અધ્યાય - ૨૬ - રાજધર્મોમાં અઢારપ્રકારના વ્યવહારપદનું નિરૃપણ.
રાજધર્મોમાં અઢારપ્રકારના વ્યવહારપદનું નિરૃપણ. માનુષ અને દિવ્યપ્રમાણ. યોગ્ય સાક્ષીઓનાં લક્ષણ. અયોગ્ય સાક્ષીઓનાં લક્ષણ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે વિપ્ર !
પ્રથમ હું વ્યવહારનો નિર્ણય કરનારા સભાસદોનાં લક્ષણો કહું છું. જે પુરુષો મીમાંસા, વ્યાકરણ આદિક શાસ્ત્રોનું અધ્યયન કરી સંપન્ન થયા હોય, ધર્મશાસ્ત્રના વિશારદ હોય, સત્યવાદી, લજ્જાવાન, ઇન્દ્રિયોનું દમન કરનારા, શાંત સ્વભાવના તથા દયા અને સરળતાના ગુણોથી યુક્ત હોય, ન્યાય અને અન્યાયને યથાર્થ કહેવા સમર્થ હોય તથા શત્રુ અને મિત્ર ઉપર સમાન ભાવવાળા હોય તેવા પુરુષોને રાજાએ સભાસદ તરીકે નિયુક્ત કરવા.૧-૨
ન્યાયાધીશ, મંત્રી, પુરોહિત, વિદ્વાન તથા સભાના સભ્યોની સાથે રાજાએ આગળ સંભળાવું એવાં વ્યવહારનાં અઢાર પદોનો વિધિપૂર્વક વિચાર વિમર્શ કરવો. (વ્યવહાર એટલે- વિ+ અવ + હાર=વ્યવહાર, વિ- અનેક, અવ- સંદેહ, તેમનું હરણ કરવું તેને વ્યવહાર કહેવાય. અનેક પ્રકારના સંશયોને હરણ કરનારા દાવાઓ અઢાર પ્રકારના છે.).૩
હવે સભાનું લક્ષણ કહું છું. લૌકિક અને વૈદિક વ્યવહારને જાણનારા તેમજ ધર્મ શાસ્ત્રના જાણનારા સાત, પાંચ, કે ત્રણ બ્રાહ્મણો જે સભામાં બેઠા હોય તેને પરિષદ કહી છે. તે સભાને યજ્ઞા પરિષદ પણ કહી છે.૪
તેમાં પ્રથમ વ્યવહારનાં ચાર પાદ કહું છું. સર્વ કોઇ વિવાદોમાં વ્યવહારનાં ચાર પાદ કહેલાં છે. તેમાં અનુક્રમે એક ભાષા, બીજો ઉત્તર, ત્રીજી ક્રિયા અને ચોથી સાધ્યસિદ્ધિ, તે ચારપાદમાં પ્રતિવાદીની સામે જ, તે જે રીતે જણાવ્યું હોય તે સર્વેનું લખાણ કરવું, તેમાં વર્ષ, માસ, પક્ષ, દિવસ, નામ અને જાતિ ઇત્યાદિક પણ સાથે નોંધવાં; આ પ્રમાણે જે કરવું તે પ્રથમનો ભાષા પાદ કહેલો છે. ત્યારપછી વાદીનો સર્વે ભાવાર્થ જેણે સાંભળ્યો છે એવા પ્રતિવાદીનો ઉત્તર વાદીની સમક્ષ લખી રાખવો, તેને બીજો ઉત્તરપાદ કહેલો છે. ત્રીજો વાદીએ પોતે પ્રતિજ્ઞા કરેલ દાવામાં જે સાધન પુરાવા રૃપે હોય તે તત્કાળ લખાવી દેવો તેને ક્રિયાપાદ કહેવાય છે. જો લખાવેલ અરજી સાક્ષી વગેરે પુરાવાથી સત્ય સાબિત થાય તો અરજી કરનાર વાદીનો જય થાય છે અને સાબિત ન થાય તો પ્રતિવાદીનો જય થાય છે. તેને ''સાધ્યસિદ્ધિ'' નામનો વ્યવહારનો ચોથો પાદ કહેલો છે.૫
