અધ્યાય - ૨૭ - ધર્મ પરિવારનું પુણ્યક્ષેત્રમાં નિવાસાર્થે છપૈયાથી અયોધ્યાપુર ગમન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! બ્રાહ્મણ શ્રેષ્ઠ હરિપ્રસાદજી વિપ્ર પોતાને ગામ છપૈયાપુરમાં અસુરોના ઉપદ્રવો વારંવાર થતા હતા તે જોઇને ત્યાં બહુ રહેવાને ઇચ્છતા ન હતા. તેથી પોતે ધન-ધાન્ય આદિક સંપત્તિથી સમૃદ્ધિમાન હોવા છતાં પુણ્યક્ષેત્ર એવા અયોધ્યાપુરીમાં નિવાસ કરવાની વિશેષ રુચિ રાખી. તેથી છપૈયાપુરીનો તત્કાળ ત્યાગ કરી અયોધ્યા જવાની તૈયારી કરી.૧-ર
હે નૃપ ! ઘરની સર્વે સામગ્રી ગાડાંઓમાં ભરી પ્રિય પત્ની ભક્તિદેવી તેમજ પુત્ર રામપ્રતાપ આદિ પરિવારની સાથે ધર્મદેવ અયોધ્યાનગરી તરફ જવા નીકળ્યા.૩
હે રાજન્ ! તે સમયે ધર્મદેવ મોટાપુત્ર રામપ્રતાપજીની સાથે એક ગાડાં ઉપર બેઠા, અને બીજા ગાડાંમાં પુત્રવધુ સુવાસિનીની સાથે ભક્તિદેવી પોતાના લાડલા પુત્ર શ્રીહરિને ખોળામાં લઇને બેઠાં.૪
પછી માર્ગમાં શ્રીહરિની ઉદાર કાલીકાલી મધુરવાણીને સાંભળતાં સાંભળતાં અને તેમના મનોહર મુખકમળની શોભાને વારંવાર જોતાં મહાઆનંદના સાગરમાં નિમગ્ન થયેલાં તેમને કેટલો માર્ગ કપાયો તથા સામે કોણ મનુષ્યો મળ્યાં વગેરેનો કોઇ ખ્યાલ રહ્યો નહિ.૫
હે રાજન્ ! ઉદાર બુદ્ધિવાળા ધર્મદેવ પોતાના પરિવારજનોની સાથે દિવસના ચૌદમા મુહૂર્તમાં સાયંકાળે સરયુગંગાના મનોહર તીરે પહોંચ્યા, સમુદ્રની પરમપ્રિયા પત્નીસ્વરૂપા સરયુગંગાનાં દર્શન કરવા લાગ્યાં ને મહિમા વિચારવા લાગ્યાં કે, આ સરયુગંગામાં કોઇ સ્નાન કરે કે માત્ર તેનું દર્શન કરે, તેટલા માત્રથી મનુષ્યોનાં સર્વે પાપના પુંજો નાશ પામે છે. કારણ કે, દશરથપુત્ર સાક્ષાત્ ભગવાન શ્રીરામચંદ્રજીની જળક્રીડાથી આ સરયુગંગાનું જળ, અત્યંત પવિત્ર થયેલું છે. અને વળી આ નદી 'સરયુ' એવા નામનું ઉચ્ચારણ કરવા માત્રથી સર્વ પાપને ભય ઉપજાવે છે.૬-૭
વળી આ સરયુગંગા કેવી શોભી રહી છે ? વિશાળ જળપ્રવાહમાં મોટાં મોટાં ગામ અને નગરની ઉપમા આપી શકાય તેવી મહાનૌકાઓથી તે બહુજ શોભે છે. તેમજ ચારે તરફ મધુર શબ્દોનો ધ્વનિ કરતા જળતરંગોથી પણ તે અતિશય શોભે છે. જનસમૂહે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને ફળથી પૂજા કરી હોવાથી જળમાં તરતાં ફુલ દીવાથી તે અતિશય શોભે છે. જળની અંદર રહેલાં માછલાં વગેરે જળચર પ્રાણીઓની જળક્રીડાથી પણ સરયુગંગા અતિશય શોભે છે. આ રીતે સર્વે શોભા સંપન્ન સરયૂગંગાના ગુણોનું વર્ણન કવિજનો પણ ગાય છે.૮-૯
