અધ્યાય - ૬૪ ત્યાગી સાધુનું નિઃસ્વાદિ વર્તમાન.
ત્યાગી સાધુનું નિઃસ્વાદિ વર્તમાન. રસદોષને જીતવાના ઉપાયો. ગૃહસ્થના ઘેર જમવા જવાની ત્યાગીસાધુની રીત. નિઃસ્વાદી નિયમભંગના પ્રાયશ્ચિતની રીત.
ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે મુનિ ! સર્વે ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનારૂં કોઇ કારણ હોય તો તે રસાસ્વાદ છે, કારણ કે, પાપોની ઉત્પત્તિના કારણભૂત સર્વે દોષો એક રસમાંથી જ પ્રવર્તે છે.૧
અંગે સહિત કામ રસથકી જ તત્કાળ ઉત્પન્ન થાય છે. એવું લોકોમાં પ્રસિદ્ધપણે દેખાય છે. કેવી રીતે ? કે ભૂખથી પીડાતા દુર્બળ માણસમાં કામ દેખાતો નથી પરંતુ જે રસે કરીને પુષ્ટ થયો હોય તેને વિષે જ તે દેખાય છે.૨
ધર્મિષ્ટ એવા મોટા મોટા રાજાઓને પણ રસથકી માંસ ભક્ષણને વિષે આસક્તિ થયેલી છે. તેમજ ધર્મિષ્ઠ એવા બ્રાહ્મણોને પણ ક્યાંક ક્યાંક રસાસ્વાદથી માંસભક્ષણને વિષે આસક્તિ થયેલી જોવા મળે છે.૩
''સર્વે વેદો હિંસામયયજ્ઞાનું પ્રતિપાદન કરે છે'' આવી રીતનું દુષ્ટ વચન યજ્ઞા કરાવનારા દેવતા તથા રાજા તથા બ્રાહ્મણાદિકોના મુખથકી માત્ર એક રસાસ્વાદના કારણે જ પ્રવર્તે છે. યજ્ઞાનું શેષ માંસ ખાવા માટે જ તેઓ વેદને હિંસામયયજ્ઞા પરક કહે છે. પણ વેદ કાંઇ હિંસામયયજ્ઞા પર નથી.૪
જીવની હિંસાએ રહિત યજ્ઞા કરવો તથા તપ કરવું, એ બે પોતાના સનાતનધર્મ થકી બ્રાહ્મણોનું જે ભ્રષ્ટપણું થયું છે તે એક રસને વિષે આસક્તિથી જ થયું છે. તેવીજ રીતે શિલોંચ્છાદિક વૃત્તિથકી પણ બ્રાહ્મણોનું જે પતન થયું છે, તે પણ રસ થકી જ થયું છે.૫
હાલના સમયે પણ પૃથ્વીમાં બ્રાહ્મણાદિક ઉચ્ચવર્ણ તથા બ્રહ્મચર્યાદિક શુદ્ધ આશ્રમ વાળાઓને કોઇ દેવી કે ભૈરવ આદિક દેવતાઓને નૈવેદ્ય ધરાવવાના મિષે કરીને રસાસક્તિથી મદ્ય, માંસના ભક્ષણને વિષે પ્રવૃત્તિ થઇ છે. ૬
ચાર વર્ણ તથા ચાર આશ્રમમાં રહેલા મનુષ્યોમાં વેદે કહેલા ધર્મને વિષે જે સંકરપણું પ્રવર્ત્યું છે, તે રસાસક્તિથી જ પ્રવર્ત્યું છે.૭
ઉત્તમ જાતિનાં મનુષ્યો રાક્ષસોની જેમ પશુપક્ષી આદિક જીવોની હિંસા રસાસક્તિથી જ કરે છે. તથા ઉત્તમજાતિનાં મનુષ્યો પણ રસાસક્તિથી ચોરી કરવાને વિષે પણ પ્રવર્તે છે.૮