અહીં રાજધર્મમાં અઢાર પ્રકારનાં વ્યવહાર પદો કહેલાં છે. તેમાં જે વ્યવહારનો વિષય, તેને વ્યવહાર પદ કહેવાય છે. જેમ કોઇ વાદી કહે કે, આ ખેતર મારૃં છે અને પ્રતિવાદી- બીજો તેમનો વિરોધી કહે કે તે ખેતર મારૃં છે. આ રીતે વાદી અને પ્રતિવાદીનો જે વિવાદ તેને વ્યવહારપદ કહે છે. તેના પ્રકાર અઢાર નક્કી કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ
(૧) ઋણાદાન :-
ઋણ દેનાર અને ઋણ લેનારના વિષયમાં દેવા-લેવાના ધર્મનું ઉલ્લંઘન થાય તેને ઋણાદાન નામનું વિવાદપદ કહેલું છે. તેમાં જે આવું કરજ હોય તે આપવું અને આવું હોય તે ન આપવું, આવા સમયે આપવું, તે આવી રીતે આપવું. આ રીતે ઋણ લેનારની બાબતમાં પાંચ પ્રકાર છે અને ઋણ દેનારની બાબતમાં આપવાનો અને લેવાનો વિધિ એમ બે પ્રકાર છે. બન્ને મળીને કુલ સાત પ્રકારનું ઋણાદાન વ્યવહારપદ છે.
(૨) નિક્ષેપ :-
જેને ત્યાં પોતાનું દ્રવ્ય વિશ્વાસથી થાપણ તરીકે મૂક્યું હોય ને તે વ્યક્તિ જો ફરી પાછું ન આપે તો તેને નિક્ષેપ નામનું વિવાદપદ કહેલું છે.
(૩) અસ્વામિવિક્રય :-
થાપણ મૂકેલું, કોઇનું ક્યાંકથી મળેલું કે ચોરીને લાવેલું પારકું દ્રવ્ય તેમના ઋણીને પૂછયા વિના બારોબાર વેચી મારવું તે અસ્વામિવિક્રય નામનું વ્યવહારપદ કહેલું છે.
(૪) સંભૂયસમુત્થાન :-
લાભ માટે પરસ્પર ભાગીદારીમાં મળીને વ્યવહાર કરતા વ્યાપારીઓમાં લાભમાં રહેલા ધનનો વિભાગ કરવા નિમિત્તે જે કલહ થાય તેને સંભૂયસમુત્થાન નામનું વ્યવહારપદ જાણવું.
(૫) દત્તાનપાકર્મ :-
અયોગ્ય રીતે આપીને ફરીથી પાછું લેવામાં પરસ્પર જે વિવાદ થાય તેને દત્તાનપાકર્મ નામનું વ્યવહારપદ જાણવું.
(૬) સંવિદ્વ્યતિક્રમ :-
રાજાએ નક્કી કરી આ૫લી પાખંડી વૈદિક આદિકની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી જે વિવાદ ઊભો થાય તેને સંવિદ વ્યતિક્રમ નામનું વ્યવહારપદ જાણવું.
(૭) સીમાવિવાદ :-
બે ખેતર કે બે ઘર કે બે ગામ કે બે દેશની પરસ્પર જે સીમા નક્કી થઇ હોય તેનો ઓછા અધિકા ભોગવટાના નિમિત્તમાં જે વિવાદ થાય તેને સીમાવિવાદ નામનું વ્યવહારપદ જાણવું.
(૮) સ્તેયસાહસ :-
ધણીની ઘેરહાજરીમાં અનેક પ્રકારના ઉપાયોથી ગાફલ, સૂતેલા, મત્ત, અપ્રમત્ત આદિક પાસેથી ઠગીને કે અપહરણ કરીને જે દ્રવ્ય લાવે તેને ચોરીનું સાહસ કહેવાય છે. તેમજ રાજદંડ, જનોનો આક્રોશ, તેને પણ નહિ ગણીને રાજપુરુષ સિવાયના બીજા મનુષ્યોની પાસેથી બળાત્કારે જે કાંઇ પરદ્રવ્યનું હરણ કરવું, તેમને મારવા, તથા પરસ્ત્રીનું ઘર્ષણ કરવું વગેરે સાહસના વિવાદમાં સ્તેયસાહસ નામનું વ્યવહારપદ કહેલું છે.
