અધ્યાય - ૨૮ - શ્રીઘનશ્યામ પ્રભુનો વિદ્યારંભ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિ પાંચ વર્ષના થયા ત્યારે સંવત ૧૮૪૧ ના ચૈત્ર સુદ બીજના શુક્રવારે અશ્વિની નક્ષત્રમાં અને સિંહ લગ્નમાં પિતા ધર્મદેવે શ્રીહરિને વિદ્યારંભ કરાવ્યો. (શ્રીઘનશ્યામ પ્રભુને અક્ષરજ્ઞાન મેળવવા બેસાડયા.)૧
તેમાં પ્રથમ શ્રીહરિદ્વારા ધર્મદેવે ગણપતિજીનું પૂજન કરાવ્યું. અને ત્યારપછી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીલક્ષ્મીનારાયણ દેવ, સરસ્વતી દેવી, સામવેદ અને ગોભિલ આચાર્યનું પૂજન કરાવ્યું. ઘીથી હોમ કરી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. અને તે સર્વેને શક્તિ પ્રમાણે ગાયો અને સુવર્ણનાં દાન અપાવ્યાં.ર-૩
હે રાજન્ ! વિદ્યાનો પ્રારંભ કર્યા પછી થોડા સમયમાંજ કુશાગ્ર બુદ્ધિવાળા શ્રીહરિ સર્વે વર્ણાક્ષરો અને અંકાક્ષરો શીખી ગયા. ત્યારપછી પિતા પાસેથી પાઠ લઇ બધા સંસ્કૃત અને પ્રાકૃત બધા ગ્રંથોનું વાંચન કરવા લાગ્યા.૪
અને પોતાના પુત્ર શ્રીહરિની આવી તીક્ષ્ણ બુદ્ધિ જોઇ ધર્મદેવે પરમ આદરથી વેદનાં છ અંગો જે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત છે તેનો પણ અભ્યાસ કરાવ્યો.પ
આ રીતે શ્રીહરિએ યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કર્યા પહેલાં જ અનાયાસે વેદનાં સર્વે અંગોનો અભ્યાસ સંપૂર્ણ કર્યો. તેથી પિતાને અતિ હર્ષ થયો.૬
આમ અભ્યાસ તથા ભગવાનની પૂજા અર્ચનારૂપ બાળક્રીડાથી કૌમાર અવસ્થા પૂર્ણ કરી, શ્રીહરિએ પૌગંડઅવસ્થામાં પ્રવેશ કર્યો.૭
ઈચ્છારામભાઈનો જન્મઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિ છ વર્ષના થયા ત્યારે સંવત ૧૮૪૨ ના વૈશાખ સુદિ બીજના રવિવારે બ્રાહ્મમુહૂર્તમાં પ્રાતઃ સમયે મા ભક્તિદેવીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર પ્રદ્યુમ્ન સમાન ગુણવાન હતા, તેમજ અન્ય જનોને માટે આદરણીય અને પૂજનીય ગુણો ધરાવતા હતાપ્. તે હમેશાં ભગવાન શ્રીહરિની ઇચ્છાને અનુસરતા હોવાથી ''ઇચ્છારામ'' એવા નામથી પ્રસિદ્ધિને પામ્યા.૮-૯
શ્રીહરિનો દૈનિક ક્રમ અને શ્રીરામચંદ્ર ભગવાનની પૂજા :- હે રાજન્! ભગવાન શ્રીહરિ પ્રતિદિન રાત્રીના છેલ્લા પ્રહરમાં સ્નાન કરવા માટે સરયુગંગા પ્રત્યે જતા. ત્યાર પછી શ્રી રામચંદ્રાય નમઃ એ મંત્રથી ચંદન, પુષ્પ, ચોખા, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરી શ્રીરઘુનાથજીની પૂજા કરતા. આ રીતે ભગવાનને અર્પણ કરેલા પદાર્થોથી જ પોતાના શરીરનો નિર્વાહ કરતા હતા, ભગવાનને અર્પણ કર્યા સિવાયની વસ્તુ એકેય વસ્તુ સ્વીકારતા નહિ.૧૦-૧૧
