અધ્યાય - ૩૯ - ધર્મદેવે બન્ને પુત્રોને વારસામાં જ્ઞાનનો ઉપદેશ કર્યો.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ધર્મદેવે બન્ને પુત્રોને બોલાવ્યા તેથી બુદ્ધિશાળી બન્ને ભાઇઓ તત્કાળ પિતાની પાસે આવ્યા ને પ્રણામ કરી તેમની પાસે બેઠા. ત્યારે ધર્મદેવ તેમને કહેવા લાગ્યા કે, હે પુત્રો ! મારું વચન તમે સાંભળો, તમારું હિત થાય તેવું સર્વશાસ્ત્રના સારભૂત રહસ્ય હું તમને કહું છું. તમને જો મારા વચનમાં વિશ્વાસ હોય તો તેને તમારા હૃદયમાં ઉતારજો.૧-૨
હે પુત્રો ! રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણની જે આપણે ઉપાસના કરીએ છીએ. તેજ શ્રીકૃષ્ણ આ ''શ્રીહરિ'' નામે અહીં બિરાજે છે ને તમારા સગા ભાઇ છે.૩
તે માટે આજ દિવસથી આરંભીને આ શ્રીહરિની જ નિષ્કપટભાવે યમનિયમાદિ સ્વધર્મે સહિત ભક્તિ કરવી, તેમજ તેમનાં વચનમાં સદાય વર્તવું, અને જે ભગવાન શ્રીકૃષ્ણની અર્ચા સ્વરૂપની આપણે પ્રતિદિન પૂજા કરીએ છીએ, તે પૂજા પણ આ શ્રીહરિની જ છે એમ સમજીને વિધિપૂર્વક પૂજા કરવી.૪-૫
હે પુત્રો ! પૂર્વે મેં તમને શ્રીકૃષ્ણના બે મંત્રોનો જે ઉપદેશ કર્યો છે, તે શરણમંત્ર અને મહામંત્ર પણ આ શ્રીહરિના જ છે એમ સમજીને ઇચ્છિત ફળને આપનારા તે મંત્રનો જપ કરવો.૬
હે પુત્રો ! આ રીતે મારી આજ્ઞામાં રહી આદર પૂર્વક આ શ્રીહરિનું ભજન કરશો તો તમારું આલોક તથા પરલોકમાં નિશ્ચય પરમ કલ્યાણ થશે.૭
ધર્મદેવે કર્યું શ્રીહરિવિષેનું ભવિષ્યકથન :- હે પુત્રો ! આ તમારા ભાઇ શ્રીહરિ છે તે પૃથ્વી પર કલિયુગ અને અધર્મનું બળ લઇ વૃદ્ધિ પામેલા માનવરૂપમાં વિચરતા અસુરોને શસ્ત્ર ધારણ કર્યા વિના માત્ર બુદ્ધિના બળથી મૂળથી ઉખાડી ફેંકી દેશે, અને દુર્જન એવા અસુરો દ્વારા ક્ષીણ કરાયેલા સદ્ધર્મનું પુનઃ પોષણ કરશે, તેમજ વિશેષ પણે કૃષ્ણભક્તિનું આ પૃથ્વી પર પ્રવર્તન કરશે.૮-૯
હે પુત્રો ! મહાયશસ્વી આ શ્રીહરિ તમારા કુળમાં પોતાના આચાર્યપદની સ્થાપના કરશે અને પછી પોતાના અક્ષરબ્રહ્મ નામના પરમધામમાં સીધાવશે.૧૦
ત્યારપછી આ શ્રીહરિના આશ્રિત સર્વે ભક્તજનો પ્રત્યક્ષ આ શ્રીહરિકૃષ્ણના અર્ચાસ્વરૂપની પ્રતિદિન પૂજા અર્ચના કરશે અને તેણે કરીને તેઓને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થશે. વળી આ શ્રીહરિએ બાંધેલી વર્ણાશ્રમની ધર્મમર્યાદામાં રહી જે કોઇ ભક્તજન તેમની મૂર્તિની પૂજા અર્ચના કરશે તેને મનોવાંછિત ચારે પુરુષાર્થની નિશ્ચે સિદ્ધિ પ્રાપ્ત થશે.૧૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ધર્મદેવે બન્ને પુત્રોને રહસ્યનું જ્ઞાન આપ્યું તેથી બન્ને ભાઇઓ અત્યંત પ્રસન્ન થયા, તેજ ક્ષણે ઊભા થઇ શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે હરિકૃષ્ણ ! અમે તમારા છીએ, તમે અમારું નિરંતર રક્ષણ કરજો.૧૨-૧૩