(૯) ક્રયવિક્રયાનુશય :-
ઘણા બધા ધનના લાભની ઇચ્છાથી મૂલ્ય આપીને કંઇક વસ્તુ ખરીદી હોય ને પછી ધનહાનિની શંકા જતાં મનમાં જે અનુતાપ થાય તેને ક્રયાનુશય કહેવાય. તેવી જ રીતે બહુ ધનના લાભની ઇચ્છા રાખીને કંઇક વસ્તુ મૂલ્ય લઇને વહેંચી હોય ને પછી ધનહાનિની શંકા જતાં જે વેચનારો મનમાં અનુતાપ કરે, આ બન્ને મળીને એક ક્રયવિક્રયાનુશય નામનો વ્યવહારપદ કહેવાય છે.
(૧૦) સ્વામિપાલવિવાદ :-
ગાય, ભેંસ વગેરે પશુઓના માલિક અને પગાર લઇને તેમનું પાલન કરનાર ગોવાળ વચ્ચે થતો વિવાદ તથા ઊભા પાકના માલિક અને ગોવાળ વચ્ચે ખેતરમાં ગાયો ભેંસોને ચરાવી હોવાથી થતા વિવાદમાં સ્વામિપાલ વિવાદ નામનું વ્યવહારપદ કહેલું છે.
(૧૧) અભ્યુપેત્યાશુશ્રૂષા :-
હું તમારી સેવા કરીશ એમ અંગીકાર કરીને પછી સેવા કરે નહિ. તે વિવાદને અભ્યુપેત્યાશુશ્રૂષા નામનું વ્યવહારપદ કહેલું છે.
(૧૨) વાક્પારુષ્ય :-
બીજાને ખીજાવવા દેશ, જાતિ, કુળ આદિક ઉપર આક્રોશવાળાં કે વ્યંગ કરતાં વચનો બોલાય ને જે વિવાદ ઊભો થાય તેને વાક્પારુષ્ય નામનું વ્યવહારપદ કહેલું છે.
(૧૩) દંડપારુષ્ય :-
પરની સ્થાવર જંગમ વસ્તુ ઉપર કે કોઇના અંગ ઉપર હાથ, પગ, આયુધ, પથ્થર, ભસ્મ કે કાદવ આદિકવડે ઉપઘાત કરી તેમને પીડા પહોચાડવી ને જે વિવાદ ઊભો થાય તેને દંડપારુષ્ય નામનું વ્યવહારપદ કહેલું છે.
(૧૪) સ્ત્રીસંગ્રહ :-
પરસ્ત્રીને પોતાની કરવા કોઇ વસ્તુ મોકલીને પ્રલોભનની ક્રિયા કરવા જતાં કે માર્ગમાં ચાલતાં પરસ્ત્રીના અંગને સ્પર્શાદિક કરવા જતાં તેમાંથી જે વિવાદ ઊભો થાય તેને સ્ત્રીસંગ્રહ નામનું વ્યવહારપદ કહેલું છે.
(૧૫) વેતનાદાન :-
પોતાના નોકરોને તેઓએ કરેલી નોકરી નિમિત્તે પગાર આપવા, ન આપવા ના વિચારની બાબતમાં જે વિવાદ ઊભો થાય તેને વેતનાદાન નામનું વ્યવહારપદ કહેલું છે.
(૧૬) દ્યૂતસમાહ્વય :-
પાસા આદિક અચેતન પદાર્થોથી કપટના દાવ-પેચમાં રમાતી રમતને દ્યૂત કહેવાય છે, અને કૂકડાં, પારેવાં, આદિક ચેતન પદાર્થો વડે રમાતી રમતને સમાહ્વય કહેવાય છે. તે રમતની જીત હારમાં ઊભા થતા વિવાદને દ્યૂતસમાહ્વય નામનું વ્યવહારપદ કહેલું છે.
(૧૭) દાયભાગ :-
પિતાના સંબંધવાળી ધન સંપત્તિનો પુત્રોના સંબંધમાં વિભાગ કરી આપવાની ક્રિયા ને દાયભાગ કહેવામાં આવે છે. તે દાયભાગ કરતાં જે વિવાદ ઊભો થાય તેને દાયભાગ વ્યવહારપદ કહેલું છે.