પંક્તિભેદના દોષને જાણનારા વિદ્વાનો પણ રસાસક્તિથી પંક્તિભેદ કરે છે. પોતાના મનુષ્યોને ન આપી એકલાએ ભક્ષણ કરવું તેને વિષે એક રસથકી જ મનુષ્યને રૂચિ થાય છે. અર્થાત્ સ્વાદુ ચીજ પોતે એકલો જ ખાય છે.૯
ઉત્તમ જાતિના મનુષ્યને પણ ન પીવા યોગ્ય વસ્તુ પીવાને વિષે, ન ખાવા યોગ્ય વસ્તુ ખાવાને વિષે, તથા જે ખાવા-પીવાથી કેફ ચઢે ને ધર્મ અધર્મની ખબર ન રહે, એવી વસ્તુ ખાવા પીવાને વિષે પ્રવૃત્તિ એક રસાસક્તિથી જ થાય છે.૧૦
જે જન્મ-મરણરૂપ સંસારને છેદી નાખનારાં છે, એવાં ભગવાનનાં કીર્તન, સત્શાસ્ત્રની કથા તથા ભગવાનની પ્રતિમાની પૂજા તે માત્ર આજીવિકાને માટે કરાય છે. તે રસ થકી જ થાય છે. અર્થાત્ રસાસ્વાદને વશ થઇને વિદ્વાનો પોતાના દેહ કુટુંબની આજીવિકાને અર્થે કીર્તન કથા તથા પૂજા કરે છે.૧૧
રસાશક્તિને કારણે પોતાના શત્રુને આધીન થઇ જવાય છે. અને પછી તે થકી મૃત્યુ પણ થાય છે. રસાસ્વાદથી વધુ પડતો આહાર કરાય છે. જેથી મૃત્યુ પણ થાય છે, વળી રસથકી નાના પ્રકારના રોગ થાય છે.૧૨
મનુષ્યો જેને કારણે પાપ કરે છે, એવા ક્રોધ, લોભ, મદ, ઇર્ષ્યા એ આદિક અનેક મહાન દોષોની ઉત્પત્તિ રસ થકી જ થાય છે.૧૩
રસદોષને જીતવાના ઉપાયો :- હે મુનિ ! એવી રીતે રસને આશરીને રહેલા સર્વે દોષો અમે તમને કહ્યા. હવે ત્યાગી સાધુઓને હિત કરનારા એવા રસને જીતવાના ઉપાયો કહીએ છીએ.૧૪
ત્યાગી સાધુએ ક્યારેય પણ સ્વાદુ ભોજનને વિષે આસક્તિ કરવી નહિ. કારણ કે યોગે કરીને સિદ્ધ થયેલા મોટા ત્યાગી સાધુઓ પણ જો રૂડા ભોજનને વિષે આસક્તિ કરે તો તે પણ શ્વાન અને બિલાડા જેવા કહેવાય છે.૧૫
રૂડા રસે યુક્ત ભોજનને વિષે આસક્તિ રહિત અને પોતાના જીવાત્માને દેહ ઇન્દ્રિયો થકી જુદો જાણનાર ભગવાનનો ભક્ત ત્યાગી સાધુ પોતાના દેહ નિર્વાહને અર્થે ભિક્ષાવૃત્તિને આશરે.૧૬
ભિક્ષાવૃત્તિ કેવી રીતે કરવી તે કહીએ છીએ. પવિત્ર ગૃહસ્થને ઘેર નિત્ય જઇ જેમ ભમરો દરેક કમળમાંથી થોડો થોડો રસ લે છે, પણ તે કમળને ભાંગી તોડી નાખતો નથી, તેમ ત્યાગી સાધુ પણ ગૃહસ્થને પીડા ન થાય તેવી રીતે થોડું થોડું અન્ન માંગીને ભિક્ષા કરે.૧૭
ભિક્ષાવૃત્તિ આચરનારા ત્યાગી સાધુએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણના ગૃહસ્થો પાસેથી પવિત્ર કાચું અન્ન માંગી લેવું. કોઇ આપત્કાળ પડયો ન હોય ત્યાં સુધી એ ચાર વર્ણથી ઉતરતા વર્ણના ગૃહસ્થોને પાસે કાચું અન્ન પણ માગવું નહિ. આપત્કાળમાં મંગાય તેનો દોષ નહિ.૧૮
