અધ્યાય -૧૧ ધર્મદેવ અને ભક્તિદેવીનું પૃથ્વીપર પ્રાગટય.
ધર્મ અને ભક્તિના જન્મોત્સવનું નિરૂપણ કર્યું
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ઉત્તર કૌશલ દેશને વિષે સરયૂ નદીના ઉત્તર કિનારે 'ઇટાર' નામનું નગર આવેલું છે. આ નગરમાં ચારે વર્ણના મનુષ્યો નિવાસ કરે છે.૧
તેમાં લક્ષ્મણ શર્મા નામથી સુપ્રસિદ્ધ એક વિપ્રનો જન્મ થયો. તેમનું ગોત્ર સાવર્ણિ હતું. ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ્ આ ત્રણ તેમના પ્રવર હતા. તેમજ સામવેદી તે વિપ્રની કૌથમી શાખા હતી. તે લક્ષ્મણ શર્મા વિપ્રને ત્યાં વંસીધર નામના પુત્ર થયા. તેમના વેદમાન અને તેમના મહાબુદ્ધિશાળી કહ્નિરામ નામના પુત્ર થયા.૨-૪
તે કહ્નિરામ વિપ્ર કેટલાક કાળ પર્યંત મેહદાવ નામના નગરમાં રહ્યા હતા અને ત્યાંના સુરનેત્ર નામના રાજાના કુલપરંપરાના પૂજ્ય રાજપંડિત હતા, અર્થાત્ તે પાંડે અટકથી પ્રસિદ્ધ હતા.૫
તે કહ્નિરામ પાંડેને ત્યાં બાલશર્મા નામે પુત્રનો જન્મ થયો. આ બાલશર્મા વેદશાસ્ત્રમાં પારંગત અને ધર્મપ્રેમી હતા. તેમનું મન અતિ પવિત્ર હતું. તેઓ સત્યવાદી અને જીતેન્દ્રિય હતા.૬
બ્રહ્માજીના અંશભૂત અને પવિત્ર કુળ પરંપરામાં જન્મેલા આ બાલશર્મા અનેક યજ્ઞો કરતા હતા. તે ઉદારબુદ્ધિવાળા હતા, તેમજ વિદ્યા, શાંતિ, દયા, લજ્જા, સૌશીલ્ય આદિ અનંત કલ્યાણકારી ગુણોના ભંડાર હતા.૭
તે બાલશર્મા પાંડેને ત્યાં ભાગ્યવતી નામે પત્ની હતાં. તે પણ પતિવ્રતા નારીને ઉચિત અનંત શુભગુણોથી ભરપૂર હતાં. બાલશર્મા પણ પોતાની ભાગ્યવતી પત્ની સાથે સ્વધર્મનું પાલન કરવામાં નિરંતર તત્પર રહેતા.૮
સુવ્રતમુનિ કહે છે, હે નૃપ ! વિશુદ્ધ અંતઃકરણવાળાં આ દંપતીને જ પોતાનાં માતા-પિતા કરવાનો ધર્મદેવે મનથી દૃઢ નિર્ણય કર્યો.૯
ત્યારબાદ ધર્મે બાલશર્માના અંતઃકરણમાં પ્રવેશ કર્યો અને તે થકી માતા ભાગ્યવતી દેવીના ઉદરમાં ગર્ભરૂપ થઇ પ્રાકૃત મનુષ્યની માફક નિવાસ કરીને રહ્યા.૧૦
ગર્ભમાં પણ સ્વતંત્ર રહેલા મનુષ્યભાવનું નાટય કરતા ધર્મને દશમો મહિનો પ્રાપ્ત થતાં સત્પુરુષોને સુખ ઉપજાવવા માતા થકી પ્રગટ થવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી.૧૧
સમસ્ત વિશ્વને ધારણ કરનારા સ્વયં ધર્મનું આ પૃથ્વી પર પ્રાગટય થઇ રહ્યું છે, ત્યારે અતિ ઉત્સાહમાં આવી ગયેલા બ્રહ્માદિક દેવતાઓ નંદનવનમાંથી પુષ્પો લાવીને વિનયપૂર્વક બે હાથજોડીને આકાશમાં ઊભા રહી ધર્મના પ્રાગટયની પ્રતીક્ષા કરતા જયજયકાર કરવા લાગ્યા ને પોતાના હાથમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે, તે સમયે ધર્મના દ્રોહી અસુરોનાં અંતરમાં પોતાના વિનાશને સૂચવતો મહાત્રાસ ઉત્પન્ન થયો.૧૨
વિક્રમ સંવત્ ૧૭૯૬ માં પ્રમોદ નામના સંવત્સરમાં સૂર્ય જ્યારે દક્ષિણાયનમાં રહેલા હતા ત્યારે શરદઋતુમાં બુધવારે કાર્તિક સુદ એકાદશી તિથિના પવિત્ર દિવસે ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં વજ્રનામના યોગમાં, કલ્યાણી નામના કરણમાં તથા કુંભ લગ્નમાં, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર આ ચાર ગ્રહો કેન્દ્ર સ્થાનમાં રહેતાં ભાગ્યવતી દેવીએ મનુષ્ય શરીરધારી સાક્ષાત્ ધર્મને જન્મ આપ્યો.૧૩-૧૫