(૧૮) સ્ત્રીપુંધર્મ :-
સ્ત્રીપુરુષ એવાં દંપતીનો પરસ્પર વર્તવાની રીતરૃપ જે ધર્મ, ધર્મશાસ્ત્રોમાં વર્ણવ્યો છે, તેનું ઉલ્લંઘન થતાં સ્ત્રીપુરુષ વાદી, પ્રતિવાદી થઇ ન્યાયાલયમાં દાવો માંડે તે વિવાદને સ્ત્રીપુંધર્મ વ્યવહારપદ કહેવું છે. આ રીતે વ્યવહારનાં દાવો ફરિયાદ થવાનાં અઢાર પદ કહેલાં છે.૬-૯
માનુષ અને દિવ્યપ્રમાણ :-
હે વિપ્ર !
રાજાએ આ અઢારપદોનો નિર્ણય દિવ્ય અને માનુષ પ્રમાણોથી કરવો. તેમાં પણ માનુષ પ્રમાણ છે. તે કાર્ય સિદ્ધિ માટે મુખ્ય કહેલું છે.૧૦
ઋષિમુનિઓએ માનુષપ્રમાણોમાં સાક્ષી, લેખ- રાજ્યના સિક્કાવાળો દસ્તાવેજ, ખતપત્ર અને ભોગવટો, આ ત્રણ પ્રકારનો કહેલો છે તે સર્વે પ્રકારના વ્યવહારમાં સ્વીકારવો કલ્યાણકારી છે.૧૧
દિવ્યપ્રમાણમાં તુલા આદિક આઠ પ્રકારનાં પ્રમાણો ઋષિમુનિઓએ કહેલાં છે. તુલાયંત્ર ઉપર આરોહણ, અગ્નિથી તપેલો લોખંડનો ગોળો ઉપાડવો, અભિમંત્રિત કરેલા જળમાં ડૂબકી મારવી. અભિમંત્રિત ઝેર ખવરાવવું, ઉગ્ર દેવતાઓને સ્નાન કરાવેલા જળનું પાન કરાવવું. દેવતાઓને સ્નાન કરાવેલા જળનો છંટકાવ પામેલા ચોખા ખવડાવવા, તપાવેલાં તેલમાં નાખેલા અડદના દાણા જેટલા સુવર્ણના કટકાને અંગૂઠા અને તર્જની આંગળીથી ઉઠાવવો, અને ભોજપત્રમાં ચીતરીને એક સરખા માટીના ગોળામાં ગુપ્ત રાખેલા ધર્મ અને અધર્મ બેમાંથી એકને ઝટ ઉપાડવો; આ આઠ દિવ્ય પ્રમાણો કહેલાં છે.૧૨
વિવાદમાં સભાના સર્વે સદસ્યો આ સાચું છે. એમ જે માને છે, તે વિવાદ નિર્દોષ સિદ્ધ થાય છે. નહીં તો તે વિવાદ દૂષિત થયેલો છે. એમ નક્કી માનવું.૧૩
વિવાદના અધિકારીના ગૌરવ કે લાઘવનો વિચાર કરવો, તથા દેશકાળનો વિચાર કરી સાક્ષી વગેરેનાં પ્રમાણો તપાસી રાજાએ નિર્ણય કરવો.૧૪
વિવાદ કરનારા મનુષ્યોની મધ્યે કોઇ એક સાક્ષી દસ્તાવેજ આદિક મનુષ્યની ક્રિયાને પ્રમાણપણે લેવાની વાત કરે અને બીજો ઉપરોક્ત દૈવી પ્રમાણને પુરાવા તરીકે લેવાની વાત કરે ત્યારે રાજાએ તે બેમાંથી માનુષી ક્રિયાને જ પ્રમાણપણે સ્વીકારવી, પરંતુ દિવ્ય પ્રમાણને નહિ.૧૫
જો વાદ-વિવાદ કરનારા વાદી કે પ્રતિવાદી જનો પોતાના પક્ષના પુરાવામાં માનુષી ક્રિયાનો લેખ આદિક એકાદ વાતનો પણ પુરાવો કરી આપે તો તે જ પ્રમાણપણે રાજાએ સ્વીકારવો, પરંતુ દૈવીક્રિયાનો કદાચ પ્રારંભ કર્યો હોય તો પણ તેનો પ્રમાણપણે સ્વીકાર કરવો નહિ.૧૬
