાળી દેશે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! તમારાં દર્શન વિના કેમ રહેવાય ? દેહને તો હું ભાંગી તોડીને આવ્યો છું.
તેમાં કેમ રહેવાશે ? પછી પોતાના મનમાં વિચાર કરીને એમ નક્કી કર્યું જે, કોઇક સ્થાનમાં રહું તથા શિવ ભગવાનના ભક્ત છે માટે કૈલાશમાં રહું અને ત્યાં રહીને ભગવાનનાં દર્શન કરું. પછી એવો પોતાના મનમાં વિચાર કર્યો જે, દેહ તો ન રાખવો. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, દેહ પાડવો કે રાખવો તે શું તમારા હાથમાં છે ? અને દર્શન તો જેમ રાધિકાજીને વૃંદાવનમાં શ્રીકૃષ્ણનાં દર્શન થયાં અને હેત આવ્યું, રાધિકાજીએ ભગવાનને તેડી લીધા અને છાતી સંગાથે દાબ્યા અને મનમાં એમ થયું જે શું કરું, પ્રભુ હજુ નાના છે, મોટા નથી. ત્યાં તો ભગવાન મોટા થયા. બ્રહ્મા આવીને તેમને પરણાવી ગયા. જે મનોરથ ધાર્યો હતો તે સફળ કર્યો અને કહ્યું જે, હવે જાઓ. ત્યારે તો રાધિકાજીને મૂર્છા આવી. ત્યારે શ્રીકૃષ્ણે ઊઠાડીને કહ્યું જે, માગો માગો.
ત્યારે તેમણે માગ્યું જે, આવા ને આવા મારી પાસે રહો. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું જે, અખંડ તો નહીં રહું પણ સ્વપ્નાવસ્થામાં રહીશ. એમ રાધિકાજીને કહ્યું હતું. અને હું તો જ્યારે સુરતથી મુગટ આવ્યો હતો અને તે મેં ધારણ કર્યો હતો અને તે સમયે મારી જે શોભા હતી એ શોભાએ યુક્ત તમારી પાસે અખંડ રહીશ. તમો અત્યારે જાઓ. અને દાદાખાચરને પણ તમારી પેઠે મુઝવણ છે, માટે તમે સર્વ પ્રકારે એની બરદાસ કરજો. મારી સાથે એમને બહુ હેત છે તેથી મૂઝાશે. બીજું અત્યારે જાઓ જેવા રુધિર ભર્યા છો એવા ને એવા જ જઇને બાઇઓની આગળ વાત કરજો જે, મહારાજ ક્યાંય ગયા નથી. સત્સંગમાં અખંડ છે. અને મૂર્તિઓમાં અખંડ રહેલા છે. તેમજ ધર્મ-ભક્તિથી યુક્ત એવા ભક્તમાં પણ અખંડ રહેલા છે. ક્યાંય ગયા નથી. છેવટે મહારાજનું ધ્યાન કરો.
જેવા તમોએ જોયા છે તેવા જ તમોને દર્શન દેશે, અને જે ભગવાનને મૂવા સમજશે તેને તો દૈત્ય જાણવા. તમો જો મને મૂવો સમજશો તો તમને તેડવા કોણ આવશે ? તમારો ધર્મ પણ કોણ રખાવશે ? એ તો તમારી સારી સમજણ નહીં જેણે કરીને તમો શરીરને તોડીને અહીં આવ્યા છો. ભગવાનના ભક્તની સમજણ તો આવી હોય જે ભગવાનનાં કીર્તન ગાવવાં, તથા ઉત્સવ કરવામાં ઉમંગ રાખવો, નિદ્રજીત અને પ્રહ્લાદને આખી ઉંમરમાં એક જ વાર દર્શન થયાં હતાં, તો પણ કેવી ખુમારી વાળા કે જેમને દેહ પર્યંત દર્શનની ખુમારી રહી. અને બીજાઓને પણ રખાવી. તેઓ દેહ પર્યંત મુઝાયા નહીં. તમોને આજ દિવસ પર્યંત અમોએ કેવાં કેવાં સુખ દીધાં છે ? તો પછી શા સારુ મુઝાઓ છો ? માટે તમો ધીરજ રાખો, હું સત્સંગમાં અખંડ રહ્યો છું.
આ શિક્ષાપત્રી પ્રમાણે જે રહેશે તેનું કલ્યાણ થાશે એમ કહેજો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! હું તો કહીશ પણ બીજા માનશે ? ત્યારે શ્રીહરિએ કહ્યું જે, જાઓ, આ નિશાની કહેજો જે, નોમની પાછલી રાત્રે નિત્યાનંદ સ્વામી સૂતા હતા, હરજી પાળો અને માનજી જાગતા હતા અને ગોપાળાનંદ સ્વામીને અમોએ કહ્યું હતું જે, તમો ધારશો તે થશે. માટે જાઓ. હું તમારા ઉપર પ્રસન્ન છું. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ બે હસ્ત જોડીને કહ્યું જે, મહારાજ ! મારા સર્વ અપરાધ માફ કરજો. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, તમારા સર્વ અપરાધ માફ છે.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામી દ્વારા સર્વ ભક્તજનોને શિક્ષાનાં વચનો કહેવડાવ્યાં એ નામે નવાણુંમો અધ્યાય. ૯૯