હરિ આજ્ઞાએ વિબુધ વસ્યા વ્યોમજી, હરિ આજ્ઞાએ રહ્યા શૂન્યે રવિ સોમજી
હરિ આજ્ઞાએ રહ્યા ભૂચર ભોમજી, તે લોપે નહિ આજ્ઞા થઈ બફોમજી
બફોમ થઈ બદલે નહિ, રહે સહુસહુના સ્થાનમાં ।।
અતિ પ્રસન્ન થઈ મનમાં, રહ્યા રાખ્યા ત્યાં ગુલતાનમાં ।। ર ।।
બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ ।।
વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જૂજવો નિવાસ ।। ૩ ।।
ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ ।।
જયાં જયાં કરી હરિએ આગન્યા, તિયાં રહ્યાં સુખે સદાકાળ ।। ૪ ।।
બદરિતળે રાખ્યા ઋષીશ્વર, નિરન્નમુકત રાખ્યા શ્વેતદ્વીપમાં ।।
ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુકત અક્ષર સમીપમાં ।। પ ।।
એમ જેમ જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા છે કરી તપાસ ।।
જેવો જોયે અધિકાર જેને, તેવો આપ્યો છે અવિનાશ ।। ૬ ।।
એ તો રહ્યાં છે સહુ રાજી થઈ, પોત પોતાને સ્થાન ।।
લેશ વચન નથી લોપતા, જાણી સમર્થ શ્રીભગવાન ।। ૭ ।।
એમ સમજી આપણે રહીએ, આપ આપને સ્થાનકે ।।
નિષ્કુળાનંદ કહે નહિ તો, આવે દુઃખ અચાનકે ।। ૮ ।।