આ સરયુગંગા કેટલી મહાન છે ? તેનું ઉદ્ગમસ્થાન હિમાલયનું માનસરોવર છે. માનસરોવર નિવાસી હંસો ત્યાં મધુર શબ્દો કરી તેની શોભા વધારી રહ્યા છે. કિનારા ઉપર ઉગેલાં વૃક્ષોની પંક્તિઓ જળમાં પ્રતિબિંબિત થતાં સરયુગંગા અતિ મનોહર લાગે છે. મનની વિશુદ્ધિ ઈચ્છતા જનો આ સરયુગંગાનું સેવન કરે છે. હે રાજન્ ! આ પ્રમાણે ધર્મદેવે સરયુગંગાનું અવલોકન કરતાં કરતાં મહિમા વિચાર્યો. અને ત્યારપછી પોતાના પોષ્ય વર્ગની સાથે નાવમાં બેસી મહાનદી એવી સરયુના સામે કિનારે ઉતર્યા, તથા નૌકામાં મૂકેલી પોતાની સમગ્ર ઘરવખરી ઉતારી લીધી.૧૦-૧૧
મુક્તિપ્રદ અયોધ્યાનગરીનું વર્ણનઃ- હે રાજન્ ! આ પ્રમાણે ધર્મદેવ અયોધ્યાપુરીમાં પધારી મનમાં બહુ પ્રસન્ન થયા છે. તેવામાં સૂર્યનારાયણ લાલરંગની કાંતિ ધરીને પશ્ચિમદિશામાં અસ્ત પામ્યા છે.૧ર
તે સમયે સર્વેજનોએ સરયુગંગાના કિનારે રહેલા મહેલોમાં અને આવાસોમાં હજારો દીપમાળાઓ પ્રગટાવી છે. તેનાં પ્રતિબિંબો પાણીમાં પડવાથી સરયુગંગા દીપમય બની અત્યંત શોભી ઉઠી છે.૧૩
તેમ જ તે સમયે સરયુગંગાને તીરે સંધ્યાવંદનાદિ ક્રિયાને કરતા બ્રાહ્મણોને જોઇ ધર્મદેવે પણ સ્નાન કર્યું તથા ક્રિયાવિધિમાં નિપુણ હોવાથી પૂર્વમુખે બેસી સાયંસંધ્યાની ઉપાસના કરી. આ પ્રમાણે સરયુગંગાના સ્વર્ગદ્વાર નામના તીર્થમાં સ્નાન કરી સંધ્યાવંદન કરી ધર્મદેવે ત્યાં લક્ષ્મણજીના મંદિરમાં અતિ હર્ષથી દર્શન કર્યાં.૧૪-૧૫
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારપછી તુલસી તથા પુષ્પનાં વૃક્ષો અને ફળનાં અનેક વૃક્ષોથી શોભી રહેલાં તે સ્વર્ગદ્વાર તીર્થમાંથી ધર્મદેવ આદિ પરિવારે અયોધ્યાનગરીમાં પ્રવેશ કર્યો, જે નગરીને વ્યાસમુનિ, વાલ્મીકી આદિ શ્રેષ્ઠ પુરુષોએ મુક્તિ આપનાર નગરી કહી છે.૧૬
આ નગરીનું નિર્માણ સ્વયં વૈવસ્વત મનુએ કર્યું છે. અને આ નગરી સરયુગંગાના કિનારે કિનારે બાર યોજન લાંબી અને ત્રણ યોજન વિસ્તારવાળી છે, વળી આ નગરી ઇક્ષ્વાકુવંશમાં ઉત્પન્ન થયેલી સૂર્યવંશી રાજાઓની રાજધાની તરીકે ઓળખાય છે. જે નગરીમાં સ્વયં ભગવાન સાક્ષાત્ શ્રીરામચંદ્રજી પ્રગટ થયા હતા.૧૭-૧૮
આ નગરી ફળ અને પુષ્પોના ભારથી નમી ગયેલાં અનેક વૃક્ષો અને લતાઓથી તથા વાવ, કૂવાઓ અને શોભાયમાન બહુ પ્રકારની પુષ્પવાટિકાઓથી ચારે તરફ શોભી રહી છે. જે નગરીમાં નાના માર્ગો અને મોટા રાજમાર્ગો તથા દુકાનોની પંક્તિઓ તથા ચોક અને આંગણાંઓ સફાઇ કરી સ્વચ્છ કરેલાં છે, જે નગરીનાં ઘરનાં દ્વારોનું દહીં, ચોખા, કુંકુમ આદિ અનેક શુભ દ્રવ્યોથી નિત્ય પૂજન થાય છે.૧૯-૨૦
