અધ્યાય - ૪૫ - શ્રીહરિના વિયોગથી અયોધ્યામાં સંબંધીજનોએ કરેલો વિલાપ.
પ્રતાપસિંહ રાજા પ્રશ્ન પૂછે છે, હે સુવ્રતમુનિ ! ભગવાન શ્રીહરિએ જ્યારે ઘરનો ત્યાગ કરી વનમાં પ્રયાણ કર્યું ત્યારે તેમને વિષે અતિશય સ્નેહ ધરાવતા અને તેથી જ તેમનામાંજ સદાય મન રાખી આનંદ કરતા રામપ્રતાપાદિ સર્વે સંબંધીજનોએ શ્રીહરિનો વિયોગ થતાં શું કર્યું ? હે બ્રહ્મન્ ! જેમ અમૃતનું પાન કરનારા રસજ્ઞા પુરુષોને તેમાં તૃપ્તિ ન થાય તેમ શ્રીહરિના લીલારસનું પાન કરતા મને તૃપ્તિ થતી નથી.૧-૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિ જ્યારે ઘરનો ત્યાગ કરી વનમાં સિધાવ્યા ત્યારે શ્રીહરિની સમાનવયના મિત્રો તેમનાં દર્શન કરવા ધર્મદેવના ભવનમાં આવ્યા.૩
તે સમયે તેઓએ શ્રીહરિને ઘરમાં જોયા નહિ ત્યારે સરયુ-કિનારે તથા અયોધ્યાપુરીમાં શ્રીહરિને બેસવાનાં જે જે સ્થાનકો હતાં તે સર્વ સ્થળે શ્રીહરિને શોધ્યા, પણ ક્યાંય શ્રીહરિને જોયા નહિ, તેથી બાળમિત્રો અન્ય સ્થાનોમાં શોધવા લાગ્યા. તેમ છતાં પણ શ્રીહરિ ક્યાંય મળ્યા નહિ તેથી તેઓ રુદન કરતા શ્રીહરિના ભવનમાં પાછા આવ્યા.૪-૫
હે રાજન્ ! ભવનમાં ઉદાસીપણે બેઠેલા શ્રીહરિના મોટા ભાઇ રામપ્રતાપજીને પૂછયું કે, તમારા ભાઇ નીલકંઠ ક્યાં ગયા છે ? ત્યારે અચાનક ઊભા થઇ રામપ્રતાપભાઇ તથા ઇચ્છારામભાઇ આદિ સર્વે સંબંધીજનો શ્રીહરિને ઘેર ઘેર અને બાગ બગીચા આદિ સર્વે આરામનાં સ્થાનોમાં શોધવા લાગ્યા.૬-૭
હે રાજન્ ! આંખમાં આંસુઓ સારતા અને સર્વત્ર શોધ કરતા તેઓ જ્યારે ભગવાન શ્રીહરિને કોઇ સ્થળે જોયા નહિ, ત્યારે મોટાભાઇ અત્યંત ચિંતાતુર થઇ હે કૃષ્ણ ! હે હરિ ! હે બન્ધુ ! હે હરિકૃષ્ણ ! હે મારા અનુજ ! હે નીલકંઠ ! હે વર્ણી ! આ પ્રમાણે નામ લઇ લઇને ઊંચે સાદે વારંવાર બોલાવવા લાગ્યા.૮-૯
મહા દુઃખના સાગરમાં ડૂબેલા અને બહુજ શોક કરતા રામપ્રતાપભાઇ પોતાના ભવને પાછા આવ્યા ને હે ભાઇ ! હે ભાઇ ! આ પ્રમાણે શ્રીહરિમાં અતિશય સ્નેહવશ થઇ ઉચ્ચ સ્વરે વિલાપ કરવા લાગ્યા, હે કમલલોચન ભાઇ ! મને છોડીને તમે ક્યાં ગયા છો ? અરે !! તમારા નિત્ય ભોજનનો સમય પણ વ્યતીત થઇ ગયો છે. હવે હું ક્યાં જઇને તમને શોધું ? તમારા ચંદ્ર સરખા મનોહરમુખનું દર્શન તથા તમારા મુખની વાણીનું શ્રવણ ક્યારે કરીશ ?.૧૦-૧૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિમાં અતિશય સ્નેહને લીધે રામપ્રતાપભાઇ વિલાપ કરતા રહેતા અને તેમનાં બાળચરિત્રોનું સ્મરણ કરતા કષ્ટથી દિવસો પસાર કરવા લાગ્યા.૧૩
