અધ્યાય - ૪૦ - સન્યાસીધર્મમાં ભિક્ષાચરણના વિધિનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:43pm

અધ્યાય - ૪૦ - સન્યાસીધર્મમાં ભિક્ષાચરણના વિધિનું નિરૃપણ.

સન્યાસીધર્મમાં ભિક્ષાચરણના વિધિનું નિરૃપણ. બ્રાહ્મણના વિવિધ પ્રકાર.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! સંન્યાસીએ વાનપ્રસ્થીઓને ત્યાંથી સદાય ભિક્ષા ગ્રહણ કરવી, કારણ કે વાનપ્રસ્થીના અન્નથી તત્કાળ બુદ્ધિ નિર્મળ થાય છે અને જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.૧

વાનપ્રસ્થીઓના અભાવમાં તે ગામમાં રહેલા વેદ ભણેલા શ્રોત્રિય ઉત્તમ બ્રાહ્મણોને ઘેર ભિક્ષા કરવા જવું, જો આવા શ્રોત્રિય બ્રાહ્મણોનો અભાવ હોય તો અન્ય બ્રાહ્મણોને ત્યાંથી અન્નની યાચના કરવી.૨-૩

સંન્યાસીએ કોઇ પણ પ્રકારની આસક્તિથી રહિત થઇ પોતાને કોઇ ઓળખી ન શકે એ રીતે ભિક્ષા ગ્રહણ કરવા માટે નગર કે ગામમાં પ્રવેશ કરવો. ત્યાં આમતેમ નજર કરી ઘરની શોભા આદિકને નિહાળવી નહિ, ગ્રામ્યવાર્તા સાંભળવી નહિ, સ્ત્રીને પ્રેમથી જોવી નહિ પરંતુ માતા અને બહેનની સમાન જાણવી.૪

સંન્યાસીને માટી, કાષ્ઠ, તૂંબડી, વેણુ, તંતુ, પત્ર, પથ્થર, તથા અતસીના તંતુમાંથી બનાવેલું ભિક્ષાપાત્ર ગ્રહણ કરવા યોગ્ય કહેલું છે.૫

આ સર્વે પાત્રોની જળથી શુદ્ધિ કહેલી છે, તેથી સ્વધર્મમાં રહેલા સંન્યાસીએ ધાતુપાત્રનો ક્યારેય પણ સ્પર્શ ન કરવો.૬

તેમ જ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને ઘેરથી ભિક્ષા માંગવી; તેમાં પણ પૂર્વના અભાવમાં પરના ઘેરથી ભિક્ષાટન કરવું. અર્થાત્ બ્રાહ્મણના અભાવમાં ક્ષત્રિયના ઘેરથી અને તેના અભાવમાં વૈશ્યના ઘરથી ભિક્ષા ગ્રહણ કરવી. તે ત્રણેયમાં પણ નિંદિત કર્મ કરનારના ઘરનો ત્યાગ કરવો.૭

કારણ કે સર્વે વર્ણાશ્રમી જનોની જે આહાર શુદ્ધિ છે તે જ બુદ્ધિ શુદ્ધિનું કારણ થાય છે. તેથી વેદવેદાઙ્ગને જાણનાર બ્રાહ્મણ પણ જો કોઈ પરદારાગમનાદિ દુષ્ટ કર્મ કરનારો હોય તો તેના ઘરની ભિક્ષા છોડી દેવી.૮

ત્રણે વર્ણના દ્વિજાતિજનોના ઘેરથી ભિક્ષા પ્રાપ્ત ન થઇ હોય ને બે ઉપવાસ થયા હોય તો સત્શૂદ્રના ઘેરથી ભિક્ષા સ્વીકારવી. આ પ્રમાણે મેધાતિથિ નામના મહર્ષિએ કહેલું છે.૯

કલિયુગમાં વૃત્તિના ભેદથી ચાર પ્રકારના બ્રાહ્મણોને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી. તેમાં પણ પૂર્વના અભાવમાં પરને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી, પરંતુ બિડાલાદિ ચાર પ્રકારના બ્રાહ્મણોને ઘેરથી કદાપિ ભિક્ષા ગ્રહણ કરવી નહિ.૧૦