જે ગૃહસ્થના ઘરથકી સારૂં સારૂં અન્ન ઝાઝું મળતું હોય, તેજ ગૃહસ્થને ઘેર રસને લોભે કરીને નિત્ય માગવા જવું નહિ.૧૯
ભિક્ષા માગવા જવું ત્યારે ત્યાગી સાધુએ ગૃહસ્થના આંગણામાં ઊભા રહી ''નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો'' એ રીતે ઊંચે સ્વરે બોલવું.૨૦
ત્યારપછી ભિક્ષામાં મેળવેલા લોટ, ચોખા, દાળ આદિક અન્ન અથવા ફળાદિકની પવિત્ર થઇને રસોઇ કરવી ને, તે રસોઇ ભગવાનને નિવેદન કરવી.૨૧
તુલસીએ યુક્ત નૈવેદ્યનું અન્ન જમવા સમયે ભગવાનનું ચરણામૃત અથવા પ્રસાદીનું જળ મેળવીને ત્યાગી સાધુએ જમવું.૨૨
ભોજન કરવાને સમયે કોઇક ભિક્ષુક આવી અન્ન માંગે તો તેને પોતાપણાની બુદ્ધિથી પ્રસન્ન મને અન્ન આપવું. પરંતુ તેને પરાયો માની આકળા થઇને કચવાઇ જવું નહિ.૨૩
ગૃહસ્થના ઘેર જમવા જવાની ત્યાગીસાધુની રીત :- જે પોતાના ધર્મને વિષે નિષ્ઠાવાળો, લોકની નિંદા, પાપકર્મ તથા સૂતકાદિકથી રહિત અને ભગવાનનો ભક્ત ગૃહસ્થ બ્રાહ્મણ હોય ને તે પોતાને ઘેર ત્યાગી સાધુને જમવાનું નોતરું દે તો તેને ઘેર જમવા જવું, અને ત્યાં ભગવાનને નૈવેદ્ય ધરીને તે અન્ન ચરણામૃત અથવા પ્રસાદીનું જળ મેળવીને જમવું.૨૪-૨૫
કદાચિત તે ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર ભગવાનની પ્રતિમા ન હોય તો પોતાને પૂજવાની મૂર્તિ ત્યાં લઇ જઇને નૈવેદ્ય કરવું ને પછી જમવું.૨૬
જો ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર ભગવાનની મૂર્તિ હોય અને તેનું ઘર છેટે હોય તો તેની પાસે કાચું અન્ન એક જણ જમે તેટલું બે શેરને આશરે પોતાના ઉતારે મંગાવી પોતે તેની રસોઇ કરી ભગવાનને નૈવેદ્ય કરવું.૨૭
પછી જ ત્યાગી સાધુનું મંડળ ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર જમવા જાય. પોતાને પૂજવાની મૂર્તિને નૈવેદ્ય કર્યા વિના જમવા જાય તો ભગવાનની સેવારૂપ ધર્મમાં દોષ આવે છે.૨૮
જો ભગવાનનો ભક્ત ગૃહસ્થ બ્રાહ્મણ રસોઇ તૈયાર કરવાને અસમર્થ હોય ને ત્યાગી સાધુને જમવાનું નોતરું દે અથવા જેનું રાંધેલ અન્ન ખપતું ન હોય એવા ક્ષત્રિય, વૈશ્ય અને સત્શૂદ્ર પણ જો ત્યાગી સાધુને જમાવનું નોતરું દે, તો તેની પાસે કાચા અન્નનું સીધું પોતાને જોઇએ તેટલું પોતાના ઉતારે મંગાવીને રસોઇ કરવી, અથવા તેને ઘેર જઇ એકાંત જગ્યા હોય ત્યાં ત્યાગી સાધુ રસોઇ કરે અથવા ભગવાનના ભક્ત બ્રાહ્મણ પાસે રસોઇ કરાવે.૨૯-૩૦