તેવી જ રીતે ઇચ્છારામભાઇ આદિ સંબંધીજનો તથા જ્ઞાતિજનો પણ નિરંતર શ્રીહરિનો શોક કરતા કષ્ટથી દિવસો પ્રસાર કરવા લાગ્યા. અને સ્ત્રીઓમાં સુવાસિની આદિ સંબંધી સ્ત્રીઓ પણ રાત્રી દિવસ શ્રીહરિનો શોક કરતી કષ્ટથી દિવસો પ્રસાર કરતી હતી.૧૪
હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિમાં પ્રેમાતિશયના કારણે સંબંધીઓને થયેલા વિયોગની કથા સંક્ષેપમાં કહી. હવે શ્રીહરિની આગળની કથા કહું છું, તેને તમે એકાગ્રચિત્તથી સાંભળો.૧૫
વર્ણીનું મુક્તનાથથી દક્ષિણદિશા તરફ પ્રયાણ :- હે રાજન્ ! વર્ણીરાજ શ્રીહરિ મુક્તનાથ ભગવાનને તથા પુલહાશ્રમ નિવાસી સર્વે તપસ્વીઓને નમસ્કાર કરી કારતક સુદ તેરસના પ્રાતઃકાળે દક્ષિણ દિશા તરફ મુખ રાખી ચાલતા થયા.૧૬
હે રાજન્ ! અજ્ઞાની મનુષ્યો ન સમજી શકે તેવા સ્વરૂપ અને સામર્થ્યને ધારણ કરનારા વર્ણીરાજ અનેક જંગલો, પર્વતો, નદીઓ અને સરોવરોને ઉલ્લંઘન કરતા હિમાલયની તળેટીમાં આવ્યા. ત્યાંથી એક મોટા ગહન વનમાં પ્રવેશ કર્યો. વિશાળ આ ગહનવન કેસરી સિંહ, વાઘ, મદોન્મત્ત હાથી, વારાહ, ક્રૂર અરણા પાડાઓ, રોઝ આદિ અનંત પ્રકારના પશુઓથી અતિશય ભયાનક હતું, તેમજ અનેક ગગનચુંબી વૃક્ષોથી વ્યાપ્ત હતું.૧૭-૧૯
માયારાણીના બુટોલનગરમાં વર્ણીનું આગમન :- મનુષ્યો જ્યાં મહાકષ્ટથી પણ માંડ પ્રવેશ કરી શકે તેવા મહાગહન વનમાં વિચરણ કરતા કરતા શ્રીહરિ જ્યાં રાત્રી પડે ત્યાં નિવાસ કરતા બુટોલપુરમાં પધાર્યા.૨૦
તે પુરમાં રહેતા મહાદત્ત નામે પર્વતીય સુબુદ્ધિમાન રાજાએ શ્રીહરિને પોતાના ભવનમાં બોલાવી જઇ નિવાસ કરાવ્યો, અને બહુ ભાવથી સેવા કરવા લાગ્યા.૨૧
તે મહાદત્ત રાજાની માયારાણી નામે બહેન હતાં, તે પણ પોતાના આત્મકલ્યાણને માટે સ્નેહપૂર્વક પરમ શ્રદ્ધાથી શ્રીહરિની પરિચર્યા કરવા લાગ્યાં.૨૨