બ્રાહ્મણના વિવિધ પ્રકાર :- વૃત્તિભેદથી બ્રાહ્મણોનાં લક્ષણો કહીએ છીએ. જે જાતકર્માદિ સંસ્કારોથી સંસ્કૃત થયેલો હોય, બહાર અંદર પવિત્ર હોય, વેદાધ્યયનથી સંપન્ન હોય, સ્નાન સંધ્યાદિ ષટ્કર્મમાં વર્તતો હોય, જેનામાં સત્ય, શમ, દમ, અદ્રોહ, અક્રૂરતા, કૃપા, અઘૃણા, તપશ્ચર્યા અને ભગવાનની ભક્તિ આટલા ગુણો વર્તતા હોય તેને ઉત્તમ બ્રાહ્મણ કહેલો છે.૧૧-૧૨

વળી જે બ્રાહ્મણ વેદનું અધ્યયન કરેલું હોય, શસ્ત્રને ધારણ કરતો હોય, દાન આપવાના સ્વભાવવાળો હોય, રાજકાજના વ્યવહારમાં રુચિ ધરાવતો હોય, કોઇ પણ કુકર્મથી મનમાં ખેદ પામતો હોય, અશ્વારોહણ કે યુદ્ધાચરણ કરવું, તેમાં તેને પ્રીતિ વર્તતી હોય, શૂરવીરતા અને ધીરજનો જે બ્રાહ્મણમાં ગુણ હોય તેને ક્ષત્રિય બ્રાહ્મણ કહેલો છે.૧૩

વળી જે બ્રાહ્મણ વેદાધ્યાયી, દાન આપવાના સ્વભાવવાળો, ખેતી, વેપાર, ગોરક્ષા, વ્યાજવટો આદિની આજીવિકા વાળો હોય તેને વૈશ્ય બ્રાહ્મણ કહેલો છે.૧૪

તેમ જ જે બ્રાહ્મણ વેદાધ્યયનથી રહિત હોય, સર્વે પ્રકારનાં મનુષ્યો પાસેથી પ્રાપ્ત થતા અન્નનું ભક્ષણ કરવામાં આસક્ત હોય, ઘી, તેલ આદિક રસો અને લાખ આદિક નિષેધ વસ્તુનો વેપાર કરનારો હોય, ને જે આચારહીન હોય તેવા બ્રાહ્મણને શૂદ્ર બ્રાહ્મણ કહેલો છે.૧૫

વળી જે બ્રાહ્મણ ચોરીના કર્મમાં આસક્ત હોય, સદાય લોભી ને દંભી હોય, લોકરંજનમાં પ્રવૃત્ત હોય, હિંસામાં રુચિવાળો હોય અને લોકોને છેતરનારો હોય, તેવાને બિડાલ બ્રાહ્મણ કહેલો છે.૧૬

વળી જે વાવ, કૂવા, સરોવર, ક્ષેત્રો, નાના તળાવો અને બગીચાઓનો વિનાશ કરનારો હોય ને સ્નાન સંધ્યાદિ કર્મથી રહિત હોય તેને મ્લેચ્છ બ્રાહ્મણ કહેલો છે.૧૭

વળી ડુંગળી, લસણ આદિક અભક્ષ્યનું ભક્ષણ કરનાર, મૂર્ખ, પરસ્ત્રી લંપટ, અપવિત્ર જીવન હોય અને કરવા યોગ્ય તથા નહિ કરવા યોગ્ય કાર્યમાં વિવેકહીન હોય તેવાને પશુ બ્રાહ્મણ કહેલો છે.૧૮

વળી જે બ્રાહ્મણ નિર્દયી, પ્રમાદી, શ્રુતિ અને સ્મૃતિના માર્ગનું ઉલ્લંઘન કરનાર, સુરાપાન તથા માંસભક્ષણમાં રુચિવાળો હોય તેને ચંડાલબ્રાહ્મણ કહેલો છે.૧૯

હે વિપ્ર ! આ બિડાલાદિ ચાર પ્રકારના બ્રાહ્મણોને તથા ઉત્તમ બ્રાહ્મણ જાતિમાં પણ પતિત થયેલાને છોડીને પવિત્ર જીવન જીવતા, સ્વધર્મનિષ્ઠ, ત્રણ, પાંચ કે સાત બ્રાહ્મણના ઘેરથી અન્નની ભિક્ષા સંન્યાસીએ ગ્રહણ કરવી.૨૦

પરંતુ વૈદ્ય, સ્ત્રીથી જીતાયેલ, પારધી, પશુ આદિકની હિંસા કરવા ધનુષ્ય લઇ ફરનાર, કુલટા સ્ત્રી, મૃગયાદિકને બાંધનાર, પાશ લઇ ફરનાર અને નપુંસક; આટલાના ઘેરથી સંન્યાસીએ ક્યારેય પણ ભિક્ષા ગ્રહણ કરવી નહિ.૨૧

