વચનવિધિ કડવું - ૩૬ પાપ પૂર્વનાં પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે અવળો ઉપાય રે; પદ-૯

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:35pm

વચન વા’લાનું લોપીને લબાડજી, પાપે પ્રવરતે છે જે પાપના પા’ડજી
ભાંગી ભૂંસાડી વચનની વાડ્યજી, પછી જીયાંતીયાં થાય હાડ્ય હાડ્યજી

હાડ્ય હાડ્ય થાય છે હરિ વિમુખ, વર્તતાં વચનથી બારણે ।।
જીયાં તીયાં જડે છે જૂતિયાં,૯ એવું કરે છે શિયા કારણે ।। ર ।।

આ લોકે પરલોકે આબરુ, જેની જડે નહિ જરા જેટલી ।।
ભવમાં  જે ભૂંડાઈ રહી છે, પાપી પામે છે તેટલી ।। ૩ ।।

ખાય છે ફટકાર ખલકની, મલકનો લિયે છે મેલ જો ।।
એમાં ખોળી કાઢી શી ખાટ્યને, વળી શું સમજાણું સે’લ જો ।। ૪ ।।

પ્યાજ પેજારું ખાઈને પૈસા, અંતે જેહ આપવા પડે ।।
તે મો’રેથી ન જાણે જે માનવી, તે પાછળ ઘણું ઘોડા ઘડે ।। પ ।।

દંડ ભોગવી ડા’પણ કરે, તેને ડા’યો કેદિયે ન દેખવો ।।
પૂંઠ્ય પખાળી પુરીષ૯ તજે, તેને મોટો મૂરખ લેખવો ।। ૬ ।।

લૂંટાવી સર્વે લૂગડાં, પછી નાગો થઈ ભાગ્યો ઘણો ।।
એવું કર્યું એ અભાગિયે, હવે ડા’યો કે ભોળો ગણો ।। ૭ ।।

સમો ન શકયો સાચવી, આવી તકમાં અવળું પડ્યું ।।
નિષ્કુળાનંદ એ નરને, કોઈ પાપ પૂર્વનું આવી નડ્યું ।। ૮ ।।

પદ-૯
રાગ-આશાવરી
‘શ્રીનાથ સાથે મન માનિયું’ એ ઢાળ.

પાપ પૂર્વનાં પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે અવળો ઉપાય રે;
કરવાનું જે હોય તે ન કરે, ન કર્યાનું કામ કરાય રે. પાપ પૂર્વનાં૦ ।। ૧ ।।
સુખમાંહી તે સુખ ન સૂઝે, દુઃખમાંહી દુઃખ ન દેખાય રે;
ખોટાને પણ ખરું કરી માને, સાચામાં સાચું ન લેખાય રે. પાપ પૂર્વનાં૦ ।। ૨ ।।
એ જે વચનથી વિપત્તિ વિરમે, તે વચન વિષસમ લાગે રે;
જેહ વચનથી જાય જમપુરમાં, તેહ વચનને અનુરાગે રે. પાપ પૂર્વનાં૦ ।। ૩ ।।
એમ કુબુદ્ધિને ઊંધું સૂઝે અતિ, વળી મોટા રાખે ત્યાં ન રે’વાય રે;
નિષ્કુળાનંદ એ નરનું ઠેકાણું, આલોકે પરલોકે ન કે’વાય રે. પાપ પૂર્વનાં૦ ।। ૪ ।।