જ્યારે ગૃહસ્થના ઘેર રસોઇ કરવા જવું હોય ત્યારે ત્યાગી સાધુએ પાંચથી ઓછા ક્યારેય ન જવું. અને ગૃહસ્થના ઘેર જમવા જવું હોય તો પણ પાંચથી ઓછા ક્યારેય ન જવું, અમે આ મર્યાદા બાંધી છે. તે પ્રમાણે વર્તવું.૩૧
ગૃહસ્થના ઘરની સંપત્તિ જોઇને ત્યાગી સાધુએ તેમનું નોતરું સ્વીકારીને તેને ઘેર જમવા જવું અથવા સીધું લેવું. થોડા ધનવાળા ગૃહસ્થને ક્લેશ થાય તેમ ક્યારેય ન કરવું.૩૨
દેશકાળને અનુસારે ગૃહસ્થ પોતાને ઘેર ચોખા, ઘઉ આદિક ભારે અન્ન જમતો હોય કે પછી કોદરા, બાજરો, બંટી આદિક જેવું તેવું અન્ન જમતો હોય, અને જ્યારે તે ગૃહસ્થને ઘેર જમવા જવું અથવા પોતાને ઉતારે તેનું સીધું લેવું ત્યારે જેવું અન્ન તે નિત્ય જમતો હોય તેવું અન્ન ત્યાગી સાધુએ લેવું, પણ તેથી ભારે અન્ન ન લેવું. રોગાદિક આપત્કાળમાં તથા વૃદ્ધાવસ્થામાં પોતાને સદે તેવું અન્ન ગૃહસ્થ પાસે માંગી લે, તેનો દોષ નથી.૩૩-૩૪
અમાવાસ્યા, દ્વાદશી ને પૂનમ એ પર્વો તથા અન્નકૂટાદિક ઉત્સવોને દિવસે ગૃહસ્થ નિત્ય કરતાં કાંઇક વિશેષ સારૂં ખાતો હોય, ને તે દિવસે તેવું સારૂં અન્ન ત્યાગી સાધુને આપે તો તે લેવું.૩૫
જે ગૃહસ્થને ઘેર પીરસનારો પુરુષ હોય તેને ઘેર ત્યાગી સાધુએ જમવા જવું, પણ જ્યાં પીરસનારી સ્ત્રી હોય ત્યાં ક્યારેય ન જવું.૩૬
બ્રહ્મચર્યવ્રતને આચરનાર ત્યાગી સાધુ ભગવાનની પ્રસાદિ વિનાનું ચંદન તથા પુષ્પની માળા પણ ધારણ કરે નહિ, ભગવાનની પ્રસાદીનું હોય તે ધારણ કરે.૩૭
સુગંધીમાન તેલ, ફુલેલ અત્તર, તથા નાગરવેલના પાનની બીડી, સોપારી, એલચી, જાયફળ, જાવંત્રી, લવિંગ આદિક વસ્તુ ભગવાનની પ્રસાદિ હોય તો પણ ત્યાગી સાધુ અંગીકાર ન કરે, રોગાદિક આપત્કાળ પડયો હોય ને લેવાય તેનો બાધ નહિ.૩૮
હે મુનિ ! યોગી એવા ત્યાગી સાધુને એકાદશી આદિક વ્રતના દિવસોને વિષે અન્ન અથવા ફળાદિક જે પોતાને પ્રાપ્ત થાય તેનું ભગવાનને નૈવેદ્ય ધરવું અને પોતે તો વ્રતનો નકોરડો ઉપવાસ કરવો. પરંતુ માહાત્મ્ય જાણીને તે નૈવેદ્યનું અન્ન ખાવું નહિ. તેવી જ રીતે પ્રાયશ્ચિતનો ઉપવાસ કરવો હોય ત્યારે પણ ભગવાનને રાંધેલા અન્નનું નૈવેદ્ય ધરવું ને પોતે તો નકોરડો ઉપવાસ કરવો. તેમાં જળ સિવાય બીજું કાંઇ ન લેવું.૩૯-૪૦
