માનસી પૂજાનો વિધિ

Submitted by swaminarayanworld on Tue, 18/01/2011 - 9:04pm
।। માનસી પૂજાનો વિધિ ।।
      માનસી પૂજા કરવાનો હેતુ એ છે કે, ભગવાનમાં પ્રીતિ થાય, મનની સ્થિરતા વિના માનસી પૂજા થઇ શકતી નથી માટે મનને સ્થિર કરવા પ્રથમ આત્મ વિચાર કરવો જે, સ્થૂળ, સુક્ષ્મ અને કારણ એ ત્રણ દેહથી નોખો ચૈતન્યરૂપ જે આત્મા, તે મારૂં સ્વરૂપ છે, કહેતા હું અક્ષરબ્રહ્મ છું, અને મારે વિષે પુરૂષોત્તમ નારાયણ અખંડ વિરાજમાન છે. આ પ્રમાણે પોતાના આત્માને, અક્ષરબ્રહ્મની સાથે ભાવના કરીને, મને કરીને કલ્પેલાં જળ, ચંદન, વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ફળ વિગેરે પદાર્થોથી ભગવાનની માનસી પૂજા કરવી.
પ્રાતઃકાળની પહેલી માનસી પૂજા
     પ્રથમ પોતાના આત્માને વિષે મુક્ત મંડળ સહિત દિવ્યર્મૂર્તિ શ્રીહરિનું ધ્યાન કરવું. શ્રીહરિ પલંગમાં પોઢેલા છે એમ ભાવના કરી, પ્રાર્થના કરીને જગાડવા, ત્યાર પછી મનુષ્યલીલાના સ્મરણ માટે ભગવાનને શૌચ-દંતધાવનાદિ ક્રિયા કરાવવી, ઋતુ અનુસાર ઘણાં જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ ઋતુ અનુસાર શ્રીજીના દરેક અંગમાં યથા યોગ્ય વસ્ત્ર તથા અલંકાર ધારણ કરાવવા. ત્યારબાદ ઋતુ અનુસાર ચંદનાદિ ઊપચારોથી શ્રીજીની પૂજા કરવી. ઋતુ પ્રમાણે પુષ્પના હાર ધરાવવા, ત્યાર પછી પોતાને મન ભાવતા ભોજન ભગવાનને ધરાવવાં. સાકર, કેસર,  કસ્તુરીરી, બદામ વગેરેથી યુક્ત ઊકાળેલ દુધતથા મગજ, જલેબી, અડદીયા, પુરી વગેરે પકવાન શ્રીજીને જમાડવાં, જળપાન કરાવી મુખવાસ અર્પણ કરી, આરતી ઉતારી, પ્રદક્ષિણા, દંડવત પ્રણામ, સ્તુતિ આદિક કરીને શ્રીહરિને મળવું. ત્યાર પછી પ્રસાદીના ઊપચારોથી મુક્તોનું પૂજન કરવું. પ્રસાદીનાં ભોજન જમાડવાં, મને પણ શ્રીહરિએ પ્રસાદ આપ્યો તે હું જમ્યો, એવી ભાવના કરવી, શ્રીહરિ મારા આત્મામાં વિરાજમાન છે અને હું તેમની સેવામાં છું એમ ભાવના કરવી.
     બપોરે આપણને જમવાનો સમય થાય ત્યારે બીજી માનસી પૂજા કરવી.