હે રાજન્ ! શ્રીહરિ સ્નાન કરી પવિત્ર થઇ ''રામ'' નામ મંત્રનો જપ કરવા માટે તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી માળા જમણા હાથમાં લઇ દરરોજ ફેરવતા હતા. નાના હોવા છતાં પણ નિત્યે સરયુગંગામાં સ્નાન કરવા જવું, ભાલમાં સુંદર ઉર્ધ્વપુંડ્ર તિલકે સહિત ચાંદલો કરવો, ભૂખ તરસને સહન કરી રામકૂટની પ્રદક્ષિણા કરવી, આ બધું જોઇને લોકોને મહાઆશ્ચર્ય થતું.૧૨-૧૩
ભગવાન શ્રીહરિ શ્રીરામચંદ્રજીનાં દર્શન કરવા માટે પ્રતિદિન જન્મસ્થાને જતા, લક્ષ્મણઘાટે લક્ષ્મણજીનાં દર્શન કરવા પણ જતા. તેમજ વિદ્યાકુંડ તથા સૂર્યકુંડે પણ પ્રતિદિન જતા. રામાયણની કથા સાંભળવાથી શ્રીહરિ શ્રીરામચંદ્રજીનો મહિમા અંતરમાં ખૂબ સમજતા, તેથી જન્મભૂમિમાં શ્રીરામચંદ્રજીનાં દર્શન કરી દંડવત્ પ્રણામ કરતા અને આ અષ્ટકથી શ્રીરામચંદ્રજીની સ્તુતિ કરતા.૧૪-૧૫
શ્રીરામચંદ્ર સ્તુતિ-અષ્ટકઃ- હે પતિતપાવન ! હે અતિ કરુણાના સાગર ! હે શ્રી રામચંદ્રજી ભગવાન્ ! આપને હું નિરંતર ભજુ છું, કારણ કે તમે જીવો ઉપર નિર્હેતુકી દયા કરનારા છો. જેમ કે ગૌતમપત્ની અહલ્યાને તમે મુક્તિ આપી, એ ઇન્દ્રના પ્રસંગરૂપ પોતાના પાપકર્મથી ગૌતમમુનિના શાપે પથ્થરની શિલા થઇને મહાદુર્ગતિને પામી હતી. તે બિચારી નિર્જન જંગલમાં એકલી અટૂલી પડી હતી. તેની પાસે છૂટવાનો કોઇ ઉપાય નહોતો. તેને તમે તમારા ચરણનો સ્પર્શ કરાવી તત્કાળ શાપ થકી મૂકાવીને પૂર્વવત પવિત્ર કરી હતી.૧૬
હે રામ ! વળી તમે કેવા પતિત પાવન છો. તમોગુણપ્રધાન અને હિંસક પ્રકૃતિવાળા કુળમાં જન્મેલા, સ્વભાવથી અતિશય ક્રૂર અને ઘોર જંગલમાં નિવાસ કરનારા મનુષ્ય હોવા છતાં પશુ તુલ્ય જીવન જીવનારા અબુદ્ધ એવા નિષાદપતિ ગૃહરાજને પણ તેની નાત-જાત જોયા વિના પ્રેમ અને કરુણાથી ભેટી પડયા હતા. એવા હે કરુણાના સાગર ! શ્રીરામચંદ્રજી ભગવાન તમને હું નિરંતર ભજું છું.૧૭
હે પ્રભુ ! તમે કેવા દયાળુ છો, ઇન્દ્રપુત્ર જયંત કાગડાનું રૂપ લઇ ચાંચનો પ્રહાર કરીને સીતાજીનો અપરાધ કર્યો, ત્યારે તે જયંત તમારા બાણથી વધ કરવા યોગ્ય હતો. છતાં તમે તેને માર્યો નહિ ને દયા કરીને ત્રિલોકીમાં ખૂબ ભમાવી ખૂબ થકાવ્યો ને ચારે બાજુ કોઇ રક્ષણ કરનારું ન મળ્યું ત્યારે શોકથી ઘેરાઇ તમારે શરણે આવ્યો. તેને તમે તમારું શરણાગતની રક્ષાનું બિરુદ યાદ કરી તમારા બાણના ભયથી મુક્તિ આપી, જવા દીધો. એવા હે કરુણાના સાગર શ્રીરામચંદ્રજી ભગવાન્ ! તમને હું નિરંતર ભજું છું.૧૮
