અધ્યાય - ૩૮ - પિતા ધર્મદેવને શ્રીહરિએ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભક્તિમાતાના ઔર્ધ્વદેહિક ક્રિયાનો વિધિ પૂર્ણ થયા પછી સ્વધર્મનું પાલન કરનારા ધર્મદેવ સાંખ્ય અને યોગનો આશ્રય કરી ભગવાન શ્રીકૃષ્ણનું અહર્નિશ ભજન કરવા લાગ્યા અને રામપ્રતાપાદિ દિકરાઓ તેમની સેવા કરવા લાગ્યા.૧
હવે ધર્મદેવે ઘર સંબંધી સર્વે પ્રવૃત્તિ છોડી દીધી છે, પંચવિષયોમાંથી વૈરાગ્ય પામ્યા છે, રસની લોલુપતા છોડી આહાર ઓછો કર્યો છે અને અતિ પ્રેમથી બ્રહ્મચર્યવ્રતનું દૃઢ પાલન કરે છે.૨
આમ તપશ્ચર્યા કરતાં શરીરને કૃશ કરી મૂક્યું છે, ભગવાનના સતત ધ્યાન કરવારૂપ યોગના બળથી અતિશય તેજસ્વી થયા છે, તેમજ પુત્રરૂપ પરમાત્મા ભગવાન શ્રીહરિકૃષ્ણમાં તેમનું મન અતિશય સ્નેહે યુક્ત લોલુપ થયું છે.૩
હે રાજન્ ! તપ અને ધ્યાનરૂપ યોગથી અત્યંત નિર્મળ મનવાળા થયેલા ધર્મદેવે શાસ્ત્રદૃષ્ટિથી શરીરનાં ચિહ્નોથી અને સ્વપ્નના માધ્યમથી પોતાનું મૃત્યુ નજીક આવ્યું છે એમ જાણ્યું.૪
તેથી ધર્મદેવ સદાય પોતાના મનમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતા કરતા નિયમ પૂર્વક શ્રીમદ્ભાગવતના દશમ સ્કંધનો અતિ આદરથી પાઠ કરવા લાગ્યા.૫
આ બાજુ મોટા પુત્ર રામપ્રતાપજી પાસે પોતાનાં પત્ની પ્રેમવતીનું પ્રતિ માસે સુદ દશમી તિથિના કરવાનું માસિક શ્રાદ્ધ પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવ્યું. તેવી જ રીતે ઉન્માસિક શ્રાદ્ધ, ત્રિપાક્ષિક અર્થાત્ ત્રણ પખવાડિયામાં કરવામાં આવતું શ્રાદ્ધ પણ કરાવ્યું. ત્યારપછી હે રાજન્ ! ઉનષાણ્માસિક શ્રાદ્ધ અને છ માસિક શ્રાદ્ધ પણ કરાવ્યું. હે રાજન્ આ બધા શ્રાદ્ધોમાં હજારો બ્રાહ્મણોને ઇચ્છિત ભોજન કરાવી તૃપ્ત કર્યા, અને છેલ્લે સાતમા મહિનામાં આ ઉત્તમ બ્રાહ્મણોને ભોજન કરાવી સન્માનપૂર્વક વિદાય આપ્યા બાદ સ્વયં ધર્મદેવે પણ પોતાના સંબંધીઓની સાથે ભોજન સ્વીકાર્યું.૬-૮
ધર્મદેવે સ્વીકારી અંતિમ તાવની બિમારી :- હે રાજન્ ! તે દિવસે ધર્મદેવના શરીરમાં અતિ તીવ્ર તાવની વેદના થઇ, તેથી ધર્મદેવ પણ મનમાં પોતાનો અંત સમય હવે નજીક આવ્યો છે એમ જાણવા લાગ્યા.૯
તેથી સંસારનાં સર્વે પદાર્થોમાંથી આસક્તિ તોડી ધર્મદેવ એક ભગવદ્ ધ્યાન પરાયણ થયા, તેમજ સંવત્ ૧૮૪૮ ના જેઠ સુદ નિર્જળા એકાદશીના દિવસે વિપ્રો પાસે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરાવ્યું.૧૦
ત્યારપછી રાત્રીએ બધા જ શયન કરી ગયા ત્યારે ભગવાન શ્રીહરિ પિતાની ચરણચંપી કરવા લાગ્યા અને પિતાના જાગરણની સાથે સાથે પોતાનું પણ એકાદશી જાગરણ કરવા લાગ્યા.૧૧