ઉત્સવ ઉપર તથા કોઇ ગૃહસ્થે સર્વે ત્યાગી સાધુને જમાડવા સારૂં તેડયા હોય ને ઘણાક ત્યાગી સાધુનાં મંડળ ભેળાં થયાં હોય ત્યારે ભગવાનને નૈવેદ્ય ધરવાની રીત દેશકાળાનુસારે કરવી.૪૧
તે કેવી રીતે ? તો એક પાક અથવા બે પાક અથવા બહુ પાકે કરીને સર્વની એક ભેળી રસોઇ કરવી અથવા નોખા બે મંડળની રસોઇ કરવી ને પછી નૈવેદ્ય ધરવું તેમાં પણ જેમ પોતાના એકાંતિક ધર્મની રક્ષા થાય તેવી રીતે ત્યાગી સાધુએ કરવું.૪૨
જો અતિશય મોકળી પવિત્ર જગ્યા હોય તો ભોજ્યાદિ ચારે પ્રકારનું સર્વ અન્ન તે અન્નકૂટની પેઠે ભગવાનને નિવેદન કરવું.૪૩
જો જગ્યા મોકળી ન હોય તો તથા રસોઇના પાત્ર નાનાં હોય તો તે પ્રમાણે થોડું થોડું અન્ન ભગવાનને ધરવું. ત્યાર પછી તે પ્રસાદીના સર્વે અન્નને તે તે અન્નના ઢગલામાં ભેળું કરવું, એટલે એ સર્વે પ્રસાદી થાય તે સર્વે ત્યાગી સાધુએ જમવું.૪૪
પોતાને જેનું રાંધેલું અન્ન ન ખપતું હોય એવા કોઇ મનુષ્યે આપેલું અન્ન ભગવાનની પ્રસાદીનું હોય તો પણ ત્યાગીએ રસના ઇન્દ્રિયની લોલુપતાએ કરીને ખાય નહિ.૪૫
તેમજ રાધેલું ભગવાનની પ્રસાદીનું અન્ન તથા ચરણામૃત જેને ન ખપતું હોય તેને આપે નહિ, તથા તેની પાસેથી લે પણ નહિ.૪૬
કારણ કે આહારની શુદ્ધિ અંતઃકરણની શુદ્ધિનું કારણ છે, તે માટે પવિત્ર ગૃહસ્થના ઘર થકી પ્રાપ્ત થયેલું અન્ન ભગવાનને નિવેદન કરીને ખાવું, એવી રીતે શુદ્ધ આહાર ન કરે તો અંતઃકરણ મલીન થઇ જાય છે.૪૭
ત્યાગી સાધુએ નિત્ય એકવાર જમવું, રોગાદિક આપત્કાળ પડે ને બીજીવાર જમાય તેનો બાધ નહિ, સાધુએ દિવસે તથા રાત્રીએ પણ નિરંતર ભગવાનની સેવામાં વર્તવું, પરંતુ જમીને નવરા બેસી રહેવું નહિ.૪૮
જેનું રાંધેલું અન્ન પોતાને ખપતું હોય, તેણે પણ એકવાર જમ્યા પછી ભગવાનની પ્રસાદીનું અને પોતાને આપ્યું હોય તો તે ત્યાગી સાધુએ કોઇ પ્રકારે ન જમવું, જો તે જમે તો એક વખત જમવાના નિયમનો ભંગ થઇ જાય, તેથી સાધુઓમાં અનાચારની પ્રવૃત્તિ થાય, એમાં કોઇ સંશય નથી.૪૯-૫૦
ઉપવાસના દિવસે પ્રાપ્ત થયેલી ભગવાનની પ્રસાદીરૂપ ભક્ષણ કરવા યોગ્ય ફળાદિક વસ્તુને નમસ્કાર કરીને કોઇ બીજાને આપી દે, પણ ત્યાગીએ પોતે કોઇ રીતે ખાય નહિ.૫૧
ભોજનના સમયે પ્રાપ્ત થયેલી ભગવાનની પ્રસાદીની અન્નાદિક વસ્તુઓ જો પોતાને જમવા યોગ્ય ન હોય તો તેને ભગવાનની પ્રસાદીનું માહાત્મ્ય જાણીને પણ કોઇ રીતે જમે નહિ.૫૨