ત્યારે બન્ને ભાઇઓનાં વચન સાંભળી શ્રીહરિ પણ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, હે ભાઇઓ ! તમે પિતાની આજ્ઞાનું પાલન કરી તેમના કહેવા મુજબ ભગવાનનું ભજન આદરપૂર્વક કરશો તો હું અવશ્ય પ્રસન્ન થઇશ.૧૪
પછી બન્ને ભાઇઓ પોતાના ભાઇ શ્રીહરિને જ સાક્ષાત્ શ્રીકૃષ્ણ જાણી અતિ આદરપૂર્વક તેમનું ભજન કરવા લાગ્યા, ત્યારપછી તે બન્નેને શ્રીહરિની ઇચ્છાથી તેમનાં દિવ્યસ્વરૂપનું જ્ઞાન ક્યારેક ક્યારેક થતું, હમેશાં રહેતું નહિ. આ પ્રમાણે ધર્મદેવે સંવત ૧૮૪૮ ના જેઠ સુદ નિર્જળા એકાદશીની રાત્રિના અંતિમ પ્રહરમાં પોતાના બન્ને પુત્રોને ભગવાન શ્રીહરિકૃષ્ણની ઉપાસનાનો રૂડો ઉપદેશ કર્યો ને તેવામાં દ્વાદશીનું નવલું પ્રભાત થયું.૧૫-૧૬
ધર્મદેવની ભાગવતકથાશ્રવણની અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ :- હે રાજન્ ! તે સમયે રામપ્રતાપ અને ઇચ્છારામ આદિ સંબંધીઓના સાંભળતાં જ શ્રીહરિએ પિતા ધર્મદેવને પૂછયું, કે હે પિતાજી ! તમારા મનમાં કાંઇ ઇચ્છા હોય તો કહો, હું એ પૂર્ણ કરીશ.૧૭
ત્યારે ધર્મદેવ શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે હરિ ! આપના યોગથી હું પૂર્ણકામ થયો છું, હે કૃષ્ણ ! તમારી ભક્તિ કરવામાં મને હૃદયમાં ક્યારેય તૃપ્તિ થતી નથી. માટે જ્યાં સુધી મારું શરીર ન પડે ત્યાં સુધી તમારી ભક્તિમાં રહેવા ઇચ્છુ છું, પરંતુ અશક્ત મારાથી તમારી પૂજા વગેરે કાંઇ થઇ શકે તેમ નથી.૧૮-૧૯
એથી હે હરિ ! સાત દિવસ પર્યંત અર્થે સહિત શ્રીમદ્ભાગવત પુરાણની કથા સાંભળવાની મારા અંતરમાં ઇચ્છા વર્તે છે. તે મારી ઇચ્છા પૂર્ણ થાય તેમ કરો.૨૦
હે રાજન્ ! આ પ્રમાણેની પિતાની ઇચ્છા સાંભળી શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા અને પિતાની પ્રશંસા કરી તેમને રાજી કર્યા, ને તે જ ક્ષણે વિધિ પ્રમાણે મંડપાદિની રચના કરાવી.૨૧
મોટા ભાઇ રામપ્રતાપજીને મોકલી વિદ્વાન ધર્મનિષ્ઠ અને શાસ્ત્રલક્ષણ સંપન્ન ભાગવત કથાકાર વૈષ્ણવ વિપ્રને આમંત્રણ આપી બોલાવ્યા.૨૨
ત્યારપછી વિધિને જાણનારા ધર્મદેવે આપત્કાળના ધર્મને અનુસારે સ્નાનસંધ્યાદિ નિત્યવિધિ કરી શ્રીમદ્ભાગવત પુરાણ-શ્રવણનો વિધિ કર્યો.૨૩
પોતાના પુત્રરૂપ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ત્યાં અખંડ બિરાજમાન હોવા છતાં ધર્મદેવે શ્રીમદ્ ભાગવત-શ્રવણ વિધિમાં કહેલા કૃષ્ણ પ્રતિમાના સ્થાપનની મર્યાદાનું રક્ષણ કરવા ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણની પ્રતિમાનું એક સપ્તાહ પર્યંતના વિધિ પ્રમાણે સ્થાપન કરાવ્યું.૨૪
