અધ્યાય - ૪૯ - ડભાણમાં મોટી સત્સંગસભામાં બ્રાહ્મણોનું સેવન, પૂજન એજ મુખ્ય રાજધર્મનું શ્રીહરિએ કરેલું નિરૂપણ.
ડભાણમાં મોટી સત્સંગસભામાં બ્રાહ્મણોનું સેવન, પૂજન એજ મુખ્ય રાજધર્મનું શ્રીહરિએ કરેલું નિરૂપણ. બ્રાહ્મણવિષે શ્રીકૃષ્ણસંદેશ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ મહાવિષ્ણુયાગની સમાપ્તિ કરી, બ્રાહ્મણોને અનંત પ્રકારનાં ભોજનોથી તૃપ્ત કરી દક્ષિણાઓ આપી. તેથી સંતોષ પામેલા સમસ્ત ભક્તજનોએ શ્રીહરિનું પૂજન કર્યું. પછી મોટી સભામાં ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયા. તે સમયે પોતાની સન્મુખ મર્યાદામાં બેઠેલા સમસ્ત નરનારી ભક્તજનો ઉપર કરુણા દૃષ્ટિથી નિહાળી આનંદ ઉપજાવતા થકા અમૃતની સમાન વચનો કહેવા લાગ્યા.૧-૨
શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! મારું વચન તમે સાવધાન થઇને સાંભળો, તમારામાંથી કોઇ પણ ભક્તજનને કાંઇ પૂછવું હોય તો મને નિઃસંકોચભાવે પૂછો.૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારે સભામાં બેઠેલા લોયા-નાગડકાના ધણી સુરાભક્ત શ્રીહરિને ભાવપૂર્વક નમસ્કાર કરી પ્રશ્ન પૂછયો.૪
સુરાભક્ત કહે છે, હે ભગવન્ ! આલોકમાં તેમજ પરલોકમાં અમારા જેવા રાજાઓને જે કાર્ય કરવાથી મહાસુખની પ્રાપ્તિ થાય તેવું કયું શ્રેષ્ઠ કાર્ય છે, તે અમને જાણવાની ઇચ્છા છે. તો આપ કૃપા કરીને અમને જણાવો.૫
રાજર્ષિ સુરાભક્તે આ પ્રમાણે પૂછયું, ત્યારે બ્રાહ્મણોનું દેવસમાન સન્માન પૂજન કરતા ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થઇ સભામાં ઉપસ્થિત સર્વ ભક્તજનોને આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા.૬
હે રાજર્ષિ ! હે સુરાભક્ત ! જે રીતે તમે મને પૂછો છો, તે રીતે પૂર્વે મહાભારતના દાન ધર્મને વિષે શિબિરાજાની કથાનું શ્રવણ કર્યા પછી યુધિષ્ઠિર રાજાએ પણ ભીષ્મપિતામહને પ્રશ્ન કર્યો હતો. ત્યારે મહા તેજસ્વી અને ધર્મધારીઓમાં શ્રેષ્ઠ ભીષ્મપિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર હું તમને સંભળાવું છું.૭-૮
ભીષ્મપિતામહ કહે છે, હે યુધિષ્ઠિર ! સર્વોત્તમ સુખને ઇચ્છતા રાજાનો સર્વશ્રેષ્ઠ ધર્મ જો કોઇ હોય તો તે છે, બ્રાહ્મણોનું અતિશય સેવન કરવું, હે ભરતવંશ શિરોમણિ ! આલોકમાં બ્રાહ્મણોની સેવા પૂજા કરવારૂપ રાજકર્તવ્ય શું છે ? તે હું તમને જણાવું છું. રાજાએ ક્ષોત્રિય, વયોવૃદ્ધ અને તપોનિષ્ઠ બ્રાહ્મણોનું નિત્યે પૂજન કરવું.૯-૧૦