હે નિષ્પાપ રાજન્ ! ધર્મદેવને તાવની પીડા ઘણી હોવાથી જાગરણ પછી પણ નિદ્રા આવી નહિ, પરંતુ પોતાના પુત્ર ભગવાન શ્રીહરિની ઇચ્છાથી એકાએક સમાધિદશાને પામ્યા.૧૨
તે સમયે પૂર્વે વૃંદાવનમાં જેવા સ્વરૂપે દર્શન થયાં હતાં તેવા જ સ્વરૂપે અક્ષરબ્રહ્મતેજને વિષે વિહાર કરતા મુરલીધર ભગવાન શ્રીકૃષ્ણનાં ધર્મદેવને સમાધિમાં દર્શન થયાં.૧૩
ભગવાનનાં દિવ્ય દર્શનથી ધર્મદેવ આનંદના સાગરમાં લીન થયા. તેમની રોમાવલી ઊભી થઇ, નેત્રોમાં હર્ષનાં અશ્રુઓ આવ્યાં તેથી અત્યંત હર્ષ ઘેલા થઇ ઊભા થઇ પરમાત્માને દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. ત્યારપછી ભગવાનની આગળ બે હાથ જોડી ઊભા રહ્યા.૧૪
હે રાજન્ ! આ પ્રમાણે ધર્મદેવ ભગવાન શ્રીકૃષ્ણનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન કરી રહ્યા હતા તેવામાં અચાનક તે શ્રીકૃષ્ણનાં બ્રહ્મચારીના વેષને ધરી રહેલા પોતાના પુત્ર શ્રીહરિકૃષ્ણ સ્વરૂપે દર્શન થયાં. તેથી ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં ''હરિ'' એવા નામથી પોતાના ભવનમાં પ્રગટ થયા છે. એવું ધર્મદેવને તે જ ક્ષણે જ્ઞાન પ્રગટ થયું.૧૫-૧૬
હે રાજન્ ! આવું જ્ઞાન પ્રગટ થતાં ધર્મદેવ પ્રેમથી પોતાના પુત્રરૂપ પરમાત્માને જ્યાં ભેટવા જાય છે, ત્યાં તો દિવ્યસ્વરૂપ અંતર્ધાન થઇ ગયું ને ધર્મદેવ સમાધિમાંથી જાગ્રત થયા. ત્યાં તો પોતાની દૃષ્ટિ આગળ જ પોતાની ચરણચંપી કરી રહેલા પોતાના પુત્રરૂપ ભગવાન શ્રીહરિને જોયા, ત્યારે તરત જ ઊભા થઇ શ્રીહરિને ગાઢ આલિંગન કર્યું શરીરની રોમાવલી ઊભી થઇ, નેત્રમાં પ્રેમનાં અશ્રુઓ વહેવા લાગ્યાં. ત્યાર પછી મનુષ્યનાટયથી ઐશ્વર્યને ઢાંકીને વર્તતા પોતાના પુત્રરૂપ પરમાત્મા ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી બે હાથ જોડી ધર્મદેવ પ્રાર્થના કરવા લાગ્યા.૧૭-૧૮
શ્રીહરિની ધર્મદેવે કરેલી સ્તુતિ સહ પ્રાર્થના :- ધર્મદેવ કહે છે, હે હરિ ! તમે એક માત્ર સમસ્ત જગતના સ્વામી છો, સમર્થ છો એનું મને આજે જ્ઞાન પ્રાપ્ત થયું છે. મને તમે અતિપ્રિય છો, મને વરદાનને આપનારા પણ તમે જ છો. તમે જગદ્ગુરુ છો, અજન્મા છો, તમે સ્વયં સાક્ષાત્ શ્રીકૃષ્ણ છો, ભક્તજનોના ઇચ્છિત ફળને આપનારા તમે પોતાનું કલ્યાણ કરવા ઇચ્છતા મુમુક્ષુ જીવાત્માઓ દ્વારા સદા સેવવા યોગ્ય છો, મૂળમાયાથી પણ પર રહેલા અક્ષરબ્રહ્મ થકી પણ તમે પર છો. એવા વિભુ સ્વરૂપ હે હરિ ! તમને હું નમસ્કાર કરું છું.૧૯