હે અધમ ઓધારણ ! તમે કેવા પ્રેમાળ છો, જાતિએ કરીને હીન ભીલજાતિમાં જન્મેલી એક શબરી નામની સ્ત્રી હતી, જંગલમાં તે બોરડીનું રક્ષણ કરતી ને તમારાં દર્શનની રાહ જોઇને બેઠી હતી. અંતર્યામી તમે દયા કરીને તમારું દર્શન તેને કરાવ્યું ને તેના પ્રેમને વશથઇ તેણે આપેલાં બોર પણ જમ્યા. એવા હે જાનકીવલ્લભ શ્રીરામચંદ્રજી ભગવાન્ ! તમને હું નિરંતર ભજું છું.૧૯
હે સર્વના માલિક ! તમે કેવા સ્નેહી છો, એક માંસાહારી પક્ષીની યોનિમાં જન્મેલા ગીધરાજ જટાયુએ ન તો કોઇ વ્રત કર્યું કે ન તો કોઇ તપ, અને ન તો કોઇ પ્રકારનાં દાન કર્યાં, છતાં પુત્ર જેમ પિતાની અંતિમ ક્રિયા કરે તેમ તેની પણ તમે અંતિમ ક્રિયા પ્રેમપૂર્વક કરી હતી. એવા હે કરુણાના સાગર શ્રીરામચંદ્રજી ભગવાન્ ! તમને હું નિરંતર ભજું છું.૨૦
હે સર્વના સાચા મિત્ર ! તમે કેવા વચનપાલક છો, પોતાના સગાભાઇ વાલીથી સતત ભયભીત રહેલા, ઘરબાર વગરના એવા વાનરાધિપતિ સુગ્રીવને પોતાને શરણે આવેલો જાણી એક વાનર હોવા છતાં તેની સાથે તમે પ્રેમપૂર્વક મિત્રતા કરી વચન નિભાવવા મોટાભાઇ વાલીનો તત્કાળ વધ કરીને તેમને તેના રાજ્ય સિંહાસનની ગાદી ઉપર બેસાડયો હતો. એવા હે કરુણાના સાગર શ્રીરામચંદ્રજી ભગવાન્ ! તમને હું નિરંતર ભજું છું.૨૧
હે શરણાગત વત્સલ ! પોતાના શત્રુ એવા રાવણનો નાનો ભાઇ વિભીષણ એક અવિશ્વસનીય રાક્ષસકુળમાં ઉત્પન્ન થયો હતો છતાં પણ પોતાના ચરણને શરણે આવેલો છે, એવું દૂરથી નિહાળી, પ્રસન્ન થઇ તત્કાળ તેની સન્મુખ જઇને જેમ પોતાના સગાભાઇ લક્ષ્મણજીને ભેટો, તેમ તેને ભૂજાઓ ભરીને પ્રેમથી ભેટયા હતા. એવા હે કરુણાના સાગર શ્રીરામચંદ્રજી ભગવાન્ ! તમને હું નિરંતર ભજું છું.૨૨
હે મંગલમૂર્તિ ! તમે કેવા મહાન છો, જેમને યાદ કરવાથી મનુષ્યોનું મંગળ ન થાય તેવા સાવ અમંગળ વાનર, રીંછ વગેરેને એક કેવળ પોતાનો આશ્રય કર્યો તેટલા માત્રથી તેઓને પ્રીતિપૂર્વક વૈદિક મંત્રો જેવા પવિત્ર કર્યા, અને એના સિવાયના બીજા અનેક જીવોનો આ ભવસાગરમાંથી ઉદ્ધાર કર્યો, એવા હે કરુણાસાગર શ્રીરામચંદ્રજી ભગવાન્ ! તમને હું નિરંતર ભજું છું.૨૩