જમતી વખતની બીજી માનસી પૂજા
     ભોજન કરાવતી વખતે પોતાના આત્મામાં વિરાજી રહેલા શ્રીહરિનું ચિંતવન કરી, શ્રીહરિને પીતાંબર આદિક સમયને અનુકુળ વેષ ધારણ કરાવવો, પછી બાસુંદી, દુધપાક, શીખંડ, પુરી, શીરો, કંસાર, બિરંજ, માલપુવા, પુડલા, સેવો, મોહનથાળ આદિક વિવિધ પ્રકારના પાક, શાક, અથાણાં, ભાત-દાળ આદિક ચાર પ્રકારનાં ભોજનો સુવર્ણના થાળમાં ધારણ કરીતે થાળ સુવર્ણના બાજોઠ પર ધારણ કરવો અને ત્યાર પછીતે ભોજનના થાળ સન્મુખ શ્રી સહજાનંદ સ્વામી મહાપ્રભુને બેસવા માટે એક સુવર્ણનો બાજોઠ મુકીને તેના પર કસુંબલ આસન પાથરીને શ્રીહરિને ભોજન કરવા પ્રાર્થના કરવી. ‘હે મહારાજ ! હે ભક્તવત્સલ ! હે ધર્મધુરંધર ! સર્વ પ્રકારનાં ભોજનો મેં તૈયાર કરેલ છે. માટે આપ કૃપાળુ જમવા પધારો, એમ પ્રાર્થના કરીને શ્રીજીને તે સુવર્ણ બાજોઠ પર બેસાડીને ચંદન, અક્ષત, પુષ્પાદિકથી પૂજવા, પછી સુવર્ણના થાળમાં રહેલાં ભક્ષ્ય, ભોજય, લેહ્ય, ચોષ્યાદિ ચારે પ્રકારનાં ભોજનો શ્રીજીને જમાડવાં, ત્યાર પછી જમીને તૃપ્ત થયેલા જાણીને આચમન સહિત જલપાન કરાવીને મુખવાસ અર્પણ કરી, આરતી ઉતારી પ્રદક્ષિણા, દંડવત, સ્તુતિ આદિક કરી, શ્રીહરિને મળવું, ત્યાર પછીતે પ્રસાદીનાં ભોજનો ભક્તોને જમાડવાં, પછી શ્રીહરિએ મને પણ પ્રસાદ આપ્યો છે એવી ભાવના કરવી અને મુક્ત મંડલ સહિત શ્રીહરિને અક્ષરધામ રૂપ પોતાના આત્મામાં સુંદર પલંગ પર પોઢાડવા, અને હું શ્રીજીના ચરણારવિંદની સેવામાં છું એવી ભાવના કરવી.
ઊત્થાપન વખતની ત્રીજી માનસી પૂજા
     ચાર વાગે ઊત્થાપન સમયે પહેલાંની જેમ ભાવના કરીને શ્રીહરિને જગાડવા ‘‘હે મહારાજ ઊઠવાનો સમય થયો છે માટે આપ જાગૃત થાઓ’’ એમ પ્રાર્થના કરીને પછી જાગૃત થયેલા શ્રીહરિનું સુગંધીમાન પુષ્પોના હાર,તોરા, ગુચ્છ, ગજરા, બાજુબંધ વગેરેથી પૂજન કરવું. ત્યારબાદ દ્રાક્ષ, કેરી, દાડમ, પપૈયું, જાંબુ,નારંગી, કાજુ આદિ સુકો-લીલો મેવો જમાડી, જલપાન કરાવી, મુખવાસ અર્પણ કરી પ્રસાદીના ઊપચારોથી મુક્તોનું પૂજન કરવું. અને પ્રસાદીના ફળો તેમને જમાડવાં, શ્રીહરિએ મને પણ પ્રસાદ આપ્યો તે હું જમ્યો અને શ્રીહરિ મુક્ત મંડળે સહિત અક્ષરધામરૂપી મારા આત્મામાં વિરાજમાન છે. એવી ભાવના કરવી.
સાયંકાળની ચોથી માનસી પૂજા
     સંધ્યા સમયે પહેલાંની પેઠે બ્રહ્મસ્વરૂપની ભાવના કરીને મહારાજાધિરાજની શોભાથી યુક્ત અનેક કોટિ મુક્તોએ સેવેલા શ્રીહરિકૃષ્ણ મહારાજનું ચિંતવન કરીને, ત્યાર પછી ભારે વસ્ત્ર, અલંકાર પુષ્પોના હારાદિક ઉતારીને, સુક્ષ્મ કોમળ ઘાટાં વસ્ત્ર પહેરીને બેઠેલા શ્રીહરિનું ચંદનાદિ ઊપચારોથી પૂજન કરીને શ્રીજીને ખીચડી, કઢી, પાપડ, અથાણાં, શાક, વડાં આદિક સામગ્રી સહિત શીરો, પુરી, ભજીયાં ને દુધ ભાત આદિક ભોજનો જમાડી જલપાન કરાવવું ત્યાર પછી મુખવાસ અર્પણ કરવો, પછી શ્રીહરિને સુંદર સિંહાસન પર બિરાજમાન કરીને આરતી ઉતારીને ધુન્ય, સ્તુતિ, પ્રદક્ષિણા, દંડવત પ્રણામ કરવા. ત્યાર પછી પ્રસાદીના ઊપચારોથી મુક્તોનું પૂજન કરીને પ્રસાદીનાં ભોજનો જમાડી જલપાન કરાવી મુખવાસ આપવો પછી મને પણ શ્રીજીએ પ્રસાદ આપ્યો.તે હું જમ્યો અને શ્રીહરિ મુક્ત મંડળ સહિત મોટી સભામાં દિવ્ય સિંહાસન ઊપર વિરાજમાન છે. અને હું તેમની સેવામાં છું. આવી ભાવના કરવી.