જે અન્નાદિક વસ્તુનો પોતે નિયમ લઇને ત્યાગ કર્યો હોય, તથા જે જમવાથી પોતાના દેહને પીડા કરે તેમ હોય, તો તેને પ્રસાદીના માહાત્મ્યે કરીને પણ જમે નહિ.૫૩
રૂડી બુદ્ધિવાળો ત્યાગી પોતાને ભોજન કરવાના પાત્રમાં ભગવાનને નૈવેદ્ય ન ધરે, તથા ભગવાનની પૂજા કરવાના જલપાત્રોને મળ મૂત્રાદિક ક્રિયા કરવા માટે ન લઇ જાય તથા શૌચ ક્રિયા કરવાના પાત્રનું જળ ભગવાનની પૂજાના પાત્રમાં ન નાખે, એવી રીતે વિવેક રાખવો.૫૪
ત્યાગી સાધુ ગાળ્યા વિનાનું જળ તથા દૂધ ભગવાનને નૈવેદ્ય ન ધરે, કોઇ અજ્ઞાની પુરુષ ગાળ્યા વિનાનું જળ અને દૂધ ભગવાનની પ્રસાદીરૂપ કરીને પોતાને આપે તો તે ગાળ્યા વિના પીએ નહિ, ગાળીને જ પીએ.૫૫
ત્યાગી સાધુએ રાજસી તામસી અન્ન જમવાથી દેહની પુષ્ટિએ કરીનેવીર્ય ઉત્તેજીત થાય એવું અન્નાદિક ભગવાનની પ્રસાદી હોય તો પણ અતિશય ન ખાય, થોડું જ લે, તેમાં પણ મદ્ય, માંસાદિક અપવિત્ર વસ્તુઓના સંસર્ગને તો અતિશય ત્યાગે.૫૬
ત્યાગી સાધુ ભાંગ, ગાંજો, અફિણ તથા જેણે કરીને કેફ ચઢે એવી સર્વ વસ્તુઓનો દૂરથી ત્યાગ કરે. તેમજ ખાવા, પીવા કે સૂંઘવાની આ ત્રણ પ્રકારની તમાકુનો પણ દૂરથી ત્યાગ કરે.૫૭
રોગે કરીને પીડા પામેલા સાધુએ મદ્ય, માંસાદિક અપવિત્ર વસ્તુના સ્પર્શ રહિત ઓસડ ખાવું, ખાટલા ઉપર સૂવું, તથા ગોદડું ઓઢવું ને પાથરવું.૫૮
રોગી તથા વૃદ્ધ સાધુઓને એક વખત જમવાનો નિયમ નથી. માટે તેઓએ પોતાના હૃદયને વિષે ભગવાનનું સ્મરણ કરી જે રૂચે તે રીતે જમવું.૫૯
નિઃસ્વાદી નિયમભંગના પ્રાયશ્ચિતની રીત :- નિઃસ્વાદી સાધુપુરુષના સમાગમ તથા ભગવાનની ભક્તિએ સહિત આ રૂડા નિયમોનું પાલન કરવાથી તથા ભગવાનને અર્પણ કર્યા વિનાના અન્નાદિક વસ્તુઓનો ત્યાગ કરવાથી ત્યાગી સાધુ દુર્જય રસાસ્વાદને જીતે છે.૬૦
શિલોંચ્છવૃત્તિવાળા મુદ્ગલ નામે ઋષિ તથા રંતિદેવાદિ રાજા રસાસ્વાદનો પરિત્યાગ કરવાથી પરમ સુખને પામ્યા હતા.૬૧
આ નિયમો કહ્યા તેમાંથી જો કોઇ નિયમનો ભંગ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત ત્યાગી સાધુએ તત્કાળ કરવું.૬૨
નિઃસ્વાદી વર્તમાનના ભંગનું પ્રાયશ્ચિત :- અગ્નિએ કરીને રાંધેલું અન્ન ભગવાનને નૈવેદ્ય કર્યા વિના જો જમાય તો એક ઉપવાસ કરવો. ભગવાનની પ્રસાદી વિનાનું ચંદન તથા પુષ્પની માળા ધારણ કરાય તો એક ઉપવાસ કરવો.૬૩