હે રાજન્ ! આ પ્રમાણે સેવા કરવાથી બન્ને ભાઇબહેન ઉપર પ્રસન્ન થયેલા શ્રીહરિએ તેમને અનાદિ જન્મ-મરણરૂપ સંસૃતિના બંધનમાંથી મુક્ત કરનાર પોતાના સ્વરૂપનું અલૌકિક દિવ્યજ્ઞાન આપ્યું. ત્યારપછી તપઃપ્રિય ભગવાન શ્રીહરિ ત્યાંથી વનમાં આગળ પ્રયાણ કર્યું.૨૩
ગોપાળયોગીસાથે વર્ણીનું મિલન :- હે રાજન્ ! મુક્તનાથનાં દર્શન કરી પુલહાશ્રમમાંથી નીકળ્યા પછી મહાગહન વનમાં પ્રવેશ કર્યો. ત્યાં સ્થળે સ્થળે નિવાસ કરતા બુટ્ટોલપુરમાં આવ્યા. ત્યાંથી નીકળ્યા પછી મહાવનમાં નિવાસ કરતા વર્ણીરાજ શ્રીહરિને એક વર્ષ વ્યતીત થયું.૨૪
હે રાજન્ ! પોતાના વર્ણીધર્મનું યથાર્થ પાલન કરતા શ્રીહરિ ઘોર જંગલમાં આ રીતે વિચરણ કરતા કરતા દર્શન માત્રથી અતિશય રમણીય એવા એક અતિ ઊંચા અને વિશાળ વટવૃક્ષની સમીપે આવ્યા.૨૫
આ વટવૃક્ષથી પૂર્વ દિશાના ભાગમાં વિશાળ સરોવર શોભતું હતું. અને ઉત્તર દિશા તરફ મોટી નદી શોભી રહી હતી. અને તે વટવૃક્ષની ચારે બાજુ ઊંચા વાંસના સોટાઓ શોભી રહ્યા હતા. તેમની આસપાસ ચરતા ગજરાજોના અવાજો ઉઠતા હતા. આવો રમણીય શોભાયે યુક્ત વિશાળ વટવૃક્ષને નિહાળી રહેલા શ્રીહરિએ તેમની નીચે વિરાજતા કોઇ એક મહાયોગીનાં દર્શન કર્યાં.૨૬-૨૭
હે રાજન્ ! તે મૃગચર્મના આસન ઉપર બેઠા હતા. મસ્તક ઉપર શ્વેતજટા અને ડાબે ખભે યજ્ઞોપવીત શોભતી હતી. કૌપીન ઉપર આચ્છાદન વસ્ત્ર ધારણ કર્યું હતું.૨૮
અપરિગ્રહી તે યોગી શાલગ્રામની પૂજા કર્યા પછી શ્રીમદ્ ભગવદ્ગીતાનો પાઠ કરવાની તૈયારી કરતા હતા. તે યોગીનું નામ ગોપાલયોગી હતું. ભગવાન શ્રીહરિ તેની સમીપે જઇ તેને અતિ વિનયભાવથી નમસ્કાર કર્યા.૨૯
તે સમયે ગોપાલયોગી પણ શ્રીહરિનાં દર્શન કરી જાણે પૂર્વ જન્મના કોઇ ગાઢ સ્નેહી હોય તેમ તત્કાળ આસન ઉપરથી ઊભા થઇ અતિ પ્રેમથી તેમને ભેટી પડયા, અને પરમ શાંતિને પામ્યા.૩૦
પરસ્પરનાં દર્શનથી બન્ને જણે પુરાતન ગાઢ મિત્રો હોય તેમ જણાતા હતા. હે રાજન્ ! ગોપાળયોગી દ્વારા અતિ આદર પામેલા વર્ણીરાજ તેના આદરને માન આપી તેની સમીપે નિવાસ કરીને રહ્યા.૩૧
વર્ણીએ સાધ્યો અષ્ટાંગયોગ :- હે રાજન્ ! શ્રીહરિ ગોપાલયોગીમાં ગુરુભાવ રાખી તેમને તે રીતે આદર આપતા થકા તેમની પાસેથી અષ્ટાંગયોગ અને સમગ્ર યોગશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યા.૩૨
