અધ્યાય - ૧૦ ભારતભૂમિમાં હજારો અસુરોનો જન્મ અને આસુરી પ્રવૃતિ માટે સ્વીકારેલી જુદી જુદી ભૂમિકાઓ.

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:14pm

અધ્યાય - ૧૦ ભારતભૂમિમાં હજારો અસુરોનો જન્મ અને આસુરી પ્રવૃતિ માટે સ્વીકારેલી જુદી જુદી ભૂમિકાઓ.

ભારતભૂમિમાં હજારો અસુરોનો જન્મ અને આસુરી પ્રવૃતિ માટે સ્વીકારેલી જુદી જુદી ભૂમિકાઓ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ અરસામાં આ પૃથ્વી પર હજારે હજાર અસુરો, દાનવો, દૈત્યો, યક્ષો અને રાક્ષસોએ પણ જન્મ લીધા.૧

પૂર્વે દેવાસુર યુદ્ધમાં ભગવાનની સહાયતા લઇ દેવતાઓએ જે જે અસુરોને માર્યા હતા, તે સર્વેએ ભગવાનની સાથે વૈર બાંધ્યું.૨

સનાતન ધર્મ ભગવાનને અતિશય પ્રિય છે, એવું જાણીને અધર્મનિષ્ઠ તે અસુરોએ ધર્મના વિનાશથી જ પોતાના શત્રુ ભગવાનનો વિનાશ થશે, એવો દૃઢ નિશ્ચય કર્યો.૩

સમય જતાં તે સર્વે અસુરો કલિ અને દ્વાપરયુગની સંધિના સમયે પૃથ્વી ઉપર જન્મ લીધા, તેમાં કેટલાક અસુરોએ મનુષ્યયોનિમાં અને પશુ-પક્ષીની યોનિમાં જન્મ લીધા હતા.૪ અત્યંત મદોન્મત્ત બનેલા તે અસુરો વેદ, દેવ, ઋષિ, વિપ્ર અને સંતોને ભગવદીય જાણી તેમનો ભરપુર દ્રોહ કરવા લાગ્યા.૫

તે સમયે ભૂમિના ભારરૂપ અસુરોનો સંહાર કરવા શ્રીબદરીપતિ સ્વયં નારાયણ આ પૃથ્વી ઉપર યદુકુળને વિષે શ્રીકૃષ્ણ પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયા.૬

અત્યંત આશ્ચર્યકારી પરાક્રમો કરનારા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને કેટલાક અસુરોનો સંહાર કર્યો, અને કેટલાક અસુરોને બળદેવ તથા અર્જુન દ્વારા મરાવ્યા.૭

તે મરણ પામેલા અસુરોની મધ્યે જે અસુરોનો સંહાર સ્વયં શ્રીકૃષ્ણે કર્યો હતો, તથા જેમનો બળદેવ આદિએ સંહાર કર્યો હતો, તેમાંથી જેમના ઉપર શ્રીકૃષ્ણ ભગવાનની કૃપા દૃષ્ટિ પડી હતી તે, તથા જે અસુરો ભગવાન શ્રીકૃષ્ણમાં ચિત્તવૃત્તિ રાખીને મૃત્યુ પામ્યા તે, સર્વે અસુરો પોતાને ઇચ્છિત મુક્તિને પામ્યા. અને હે ભૂપાલ ! ભગવાન કેવા દયાના સાગર છે કે જે વૈર બુદ્ધિથી પણ પોતાનું સ્મરણ કરે છે તેને પણ ભક્તિરૂપ માની મુક્તિ આપે છે.૮-૯

પરંતુ જે અસુરો મૃત્યુ નહોતા પામ્યા અને જેનાં મન મલિન વાસનાથી ઘેરાયેલાં હતાં તથા પંચવિષયોના લોભની તીક્ષણ તૃષ્ણા ધરાવતા હતા, અને યુદ્ધમાં ભગવાનના સંબંધે રહિત થઇ કેવળ વૈરભાવથી મૃત્યુ પામ્યા હતા, તે સર્વે અસુરો અત્યારે દુર્વાસાના શાપથી ભગવાનનું ધર્મદેવ થકી પ્રાગટય થવાનું છે એમ જાણીને આ કળિયુગમાં ઉત્પન્ન થયા.૧૦-૧૧

તે અસુરો મૂર્તિદેવીએ સહિત ધર્મપ્રજાપતિને તથા મુનિઓને પીડીને શ્રીકૃષ્ણ સાથેના વૈરનો બદલો વાળવા ઇચ્છતા હતા. અને તેથી જ હે રાજન્ ! ધર્મદેવ આદિના પ્રાગટય પહેલાં જ પૃથ્વી પર સો એ સો અને હજારે હજાર અસુરોનાં ઝુંડે ઝુંડ મનુષ્યયોનિમાં ઉત્પન્ન થયાં.૧૨-૧૩