હે યુધિષ્ઠિર ! પોતાના પુરવાસી કે દેશવાસી જે બ્રાહ્મણો શાસ્ત્રોનો અભ્યાસ કરનારા હોય તેને સાંત્વના આપવા પૂર્વક મીઠી વાણીથી બોલાવી તેમને ઇચ્છીત અન્ન, ધન અને વસ્ત્રોનું પ્રદાન કરવું અને જ્યારે સન્મુખ મળે ત્યારે નમસ્કાર કરીને પૂજન કરી રાજી કરવા, આવી રીતે બ્રાહ્મણોની સેવા કરવાથી રાજાનું રાજપણું શોભે છે. અને રાજા જેવી રીતે પોતાનું અને પોતાના પુત્રોનું પોષણ કરે છે. તેવી જ રીતે બ્રાહ્મણોનું પણ પાલનપોષણ કરવું જોઇએ.૧૧-૧૨
હે રાજન્ ! બ્રાહ્મણોની મધ્યે જે બ્રાહ્મણ શાસ્ત્રાધ્યયનથી, તપથી કે યજ્ઞાદિગુણોથી વધુ પૂજવાલાયક હોય તેમનું તો વિશેષપણે કરીને સન્માન કરવા પૂર્વક સારું પૂજન કરવું, આવા અત્યંત પૂજનીય બ્રાહ્મણો અન્ન, ધન અને વસ્ત્રાદિકથી અધિક સુખી થાય તો રાજાનું સમસ્ત રાજ્ય પણ વિશેષપણે કરીને સુખી અને સમૃદ્ધ થાય છે.૧૩
બ્રાહ્મણોને પોતાનાં માતા-પિતાની સમાન પૂજ્ય રાખવા જોઇએ. કારણ કે સ્થાવરજંગમ સર્વભૂત પ્રાણીમાત્રની આજીવિકા જેમ ઇન્દ્રદેવને આધીન છે, તેમ આલોકના જનોની આજીવિકાનો આધાર બ્રાહ્મણો છે. તેથી જેટલું બ્રાહ્મણોનું સન્માન તેટલી રાજાની પ્રજા વધુ સુખી.૧૪
હે યુધિષ્ઠિર ! સંતોષ પામેલા બ્રાહ્મણો ભાગ્યહીન પુરુષને ભાગ્યવાન કરે છે. અને દુભાએલા બ્રાહ્મણો ભાગ્યવાન પુરુષોને ભાગ્યહીન કરે છે. પૂર્વે જેવી રીતે નહૂષને રાજા કર્યો હતો. તેવીજ રીતે સંતોષ પામેલા બ્રાહ્મણો જે પુરુષને રાજા કરવાની ઇચ્છા કરે તે પુરુષને રાજા બનાવી શકે છે, અને જેને રાજ૫દમાંથી ભ્રષ્ટ કરવા ઇચ્છે તે રાજપદપરથી ભ્રષ્ટ પણ થઇ જાય છે.૧૫
હે રાજન્ ! જે અજ્ઞાની રાજાઓ બ્રાહ્મણોની નિંદા કરે છે તે રાજાઓનો નિશ્ચય વિનાશ થાય છે. આ બાબત હું સત્ય કહું છું, તેમાં કોઇ સંશય નથી.૧૬
હે રાજન્ ! બ્રાહ્મણો જે પુરુષની પ્રશંસા કરે છે. તે પુરુષ ચોક્કસ વૃદ્ધિને પામે છે.૧૭
અને બ્રાહ્મણો જેની અવગણના કરે છે તે પુરુષ ક્ષણવારમાંજ પરાભવ પામે છે. તેમજ બ્રાહ્મણોની નિંદા રાજાઓએ કોઇ પણ રીતે ન સાંભળવી. કોઇ મૂઢ દુર્જનો જો બ્રાહ્મણોની નિંદા કરે તો વિવેકી રાજાએ તેનો પ્રત્યુત્તર આપવો. અને જો પ્રત્યુત્તર આપવા સમર્થ ન હોય તો નીચું મુખ કરી મૌન બેસી રહેવું અથવા ત્યાંથી ઉઠીને ચાલ્યા જવું.૧૮