અને ગોપાલયોગી પણ શ્રીહરિને આદરપૂર્વક અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપૂજા આ પાંચ નિયમો તથા અનેક પ્રકારનાં સ્વસ્તિક આદિ ચોર્યાસી આસનો, પ્રાણાયામના પ્રકારો, ઇંદ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી વાળવારૂપ પ્રત્યાહાર, પોતાના હૃદયકમળમાં ભગવાનની મૂર્તિ ઉપર મનની સાથે પ્રાણને ધારણ અને મનથી ભગવાનના એક એક અંગનું ચિંતવન કરવારૂપ ધ્યાન આદિ અંગોએ સહિત હૃદય પ્રકાશમાં નિરંતર તૈલધારાવત્ ભગવાનની મૂર્તિનું દર્શન કરવારૂપ અંગી એવી સમાધિને શીખવવા લાગ્યા.૩૩-૩૪
હે રાજન્ ! સમર્થ શ્રીહરિ પણ ગુરુ ગોપાલયોગીને અતિ વિસ્મય પમાડતા હોય તેમ તેમણે એકવાર શીખવેલાં યમ-નિયમાદિ સાધનોને યથાર્થ જેમ હોય તેમ અલ્પકાળમાંજ શીખીને તે પ્રમાણે જ પુનઃ કરી દેખાડતા હતા. હે રાજન્ ! ઉપરોક્ત યોગાભ્યાસ પૂર્વે વર્ણી ગોપાલયોગી પાસેથી નાસીકાના માર્ગે સુક્ષ્મ વસ્ત્રની પટ્ટીને પ્રવેશ કરાવી મુખમાંથી બહાર કાઢવારૂપ નેતી શીખ્યા. ત્યારપછી બે પ્રકારની બસ્તિ શીખ્યા, અર્થાત્ નાભિ સુધીના જળમાં ઊભા રહીને ગુદાદ્વારા જળનું અંદર આકર્ષણ કરી અંદરની સફાઇ કરી ફરી ગુદા દ્વારા જ તે જળને બહાર કાઢી નાખવારૂપ એક પ્રકારની બસ્તિ તથા શિશ્નદ્વારા જળને અંદર આકર્ષણ કરી ફરી શિશ્નદ્વારા જ જળને બહાર કાઢવું કે શિશ્નદ્વારા જળને અંદર આકર્ષણ કરી ગુદાદ્વારા જળને બહાર કાઢવારૂપ બીજા પ્રકારની બસ્તિ ક્રિયા શીખ્યા. ત્યારપછી કુંજરક્રિયા શીખ્યા અર્થાત્ હાથીની જેમ પ્રથમ મુખથી જળ પીને ફરી મુખદ્વારા ઉલ્ટી કરીને જળને બહાર કાઢી નાખવારૂપ ક્રિયા શીખ્યા. તેના પછી નૌલિકા શિખ્યા અર્થાત્ ઉડ્ડીયાન અવસ્થામાં ખભા સહેજ આગળ નમાવી ગોઠણ ઉપર બે હાથને જોસથી ટેકવી પેટના બન્ને નળને વેગપૂર્વક જમણી તથા ડાબી બાજુ જળચક્રની જેમ ઘુમાવવા રૂપ ક્રિયાને શીખ્યા. તેવી જ રીતે શંખ પ્રક્ષાલન એટલે કે મુખેથી પાણીને પીને તેને ગુદાદ્વારા બહાર કાઢવારૂપ ક્રિયાને શીખ્યા. હે રાજન્ ! આવી અનેક ક્રિયાઓ યોગાભ્યાસને અનુરૂપ શ્રીહરિ પ્રથમ શીખ્યા.૩૫-૩૬