ભગવાનની પ્રસાદીનું સુગંધીમાન તેલ ફુલેલ અત્તર, શરીરે ચોપડાય તથા નાગરવેલના પાનની બીડી, સોપારી, એલચી, જાયફળ, જાવંત્રી, લવિંગ, એ આદિક વસ્તુ ખવાય તો એક એક ઉપવાસ કરવો.૬૪
ભગવાનની પ્રસાદીનું રાંધેલું અન્ન તથા ચરણામૃત જેને ખપતું ન હોય તેને દેવાય તો એક ચાંદ્રાયણ વ્રત કરવું.૬૫
તથા જેનું પોતાને ન ખપતું હોય તેનું લેવાય તો પણ એક ચાંદ્રાયણ વ્રત કરવું. પાંચ થકી ઓછા ત્યાગી સાધુઓ ગૃહસ્થને ઘેર જમવા જાય તથા રસોઇ કરવા જાય તો તે સર્વેએ એક એક ઉપવાસ કરવો. અજાણમાં મદ્ય પીવાઇ જાય તથા માંસનું ભક્ષણ થઇ જાય તો એક મહિના સુધી ઊના જળમાં ઘોળીને સાથવો પીવે ત્યારે શુદ્ધિ થાય.૬૭
ભાંગનો રસ તથા ગાંજો એ આદિક ન પીધાની વસ્તુ ક્યારેક અજાણમાં પીવાઇ જાય તો ત્યાગી સાધુ એક દિવસ ઉપવાસ કરે.૬૮
હે મુનિ ! આ કહ્યા જે ઉપાય તથા એ વિનાના બીજા પણ ભગવાનના એકાંતિક ભક્ત એવા ત્યાગી સાધુ્ઓ કહે, તે ઉપાયોથી દુર્જય રસના ઇન્દ્રિયને જીતવી.૬૯
જ્યાં સુધી રસના ઇન્દ્રિય નથી જીતી ત્યાં સુધી જીતેન્દ્રિય નથી થતો. રસના ઇન્દ્રિયને જીતે ત્યારે તે સર્વે ઇન્દ્રિયોને જીતી છે.૭૦
પુર્વે થયેલા મોટામોટા સાધુઓએ પણ આહારને નિયમમાં કરીને રસના ઇન્દ્રિયને જીતી છે માટે ત્યાગી સાધુઓએ આહાર નિયમમાં કરીને રસના ઇન્દ્રિયને જીતવી.૭૧
આહારને નિયમમાં કરવાની રીત :- રસવાળું અન્ન એકવાર પણ અતિશય થોડું જમવાથી રસના ઇન્દ્રિય નથી જીતાતી તથા રસ વિનાનું અન્ન થોડું થોડું વારંવાર જમવાથી પણ રસના ઇન્દ્રિય નથી જીતાતી, તથા રસ વિનાનું અન્ન એકવાર અતિશય ખાય તો પણ તે જીતાતી નથી.૭૨
તે માટે દેહના નિભાવરૂપ આહાર યુક્ત જ કરવો. તેમજ અતિશય થોડું પણ નહિ અને બહુ ઝાઝું પણ નહિ, એવી રીતે જમવું. ભગવદ્ ગીતાને વિષે શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે જે, યુક્ત આહાર કરનાર યોગીને યોગ સિદ્ધ થાય છે.૭૩
હે મુનિ ! એવી રીતે રસાસ્વાદને આશરે રહેલા દોષો તથા તેને જીતવાના ઉપાયો અમે તમને કહ્યા. હવે સ્નેહરૂપ શત્રુના દોષો તથા તેમને જીતવાના ત્યાગી સાધુઓને હિતકારી એવા ઉપાયો અમે કહીએ છીએ તે સાંભળો.૭૪
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિષે રસાસ્વાદના દોષો તથા તતેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું એ નામે ચોસઠમો અધ્યાય પૂર્ણ થયો. -૬૪-