અધ્યાય - ૪૭ - ભગવાન શ્રીહરિએ કહેલું ચાંદ્રાયણાદિ વ્રતોનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:48pm

અધ્યાય - ૪૭ - ભગવાન શ્રીહરિએ કહેલું ચાંદ્રાયણાદિ વ્રતોનું નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ કહેલું ચાંદ્રાયણાદિ વ્રતોનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! હવે હું પાપની શુદ્ધિ માટે ઋષિમુનિઓએ કહેલાં ચાંદ્રાયણાદિ વ્રતોનાં લક્ષણો તમને કહું છું. તેમાં સમગ્ર પાપોમાં સાધારણપણે કરવાનાં કહેલાં ચાંદ્રાયણ વ્રતના ભેદો તમને પ્રથમ જણાવું છું.૧

સુદ પક્ષમાં તિથિની વૃદ્ધિ અનુસાર એક એક કોળિયાની વૃદ્ધિથી આમળાંના ફળ જેવડા કોળિયા પૂર્ણિમા સુધી આરોગવા અને વદપક્ષમાં ચંદ્રમાની કળાનુસાર એક એક કોળિયો ઓછો કરતાં અમાવાસ્યાએ ઉપવાસ કરવો. તેને ચાંદ્રાયણ વ્રત કહેલું છે.ર

તે વ્રતમાં ભક્ષણ કરવા યોગ્ય કોળિયાનાં દ્રવ્યો કહું છું. ચરુ, ભિક્ષાન્ન, સાથવો, કોઇ પણ કાચું ધાન્ય, યવનો સાથવો, લીલોતરીનું શાક, દૂધ, દહીં, ઘી, મૂળ કે જળ, આ ચરુ આદિક હવિષ્યાન્નને ઉત્તરોત્તર શ્રેષ્ઠ સમજવાં, તેમાંથી કોઇ પણ એક દ્રવ્યનું વ્રતકરનારાએ ભક્ષણ કરવામાં કોળિયા તરીકે કલ્પવું.૪

યવચાંદ્રાયણ વ્રત :- અમાવાસ્યાની તિથિએ ઉપવાસ કરવો, તિથિની વૃદ્ધિમાં સોળ કોળિયા પણ લઇ શકાય અને તિથિના ક્ષયમાં ચૌદ કોળિયા લઇ શકાય.પ

સર્વ પાપને શાંત કરનારૃં અને ધર્મની વૃદ્ધિ કરનારું આ ચાંદ્રાયણવ્રત યવની જેમ મધ્યે સ્થૂળ અને બન્ને છેડે કૃશ હોય છે. તેથી તેમનું નામ યવચાંદ્રાયણ કહેલું છે.૬

પિપીલિકાચાંદ્રાયણ વ્રત - મહિનાના વદપક્ષની પ્રતિપ્રદાને દિવસે ચૌદ કોળિયા જમવા અને પછી પ્રતિદિન એક એક કોળિયો ઓછો કરતા જવું, આ રીતે વદપક્ષની સમાપ્તિ પછી સુદ પક્ષની પ્રતિપ્રદાને દિવસે એક કોળિયો આરોગવો, પછી એક એક કોળિયો વધારતાં જવું ને સુદ પક્ષને સમાપ્ત કરવો. અને મધ્યે આવેલી અમાવાસ્યાની તિથિએ ઉપવાસ કરવો. આમ આ ચાંદ્રાયણ પિપીલિકાની જેમ મધ્યે કૃશ અને બન્ને છેડે સ્થૂલ હોય છે, તેથી તેનું નામ પિપીલિકા ચાંદ્રાયણ કહેલું છે. વ્રત કરનાર પુરુષે પોતાની રુચિ અનુસાર આ બે પ્રકારનાં ચાંદ્રાયણમાંથી કોઇ પણ એક વ્રત કરવું. તેનો વિસ્તાર ચોથા પ્રકરણના ઓગણીસમા અધ્યાયમાં વિષ્ણુપુરાણના મત પ્રમાણે વર્ણવ્યો છે. તેથી તેમાં બસો ચાલીસ કોળિયા આરોગવાની આવશ્યકતા કહી છે. અને અહીં તો બન્ને પ્રકારમાં બસો પચીસ કોળિયા જમવાનો નિયમ અને યવ ચાંદ્રાયણમાં અંતે અમાવાસ્યાનો ઉપવાસ અને પિપીલિકા ચાંદ્રાયણમાં મધ્યે આવતી અમાવાસ્યાનો ઉપવાસ કરવાનો નિયમ કહેલો છે. તેથી ક્યારેક દૈવયોગે કોઇ એક પક્ષમાં કોળિયાની વૃદ્ધિ થાય અને બીજા પક્ષમાં ક્યારેક અભાવ આવે તેથી નિશ્ચિત કોળિયાનો નિયમ અને અમાવાસ્યાનો ઉપવાસ વ્યવસ્થા પ્રમાણે કરી વ્રતનું સંપાદન કરવું.૭-૯