હે રાજન્ ! ઉપરોક્ત નેતી આદિ ક્રિયાઓ શીખ્યા પછી શ્રીહરિએ ગુરુ ગોપાલયોગીએ બતાવેલા માર્ગથી અલ્પ સમયમાં જ ક્રમાનુસાર અષ્ટાંગયોગ સંપૂર્ણ સિદ્ધ કર્યો. અને ગુરુના મુખથી એકવાર સાંભળવા માત્રથી શ્રીહરિએ સમગ્ર યોગશાસ્ત્રના ગ્રંથનો પણ અભ્યાસ પૂર્ણ કર્યો. હે રાજન્ ! તેમ થવાથી અતિશય વિસ્મય પામેલા ગુરુ ગોપાલયોગી શ્રીહરિને યોગેશ્વર કૃષ્ણ સમાન માનવા લાગ્યા.૩૭-૩૮
યોગીઓની મધ્યે શ્રેષ્ઠ એવા ગોપાળયોગી પોતે અતિશય નિઃસ્પૃહી હોવા છતાં શ્રીહરિમાં અતિશય પ્રેમ ઉત્પન્ન થતો હતો તે જોઇ મનોમન શ્રીહરિને ગુરુ તરીકે માનવા લાગ્યા.૩૯
હે રાજન્ ! આ પ્રમાણે પરસ્પર ગુરુબુદ્ધિ રાખી તે બન્ને જણ એક બીજાની સેવા કરતા અને કંદમૂળ, ફળ વગેરેનો આહાર કરતા બન્ને એક વર્ષ સુધી ત્યાં આશ્રમમાં સાથે રહ્યા.૪૦
પ્રતિદિન ઠંડી, વાયુ, વર્ષા અને ગરમીને સહન કરી ત્રિકાલ સ્નાન સંધ્યા વંદનાદિ કરી બન્ને તીવ્ર તપને કરતા રહેતા.૪૧
ગોપાળયોગીદ્વારા ગાયોની રક્ષા કરાવી :- હે રાજન્ ! કોઇ વખત ગાયો, ભેંસો ચરાવતા ગોવાળો દૈવઇચ્છાએ ત્યાં આવ્યા અને ગોપાલયોગીના આશ્રમની સમીપે યોગીના આશ્રયે નેસડાઓ બાંધી રહેવા લાગ્યા.૪૨
પરંતુ બન્યું એવું કે, પ્રતિદિન વાઘ આવતા અને પાંચ છ ગાયોનું ભક્ષણ કરી જતા, તેથી તેઓ બહુ ચિંતાતુર થયા.૪૩
ત્યારે તેઓએ ગોપાળયોગીને પ્રાર્થના કરી કે હે યોગીરાજ ! તમે અમારા પશુઓનું હિંસક પ્રાણીઓ થકી રક્ષણ કરો. કારણ કે તમે સમર્થ છો. માટે આપનું ગોપાલ એવું નામ સાર્થક કરો.૪૪
હે રાજન્ ! ગોવાળોની પ્રાર્થના સાંભળ્યા પછી પણ ગોપાળયોગી હિંસક પ્રાણીઓથી ગાયોની રક્ષા કરવા સમર્થ થયા નહિ તેથી ચિંતા કરવા લાગ્યા. તેમને ચિંતાતુર જોઇ વર્ણીરાજ શ્રીહરિએ ગોપાલયોગીને કહ્યું હે, મહામુનિ ! તમે ચિંતા ન કરો ને આ તમારા શંખનો નાદ કરો, જેનાથી આ આશ્રમના આસપાસના પ્રદેશમાં હિંસક પ્રાણીઓનો પ્રવેશ જ નહીં થાય. તમારા યોગના પ્રભાવથી તેઓ અત્યારથી જ અહીંથી ચાલ્યાં જશે.૪૫-૪૬
હે રાજન્ ! શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું તેથી ગોપાલયોગીએ ધર્મનંદન શ્રીહરિનાં વચનોને માન આપી ગાયો ઉપરની કૃપાદૃષ્ટિથી તે સમયે દીર્ઘ અને ગંભીર શંખ ધ્વનિ કર્યો.૪૭