રાતની પાંચમી માનસી પૂજા
     શયન આરતી સમયે શ્રીહરિનું ચંદનાદિક ઊપચારોથી પૂજન કરી, સાકર સહિત ઊકાળેલ દુધનું પાન કરાવી એલચી, સોપારી, કાથો, ચુનો એ આદિકે યુક્ત નાગરવેલનું પાન મુખવાસ માટે અર્પણ કરવું પછી આરતી, ધુન્ય, સ્તુતિ, પ્રદક્ષિણા, દંડવત વગેરે કરીને શ્રીહરિને મળવું. પછી પ્રસાદીના ઊપચારોથી મુક્તોનું પૂજન કરી પ્રસાદીનું દુધપાન કરાવી. જલપાન કરાવી મુખવાસ આપવો, અને મને પણ શ્રી હરિએ પ્રસાદ આપ્યો ને હું જમ્યો, એવી ભાવના કરવી. પછી શ્રીજીને અક્ષરધામરૂપ પોતાના આત્મામાં પ્રેમરૂપી પલંગ અથવા તો સુંદર, કોમળ મખમલનું ગાદલું, ગાલમસુરીયું, ઓશીકું, ઓછાડ, મચ્છરદાની આદિક સામગ્રીથી યુક્ત સુંદર પલંગ ઊપર શયન કરાવવું, સર્વે મુક્તો પણ શ્રીજીના ધ્યાનમાં નિમગ્ન છે અને હું શ્રીહરિના ચરણ દબાવવા એ આદિક સેવા કરતાંતેમના મુખનું દર્શન કરું છું, આવી ભાવના કરી પૂજાની સમાપ્તિ કરવી. ઊપર
     મુજબ પાંચે માનસી પૂજા કરવી. માનસી પૂજા કરતી વખતે પ્રથમ પોતાને વિષે બ્રહ્મસ્વરૂપની ભાવના કર્યા પછી જે સમયની માનસી પૂજા કરવાનો પ્રારંભ કરવો હોય તેથી પહેલાંની માનસી પૂજા વખતે ભગવાનને કેવાં વસ્ત્ર અલંકારાદિ ધારણ કરાવીને બિરાજમાન કર્યા હતા. અથવા કેવી રીતે પોઢાડ્યા હતા.તે સર્વે અનુસંધાન રાખીતે પ્રમાણે જતે સ્વરૂપનું ચિંતવન કરીને ત્યાર પછી યથા સમયે માનસી પૂજા કરવાની શરૂઆત કરવી.
     આ પ્રમાણે પાંચ વખત જુદી જુદી માનસી પૂજાઓ અતિ શ્રદ્ધાએ કરીને પ્રેમપૂર્વક કરવી. જે ભક્તજનો પોતાના ધર્મ નિયમમાં સાવધાનપણે વર્તી ઊપર કહ્યા પ્રમાણે પ્રેમ પૂર્વક માનસી પૂજા કરશે તેનો શ્રીજીને વિષે અતિશય સ્નેહ વૃદ્ધિ પામશે. અને તેવા ભક્તને શ્રીજી આ લોકમાં, વ્યવહારે સુખીઆ રાખી અંતે પોતાના દિવ્ય અક્ષરધામમાં તેડી જઈ પોતાની દિવ્ય સેવામાં રાખશે. માટે સર્વે ભક્તોએ આ માનસી પૂજા પાંચ વખત જરૂર કરવી. આ સિવાય ઋતુ ઋતુ પ્રમાણે પૂજા કરવાનો વિશેષ વિધિ ગ. અં. પ્ર. ૨૩-મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહેલ છે તો તે થકી જાણી લેવો.
 
જય શ્રી સ્વામિનારાયણ
 
[શ્રી કીર્તનરત્નાવલી - પ્રકાશક શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ માંથી સાભાર ]


Facebook Comments