પૃથ્વી ઉપર સાક્ષાત્ ધર્મનું પ્રાગટય થતાં આકાશમાં રહેલા દેવતાઓ સુગંધીમાન પુષ્પની વૃષ્ટિ અને જયજયકાર કરતા દુંદુભિ આદિ અનેક પ્રકારનાં વાજિંત્રો વગાડવા લાગ્યા.૧૬
દેવતાઓએ મહા હર્ષની સાથે વગાડેલાં વાજિંત્રોનો મહાધ્વનિ ત્રિલોકમાં સર્વત્ર વ્યાપી ગયો છે.૧૭
તે સમયે સ્વર્ગમાં ભેળા થયેલા ગંધર્વો સુમધુર સ્વરે ગીતોનું ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ધર્મદેવના પ્રાગટય ભુવન ઉપર પુષ્પની વૃષ્ટિ કરતા મહા હર્ષવાળા દેવતાઓને ત્યાં મોટો ઉત્સવ થયો.૧૮-૧૯
ભૂમિ ઉપર નગર, ગામ અને નેસડાઓ આદિ સર્વત્ર મંગળ વર્તાવા લાગ્યું અગ્નિહોત્રીઓના યજ્ઞાકુંડમાં પ્રજ્વલિત અગ્નિઓ નિર્ધૂમ થયા.૨૦
તે સમયે સત્પુરુષોનાં મન અતિશય નિર્મળ થયાં. સરોવરોને વિષે કમળો ખીલ્યાં અને સાથે તેનાં જળ પણ અતિ સ્વચ્છ થયાં.૨૧
તે સમયે સુખાકારી મંદ સુગંધ અને શીતળ વાયુ વાવા લાગ્યો છે, વાદળાં વગરનું આકાશ નિર્મળ થયું છે, સિદ્ધો જય જયકારનો ધ્વનિ કરવા લાગ્યા છે અને ઋષિમુનિઓ ધર્મને રૂડા આશીર્વાદ આપી રહ્યા છે.૨૨
તે સમયે ધર્મશાસ્ત્રમાં પ્રવીણપિતા બાલશર્મા વિપ્રે પુત્ર જન્મના આનંદથી હર્ષઘેલા થઇ તત્કાળ વસ્ત્રે સહિત સ્નાન કર્યું. ત્યાર પછી આંગણે આવેલા બ્રાહ્મણોનું પૂજન કર્યું અને તેઓના કહેવા પ્રમાણે પુત્રનો જાતકર્મ સંસ્કાર કર્યો. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણોને દાન દીધાં.૨૩
બાળકનું શરીર અતિ કોમળ હોવા છતાં મચ્છર આદિ સૂક્ષ્મ જંતુઓના દંશની પીડાને સહન કરતા હતા અને ક્યારેય પણ રૂદન કરતા ન હતા. આ પ્રકારની બાળકની સહનશીલતા જોઇને બુદ્ધિમાન પુરુષો અને સ્ત્રીઓ પણ તેને ''આ બાળક પૂર્વના કોઇ મોટા યોગી છે'' એમ જાણવા લાગ્યા.૨૪
બાળક ધર્મદેવનું શરીર નવીન મેઘની સમાન શ્યામ સુંદર અને પ્રકાશમાન હતું. જાનુ પર્યંત લાંબી ભૂજાઓ હતી. મંદમંદ હાસ્યથી સુંદર તેમનું મુખારવિંદ અતિશય શોભતું હતું. આ બાળક મનુષ્ય નાટયને કરતા કોઇ ઇશ્વરનો અંશ છે એમ માની બન્ને માતા પિતા અતિશય હર્ષને પામતાં હતાં.૨૫
જન્મથી બારમે દિવસે પિતા બાલશર્માએ વિધિપ્રમાણે પુત્રનો નામકરણ સંસ્કાર કર્યો. આ બાળકની અંગકાંતિ દેવ સમાન સુંદર હોવાથી પૃથ્વી પર ''દેવશર્મા'' એવા નામથી વિખ્યાત થાઓ. એ પ્રમાણે પિતા અને સંબંધીજનો કહેવા લાગ્યા.૨૬
આ પ્રમાણે પિતા બાલશર્માએ પુત્રનો નામકરણ સંસ્કાર કર્યો. આ બાળક દિવસે દિવસે વધુને વધુ પોતાના પિતાના મનને પોતા તરફ ખેંચતા જતા હતા. એમ કરતાં પોતાના સંબંધીજનો અને ઇતરજનોના અંતરમાં વારંવાર દર્શનની ઇચ્છા જન્માવે તેવા અતિશય દર્શનીય થયા.૨૭
અભૂતપૂર્વ શોભાનો ભંડાર આ બાળક દેવશર્મા દિન પ્રતિદિન તત્કાળ વૃદ્ધિ પામવા લાગ્યા. શ્યામ સુંદર શરીર અને ચંદ્ર સરખી કાંતિવાળા આ દેવશર્માને સુંદર દાંત ઉગ્યા. ત્યાર પછી સમગ્ર જનોનાં મનને હર્ષ ઉપજાવે તેવી કાલીઘેલી અસ્પષ્ટ મધુર વાણીનું પ્રથમવાર ઉચ્ચારણ કર્યું.૨૮