બ્રાહ્મણોની સાથે દ્વેષ કરીને સુખેથી જીવી શકે એવો હજુ કોઇ આ પૃથ્વી પર જન્મ્યો નથી અને જન્મવાનો નથી.૧૯
તેથી રાજાઓએ આવા પ્રતાપશાળી બ્રાહ્મણોનું અન્ન વસ્ત્રાદિક ભોગ્ય વસ્તુઓ અર્પણ કરીને તથા અલંકારાદિકનું દાન કરીને તથા જે કાંઇ પદાર્થ ઇચ્છે તેનું પ્રદાન કરીને સર્વકાળે પોતાના પિતાની જેમ નમસ્કાર કરીને પાલન પોષણ તેમજ પૂજન કર્યા કરવું.૨૦
હે રાજન્ ! સત્કુળમાં જન્મેલા, ધર્મના રહસ્યને જાણનારા તીવ્ર તપમાં નિષ્ઠાવાળા અને લક્ષણોથી યુક્ત બ્રાહ્મણને પોતાના ભવનમાં નિવાસ કરાવવો અને તેમની આજીવિકાવૃત્તિ બાંધી આપવી, કારણ કે આવા ગુણસંપન્ન બ્રાહ્મણોથી પર બીજું કાંઇ શ્રેષ્ઠ નથી. તેમ કરવાથી રાજા શ્રીમાન અને અધિક સુખસંપન્ન થાય છે.૨૧
સર્વે દેવતાઓ પણ યજ્ઞામાં અર્પણ કરેલા હવિષ્યાન્નને બ્રાહ્મણના મુખથકી જ ગ્રહણ કરે છે. તેમજ પિતૃઓ પણ શ્રાદ્ધમાં અર્પણ કરેલા કવ્યને બ્રાહ્મણોના મુખ થકી જ ગ્રહણ કરે છે. તેથી સર્વભૂત પ્રાણીમાત્રને મધ્યે બ્રાહ્મણની સમાન કોઇ શ્રેષ્ઠ નથી.૨૨
હે રાજન્ ! આદિત્યો, ચંદ્રમા, વાયુ, વરુણ, પૃથ્વી, આકાશ અને દિશાઓના અભિમાની સર્વે દેવતાઓ પણ પવિત્ર બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કરીને તેમની સાથે જ અન્નનો આહાર કરે છે.૨૩
જેથી બ્રાહ્મણોનો દ્વેષ કરનાર પાપી પુરુષનું અન્ન બ્રાહ્મણો જમતા નથી. તેથી તે પુરુષે યજ્ઞામાં કે શ્રાદ્ધમાં અર્પણ કરેલું અન્ન દેવતાઓ કે પિતૃઓ પણ ગ્રહણ કરતા નથી.૨૪
હે રાજન્ ! જો બ્રાહ્મણો પ્રસન્ન રહે છે તોજ દેવતાઓ અને પિતૃઓ સદાય પ્રસન્ન રહે છે. આમાં કોઇ શંકાને સ્થાન નથી.૨૫
હે રાજન્ ! જે ઉદારમતિવાળા રાજાઓ બ્રાહ્મણોના મુખમાંથી નીકળેલાં પોતાનાં હિતકારી વચનોનો કર્તવ્યપણે સ્વીકાર કરે છે, તે રાજાઓનો ક્યારેય પણ પરાભવ થતો નથી.૨૬
જોકે તેજસ્વી ક્ષત્રિયો પોતાનાં તેજ અને બળથી દશે દિશાઓને તપાવે છે, છતાં તેઓનાં બળ અને તેજ બ્રાહ્મણોનો અપરાધ કરવાથી બ્રાહ્મણોમાં જ વિલીન થઇ જાય છે.૨૭
બ્રાહ્મણને ઘેર જન્મ લેવાથી જ બ્રાહ્મણ મહાભાગ્યશાળી થાય છે અને સર્વ ભૂતપ્રાણીમાત્રને નમસ્કાર કરવા યોગ્ય તેમજ રાંધેલા અન્નને પ્રથમ ગ્રહણ કરનાર અધિકારી થાય છે.૨૮
