અધ્યાય - ૨૯ - શરણે આવેલા પુરુષોને આચાર્યપદે રહેલા ધર્મદેવે કૃષ્ણમંત્રની દીક્ષા આપી.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! રઘુવંશીઓમાં ઉત્તમ એવા ભગવાન શ્રીરામચંદ્રજીની અયોધ્યાનગરીમાં નિવાસ કરી રહેલા ધર્મદેવ નિરંતર સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત દૃઢ ભગવાનની ભક્તિ કરવારૂપ એકાંતિક ધર્મનું પાલન કરતા હતા. તે સત્પુરુષોને યોગ્ય અનેક ઉત્તમ સદ્ગુણોથી સંપન્ન હતા, અને તેથી જ સર્વેજનો તેની ખૂબજ પ્રસંશા કરતાં હતાં.૧
આ અયોધ્યાવાસી જનોએ ધર્મદેવમાં સદ્ગુરુનાં લક્ષણો જોયાં તેથી કેટલાય મનુષ્યો ધર્મદેવનો આશ્રય કરતા હતા, અર્થાત્ આચાર્યપણે ધર્મદેવનો સ્વીકાર કર્યો. અને ખૂબજ પ્રસન્ન થઇ અન્ન, દ્રવ્ય, વસ્ત્ર, ભૂષણ આદિ પદાર્થોથી ધર્મદેવનું વારંવાર પૂજન કરી સેવા કરવા લાગ્યા.૨
હે રાજન્ ! જે જનો ધર્મદેવનો આશ્રય કરતા તે સર્વેને ધર્મદેવ શ્રીકૃષ્ણના પ્રથમ શરણમંત્રનો ઉપદેશ કરતા અને પછી પોતાના ગુરુ રામાનંદ સ્વામીના મુખેથી જે ધર્મોનું શ્રવણ કરેલ તે સર્વે પાલન કરવા યોગ્ય ધર્મોનો અધિકારને અનુસારે ઉપદેશ પણ કરતા.૩
અને હે રાજન્ ! તે દીક્ષિત સર્વે પુરુષો ધર્મદેવ ઉપદેશ કરેલા ધર્મમાં દૃઢ વર્તી રાધિકાપતિ ભગવાન શ્રીકૃષ્ણની ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત એકાંતિકી ભક્તિ પણ કરતા હતા.૪
ધર્મદેવની સમાજસુધારક પ્રવૃતિઃ- હે રાજન્ ! ધર્મદેવનો સમાગમ થવાથી કેટલાક સુરાપાન કરનારા જનોએ તત્કાળ સુરાનો ત્યાગ કરી દીધો. માંસ ખાનારાએ માંસનો ત્યાગ કર્યો. તેમજ દેવસંબંધી કર્મમાં અને પિતૃસંબંધી કર્મમાં પણ માંસના સર્વ પ્રકારના સંસર્ગનો તત્કાળ ત્યાગ કરી દેતા હતા.પ
ધર્મદેવના આશ્રિત ગૃહસ્થ ભક્તજનોને ત્યાં શ્રીવિષ્ણુયાગ આદિક જે કોઇ પણ યજ્ઞો થતા તે હિંસા રહિત જવ, ડાંગર, દૂધ, સાકર આદિક શુદ્ધ સાત્ત્વિક હુતદ્રવ્યોવડે જ થતા હતા.૬
હે રાજન્ ! ધર્મદેવનો આશ્રય કરનારા અગ્નિહોત્રી વિપ્રો હતા તે પણ ક્યારેય સોમયાગાદિ યજ્ઞામાં સાક્ષાત્ પશુનો વધ કરતા નહિ. અને સૌત્રામણીયજ્ઞામાં સુરાપાન વિહિત હોવા છતાં પણ સુરાપાન કરતા નહિ.૭
સ્ત્રીઓના આચાર્યપદે ભક્તિદેવીની વરણીઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યાર પછી હજારો સ્ત્રીઓ પોતાનો આશ્રય કરવા ઇચ્છતી હોવાથી બુદ્ધિમાન ધર્મદેવ ભાવિ શિષ્યપરંપરાનું હિત થાય તેવો વિચાર કરવા લાગ્યા કે આલોકમાં શ્રેષ્ઠ પુરુષો જે કાંઇ શુભ કે અશુભ કર્મનું આચરણ કરે તે સમગ્ર કર્મનું અનુકરણ તેનો આશ્રિત વર્ગ કે અન્ય લોકો પણ કરતા હોય છે. તે કારણથી શ્રેષ્ઠ પુરુષોએ ખૂબજ વિચારીને કામ કરવું જોઇએ.૮-૯
આ પૃથ્વી ઉપર જે પુરુષો સ્ત્રીઓના ગુરુપદે રહેલા હોય છે તે પુરુષો પોતાના શિષ્યપદે રહેલી અને તેથી જ પોતાને વધુ વશ વર્તનારી પરસ્ત્રીને વિષે આસક્ત થઇ ભ્રષ્ટ થાય છે.૧૦
તે કારણથી કોઇ પણ મુમુક્ષુ કે મુક્ત પુરુષે પરસ્ત્રીનો પ્રસંગ ક્યારેય કરવો જોઇએ નહિ. અને નાગણીની જેમ પરસ્ત્રીઓથી ભય પામવો. તેમાં પણ સમાજના ગુરુપદે બેઠેલા પુરુષે તો વિશેષપણે ભય રાખવો જોઇએ.૧૧
સ્ત્રીઓનું હિત ઇચ્છનાર ગુરુએ પોતાની પત્ની પાસે અહિંસાદિક નિયમોની સાથે કૃષ્ણમંત્રનો ઉપદેશ અપાવવો પણ સ્વયં પુરુષે સ્ત્રીઓને ઉપદેશ ન કરવો.૧ર