જે રાજા પોતાના બુદ્ધિબળથી કે સભ્યોના બુદ્ધિબળથી યથાશાસ્ત્ર લેખ-દસ્તાવેજ આદિક માનુષી ક્રિયાના પુરાવા વડે વાદનો નિર્ણય કરે છે. તે જ રાજા ઉત્તમ કહેલો છે.૧૭
જો તે રાજા પોતાના બુદ્ધિબળ વિના કે સભાસદોના બુદ્ધિબળ વિના પૂર્વોક્ત તુલા આદિક દિવ્ય પ્રમાણો વડે વિવાદનો નિર્ણય લેવા પ્રયત્ન કરે છે, તે રાજાને અધમ જાણવો.૧૮
રાજાએ પોતાની અને સભાસદોના સભ્યોની બુદ્ધિ-પરીક્ષા વાદ-વિવાદના નિર્ણય આપવા ઉપરથી કરી લેવી. જો કોઇ પ્રાણીને પીડા પહોંચાડયા વિના કાર્યસિદ્ધિ થઇ જાય તો તે બુદ્ધિથી કરેલ કાર્ય છે, એમ નક્કી થઇ જાય છે. જો દિવ્ય પ્રમાણોથી કોઇને પીડા ઉપજાવીને નિર્ણય કરવા મથે, તે બુદ્ધિનું કાર્ય ન કહેવાય.૧૯
વિવાદિત પ્રશ્નને હલ કરવા બેસે ત્યારે ન્યાયાધીશ પ્રશ્ન કરે, સ્વયં રાજા નિર્ણય આપનારો શિક્ષક થાય, સભાના સદસ્યો કાર્યની પરીક્ષા કરે, ગણકો ધનને ગણે અને લેખક ન્યાયને લખે.૨૦
તે પરિષદમાં રાજાએ તો પૂર્વાભિમુખે બેસવું. સભ્યોએ ઉત્તરાભિમુખ, ગણકોએ પશ્ચિમાભિમુખ અને લેખકે દક્ષિણાભિમુખ બેસવું. ન્યાયાધીશને બેસવાનો કોઇ નિયમ નથી. યોગ્ય લાગે તેમ બેસી શકે છે.૨૧
જો વનવાસી ગોવાળો આદિકને માટે સભા બોલાવવી હોય તો તે ન્યાયસભા વનમાં ભરવી, સૈનિકો માટે સેનાના સ્થળે ભરવી, વેપારીઓના વિવાદની સભા તેમના સંઘમાં જ ભરવી.૨૨
આ સર્વે બાબતનો નિર્ણય લેતી વખતે માત્ર શાસ્ત્રનોજ આધાર ન લેવો, પરંતુ સાથે પ્રાચીન દેશાચાર, જાત્યાચાર અને કુલાચાર ને પણ જોઇને નિર્ણય કરવો.૨૩
વિવાદમાં વાદી અને પ્રતિવાદી બન્નેનો જામીન સભાપતિએ લેવો. તેમાં પણ વાદી કે પ્રતિવાદી ધન જો ન ભરે તો પોતે ભરવા સમર્થ હોય તેવાને જ જામીન તરીકે લેવો. તેમ જ રાજાએ વિવાદમાં સાક્ષી તરીકેનાં કામમાં જે દુષ્ટ માણસ હોય તેને પણ લક્ષણોથી જાણી લેવો.૨૪
દુષ્ટ સાક્ષીઓનાં લક્ષણ :-
જે પુરુષનું લલાટ પરસેવાના બિંદુથી વ્યાપ્ત હોય, જીભના અગ્રભાગથી હોઠને વારંવાર ચાટતો હોય, ગદ્ગદ્ સ્વરે વચન બોલતો હોય, ને વચનમાં તૂટ પડતી હોય, એક સ્થળે સ્થિર ઊભો રહેતો ન હોય, મુખનો વર્ણ ફિક્કો પડી ગયો હોય, દાંતથી હોઠને પીસતો હોય, ત્રાંસી નજરથી જોતો હોય, વિરુદ્ધમાં બહુ બોલતો હોય, આવા પ્રકારના વિકારોને સ્વાભાવિક રીતે જે ધારણ કરી રહ્યો હોય તે પુરુષ સાક્ષી આદિકના કામમાં દુષ્ટ છે. એમ રાજાએ જાણી લેવું.૨૫-૨૬
