અવિનાશી આવો રે જમવા શ્રીકૃષ્ણ હરિ, (મોટો થાળ) (૧)?

Submitted by swaminarayanworld on Wed, 18/04/2012 - 11:30pm

મોટો થાળ રાગ - ગરબી

અવિનાશી આવોરે જમવા શ્રીકૃષ્ણ હરિ,

શ્રી ભક્તિ ધર્મ સુતરે જમાડું  પ્રીત કરી. ૧

શેરડીઓ વાળીરે ફુલડાં વેર્યાં છે,

મણીયાગર મંદિર રે લીપ્યાં લેર્યાં છે. ૨

ચાખડીયો પહેરી રે પધારો ચટકંતા,

મંદિરીયે મારે રે પ્રભુજી લટકંતા. ૩

બાજોઠે બેસારી રે ચરણ કમળ ધોવું,

પામરીયે પ્રભુજી રે પાવલીયાં લોવું. ૪

ફુલેલ સુગંધી રે ચોળું શરીરે,

હેતે નવરાવું રે હરિ ઊને નીરે. ૫

પહેરાવું પ્રીતે રે કે પીતાંબર ધોતી,

ઊપરણી ઓઢાડું રે અતિ ઝીણી પોતી. ૬

કેસર ચંદનનું રે ભાલે તિલક કરૂં,

વંદન કરી વિષ્ણુ રે ચરણે શીશ ધરું. ૭

ઊર હાર ગુલાબી રે ગજરા બાંધીને,

નિરખું નારાયણ રે દ્રષ્ટિ સાંધીને. ૮

શીતળ સુગંધી રે કળશ ભર્યા જળના,

ઊલેચ બાંધ્યા છેરે ઊપર મખમલના. ૯

કંચન બાજોઠે રે બિરાજો બહુનામી,

પકવાન પીરસી રે થાળ લાવું સ્વામી.૧૦

મોતૈયા લાડુ રે સેવૈયા સારા,

તમકાજ કર્યા છે રે લાખણ સાઈ પ્યારા.૧૧

મગદળ ને સેવદળ રે લાડુ દળના છે,

ખાજાં ને ખુરમાં રે ચુરમાં ગોળના છે. ૧૨

જલેબી ઘેબર રે બરફી બહુ સારી,

પેંડા પતાસાં રે સાટા સુખકારી. ૧૩

મરકી ને મેસુબ રે જમો જગવંદનજી,

સુતરફેણી છે રે ભક્તિનંદનજી.૧૪

ગગન ને ગાંઠીયા રે ગુંદવડાં વહાલા,

ગુલાબપાક જમજો રે ધર્મતણા લાલા. ૧૫

એલાયચી દાણા રે ચણા છે સાકરીયા,

ગુંદરપાક સુંદર રે જમજો ઠાકરીયા. ૧૬

ટોપરાપાક ટાઢો રે સકરપારા સારા,

સેવો ઘી સાકર રે તમે છો જમનારા. ૧૭

કેસરીયો બિરંજ રે ગળ્યો ને મોળો છે,

સાકરનો શીરો રે હરિસો ધોળો છે. ૧૮

લાપસી કંસારમાં રે ઘી બહુ રસબસ છે,

ખીર ખાંડ ઘી રોટલી રે જમો બહુ સરસ છે. ૧૯

બદામ ચારોળી રે દ્રાક્ષ  તે નાખીને,

દુધપાક કર્યો છે રે જુઓ હરિ ચાખીને. ૨૦

પુરી કચોરી રે પૂરણપોળી છે,

રોટલીઓ ઝીણી રે ઘીમાં બોળી છે. ૨૧

પાપડ ને પુડલા રે મીઠા માલપુડા,

માખણ ને મીસરી રે માવો દહીંવડાં. ૨૨

ઘઉંની છે બાટી રે બાજરાની પોળી,

ઝાઝીવાર ઘીમાં રે હરિ મેં ઝબકોળી. ૨૩

તલસાંકળી સુંદર રે બીજી ગોળપાપડી,

ગાંઠિયા ને કળી રે ત્રીજી ફુલવડી. ૨૪

ભજીયાં ને વડાં રે સુંદર દહીં થરિયાં,

વઘાર્યા ચણા રે માંહી મીઠું મરિયાં. ૨૫

ગુંજા ને મઠિયાં રે ફાફડા ફરસા છે,

અળવી આદાનાં રે ભજીયાં સરસાં છે. ૨૬

કંચન કટોરે રે પાણી પીજોજી,

જે જે કાંઈ જોઈએ રે તે માગી લેજોજી. ૨૭

રોટલી રસ સાકર રે જમજો અલબેલા,

રાયણ ને રોટલી રે ખાંડ કેળાં છેલા. ૨૮