હે રાજન્ ! આ સ્થાપનવિધિમાં ધર્મદેવે નિર્વિઘ્નતાની સિદ્ધિ માટે પ્રથમ ગણપતિજીનું પૂજન કર્યું. પછી કુળદેવ હનુમાનજીનું પૂજન કર્યું અને ત્યારપછી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી.૨૫
તથા ધર્મદેવે ગાયત્રીમંત્ર અને શ્રીકૃષ્ણના દ્વાદશાક્ષર, અષ્ટાક્ષર, ષડક્ષર અને દ્વયાક્ષર મંત્રના જપ કરવા પાંચ વિદ્વાન બ્રાહ્મણોનું વરણ કર્યું. તેમજ તે બ્રાહ્મણોને વસ્ત્રો, અલંકાર, આસન, પાત્ર, ઉપપાત્ર, આચમની અને ગૌમુખી આદિ પદાર્થોનું દાન કર્યું.૨૬
વરણી કરાયેલા તે બ્રાહ્મણો સાત દિવસ પર્યંત વિધિ પ્રમાણે મંત્રનો જપ કરવા લાગ્યા. ત્યારપછી ભાગવતના વક્તા વિપ્રને ઊંચા આસન ઉપર બેસાડી ભગવાન શ્રીકૃષ્ણના વાઙ્ગમય સ્વરૂપ શ્રીમદ્ ભાગવતનું પ્રથમ પૂજન કર્યું, પછી વ્યાસજીના પ્રતિકરૂપ વક્તા વિપ્રનું પૂજન કર્યું, તેમજ કથા સાંભળવા આવેલા અન્ય વૈષ્ણવ બ્રાહ્મણોનું પણ ધર્મદેવે પૂજન કર્યું.૨૭-૨૮
હે રાજન્ ! ધર્મમાં દૃઢ સ્થિતિવાળા ધર્મદેવને તાવની પીડા કાંઇક ઓછી થઇ તેથી દિવસે શ્રીમદ્ ભાગવતની કથાનું શ્રવણ કરે અને રાત્રીને વિષે શ્રીહરિના ધ્યાનરૂપ સમાધિમાં વિરામ કરે, આ પ્રમાણે વિધિપૂર્વક કથાનું શ્રવણ કરતાં કરતાં ધર્મદેવના છ દિવસ પૂર્ણ થયા અને સાતમા દિવસે સંવત્ ૧૮૪૮ ના જેઠવદી ચોથ ને શુક્રવારના દિવસે પ્રાતઃ સમયે કથાની સમાપ્તિ કરી.( જેઠ સુદ ૧૨ ના દિવસે શરૂઆત થઇ અને વચ્ચે પૂર્ણિમાનો ક્ષય હોવાથી ત્રીજને બદલે ચોથની સમાપ્તિ થઇ.)૨૯-૩૦
હે રાજન્ ! કથાની સમાપ્તિમાં ધર્મદેવે વક્તા વિપ્રનું પૂજન કરી એક હજાર સોનામહોરો, કડાં આદિ અલંકારો અને મહાવસ્ત્રો તેમજ સુવર્ણરચિત સિંહ તથા શુભ લક્ષણવાળી ગાયનું દક્ષિણામાં દાન આપ્યું. પછી રામપ્રતાપજી વગેરે સંબંધીજનો દ્વારા ગીત અને વાજિંત્રના નાદની સાથે અલંકૃત કરેલા અશ્વ ઉપર વક્તાને બેસારી તેમના ભવન સુધી વળાવવા ગયા.૩૧-૩૨
ત્યારપછી જપને માટે વરણી કરેલા બ્રાહ્મણોને ઉત્તમ દક્ષિણાઓ આપી દેશકાળને અનુસારે ધર્મદેવે જપનો હોમ કરાવ્યો.૩૩
બપોર પહેલાં જ તે બ્રાહ્મણોને મિષ્ટાન્નથી તૃપ્ત કરી, ભોજનને અંતે આપવાની ઉત્તમ દક્ષિણાઓ આપી વિદાય કર્યા.૩૪
ત્યારપછી રામપ્રતાપજી વગેરે સંબંધીજનોએ ભોજનની સમાપ્તિ કરીને પરવાર્યા. તેટલામાં જ ધર્મદેવને તાવની પીડા વધવા લાગી તેથી સૌ તત્કાળ ધર્મદેવની સમીપે આવીને બેઠા.૩૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવે પુત્રોને ઉપદેશ કર્યો અને શ્રીમદ્ભાગવતની સપ્તાહનું શ્રવણ કર્યું એ નામે ઓગણચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૯--