હે રાજન્ ! અસુરોનો પાતાળમાં નિવાસ પણ બ્રાહ્મણોના અપરાધથી જ થયો છે. અને દેવતાઓનો સ્વર્ગમાં નિવાસ બ્રાહ્મણોની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી જ થયો છે.૨૯
બ્રાહ્મણો સાથે વિરોધ કરી રાજાએ પૃથ્વીનું શાસન કરવું શક્ય નથી. મહાત્મા બ્રાહ્મણો તો દેવોના પણ દેવ છે.૩૦
હે યુધ્ધિષ્ઠિર! સમુદ્રરૂપી કટીમેખલાવાળી આ સમસ્ત ભૂમિને જો તમે ભોગવવા ઇચ્છા હો તો બ્રાહ્મણોને દાન, સેવા આદિકથી સંતોષ પમાડી નિરંતર તેમનું પૂજન કરો.૩૧
બ્રાહ્મણવિષે શ્રીકૃષ્ણસંદેશ :-- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે સુરાભક્ત ! હે રાજન્ ! આ પ્રમાણે પિતામહ ભીષ્મે ધર્મરાજ યુધિષ્ઠિરને બ્રાહ્મણોનું માનભેર પૂજન કરવું, એ જ રાજાઓનું સર્વોત્તમ પ્રથમ કાર્ય છે. એમ કહ્યું, તેથી યુધિષ્ઠિરરાજા તેજ પ્રમાણે બ્રાહ્મણોનું સન્માન તથા પૂજન આદર સહિત કરવા લાગ્યા.૩૨
હે સુરાભક્ત ! શ્રીકૃષ્ણ ભગવાને દ્વારિકામાં કાકીડાની યોનિને પામેલા નૃગરાજાને તેમાંથી મુક્ત કરી પોતાના પુત્રોને જે શિક્ષાનાં વચનો કહ્યાં હતાં તે વચનો તમને સંભળાવું છું. તે તમે સાંભળો.૩૩
શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, હે પુત્રો ! ખેદની વાત તો એ છે કે અલ્પ સરખું પણ જો બ્રાહ્મણનું ધન પચાવી પાડયું હોય તો તે અગ્નિ સરખું ભયંકર છે. અતિ તેજસ્વી પુરુષોથી પણ તે પચાવવું અશક્ય છે. તો પછી પોતાને સર્વના ઇશ્વરમાનીને ઘમંડમાં જીવતા રાજાઓને પચાવવું ક્યાંથી શક્ય થાય ?૩૪
હે પુત્રો ! હું હળાહળ વિષને વિષ માનતો નથી. કારણ કે વિષની ચિકિત્સા થઇ શકે છે, પણ બ્રાહ્મણોનું ધનરૂપી હળાહળ વિષ છે તેનો આ પૃથ્વી પર પ્રતિકાર કરવો શક્ય નથી.૩૫
હે પુત્રો ! વિષ તો પાન કરનારનો જ માત્ર વિનાશ કરે છે, પરંતુ બ્રાહ્મણનું ધનરૂપી વિષ તો આખા કુળનો વિનાશ કરે છે. અને જેમ નાનો સરખો અગ્નિ આખા જંગલનો વિનાશ કરે છે, તેમજ વિષ અને વહ્નિથકી પણ બ્રાહ્મણનું ધન બહુ ઉગ્ર છે, કારણ કે અગ્નિતો જળથી પ્રશાંત થાય છે, પરંતુ બ્રાહ્મણના ધનરૂપ અરણિ થકી ઉત્પન્ન થયેલા પાપરૂપ અગ્નિને રોકવાનો કોઇ ઉપાય નહિ હોવાથી આખા કુળનો મૂળે સહિત વિનાશ થાય છે.૩૬
હે પુત્રો ! અજાણતાં પણ ભોગવેલું બ્રાહ્મણનું ધન પોતે, પુત્ર અને પૌત્ર આ ત્રણ પેઢીનો વિનાશ કરે છે. અને બલાત્કારે હઠથી લીધેલું બ્રાહ્મણનું ધન તો પૂર્વની દશ અને પાછળની દશ પેઢી અને પોતાએ સહિત એકવીસ પેઢીનો વિનાશ નોતરે છે.૩૭