ઉપરોક્ત લક્ષણો કહ્યાં તેમાં પણ કોઇ પુરુષ સ્વભાવે કોમળ હોય છતાં પણ સભાસદોને જોઇ ભય ઉત્પન્ન થતાં તેમની વાણી તૂટક પડવા માંડે અને લલાટમાં પરસેવો વળી આવે, વાણી તૂટવા માંડે છતાં પણ તે દુષ્ટ નથી. તેની રાજાએ બહુ ઝીણવટથી પરીક્ષા કરવી.૨૭
યોગ્ય સાક્ષીઓનાં લક્ષણ :- મહાકુળમાં જન્મેલો હોય, દાન દેવાના સ્વભાવવાળો હોય, ધર્મપ્રધાન વર્તનવાળો હોય, સાચું બોલવાના સ્વભાવવાળો હોય, કુટિલ સ્વભાવનો ન હોય, પુત્ર પૌત્રાદિક પરિવારવાળો હોય, બહુ ધનવાળો હોય, તપમાં નિષ્ઠાવાળો હોય અને શ્રુતિ-સ્મૃતિમાં કહેલ નિત્ય કે નૈમિત્તિક કર્મને કરનારો હોય; આવા ગુણોવાળા પુરુષો જ સાક્ષીને યોગ્ય કહેલા છે. તે ત્રણથી ઓછા ન હોવા જોઇએ. તેમાં પોતાની જાતિ અને વર્ણને અનુરૃપ સાક્ષીઓ લેવા. જેમ કે બ્રાહ્મણના માટે પૂર્વોક્ત લક્ષણવાળો બ્રાહ્મણ જ હોય તે સાક્ષી તરીકે લેવો. આવી રીતે સર્વેને વિષે પોતાની જાતિના સાક્ષીઓ હોઇ શકે છે. સજાતિપણાના નિયમની અપેક્ષા ન રાખવી.૨૮-૨૯
અયોગ્ય સાક્ષીઓનાં લક્ષણ :-
ધર્મના જ્ઞાતા રાજાએ હું કહું એવાં લક્ષણોવાળા મનુષ્યોને ક્યારેય પણ સાક્ષીમાં લેવા નહિ. સ્ત્રી, બાળક, અતિવૃદ્ધ, દારુપાનથી મત્ત, ઉન્મત્ત, જુગારી, બ્રહ્મહત્યાદિકના પાપથી પતિત અને અપવાદથી દૂષિત; દ્યૂત, અપંગ, ચોર, સાહસકર્મ કરનાર; શત્રુ, પાખંડી, કૂડકપટથી ખોટા દસ્તાવેજ ઊભા કરનાર, મિત્ર, પોતાના બંધુઓએ તજી દીધેલા, પહેલાં અન્ય કોઇ વિવાદમાં ખોટું બોલવાનો દોષ જેનામાં જોવામાં આવ્યો હોય, સાથે કામ કરવાવાળો ભાગીદાર કે સહાયક હોય તેમજ ચારણો; આ સર્વેને સાક્ષી કર્મમાં અયોગ્ય કહેલા છે. જો તેવા સાક્ષીઓ સ્વીકારવામાં આવે તો કાર્યસિદ્ધિનો વિનાશ થાય છે. સાચો નિર્ણય તોળી શકાતો નથી. અહીં સ્ત્રીઓનો જે સાક્ષી તરીકે નિષેધ કર્યો છે તે માત્ર પુરુષના વિવાદ પૂરતો જ નિષેધ છે. પરંતુ સ્ત્રીના કાર્યમાં સ્ત્રી સાક્ષી થઇ શકે છે.૩૦-૩૨
સાક્ષીમાં લીધેલો મનુષ્ય પોતે બાબતને જાણવા છતાં પ્રશ્નનો ઉત્તર કામથી કે ક્રોધથી આપે નહિ, કે પછી ભયથી સાક્ષી પૂરે નહિ તો એ માણસ પોતાના હાથે જ પોતાના ગળામાં હજારો વરુણપાશને નાખે એવો જાણવો.૩૩
જે પુરુષ સાક્ષી હોવા છતાં પણ સાક્ષીમાં બોલે નહિ અથવા બોલે તો વિરૃદ્ધ બોલે તે પણ પોતાના ગળામાં વરુણના હજારો પાશ નાખે તેવો કહેલો છે.૩૪
