ઊદ્ધવજી એવું હતું એને મનજી, જે કલપાવી કલપાવી તજાવશું તનજી ।
તો ઠોરઠોર નહોતી કરવી જતનજી, જયારે એને આપવોતો અમને આવો દિનજી ।।૧।।
ઢાળ –
દિનદેવોતો જોદુઃખનો, વળી વણ મોતે હતાં મારવાં ।
તો અનેક વિઘ્નમાંહિથી અમને, આગે નોતાં ઊગારવાં ।।૨।।
ભયાનક વ્યોમાસુર ભયથી, વળી રાખિયાં રૂડી રીતશું ।
શકટાસુર તૃણાવર્ત તેથી, પહેલાં ઊગારિયાં એને પ્રિતશું ।।૩।।
કેશી વૃષભ અઘાસુરથી, અમને અલબેલે ઊગારિયાં ।
વત્સાસુર બગાસુર બીજાથી, વળી વ્રજનાં વિઘ્ન નિવારિયાં ।।૪।।
વિષ નિરવિષ ઘર વરુણથી, કરી વ્રજવાસીની એણે સાર ।
અમારે કારણે ઊદ્ધવ એણે,દાવાનળ પીધો દોય વાર ।।૫।।
વળી ઈન્દ્ર કોપ્યો વ્રજવાસી ઊપરે, મહાપ્રલયનો મેઘ મેલિયો ।
વીજ ઝભકે નીર ખળકે, વળી અંધકાર અતિશે થયો ।।૬।।
ઘોર ગર્જના સુણી થયાં ઘાંઘાં, જાણ્યું આજ કલ્પાંત આવિયો ।
ત્યારે ધરી ગોવર્ધન કર ઊપરે, વ્રજસાથ એણે બચાવિયો ।।૭।।
ઊદ્ધવ એણે અમને, અનેક વિઘ્નથી ઊગારિયાં ।
આવું હતું જો મનમાં એને, તો મોર્યે કેમ ન મારિયાં ।।૮।।
નથી ખમાતું ઊદ્ધવ અમે, પીડી પીડી જે લેશે પ્રાણ ।
અંતરની શું કહીએ ઊદ્ધવ, તમે નથી અમારા અજાણ ।।૯।।
કૃષ્ણે કર્યું એવું કોઈ ન કરે, ઊદ્ધવજી કહું અમને ।
નિષ્કુલાનંદના નાથના સખા, છો ત્યારે કહ્યું તમને ।।૧૦।। કડવું ।।૩૫।।