અને વળી કૈલાશ પર્વતના શિખરોની ઉપમા આપવા લાયક એવા વિશાળ અને ઊંચા સાત સાત માળના મહેલો પંક્તિબદ્ધ શોભી રહ્યા છે, તે મહેલો શ્વેતવર્ણના છે. તથા આ નગરીમાં સન્યાસીઓના તથા વૈરાગીઓના મઠ અને મંદિરો પણ આવેલાં છે.ર૧
તેમજ આ નગરીમાં બ્રાહ્મણઆદિ ચારે વર્ણના મનુષ્યો પોતપોતાની જાતિના છૂટા છૂટા વિસ્તારમાં આવેલા ભવનોમાં રહે ત. અને ધર્મનંદન શ્રીહરિના પ્રતાપથી પોતપોતાના વર્ણાશ્રમને યોગ્ય ધર્મનું સુચારુ પાલન પણ કરે છે.૨૨
અને વળી ઝૂલોથી શણગારેલા ભદ્ર, મંદ, મૃગ અને મિશ્ર આ ચાર પ્રકારના હાથીઓ તથા સુલક્ષણા અને પવનની સમાન વેગવાળા અશ્વો તથા ભદ્રજાતિના હાથી જેવા મદોન્મત્ત આંખલાઓથી આ નગરી અત્યંત ભરચક છે.૨૩
સુવ્રતમુનિ કહે છે, હે નિષ્પાપ રાજન્ ! આવી આ શોભાયમાન અયોધ્યા નગરીમાં સંધ્યા સમયે પ્રત્યેક રામજી મંદિરમાં થતી આરતી પદ્યગાન, વીણા, મૃદંગ, શંખ, કાંસા, કરતાલ, ઝાલર, તુરઇ, નગારાં આદિ અનેક વાજિંત્રોના મધુર નાદને સાંભળતા સાંભળતા તેમજ પ્રગટેલા અનેક દીવડાઓની પંક્તિઓથી શોભતી તથા અનેક પ્રકારની દુકાનોની પંક્તિઓથી શોભતી શેરીઓની શોભાને નિહાળતા, તથા દેવ સમાન જણાતા ત્યાંના મનુષ્યોને જોતા જોતા પરિવારે સહિત ધર્મદેવ આખી અયોધ્યાનગરીને પાર કરી રામઘાટની સમીપે રહેલા બરહટ્ટા નામના શાખાનગરમાં પધાર્યા, અહિં પણ ચારે વર્ણના મનુષ્યો રહે છે.૨૪-૨૬
હે રાજન્ ! અહીં ત્રેતાગ્નિમાં હોમ કરેલા હવિષ્યાન્નની સૌરભને સુંઘતા પરિવારે સહિત ધર્મદેવે તે બરહટ્ટા શાખાનગરમાં રહેલા પોતાના પ્રાચીન ઘરમાં નિવાસ કર્યો. અહીં ધર્મદેવ નિરંતર સરયુગંગામાં ત્રિકાલ સ્નાન સંધ્યાવંદન વગેરે નિત્યકર્મ કરતા હતા અને ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણની નવધા ભક્તિ પણ કરતા હતા.૨૭-૨૮
પિતાનું અનુકરણ કરતા શ્રીહરિ :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! બાળચેષ્ટા કરતા શ્રીહરિ પણ પિતા ધર્મદેવને ભક્તિ કરતા જોઇ સ્વયં ભગવાન હોવા છતાં પિતાનું અનુકરણ કરતા હતા.ર૯
શ્રીહરિ બાલ્યાવસ્થામાં રહેવા છતાં સાધુપુરુષોને શોભે તેવા નિર્મત્સરાદિ તથા દયા આદિ ગુણોથી યુક્ત થઇ ભગવાનની પૂજા કરવી આદિ શુભ ક્રિયામાં પ્રીતિ રાખતા, પરંતુ લૌકિક રમકડાંઓની સાથે રમવાની તેમને ક્યારેય રુચિ થતી નહિ.૩૦
શિયાળાની ઋતુ હોવા છતાં પ્રતિદિન પ્રાતઃકાળે કર્મઠ પીઢ બ્રાહ્મણની જેમ ભક્તિમાતાની સાથે સરયુગંગામાં સ્નાન કરવા જતા.૩૧