સુવ્રતમુનિ કહે છે, હે ભૂમિપતિ ! ભગવાન શ્રીહરિ આ પ્રમાણે બન્ને હાથ જોડી પ્રતિદિન ભગવાન શ્રીરામચંદ્રજીની સ્તુતિ કરતા. ત્યારપછી મંદિરેથી ઘેર આવીને વેદના છ અંગોનું અધ્યયન કરતા હતા.ર૪
હે રાજન્ ! માર્કણ્ડેય મુનિએ નામકરણ સંસ્કાર કરતી વખતે શ્રીહરિના જેવા ગુણોનું વર્ણન કર્યું હતું તે સર્વે ગુણોનો ધર્મદેવ વગેરે લોકોને સાક્ષાત્ અનુભવ થતો હતો.રપ
જે ધર્મ નિયમોની યોગી પુરુષો પણ ઇચ્છા રાખે છે, તેવા પોતાના સરયુગંગામાં પ્રાતઃસ્નાનથી લઇ પૂર્વે જે વર્ણન કર્યું તે સર્વે ધર્મનિયમોનું યથાર્થ અનુષ્ઠાન કરવાથી બાલ્યાવસ્થામાં જ પિતા ધર્મદેવ કરતાં પણ લોકમાં વધારે પ્રસિદ્ધિ પામ્યા.૨૬
હે રાજન્ ! એક વખત માતા-પિતા શ્રીહરિને શિક્ષણ આપતાં એમ કહ્યું કે, સાક્ષાત્ વાયુપુત્ર હનુમાનજીએ, તમે હજુ માત્ર છ દિવસના હતા ત્યારે નાજુક બાલ્યાવસ્થામાં જ કોટરા આદિ રાક્ષસીઓ થકી તમારું રક્ષણ કર્યું હતું. તેથી આદરપૂર્વક હનુમાનજીની તમારે પૂજા કરવી જોઇએ. આવું સાંભળી માતા-પિતાની શિક્ષા માથે ચડાવી શ્રીહરિ ભક્તિભાવ પૂર્વક હનુમાનજીની પૂજા કરવા લાગ્યા.૨૭
હે નરેન્દ્ર ! કેટલાક અયોધ્યાપુરવાસી બાળકો આ ધર્મનંદન શ્રીહરિનો સમાગમ કરતા અને શ્રીહરિ પણ પ્રહ્લાદજીની જેમ તે બાળકોને ભગવાનની પૂજા કરવી વગેરે ભાગવતધર્મનું શિક્ષણ આપતા હતા, તેથી શ્રીહરિની સમાન વયના સર્વે સખાઓ પણ શ્રીહરિના પ્રભાવથી બાળસ્વભાવને યોગ્ય એવી ખેલ-કૂદ આદિ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાન શ્રીકૃષ્ણને વિષે જ એક ભક્તિભાવવાળા થયા. અને બાલ્યાવસ્થામાં જ તેઓને સનકાદિકોની સમાન સ્થિતિ પ્રાપ્ત થઇ હતી. આ હેતુથી તે બાળકોનાં માતા-પિતા પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ હર્ષ પામતાં હતાં.૨૮-૨૯
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિને બાલ્યાવસ્થામાં જ અતિ તીવ્ર વૈરાગ્ય વર્તતો હતો, પોતાના સ્વરૂપને વિષે જ એક આત્મનિષ્ઠાવાળા શ્રીહરિને વિષય-સંબંધી રસોમાં લેશમાત્ર તૃષ્ણા ન હતી, એથી ઘરનો ત્યાગ કરવાની મનમાં વારંવાર ઇચ્છા કરતા રહેતા. ઘર ત્યાગમાં બ્રહ્મચર્યવ્રતને ઉપયોગી એવા યજ્ઞોપવીત સંસ્કારની પ્રતીક્ષા કરતા શ્રીહરિ સરોવરમાં કમળની જેમ ઘરમાં નિર્લેપ પણે નિવાસ કરીને રહેતા હતા.૩૦
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિની પૌગંડલીલાનું વર્ણન કર્યું એ નામે અઠયાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૮--