તેમણે વેદોક્ત વિધિથી અન્નપ્રાશન આદિ સમગ્ર સંસ્કારો પિતા બાલશર્મા થકી ક્રમશ પ્રાપ્ત કર્યા. મુંજની મેખલા ધારણ કરી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરી જેના કંઠે પ્રાણ આવી ગયેલા છે એવાં બ્રહ્મચર્યવ્રતને પુનઃ જીવન આપતા હોય તેમ તેનું દૃઢ પાલન કરતા તે દેવશર્માએ ગુરુકુલમાં નિવાસ કરી અંગે સહિત વેદોનું બાર વર્ષ પર્યંત અધ્યયન કર્યું. ત્યાર પછી અધ્યાપક ગુરુને ઇચ્છિત વસ્તુઓનું દાન કરી સંતોષ પમાડી ક્રમશ આવતો બ્રહ્મચર્યવ્રતનો સમાવર્તન નામનો સંસ્કાર પ્રાપ્ત કર્યો.૨૯
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારપછી સ્નાતકવ્રતમાં પ્રવેશેલા દેવશર્માએ પોતાના સમાન ગુણવાળી તથા ઉચ્ચ કુળમાં જન્મેલી યોગ્ય કન્યાની સાથે પરણવાની ઇચ્છા કરી.૩૦
એ જ ઉત્તર કૌશલ દેશમાં મનોરમા નામે સુંદર નદી વહી રહી છે. તેને કિનારે પાપના સમૂહોનો વિનાશ કરનાર ''મખોડા'' નામનું પ્રસિદ્ધ તીર્થસ્થાન આવેલું છે.૩૧
તેની ઉત્તરદિશામાં છપૈયા નામનું નાનકડું રળિયામણું પ્રસિદ્ધ ગામ આવેલું છે. ચારે વર્ણના મનુષ્યો આ ગામમાં રહે છે. આ ગામની ભૂમિ યજ્ઞા કરનારા પુરુષોને માટે અતિ પ્રિય છે.૩૨
નિર્મળ જળથી ભરેલા અતિ વિશાળ નારાયણ સરોવરથી અતિશય શોભતું આ ગામ ઉગેલા અનેક પ્રકારના વિશાળ વૃક્ષોથી અતિશય સોહામણું લાગે છે.૩૩
આવાં છપૈયા ગામમાં કૃષ્ણશર્મા નામના સરવરીયા બ્રાહ્મણ રહેતા હતા, તે મહા વિદ્વાન અને જીતેન્દ્રિય પુરુષ હતા, તેમનાં ભવાનીદેવી નામે પતિવ્રતા પત્ની હતાં.૩૪
તે બન્ને દંપતી પવિત્ર અને હૃદયથી નિષ્કપટ હતાં. તેઓ પરાત્પર પરમાત્મા ભગવાન શ્રીવાસુદેવની પ્રતિદિન પરમ એકાંતિકી ભક્તિપરાયણ જીવન જીવતાં હતાં.૩૫
હે રાજન્ ! વિક્રમ સંવત્ ૧૭૯૮ ના કાર્તિક સુદી પૂર્ણિમાની પવિત્ર તિથિએ બુધવારે કૃતિકા નક્ષત્રમાં પરિધયોગમાં પૂર્ણિમાના ચંદ્રમાએ પોતાનાં કુંકુમવર્ણાં કિરણોથી પૂર્વ દિશાને જ્યારે શોભાયમાન કરી ત્યારે પ્રકાશમાન દિવ્ય શરીરધારી ધર્મદેવનાં સહચારિણી, શીલ અને સૌભાગ્ય લક્ષણે સંપન્ન તથા અનેક વિધ સદ્ગુણોથી સુશોભિત સાક્ષાત્ મૂર્તિદેવીનું મા ભવાની અને પિતા કૃષ્ણશર્માને ત્યાં પુત્રીરૂપે પ્રાગટય થયું.૩૬-૩૮
દુર્વાસા મુનિના શાપને કારણે જે સમયે મૂર્તિદેવીનું આ ભૂમિ ઉપર પ્રાગટય થયું ત્યારે મનુષ્યો અને દેવતાઓના અંતરમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્રવણ, કિર્તન આદિ નવધા ભક્તિ કરવાનો અનેરો ઉત્સાહ વૃદ્ધિ પામ્યો. તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં પ્રત્યેક મંદિરોમાં અતિશય મોટા ઉત્સવો થયા.ભૂમિને ભાર હળવો થયો. અને તે જ સમયે અસુરોના સમૂહોને કંઠે જાણે પ્રાણ આવી ગયા હોય તેમ મરણ અવસ્થાને નજીક પહોંચ્યાની અનુભૂતિ થઇ.૩૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મ અને ભક્તિના જન્મોત્સવનું નિરૂપણ કર્યું એ નામે અગિયારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૧--