તે અસુરોને મધ્યે જે દૈત્યો અને દાનવો હતા તે રાજકુળોમાં જન્મી રાજાઓ થયા, જે બ્રહ્માના ગુહ્યઅંગમાંથી ઉત્પન્ન થયેલા યક્ષો અને રાક્ષસો હતા તે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણમાં જન્મ્યા.૧૪

આ અસુરો પોતાનો આસુરીભાવ ગુપ્ત રાખવાને માટે વિષ્ણુ, શિવ અને મહાકાળીની દિક્ષા ધારણ કરી સર્વે મનુષ્યોના ગુરુ થઇ પૂજાવા લાગ્યા.૧૫

એ સર્વે રાજાઓ તથા સાધુઓના રૂપમાં છાના અસુરો હોવાથી તે સર્વે શ્રીકૃષ્ણ પરમાત્મા સાથે વૈરબુદ્ધિ હોવાના કારણે પરમાત્માને પોતાના આત્માથી પણ અધિક વહાલા એવા વર્ણાશ્રમ ધર્મનું અને અતિશય વહાલી ભક્તિનું વારંવાર યુક્તિઓથી ખંડન કરવા લાગ્યા.૧૬

તેઓમાંથી ગુરુઓ બનેલા અસુરો વેનપુત્ર પૃથુભગવાનના યજ્ઞાનો ભંગ કરવા આવેલા ઇન્દ્રે સ્વીકારેલ અને પાછળથી છોડી દીધેલ પાખંડી વેષનો બહુ પ્રકારે આશ્રય કરી રહેવા લાગ્યા.૧૭

તે અસુરો બલ નામના અસુરના મુખમાંથી ઉત્પન્ન થયેલ ત્રણ પ્રકારની જે કામિની, સ્વૈરિણી અને પુંશ્ચલી સ્ત્રીઓ સાથે પરણી પોતાના ઇષ્ટદેવતાઓને નિવેદન કરેલા અન્ન, માંસ અને મદિરાનું બહુ પ્રકારે માહાત્મ્ય વર્ણવી તેના ભક્ષણમાં બહુ જ મોટા ફળની પ્રાપ્તિ થાય તેમ કહેવા લાગ્યા.૧૮

આ અસુરો ત્રણ પ્રકારના ઉપાયથી અર્થાત્ પાખંડી વેષે, સ્ત્રીલોલુપતા અને મદ્યમાંસના ભક્ષણનો મહિમા દેખાડી દૈવી ભોળા જીવાત્માઓને દંભથી છેતરી એ ભક્તોને પોતાના ધર્મે સહિત હરિભક્તિમાંથી ભ્રષ્ટ કરવા લાગ્યા.૧૯

મદ્ય, માંસ, પરદારા, રસાસ્વાદ અને પારકા ધનને વિષે આસક્ત તે અસુરો કલિયુગના પ્રભાવના સહારે વશીકરણ મંત્રો અને તેના મન્ત્રો દ્વારા લોકોને વશ કરી પોતાના શિષ્યો બનાવતા હતા.૨૦

મનુષ્યો પોતાને ધાર્મિક માની વિશ્વાસપૂર્વક સ્ત્રી, દ્રવ્ય અને માંસ આદી સારાં ભોજન અર્પણ કરે તેવી રીતની ક્રિયાઓ તે અસુરો કરવા લાગ્યા.૨૧

સ્ત્રી, ધન અને ભોજનની પ્રાપ્તિરૂપ પોતાના સ્વાર્થની સિદ્ધિને અનુકૂળ તે અસુરો કલ્પિત શાસ્ત્રના મનઘટત સિદ્ધાંતોથી લોકોને બ્રહ્મજ્ઞાન, ધર્મ અને ભક્તિનો ઉપદેશ આપવા લાગ્યા.૨૨

તે અસુરો સમગ્ર વેદને હિંસામયયજ્ઞા પરાયણ વર્ણવી યજ્ઞાના બહાને હજારો પશુ-પક્ષીઓનો સંહાર કરવા લાગ્યા.૨૩

તે પાપી અસુરો શ્રુતિ અને સ્મૃતિના અર્થોને અનેકવિધ શબ્દોના ભેદથી ઉલટા કરી પોતાની રુચિ અનુસારે વિપરીત રીતે વર્ણવતા હતા.૨૪

તે અસુરો બ્રહ્મરૂપ એવા પોતાના આત્માના સાક્ષાત્કારમાં વૈરાગ્ય કરતાં પણ સુરાપાનને મુખ્ય અને અધિક શ્રેષ્ઠ કહેતા હતા.૨૫