હે વિપ્ર ! માધુકરી ભિક્ષા સંન્યાસીઓને ઉચિત કહેલી છે. જેટલા અન્નથી ઉદર તૃપ્તિ થાય તેટલુંજ અન્ન ભિક્ષામાં સ્વીકારવું.૨૨

જે વિપ્રના ઘેરથી પાંચ કે સાત વાર જવા છતાં ભિક્ષા ન મળે, તે ઘરનો ચંડાલના ઘરની જેમ સદાયને માટે ત્યાગ કરવો.૨૩

જે ઘરથી પહેલે દિવસે ભિક્ષા લીધી હોય ત્યાં લોભે કરીને બીજા દિવસે ભિક્ષા કરવા જવું નહિ, જો બીજા ઘરનો અભાવ હોય તો એક દિવસ છોડીને ત્રીજે દિવસે જવું.૨૪

ચૂલામાં અગ્નિ શાંત થયો હોય, મૂશળથી ખાંડવાની ક્રિયા સમાપ્ત થઇ હોય, ને ઘરના સભ્યો જ્યાં ભોજન લેવા બેઠાં હોય તેવા ઘેરથી બપોર પછીના સમયે સંન્યાસીએ ભિક્ષા કરવા જવું.૨૫

આ નિયમો કળિયુગમાં ઘણું કરીને અનુસરવા યોગ્ય નથી. તેથી અહીંથી કે ત્યાંથી પહેલી ભિક્ષા લઉં ?એવો સંકલ્પ કર્યા વિના સાત ઘરથી બપોર પછીના સમયમાં ભિક્ષા માગવા જવું.૨૬

જે દેશમાં અતિશય અન્ન રંધાતું હોય, અને મનુષ્યો ભિક્ષુકોનો સત્કાર કરતા હોય, ઉદ્વેગ વિના ભિક્ષુકોને અન્ન આપતા હોય તે દેશમાં જ પ્રયત્નપૂર્વક ભિક્ષા કરવા જવું.૨૭

જે દ્વિજાતિના ઘેર જન્મ કે મરણનું સૂતક અથવા શ્રાદ્ધ કર્મ ચાલતું હોય તેના ઘરનો ત્યાગ કરવો. ત્યાં ક્યારેય પણ ભિક્ષા કરવા જવું નહિ.૨૮

ભિક્ષા માંગવા જતા સંન્યાસીએ કોઇ પણ ઘરના દ્વારના છિદ્રોમાંથી અંદર નજર ન કરવી અને દ્વાર પણ ખટખટાવવો નહિ. ક્યારેય પણ ઊંચા સ્વરે બોલીને ભિક્ષા ન માગવી.૨૯

સંન્યાસીએ ભિક્ષા માગવાને સમયે દંડને જમણી કાખમાં ધારણ કરવો, ડાબા હાથમાં ભિક્ષાપાત્ર લેવું અને જમણા હાથથી ઢાંકવું.૩૦

આ પ્રમાણે ભિક્ષાટન કરી રહેલા સંન્યાસીને ભોજનના પાત્રે સહિત જો કોઇ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થઇ જાય તો વિધિવત્ સ્નાન કરી છ પ્રાણાયામ કરવા, પછી ભિક્ષાનું અન્ન જમવું. પરંતુ ભિક્ષાન્નનો ત્યાગ ન કરવો.૩૧

જો રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થાય અથવા શબ, ચંડાલ, ચોર, નાસ્તિક અને માથાની ખોપરી રાખનાર અઘોરીનો સ્પર્શ થઇ જાય, તો સંન્યાસીએ ભિક્ષાનો ત્યાગ કરી દેવો અને જળમાં પ્રવેશ કરી વસ્ત્રે સહિત સ્નાન કરવું.૩૨

શ્રીનારાયણ ભગવાન કહે છે, હે વિપ્ર ! હવે સ્પર્શ થવા છતાં દોષ ન લાગે તેવાં સ્થળ કહીએ છીએ. દિવાલ, કાષ્ઠ, રથ, ખાટલો, નૌકા, હાથી, વૃક્ષ, તૃણસમૂહ અને જળાશયમાં રજસ્વલા આદિકનો સ્પર્શ થાય તો દોષ નથી.૩૩