સ્નાન કરી ઘેર પાછા આવ્યા પછી બાળકને ઉચિત પૂજાની સામગ્રી લઇ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતા હતા, ક્યારેક શ્રીહરિનું મન પૂજામાં એટલું તલ્લીન થઇ જતું કે ભોજન વગેરેને પણ ભૂલી જતા.૩ર
ક્યારેક શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનમાં એટલા ડૂબી જતા કે માતા ભક્તિ, પિતા ધર્મદેવ કે તથા પોતાના સખા બાળકો બોલાવે છતાં લાંબો સમય સુધી તે સાંભળતા નહીં.૩૩
બાલ્યા અવસ્થાથીજ ભગવાનનાં કથાકીર્તનો કરવામાં અને સાંભળવામાં ઉત્સુક રહેતા, અને અયોધ્યાના મંદિરોમાં વંચાતી રામાયણની કથાને બહુવાર સુધી સાંભળતા.૩૪
હે રાજન્ ! બાલ્યાવસ્થા હોવા છતાં શ્રીહરિ ધર્મભક્ત સત્પુરુષોનો સમાગમ કરતા, તેથી ભક્તવત્સલ ભગવાન શ્રીજાનકીનાથને વિષે તેમને ગાઢ અનુરાગ થયો.૩૫
બાળશ્રીહરિનું મહાપંડિત જેવું વર્તન :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આમ કરતાં શ્રીહરિની પાંચ વર્ષની અવસ્થા થઇ. હવે તેમણે લૌકિક રમતગમતની બુદ્ધિ સહજ છોડી દીધી, અને આ પૃથ્વી ઉપર સત્શાસ્ત્ર પ્રતિપાદિત વિશુદ્ધ સાધુતાના માર્ગનું પ્રવર્તન કરવા સ્વયં પ્રતિદિન પ્રાતઃકાળે સરયુગંગામાં સ્નાન કરવા જતા. ત્યારપછી નિત્યે અતિ આદરપૂર્વક અયોધ્યાપુરીના રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના તમામ મંદિરોમાં દર્શન કરવા જતા.૩૬
આ રીતે શ્રીહરિ સીતા, લક્ષ્મણ અને હનુમાનજીએ સહિત રામચંદ્રજીનું ભજન સ્મરણ કરતા, અને મંદિરોમાં વંચાતી કથા સાંભળતા. એમ કરતાં સંપૂર્ણ ભાગવતપુરાણ અને સંપૂર્ણ રામાયણનું શ્રવણ તેણે કર્યું. આવી રીતે વર્તતા ભગવાન શ્રીહરિને માતા-પિતા, ગાય આદિ પશુ, દ્રવ્ય, મિત્રો કે સમૃદ્ધિસભર ઘર વગેરે સાંસારિક પદાર્થોમાં ક્યાંય સ્નેહ બંધાયો નહીં.૩૭
આમ સદાય અનાસક્ત રહેતા, ઘરમાં ભગવાનના એકાંતિક ભક્ત પોતાના પિતા ધર્મદેવ થકી તેમણે સંપૂર્ણ એકાંતિક ભાગવત ધર્મનું શ્રવણ કરેલું. તેમજ શ્રૌત અને સ્માર્ત ધર્મમાં નિપુણ ધર્મદેવ થકી સમગ્ર વર્ણાશ્રમના ધર્મોનું શ્રવણ કરતા તથા માતા ભક્તિદેવીના મુખેથી સધવા તેમજ વિધવા નારીઓના સમસ્ત ધર્મોનું પણ શ્રવણ કરતા. હે રાજન્ ! આ રીતે ભગવાન શ્રીહરિ સ્વયં સર્વજ્ઞા હોવા છતાં પણ મનુષ્યભાવનું અનુકરણ કરતા હોવાથી બાલ્યાવસ્થામાં જ મહાન પંડિત જેવા થયા.૩૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવ પરિવાર સાથે અયોધ્યા પધાર્યા તથા સરયુગંગાનું નિરૂપણ કર્યું. એ નામે સત્તાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૭--