ઇન્દુચાંદ્રાયણ વ્રત - એક માસમાં બસોચાલીસ કોળિયા આરોગવા તેને ઇન્દુચાંદ્રાયણ વ્રત કહેલું છે. તેમાં આ પ્રમાણેનો ક્રમ લઇ શકાય કે પહેલે દિવસે ચાર કોળિયા જમવા, બીજે દિવસે બાર, ત્રીજે દિવસે ઉપવાસ કરી ચોથે દિવસે સોળ કોળિયા જમવા, આમ સાત આવૃત્તિ કરી આઠમી આવૃત્તિ વખતે પહેલે દિવસે ચાર, બીજે દિવસે બાર અને ત્રીજે દિવસે ઉપવાસ કરીને વ્રતની સમાપ્તિ કરવી. તેજ રીતે પ્રાયશ્ચિત્તેન્દુ શેખરમાં તો જે કોઇ પણ પ્રકારે બસો પચીસ કોળિયા એક માસમાં જમવાથી પણ ચાંદ્રાયણ વ્રત થાય છે એમ કહ્યું છે. તેનો વિવેક આ પ્રમાણે છે. કે પ્રથમ દિવસે ચાર, બીજે દિવસે અગિયાર અને ત્રીજે દિવસે ઉપવાસ કરવો ને ચોથે દિવસે પંદર કોળિયા જમવા, આમ સાત આવૃત્તિ કરવી અને આઠમી આવૃત્તિમાં પહેલે દિવસે ચાર અને બીજે દિવસે અગિયાર કોળિયા જમવા ને ત્રીજે દિવસે ઉપવાસ કરીને વ્રતની સમાપ્તિ કરવી. આ રીતે ઇન્દુચાંદ્રાયણવ્રત કરવાનું શાસ્ત્રમાં કહેલું છે.૧૦

યતિચાંદ્રાયણ વ્રત - અંતઃકરણને નિયમમાં રાખી વ્રત કરનાર પુરષે મધ્યાહ્ન પછી પ્રતિદિન હવિષ્યાન્નના આઠ કોળિયા એક માસ સુધી આરોગવા. તેને યતિચાંદ્રાયણ વ્રત કહેલું છે.૧૧

શિશુચાંદ્રાયણ વ્રત - નિયમમાં તત્પર થઇ મનને સ્થિર કરી વ્રત કરનારાએ પ્રાતઃકાળે સ્નાન સંધ્યાદિ નિયમ કરી ચાર કોળિયા જમવા ને સૂર્યાસ્ત પછી સાયંસંધ્યાવંદન કરીને પુનઃ ચાર કોળિયા જમવા. આ રીતે એક માસ કરવું. તેને શિશુચાંદ્રાયણ વ્રત કહેલું છે.૧૨

ઋષિચાંદ્રાયણ વ્રત - મનને નિયમમાં કરી વ્રતનો દૃઢ સંકલ્પ કરનાર પુરુષે એક માસ હવિષ્યાન્નના ત્રણ કોળિયા પ્રતિદિન આરોગવા, તેને ઋષિચાંદ્રાયણ કહેલું છે. અહીં કોળિયાનું પ્રમાણ કૂકડાના ઇંડા સરખું રાખવાનું કહેલું છે. પૂર્વોક્ત બે યવ, અને પિપીલીકા ચાંદ્રાયણ સિવાયનાં બીજાં ચાંદ્રાયણો કોઇ પણ તિથિથી ચાલુ કરી શકાય છે, તેમાં કોઇ તિથિનો નિયમ નથી. અને એ સર્વે ચાંદ્રાયણોમાં એકાદશીનો દોષ લાગતો નથી. બાકી એકાદશીના દિવસે ધેનુદાન આદિકના નિયમો ચતુર્થ પ્રકરણમાં કહેવા પ્રમાણે કરી શકાય છે.૧૩