વરુણપાશથી બંધાયેલા મનુષ્યને પાપ ભોગવતાં એક વર્ષ પસાર થાય ત્યારે એક પાશથી મુક્ત થાય છે. આવું મોટું દુઃખ ભોગવવું પડે છે. તેથી યથાર્થ વસ્તુને જાણનારા સાક્ષીએ સત્ય જ કહેવું.૩૫
જ્યારે સભામાં વિવાદ ચાલતો હોય ત્યારે સત્ય બોલનાર સાક્ષીને પોતાની વાણીના બળથી પરાભવ કરવા 'આ ખોટું બોલે છે' એમ ખોટો પાડે, ત્યારે એ જૂઠા ઠરતા ધર્મને સભાસદો સત્ય ન ઠેરવે. તેમજ ધર્મ ઉપર અધર્મનો આરોપ લગાવતા મનુષ્યને સભાસદ રોકે નહિ તો તે સભાસદો પણ પાપથી લેપાય છે.૩૬ તેમાં મુખ્ય સભાપતિ અધર્મનો અર્ધો ભાગ પામે છે. જૂઠાનો આરોપ લગાવી અધર્મ કરનાર પુરુષ ચોથો ભાગ અને બાકીના સભાસદો પણ ચોથો ભાગ પામે છે.૩૭
ન્યાયાધીશ રાજ સભામાં ધર્મ સંબંધી પ્રશ્ન કરે ને તેમાં સાક્ષીઓ જો અસત્ય બોલે તો એ બોલાયેલું અસત્ય તેમના ઇષ્ટ અને પૂર્તકર્મના પુણ્યનો નાશ કરે છે. તેમજ તેમની આગળ પાછળની સાત સાત પેઢીના પુરુષોનો પણ નાશ કરે છે.૩૮
વળી જે જનો સાક્ષીના કામમાં જૂઠું બોલે છે તે જન પાતકીઓ, મહાપાતકીઓ, અગ્નિમૂકી સળગાવનારા અને સ્ત્રી બાળકના ઘાતકી જનો મરીને જે નરકમાં પડે છે, તે સર્વે નરકને પામે છે. અને સભામાં ખોટું બોલવાથી પોતે કરેલાં સર્વે સુકૃતો નાશ પામે છે.૩૯-૪૦
જે વિવાદના સાક્ષીકર્મમાં સાચું બોલવાથી સામે કોઇ પ્રાણીનો વધ થઇ જાય એમ હોય તો તેવી સાક્ષીમાં ખોટું બોલીને જીવ બચાવી લે છે, તો તેને સાક્ષીમાં ખોટું બોલ્યાનું પાપ લાગતું નથી. પરંતુ હત્યાનો કોઇ સંભવ ન હોય છતાં જો સાક્ષીમાં ખોટું બોલે તો પાપનો ભાગીદાર થાય છે.૪૧
વિવાદિત પદમાં સભાસદોએ નિર્ણયમાં દંડ કહ્યો હોય છતાં પણ સ્વયં રાજાએ વિચારીને શિક્ષા માટે દંડ દેવો, સભાસદોએ કહ્યો ને સામે સંભળાવી દીધો તેમ ઉતાવળ કરવી નહિ. એવી રીતે એકાએક દંડ ન આપવો.૪૨
હે વિપ્ર !
જે રાજાની બુદ્ધિ લોભથી મોહ પામી હોય ને કેવળ અર્થશાસ્ત્ર પરાયણ હોય એ રાજા પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે અને તેમના સર્વે પુરુષાર્થો નાશ પામે છે.૪૩
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં રાજધર્મોમાં ભગવાન શ્રીહરિએ અઢાર પ્રકારના વ્યવહારપદોના નિર્ણયનું નિરૃપણ કર્યું, એ નામે છવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૬--