મુરબ્બા કર્યા છે રે કેરી દ્રાક્ષ  તણા,

સુંદરવર જમજો રે રાખશો માં મણા. ૨૯

કટોરા પૂર્યા રે સુંદર શાકોના,

કેટલાક ગણાવું રે છે ઝાઝા વાના. ૩૦

સુરણ  તળ્યું છે રે સુંદર ઘી ઝાઝે,

અળવી રતાળુ રે તળ્યાં છે  તમકાજે. ૩૧

મેં  પ્રીત કરીને રે પરવળ  તળીયાં છે,

વંતાક ને વાલોળ રે ભેળાં ભળીયાં છે. ૩૨

કંકોડાં કોળાં રે કેળાં કારેલાં,

ગલકાં ને  તુરીયાં રૂડાં વઘારેલાં. ૩૩

ચોળા વાલોળો રે  પ્રીત કરી  તળીયો,

દુધિયાં ને ડોડા રે ગુવારની ફળીયો. ૩૪

લીલવા વઘાર્યા રે થયા છે બહુ સારા,

ભીંડાની ફળીયો રે તળિયો હરિ મારા. ૩૫

ટાંકો  તાંદળજો રે મેથીની ભાજી,

મુળા મોગરીયો રે સુવાની  તાજી. ૩૬

ચણેચી ડોડી રે ભાજી સારી છે,

કઢી ને વડી રે સુંદર વઘારી છે. ૩૭

નૈયાનાં રાયતા રે અતિ અનુપમ છે,

મીઠું ને રાઈ રે માંઈ બે સમ છે. ૩૮

કેટલાક ગણાવું રે પાર  તો નહીં આવે,

સારું સારું જમજો રે જે તમને  ભાવે. ૩૯

ખારૂં ને મોળું રે હરિવર કહેજોજી,

મીઠું મરી ચટણી રે માગી લેજોજી. ૪૦

અથાણાં જમજો રે સુંદર સ્વાદુ છે,

લીંબુ ને મરચાં રે આંબળાં આદુ છે. ૪૧

રાયતી ચીરી રે કેરી બોળ કરી,

ખારેક ને દ્રાક્ષમાં રે નાખ્યાં લવિંગ મરી. ૪૨

કેરાં ને કરમદાં રે તળી છે કાચરીયો,

બીલાં બહુ સારાં રે વાંસ ને ગરમરીયો. ૪૩

પંખાળીના ભાતમાં રે સુંદર સુગંધ ઘણો,

એલાયચીનો પીરસ્યો રે આંબા મોરતણો. ૪૪

મેં કઠણ કરી છે રે દાળ હરિ  તુવેરની,

પાતળી પીરસી છે રે દાળ હરિ મસુરની. ૪૫

મગ ને અડદની રે કરી છે ધોઈને,

ચોળા ને ચણાની રે ઘીમાં કરમોઈને. ૪૬

દાળ ને ભાત જમજો રે તમને  ભાવે છે,

ચતુરાઈએ જમતાં રે પ્રીતિ ઊપજાવે છે. ૪૭

દહીં ને ભાત જમજો રે સાકર નાખી છે,

દુધ ને ભાત સારું રે સાકર રાખી છે. ૪૮

દુધની  તર સાકર રે ભાત જમો પહેલાં,

સાકર નાખીને રે દુધ પીઓ છેલા. ૪૯

જે જે કાંઈ જોઈએ રે તે કહેજો અમને,

કાંઈ કસર કરો  તો રે મારા સમ તમને . ૫૦

જીવન જમીને રે ચળુ કરો નાથ,

ચંદન ગારેસું રે ધોવરાવું હાથ. ૫૧

તજ એલચી જાયફળ રે જાવંતરી સારી,

કાથો ને ચુનો રે સારી સોપારી. ૫૨

નાગરવેલીનાં રે પાન લાવી પાકાં,

ધોઈને લુછ્યાં છે રે અનુપમ છે આખાં. ૫૩

માંહી ચુરણ મેલી રે બીડી વાળી છે,

લલિત લવિંગની રે ખીલી રસાળી છે. ૫૪

મુખમાં હું મેલું રે બીડી  પ્રીત કરી,

આરતી ઉતારું રે પ્રભુજી ભાવભરી. ૫૫

ફુલ સેજ બિછાવું રે પોઢો પ્રાણ પતિ,

પાવલીયાં ચાંપું રે હૈડે હરખ અતિ. ૫૬

થાળ ગાયો પ્રીતે રે ધર્મકુળ મુકુટ મણી,

આપો પ્રેમાનંદને રે પ્રસાદી થાળ  તણી. ૫૭

Facebook Comments