તે ધ્વનિ જેટલા પ્રદેશમાં સંભળાયો તેટલા પ્રદેશમાં કોઇ હિંસક પ્રાણીઓ આવતાં નહિ અને તે પ્રદેશમાં જે હિંસક પ્રાણીઓ રહેતાં હતાં તે પણ દૂરના પ્રદેશમાં જઇને રહેવા લાગ્યાં.૪૮
સંત ગોપાલયોગીના અનુગ્રહથી તે સ્થાન નિર્ભય થયું, તેથી વિસ્મય પામેલા ગોવાળો ગાય આદિ પશુઓની સાથે સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યા અને શ્રીહરિ તથા ગોપાળયોગીની દૂધ આદિથી સેવા કરવા લાગ્યા. વિસ્મય પામેલા ગોપાળયોગી પણ પોતાના હૃદયમાં આ પશુરક્ષણનો પ્રતાપ શ્રીહરિનો જ છે એમ જાણી તેમને મનુષ્યાકૃતિમાં કોઇ અલૌકિક દિવ્ય પુરુષ છે એમ માનવા લાગ્યા.૪૯-૫૦
ગોપાળયોગીના આશ્રમમાં નિવાસ કરતા વર્ણીરાજ શ્રીહરિ પ્રતિદિન વિશુદ્ધમનથી શ્રીમદ્ભગવદ્ગીતાના કેવળ બીજા અધ્યાયનું સારી રીતે ચિંતવન કરવા લાગ્યા.૫૧
આમ ચિંતવન કરતા બુદ્ધિમાન શ્રીહરિને અસાધારણ લક્ષણેથી વિશિષ્ટ પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિ થઇ અને તત્ત્વદૃષ્ટિથી તે પ્રમાણે તેનો નિશ્ચય કર્યો.૫૨
શ્રીહરિ પ્રત્યાહારનો અભ્યાસ કરી ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણની સમગ્ર વૃત્તિઓને વારંવાર પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં ધારણ કરવા લાગ્યા.૫૩
હે નૃપ શ્રેષ્ઠ ! આ પ્રમાણે અભ્યાસ કરતા શ્રીહરિને અલ્પ કાળમાંજ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં ધ્યાનયોગની પરિપક્વતા પ્રાપ્ત થઇ.૫૪
હે રાજન્ ! શ્રીહરિને ત્રણે અવસ્થામાં પોતાના હૃદયકમળમાં અખંડ અને ઇન્દ્રિયોના પ્રકાશક એવા મહાન આત્મજ્યોતિનો સાક્ષાત્કાર થવા લાગ્યો.૫૫
અને પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપની અક્ષરબ્રહ્મની સાથે નિરંતર એકાત્મપણાની ભાવનાની દૃઢ ધારણા કરતા શ્રીહરિ બ્રહ્મરૂપ થયા. અર્થાત્ બ્રહ્મના સાધર્મ્યપણાને પામ્યા. હે રાજન્ ! સ્વયં શ્રીહરિ પોતે જ અક્ષરબ્રહ્મતેજના મધ્યે સદાય વિરાજમાન દિવ્યમૂર્તિ સાક્ષાત્ પરબ્રહ્મ છે, છતાં આવી રીતનું આચરણ તે ભક્તજનોની શિક્ષા માટે છે.૫૬
ગોપાળયોગીને સ્વ-સ્વરૂપનું જ્ઞાન આપીને સિધ્ધગતિ આપી :- હે રાજન્ ! ત્યારપછી ગોપાળયોગીએ શ્રીહરિને પ્રાર્થના કરી તેથી પોતાના મિત્રપણે વર્તતા ગોપાલયોગીને પણ શ્રીહરિએ ધ્યાનયોગનો અભ્યાસ કરાવ્યો તેથી તે પણ પોતાના આત્માની અક્ષરબ્રહ્મની સાથે એકતાથી બ્રહ્મરૂપની ભાવનાને પામ્યા.૫૭