વિષ્ણુ, શિવ અને મહાકાળીના પ્રત્યક્ષ દર્શન અને પ્રસન્નતાનાં મુખ્ય સાધન મદ્ય, માંસ અને મૈથુન છે, તેમ તે અસુરો બીજાને કહેતા હતા.૨૬

અગ્નિહોત્રાદિ દેવકર્મમાં અને શ્રાદ્ધાદિ પિતૃકર્મમાં માંસબલિનું નિવેદન જ તે દેવતાઓની પ્રસન્નતાનું સાધન છે, તેમ તે અસુરો માનતા હતા અને તેથી જ સાત્ત્વિક એવાં દેવ દેવીઓનું પણ માંસાદિકથી વારંવાર નૈવેદ્ય કે પૂજન કરતા હતા.૨૭

પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે બ્રહ્મહત્યા આદિ પંચ મહાપાપોનું આચરણ કરનારા આ અસુરો દેવાલયોને વિષે પણ પરસ્ત્રીઓની સાથે વ્યભિચાર કર્મ કરતા હતા.૨૮

તે અસુરો મોટે ભાગે પવિત્ર તીર્થો, મંદિરો અને નગરોમાં નિવાસ કરીને રહેતા હતા. તેમાં કેટલાક તપસ્વીના વેષમાં હતા, અને કેટલાક અસ્ત્ર - શસ્ત્રને ધારણ કરનારા હતા.૨૯ જ્યાં પોતાના શિષ્યોની પ્રબળતા હોય ત્યાં જ પોતાનો પાપાચાર પ્રગટ કરતા અને બીજી જગ્યાએ તો ગુપ્ત રીતે પાપલીલા આચરતા હતા.૩૦

દુરાચાર ભરેલા પોતાના મતની પુષ્ટિને અર્થે તે અસુરો નવા ગ્રંથોની રચના કરતા અને વેદાદિ શાસ્ત્રોના અર્થો પણ પોતાના કલ્પિત ગ્રંથોને અનુસારે કરતા હતા.૩૧

તેવી જ રીતે અસુરાંશ રાજાઓ પણ આવા અસુર ગુરુઓનો આશ્રય કરી તેમની આજ્ઞામાં વર્તી ધર્મમર્યાદાઓનો ભંગ કરતા હતા.૩૨

હે રાજન્ ! રાજાઓ પણ જ્યારે અધર્મમાં પ્રવૃત્ત થયા ત્યારે તેમની પ્રજા પણ પૃથ્વીપર અધર્મ આચરવામાં નિર્ભય થઇ, કારણ કે 'જેવો રાજા તેવી પ્રજા' આ લોકપ્રસિદ્ધ ન્યાય છે.૩૩

પૃથ્વી પર સનાતન વૈદિક ધર્મનો સર્વત્ર ઉચ્છેદ થવા લાગ્યો જેથી બ્રહ્માદિ દેવતાઓ પણ દુર્બળપણાને પામ્યા.૩૪

કલિયુગના પ્રભાવથી વૃદ્ધિ પામેલા અસુરાંશ રાજાઓ તથા ગુરુઓ જ્યારે અધર્મને વિષે પ્રવૃત્ત થયા ત્યારે ધરતી વારંવાર કંપવા લાગી.૩૫

અને દુષ્ટ બુદ્ધિવાળા તે અસુરોના ભારને સહન કરવા સમર્થ ન થઇ. ભાગવતધર્મ, તીર્થો, દેવતાઓ અને સજ્જન પુરુષો પીડાવા લાગ્યા.૩૬

પૃથ્વી પર વારંવાર દુષ્કાળ પડવા લાગ્યા, વીજળી પડવા લાગી અને પ્રચંડ વાયુના વેગથી અનેક વિશાળ વૃક્ષો ધરાશાયી થવા લાગ્યાં.૩૭

હે ધરણીપતિ ! આ પ્રમાણે પૃથ્વી પર આવા પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા અને મનુષ્યોને વિષે અધર્મની પ્રવૃત્તિઓ થવા લાગી. તે સમયે મૂર્તિદેવીની સાથે ધર્મદેવે પૃથ્વીપર જન્મ ધારણ કર્યો. તેમજ મરીચ્યાદિ મુનિઓ અને ઉદ્ધવજી આદિએ પણ મનુષ્યયોનિમાં જન્મ ધારણ કર્યા.૩૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં પૃથ્વી પર અસુરોએ કરેલી દુરાચાર પ્રવૃત્તિનું નિરૂપણ કર્યું એ નામે દશમો અધ્યાય પૂર્ણ થયો. --૧૦--