વધુમાં ગુરુઓએ સમીપ સંબંધ વિનાની અન્ય સ્ત્રીઓને તો ક્યારેય દૃષ્ટિ માંડીને જોવી પણ નહિ, અને તેનો સ્પર્શ કરવો નહિ. તેમજ તેઓની સાથે ક્યારેય બોલવું પણ નહિ. ગુરુપદને શોભાવતા પુરુષોનો આજ શ્રેષ્ઠ ધર્મ છે, અને સર્વશાસ્ત્રના રહસ્યરૂપે આ જ મારો મત છે. તેમાં કોઇએ વિતંડાવાદથી સંદેહ કરવો જોઇએ નહિ.૧૩
સુવ્રતમુનિ કહે છે, હે નરેન્દ્ર ! આ પ્રમાણે વિચાર કરી ધર્મદેવે પોતાનાં પત્ની ભક્તિદેવી દ્વારા શરણે આવેલી સ્ત્રીઓને શ્રીકૃષ્ણના શરણમંત્રનો ઉપદેશ અપાવ્યો અને સધવા તથા વિધવા નારીના સમગ્ર ધર્મનો ઉપદેશ પણ પત્ની ભક્તિદેવી દ્વારા જ અપાવ્યો.૧૪
આ લોકમાં જે સ્ત્રીઓએ ભક્તિદેવીનો શિષ્યાપણે આશ્રય કર્યો હતો તે સ્ત્રીઓ કોઇ પતિમાં નિષ્ઠાવાળી હતી, કોઇ કુલટા હતી છતાં પણ ભક્તિદેવીનો આશ્રય કર્યા પછી ભગવાન શ્રીહરિના પ્રતાપથી નિર્મળ મનવાળી પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી અને સુશીલ સ્વભાવવાળી થઇ જગતમાં પ્રસિદ્ધિને પામી.૧૫
હે રાજન્ ! આ પ્રમાણે પોતાના પોષ્યવર્ગની સાથે ધર્મદેવ અયોધ્યાપુરીમાં નિવાસ કરતા ત્યારે પ્રતિદિન સ્નાન, સંધ્યા, જપ, દેવતાઓનું પૂજન, વૈશ્વદેવ અને આતિથ્ય સત્કાર આ છ કર્મનું નિત્ય આચરણ કરતા અને ભગવાન શ્રીકૃષ્ણની મહાપૂજા પણ કરતા હતા.૧૬
તે મહાપૂજામાં ધર્મદેવ પ્રતિદિન ભગવાન શ્રીકૃષ્ણને ઉત્તમ મહાનૈવેદ્યનું નિવેદન કરતા અને મહાઆરતી પણ કરતા હતા.૧૭
તેમજ ધર્મદેવ ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી તથા એકાદશી આદિ વ્રતોનું પાલન કરતા અને તે વ્રત નિમિત્તે ભગવાનની મોટા ઉપચારોથી મહાપૂજા પણ કરતા તથા રાત્રે તે વ્રત નિમિત્તે જાગરણ પણ કરતા હતા.૧૮
હે રાજન્ ! તેવી જ રીતે ધર્મદેવ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણના અન્નકૂટાદિ મોટા વાર્ષિક ઉત્સવો પણ કોઇ મોટા રાજાની જેમ અનેકવિધ સામગ્રીથી ઉજવે તેમ ઉજવતા હતા.૧૯
તેવીજ રીતે ધર્મદેવ દર વર્ષે ભાદરવા સુદિ ચોથને દિવસે મધ્યાહ્ન સમયે વિધિપૂર્વક ગણપતિનું પૂજન કરતા તથા આસો માસના વદ પક્ષની ચૌદશનાં દિવસે કુળદેવ હનુમાનજીના પૂજનનો વિધિ પ્રમાણે મહોત્સવ ઉજવતા હતા.ર૦-ર૧
તેમજ પ્રતિદિન બપોરપછીના સમયે ધર્મદેવ સત્પુરુષોના સ્વામી એવા ભગવાન શ્રીકૃષ્ણના વરાહ આદિ અવતારોની કથા પોતાના શિષ્ય શ્રોતાઓને સંભળાવતા હતા.રર
આવા બુદ્ધિમાન ધર્મદેવ પ્રતિદિન શ્રીમદ્ભાગવત આદિ સત્શાસ્ત્રોનું પઠન અને પાઠન તથા તેના રહસ્યનું ચિંતવન પોતાને સમય મળે તે રીતે કરતા હતા.૨૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ધર્મદેવ સ્વધર્મમાં નિષ્ઠા રાખી પોતાના પુત્ર, પત્ની આદિ પરિવાર સાથે અયોધ્યાપુરીમાં રહેતા અને કામ, ક્રોધાદિ અંતઃશત્રુઓ જીતીને વશ કર્યા હતા, તથા બહારના અસુરોનો ભય પણ પોતાના પુત્ર શ્રીહરિકૃષ્ણના પ્રતાપથી સદંતર નિવૃત્ત પામી ગયો હતો, તેથી સંપૂર્ણ સ્વસ્થ ચિત્તે વર્તતા હતા. અને આ પૃથ્વી પર રહેલા પોતાના આશ્રિત ભક્તજનોને સદ્માર્ગારૂપ ઉદ્ધવ સંપ્રદાયમાં સારી રીતે વર્તાવી રહ્યા હતા.૨૪
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવે સ્ત્રી પુરુષોને માટે ગુરુ મર્યાદાનું સ્થાપન કર્યું એ નામે ઓગણત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૯--