હે રાજન્ ! આ યોગી ભગવાન શ્રીહરિની જ ઇચ્છાથી વર્ણીરૂપ શ્રીહરિને સર્વના સ્વામી અને સાક્ષાત્ નારાયણઋષિ જાણવા લાગ્યા કે આ શ્રીહરિ છે. એ જ બ્રહ્મપુરાધિપતિ સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણનારાયણ છે. તે પોતાના ભક્તજનોની રક્ષા માટે અને પૃથ્વીપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે મનુષ્યરૂપે પ્રગટ થયા છે. આટલું જ્ઞાન થયા પછી તે ગોપાલયોગી એક શ્રીહરિની જ ભક્તિ કરવા લાગ્યા.૫૮
આ રીતે સિદ્ધયોગી મનનશીલમુનિ ગોપાલયોગી દૃઢ આસને બેસી પોતાના હૃદયકમળમાં તે પ્રગટ શ્રીહરિનું જ ધ્યાન કરવા લાગ્યા. આમ ધ્યાન કરતાં કરતાં યોગીને પોતાનાં શરીરની અત્યંત વિસ્મૃતિ થઇ ગઇ. હે નિષ્પાપ રાજન્ ! પછી તે ગોપાળયોગી પંચભૌતિક શરીરનો ત્યાગ કરી શ્રીહરિની કૃપાથી દિવ્ય દેહને પ્રાપ્ત કરી તત્કાળ ગોલોકધામને પામ્યા.૫૯-૬૦
હે રાજન્ ! ગોપાલયોગી ધામમાં ગયા પછી તેનો દૈહિક સંસ્કાર કરવાનો વ્યવહાર અચાનક પોતા ઉપર આવ્યો, તેથી સિદ્ધયોગી ભગવાન શ્રીહરિએ પોતાના સખા ગોપાળયોગીની સમસ્ત ઔર્ધ્વદૈહિક ક્રિયા કરી ત્યાંથી પૂર્વમુખે ચાલી નીકળ્યા.૬૧
વર્ણીએ કર્યાં આદિવરાહતીર્થમાં દર્શન :- બ્રહ્મસ્વરૂપની સ્થિતિમાં અખંડ વર્તતા અને નાસિકાના અગ્રભાગ ઉપર જ દૃષ્ટિને સ્થિર રાખીને ચાલતા શ્રીહરિ ધનુષમાંથી છૂટેલા બાણની જેમ માર્ગમાં અતિ ઉતાવળી ગતિએ ચાલતા હતા. શરીરનું ભાન ભૂલી શ્રીકૃષ્ણરૂપ એક પોતાના આત્માનું જ ચિંતવન કરતા કરતા આદિવરાહ તીર્થમાં આવ્યા અને ત્રણ દિવસ પર્યંત તે તીર્થક્ષેત્રમાં નિવાસ કરીને રહ્યા.૬૨-૬૩
હે રાજન્ ! આ પ્રમાણે વર્ણીન્દ્ર શ્રીહરિ જે જે તીર્થસ્થાનોમાં જતા ત્યાં ત્યાં નિવાસ કરીને રહેતા, તેથી મનુષ્યોને સ્વર્ગલોકમાંથી જાણે ગુરુ બૃહસ્પતિ પધાર્યા હોય ને જે દર્શનનો આનંદ થાય તેવો મહાઆનંદ તેમનાં દર્શનથી થતો હતો.૬૪
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ગોપાળયોગી પાસે શ્રીહરિએ યોગાભ્યાસ કર્યો એ નામે પિસ્તાલીસમો અધ્યાય પૂર્ણ થયો. ૪૫