હે પુત્રો ! રાજ્ય લક્ષ્મીથી મદાન્ધ થયેલા રાજાઓ બ્રાહ્મણના ધનને પોતાને માટે ઉચિત ભોગ્ય માને છે તે ખરેખર નરકને જ ઇચ્છે છે. બાલિશ મૂર્ખ રાજાઓ પોતાના હાથે જ થતી પોતાની આત્મહત્યાને પણ જોઇ શકતા નથી.૩૮
હે પુત્રો ! આજીવિકાનું હરણ થવાથી રુદન કરતા દાનપ્રદાન સ્વભાવવાળા બ્રાહ્મણના નેત્રોમાંથી નીકળતાં અશ્રુબિન્દુઓ નીચે પડીને જેટલી સંખ્યામાં રજકણને ભીંજવે છે. તેટલા વર્ષો સુધી બ્રાહ્મણોનું ધન હરણ કરી લેનારા નિરંકુશ રાજાઓ તથા તેમના વંશજોને યમના દૂતો કુંભીપાક નરકમાં રાંધે છે.૩૯-૪૦
હે પુત્રો ! જે રાજાએ કે રાજકીય પુરુષે એકવાર પોતે જ આપેલી કે બીજા કોઇએ અર્પણ કરેલી બ્રાહ્મણની આજીવિકા હરી લે છે તે પુરુષ સાઠ હજાર વર્ષ પર્યંત વિષ્ટાનો કીડો થાય છે.૪૧
માટે હે પુત્રો ! તેવું બ્રાહ્મણનું ધન મને લેવાની કદાપી ઇચ્છા ન થાઓ, એવું હું ઇચ્છુ છું. જે રાજાઓ બ્રાહ્મણના ધનની ઇચ્છા રાખેછે તે રાજાઓ કે રાજકીય પુરુષો કોઇ પણ જન્મમાં અતિ અલ્પ આયુષ્યવાળા થાય છે. અને આ જન્મમાં શત્રુઓ થકી ભ્રષ્ટ થાય છે. અને બીજા જન્મમાં અન્યને ત્રાસ ઉપજાવે તેવા ભયંકર સર્પની યોનિને પામે છે.૪૨
હે મારા પુત્રો ! અપરાધી બ્રાહ્મણનો પણ ક્યારેય દ્રોહ ન કરવો. પોતાને તાડન કરતા તથા ક્રોધ કરીને શાપ આપતા બ્રાહ્મણને પણ વારંવાર પ્રતિદિન નમસ્કાર કરવા.૪૩
હે પુત્રો ! જેમ હું સાવધાનીપૂર્વક સમયે સમયે વિપ્રોને પ્રણામ કરું છું. તેમ તમે પણ તેમને નમસ્કાર કરો. જે મારો થઇને મારા કહ્યા પ્રમાણે નહિ વર્તે તે મારા દંડનો પાત્ર થશે.૪૪
કારણ કે અપહરણ કરાયેલું બ્રાહ્મણનું ધન અધોગતિને પમાડે છે. જેવી રીતે અજાણતાં પણ હરણ કરાયેલી બ્રાહ્મણની ગાયે નૃગરાજાને કાકીડા જેવી નીચ યોનિમાં ફેંક્યા, તેમ અધોપતન થાય છે.૪૫
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે સુરનૃપતિ ! આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકાવાસી પોતાની પ્રજાને શિક્ષણ આપ્યું ત્યારે તે સર્વે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા લાગ્યા, તેથી મહા સુખને પામ્યા. માટે મારા આશ્રિત તમારે સર્વે ક્ષત્રિય રાજાઓએ તેમજ અન્ય ભક્તજનોએ પણ બ્રાહ્મણોને વિશેષપણે કરીને માનવા, પૂજવા અને આદર કરવો.૪૬-૪૭