સોમાયન વ્રત - પહેલી સાત રાત્રી ગાયના ચારે આંચળનું દૂધ પીવે અને પછીની સાત રાત્રી ત્રણ આંચળનું, તેના પછીની સાત રાત્રી બે આંચળનું અને પછીની છ રાત્રી એક આંચળનું દૂધ પીવે. છેલ્લે ત્રણ રાત્રી દિવસ વાયુનું ભક્ષણ કરી ઉપવાસ કરે. આ વ્રતને સમગ્ર પાપને પ્રજળાવનાર સોમાયન નામનું વ્રત કહેલું છે.૧૪-૧૫
કૃચ્છ્રવ્રત - ચાર દિવસ એકવાર ભોજન લેવું, ચાર દિવસ બપોરપછીના સમયે નક્ત ભોજન લેવું, ચાર દિવસ માગ્યા વિના જે કાંઇ અન્ન મળે તે લેવું, અને છેલ્લા ચાર દિવસ ઉપવાસ કરવા. આ સોળ દિવસનું કૃચ્છ્રવ્રત કહેલું છે.૧૬

તપ્તકૃચ્છ્રવ્રત - ગરમ કરેલા દૂધ, ઘી અને જળને મિશ્ર કરી એક દિવસ પાન કરવું અને એક દિવસ ઉપવાસ કરવો. આ બે દિવસનું તપ્તકૃચ્છ્રવ્રત કહેલું છે.૧૭

મહાતપ્તકૃચ્છ્રવ્રત - એક દિવસ ગરમ દૂધ પીવે, બીજે દિવસે ગરમ ઘી પીવે. ત્રીજે દિવસે ગરમ જળનું પાન કરે ને ચોથે દિવસે ઉપવાસ કરે તેને મહાતપ્તકૃચ્છ્રવ્રત કહેલું છે.૧૮

હવે બાર દિવસનું તપ્તકૃચ્છ્રવ્રત કહું છું. પહેલા ત્રણ દિવસ ગરમ જળ પીવે, પછી ત્રણ દિવસ ગરમ દૂધ પીવે અને ત્રણ દિવસ ગરમ ઘી પેવે. છેલ્લે ત્રણ દિવસ વાયુ ભક્ષણ કરી ઉપવાસ કરે.૧૯

આ વ્રતમાં ત્રણ દિવસ ત્રણ-ત્રણ પળી ગરમ જળ પીવે પછી ત્રણ દિવસ બે-બે પળી ગરમ દુધ પીવે, પછી ત્રણ દિવસ એક-એક પળી ગરમ દુધ પીવે અને છલ્લે ત્રણ દિવસ ગરમ વાયુનું પાન કરી ઉપવાસ કરે. આ પ્રમાણે બાર દિવસનું તપ્તકૃચ્છ્રવ્રત કહેલું છે.૨૦

શીતકૃચ્છ્રવ્રત - ઉપરોક્ત બાર દિવસના વ્રતમાં કહેલા વિધિ પ્રમાણે શીતળ જળ, દૂધ અને ઘીનું ત્રણ ત્રણ પળી પાન કરે અને ત્રણ ઉપવાસ કરે તેને યમરાજાએ સર્વપાપને હરનારૃં બાર દિવસનું શીતકૃચ્છ્રવ્રત કહેલું છે.૨૧

સાંતપનવ્રત - એક દિવસ પંચગવ્યને દર્ભવાળા જળથી મિશ્રિત કરી પાન કરે અને એક દિવસ ઉપવાસ કરે તે બે દિવસનું સાંતપન વ્રત કહેલું છે.૨૨
મહાસાંતપનવ્રત - વ્રત કરનારો પુરુષ પંચગવ્યને પાંચે દિવસ જુદા જુદા દ્રવ્યનું પાન કરે, છઠ્ઠે દિવસે દર્ભવાળું જળપાન કરે અને છેલ્લે દિવસે ઉપવાસ કરે તેને મહાસાંતપનવ્રત કહેલું છે.૨૩