હે હરિ ! શાસ્ત્રમાં જે પરમાત્માને સર્વના ઇશ્વર, નિર્ગુણ અને અક્ષરબ્રહ્મ થકી પણ પર સ્વરૂપે વર્ણવ્યા છે તે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન તમે જ છો. તેમ જ તમે સ્વતંત્ર હોવા છતાં તમારાં વચનોને સત્ય કરવા માટે મારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થયા છો. હે હરિ ! આ મારું શરીર પાંચ કે છ દિવસમાં પડી જશે, એવો મને ભાસ થાય છે. છતાં પણ તેનો મારા મનમાં લેશ માત્ર ભય નથી, કારણ કે મેં તમારો દૃઢભાવે આશ્રય કર્યો છે. પરંતુ મારા મનમાં એક વાતનો ખેદ રહ્યા કરે છે કે, હું તમારો વિરહ સહન કેમ કરી શકીશ ? તેથી દેહાન્તર પ્રાપ્તિ પછી પણ તમારો વિયોગ મને ન થાય, એવું વરદાન હું તમારી પાસે માગું છું.૨૦-૨૨
ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે, હે પિતાજી ! તમને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું છે. તે બહુજ સારું થયું. હવે તમારે આના સિવાય બીજું કાંઇ જાણવાનું કે પામવાનું બાકી રહેતું નથી. તમે આ ભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્યદેહે પરિવારે સહિત સદાય મારી સમીપે જ નિવાસ કરીને રહેશો. તેમાં કોઇ સંશય નથી. માટે તમે સર્વે ચિંતાનો ત્યાગ કરી અનાસક્ત ભાવે મારા પરાયણ થઇ વિશુદ્ધ મનવડે તમારા આત્મસ્વરૂપમાં પરમાત્મા મને ધારીને મારા ધ્યાન પરાયણ થાઓ.૨૩-૨૫
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્મદેવ અતિશય પ્રસન્ન થયા તેમની સમગ્ર વાસનાઓ નષ્ટ થઇ ગઇ. પછી શ્રીહરિને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગ્યા, હે મહા મોહને હરનારા ! હે હરિ ! આ લોકમાં તમને બે હાથ જોડયા સિવાય અધિક કાંઇક કરીને તમારા ઉપકારનો બદલો આપવા કોઇ પણ પુરુષ સમર્થ નથી. તે કારણથી હું તમારા ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરું છું.૨૬-૨૭
હે રાજન્ ! આ પ્રમાણે કહી ધર્મદેવ પોતાને સ્વસ્વરૂપનું દિવ્ય જ્ઞાન આપનારા તે ભગવાન શ્રીહરિકૃષ્ણને અતિ હર્ષપૂર્વક નમસ્કાર કર્યા, તે સમયે સહજ વિનયયુક્ત શ્રીહરિએ પણ પિતાનો આદર કરી પ્રશંસા કરી. ત્યારપછી અપુનરાવૃત્તિરૂપ મહાપંથે પ્રયાણ કરવા ઇચ્છતા ધર્મદેવે ભગવાન શ્રીહરિના વિશુદ્ધ જ્ઞાન ચિંતામણિરૂપ વારસાને પોતાના પુત્રોને સોંપવાની ઇચ્છાથી મોટાપુત્ર રામપ્રતાપજી તથા નાના પુત્ર ઇચ્છારામજીને પોતાની સમીપે બોલાવ્યા.૨૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ પિતા ધર્મદેવને અખંડ સમીપે રહ્યાનું વરદાન આપ્યું એ નામે આડત્રીસમો અધ્યાય. --૩૮--