બ્રાહ્મણ વેદના ભણેલા હોય કે ન હોય અથવા કેવળ પ્રાકૃત ભાષાને જ ભણ્યા હોય કે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય, પરંતુ બ્રાહ્મણ છે તે રાખથી ઢંકાયેલો અગ્નિ છે, તેથી તેમની અવજ્ઞા ક્યારેય પણ કરવી નહિ.૪૮
બ્રાહ્મણ વિદ્વાન હોય કે અવિદ્વાન હોય તે અગ્નિ જ છે. જેમ સ્મશાનમાં મડદાંને બાળતો પ્રજ્વલિત અગ્નિ ક્યારેય દૂષિત થતો નથી, અર્થાત્ અપવિત્ર મડદાંને સ્પર્શવાથી તેની દાહક શક્તિ લુપ્ત થતી નથી. તેમ બ્રાહ્મણની શક્તિ ક્યારેય પણ લુપ્ત થતી નથી.૪૯
માટે હે ભક્તજનો ! ભગવાનને વ્હાલા ભક્ત ભૂદેવોને બહુ પ્રકારે ઘી સાકર મીશ્રિત એવાં પ્રિય ભક્ષ્ય અને ભોજ્ય ભોજનો જમાડીને તૃપ્ત કરવા અને ઘણી દક્ષિણા આપી સંતુષ્ટ કરવા. બ્રાહ્મણો સંતુષ્ટ થશે તો કમલાપતિ ભગવાન પણ અત્યંત સંતુષ્ટ થશે. હે સુરાભક્ત ! આ પ્રમાણે મેં તમને રાજાઓનું શ્રેષ્ઠ કર્તવ્ય શું છે ? તે કહ્યું.૫૦-૫૧
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આપ્રમાણે ભગવન શ્રીહરિનાં વચનો સાંભળી રાજર્ષિ સુરાખાચર તથા સર્વે અન્ય ભક્તજનો ઊભા થઇ શ્રીહરિને વંદન કરી તેમનાં વચનો મસ્તક પર ધારણ કર્યાં.૫૨
હે રાજન્ ! આ રીતે શ્રીહરિ ભક્તજનોને પ્રતિદિન આનંદ આપતા હતા. અને ગુજરાત પ્રાંતના સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિની બહુ પ્રકારે પૂજા કરી સેવા કરતા હતા. એમ સર્વેને આનંદ ઉપજાવતા શ્રીહરિ ડભાણપુરમાં એક માસ પર્યંત નિવાસ કરીને રહ્યા.૫૩
ત્યારપછી દર્ભાવતીપુરીમાં દેશદેશાંતરમાંથી શ્રીહરિનાં દર્શને આવેલા ભક્તજનો પોતપોતાનાં ગામમાં પધારવા ભગવાન શ્રીહરિની ખૂબ જ પ્રાર્થના કરવા લાગ્યા. અને શ્રીહરિ પણ, હું તમારા ગામ પ્રત્યે જરૂર પધારીશ એમ સૌને કહેતા હતા.૫૪
હે રાજન્ ! પછી ભગવાન શ્રીહરિ જુદા જુદા ગામોમાં રહેતા પોતાના આશ્રિત ભક્તજનોને સુખ આપવા માટે સંતમંડળની સાથે ડભાણપુરીથી વિદાય થયા. ત્યારે વળાવવા માટે દૂર સુધી પાછળ આવતા ડભાણના ભક્તજનોના નેત્રોમાંથી શ્રીહરિના વિયોગનાં અશ્રુઓ પડવા લાગ્યાં, તેઓને મહાપ્રયાસે પાછા વાળી શ્રીહરિ ચરોતર દેશમાં પધાર્યા.૫૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ડભાણમાં મહાવિષ્ણુયાગ મહોત્સવમાં શ્રીહરિએ બ્રાહ્મણોના મહિમાનું નિરૂપણ કર્યું એ નામે ઓગણપચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૯--