ભિક્ષા ગ્રહણ કરીને પાછા ફરેલા સંન્યાસીએ ભિક્ષાના અન્નસહિત ભિક્ષાપાત્રને જળમાં ડૂબાવીને પવિત્ર સ્થળે મૂકી, સ્વયં હાથ-પગનું પ્રક્ષાલન કરી મૌન રહીને જમવા માટે બેસવું, જે અન્ન જમવાથી શરીરમાં વીર્યની વૃદ્ધિ થાય તેવા અન્નનો ત્યાગ કરવો.૩૪-૩૫

સંન્યાસીએ વિષ્ણુ ભગવાનને નૈવેદ્ય ધરાવેલું અન્ન જમવું, પરંતુ ઇતર દેવતાઓને ધરાવેલું અન્ન જમવું નહિ. અપોશન વિધિ કરીને અમૃતતુલ્ય અન્નનું ભોજન કરવું.૩૬

સંન્યાસીએ દાંત અને હોઠથી પ્રાણાહુતિને ક્યારેય પણ સ્પર્શ ન કરવો. પ્રાણાહુતિ કર્યા પછી બચેલાં અન્નનો ઔષધની પેઠે આહાર કરવો,૩૭

ભિક્ષાપાત્રને ડાબા હાથે ગ્રહણ કરી જમણા હાથે જમવું, જેટલું અન્ન જમવાથી દેહનો નિર્વાહ થાય તેનાથી અર્ધો અને એકવાર આહાર કરવો,૩૮

મિતાહારી સંન્યાસીને કામાદિ દોષો પીડા કરતા નથી. સંન્યાસીએ સદાય એકવાર ભોજન લેવું. ભિક્ષાનો સંગ્રહ કરવો નહિ.૩૯

સર્વકાળમાં બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરવો. કારણ કે આલોકમાં ત્રણે વર્ણના દ્વિજાતિ જનોનો સંન્યાસ, બ્રહ્મવિદ્યાના અભ્યાસ માટે જ શાસ્ત્રોએ કહેલો છે.૪૦

સંન્યાસીએ આપત્કાળ પડયા વિના ક્યારેય પાથેય- રસ્તામાં ખાવા માટે ટીમણનો સંગ્રહ કરવો નહિ. અને આપત્કાળમાં પણ પાથેય અન્ન જેટલું જમતા હોઇએ તેટલું ગ્રહણ કરવું.૪૧

હે વિપ્ર ! જો આપત્કાળ વિના પણ એક ઘરનું અન્ન ત્રણ દિવસ પર્યંત લાગટ જમે તો એક સો પ્રાણાયામ કરે.૪૨

તેમજ આપત્કાળ પડયા વિના પ્રમાદથી બીજીવાર ભોજન કરે તો દોષ નિવારણ માટે તપ્તકૃચ્છ્રવ્રત કરે.૪૩

જો અસક્ત હોય તો પ્રાણરક્ષા માટે બીજીવાર મૂળ કે ફળ આદિકનું ભક્ષણ કરે, તેમાં દોષ લાગતો નથી. ઔષધીના પુનઃ સેવનથી અને ફરી દાતણ કરવાથી પણ દોષ લાગતો નથી.૪૪

સંન્યાસીએ દેશકાળાદિકનું વિષમપણું પ્રાપ્ત થાય ને માધુકરી ભિક્ષા ગ્રહણ કરી શકે નહિ તો ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર ભોજન કરવું.૪૫

ત્યારે પણ પાત્રમાં અન્ન, શાકાદિકને ભેળું કરીને ભગવાનના ચરણોદકથી પ્રોક્ષણ કરી મૌન રહીને ઔષધીની જેમ તે અન્નનો સ્વીકાર કરવો. વૃદ્ધ કે રોગી ભેળું કર્યા વિના અલગ અલગ જમે તો દોષ લાગતો નથી.૪૬

હે વિપ્રેન્દ્ર ! સંન્યાસી જો માટી, જળ, કે ભિક્ષા વિગેરે પદાર્થોની યાચના નિમિત્તે બ્રાહ્મણ સ્ત્રીની સાથે બોલે, અને તે સમયે જો ત્યાં બીજી સ્ત્રી હોય પરંતુ પુરુષ ન હોય તો તેવા એકાંત સ્થળમાં સંન્યાસીને દોષ લાગે છે. તેથી સંન્યાસીએ સ્ત્રીઓનો પ્રસંગ સર્વથા છોડી દેવો.૪૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ સંન્યાસીઓના ધર્મમાં ભિક્ષાવૃત્તિનું નિરૃપણ કર્યું, એ નામે ચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૦--