સંતને સોંપિયે સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીએ અણુંજી
કરિયે ગમતું સાચા સંતતણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી
ઘણું રાજી કરી સંતને, કૈક પામિયા પરમ ધામ ।।
સંત વિના શોધી જુવો સઘળે, કહો કેનું સરિયું કામ ।। ર ।।
જેમ નાવ વિના નીરનિધિમાં, નથી તરવા અન્ય ઉપાય ।।
તેમ સંત વિના સંસાર તરવા, શીદ ઇચ્છે કોઈ ઉરમાંય ।। ૩ ।।
જેમ રવિ વિનાની રજની, જાણો નથી જાવાની જરૂર ।।
તેમ સંત વિના અજ્ઞાન અંધારું, કે દી ન થાયે દૂર ।। ૪ ।।
જેમ વરસાત વિના વસુંધરા, સદાયે સૂકી રહે ।।
તેમ સંત વિના જીવ જગતના, કહો સુખ કયાંથી લહે ।। પ ।।
તેવા સંતશું ત્રોડિયે, જોડિયે પાપીશું પ્રીત ।।
તેને સુખ થવાનું નથી સૂઝતું, ચિંતવી જોયે છૈયે ચિત્ત ।। ૬ ।।
ફોડી આંખ્ય થાય આંધળો, પછી ઇચ્છે જોવા રૂપને ।।
રૂપ જોયાનું રહ્યું પરું, જો ભરે નહિ ઊંડા કૂપને ।। ૭ ।।
માટે સાચા સંત સેવીને, કરિયે રાજી રળિયાત ।।
નિષ્કુળાનંદ તો નરને,સુધરી જાયે સર્વે વાત ।। ૮ ।।