સાંતપનવ્રતના અન્ય પ્રકાર- બૃહત્પરાશર અને જાબાલમુનિના મત પ્રમાણે પ્રતિદિન અનુક્રમે ગાયના એક એક ગવ્ય છાણ, મૂત્ર, દૂધ, દહીં અને ઘીનું પાન કરી છઠ્ઠે દિવસે દર્ભવાળા જળનું પાન કરી સાતમે દિવસે ઉપવાસ કરવો. આ રીતે સાત દિવસના વ્રતને સાંતપનવ્રત કહેલું છે, આ વ્રતને ત્રણ આવૃત્તિથી એકવીશ દિવસનું કરે તેને મહાસાંતપનવ્રત કહેલું છે. જેમ કે, ત્રણ દિવસ ગાયનું છાણ, ત્રણ દિવસ ગૌ મૂત્ર, ત્રણ દિવસ ગો દૂધ, ત્રણ દિવસ ગો દહીં ત્રણ દિવસ ગાયનું ઘી, ત્રણ દિવસ દર્ભવાળું જળ અને છેલ્લા ત્રણ દિવસ ઉપવાસ કરવા, આ રીતે એકવીસ દિવસનું વ્રત કરવાથી મહાસાંતપનવ્રત પૂર્ણ થાય છે.૨૪-૨૫

હવે યમરાજાના મત પ્રમાણે આ સાંતપનમાં જે ભેદ છે તે કહીએ છીએ. વ્રત કરનાર પુરુષે ત્રણ ત્રણ દિવસ ગોમૂત્ર, ગોમય, ગોદધી, ગોદૂધ, તેમજ છેલ્લા ત્રણ દિવસ ગો-ઘીનું પાન કરવું આ પ્રમાણે પાપને નાશ કરનારૃં પંદર દિવસ માટે કરવામાં આવતું મહાસાંતપનવ્રત કહેલું છે. તેમજ શંખમુનિના મત પ્રમાણે ત્રણ દિવસ પંચગવ્યનું પાન કરે તેને યતિસાંતપનવ્રત કહેલું છે. વળી યમરાજાના મત પ્રમાણે પંચગવ્ય અને દર્ભજળનું બે બે દિવસ પાન કરી બાર દિવસમાં પૂર્ણ થતું પણ એક સાંતપનવ્રત કહેલું છે. આ સર્વે નાના મોટા ભેદો છે, તે નાનાં મોટાં પાપને માટે પોતાની શક્તિ પ્રમાણે કરવાના જાણવા.૨૬-૨૭

પર્ણકૃચ્છ્રવ્રત- પ્રતિદિન પાંચે દિવસ જુદા જુદા પર્ણ સાથે ઉકાળેલું જળ પીવું. તેમાં પ્રથમ દિવસે ખાખરાના પાન સાથે ઉકાળેલું જળ પીવું, બીજા દિવસે ઉમરડાનાં પાન, ત્રીજે દિવસે કમળનાં પત્ર, ચોથે દિવસે બિલીપત્ર સાથે અને પાંચમે દિવસે દર્ભવાળું જળ પીવું. આ રીતે પાંચ દિવસ ઉકાળેલું જળ પીવાથી સિદ્ધ થતું પર્ણકૃચ્છ્રવ્રત યાજ્ઞાવલ્કયમુનિએ કહેલું છે.૨૮

પર્ણકૂર્ચવ્રત- પવિત્ર થઇ ત્રણ દિવસ ઉપવાસ કરી ચોથે દિવસે આ કહ્યાં એવાં સર્વે પાંદડાંને જળ સાથે ઉકાળીને પાન કરે ત્યારે યમના મતે ચાર દિવસથી સાધ્ય પૂર્ણકૂર્ચ વ્રત કહેલું છે.૨૯

ફળકૃચ્છ્રાદિ નાનાં વ્રતો- એક માસ યથા અવસર પ્રાપ્ત થયેલાં ફળોનું ભક્ષણ કરવું, તેને ફળકૃચ્છ્ર કહેલું છે. એક માસ માત્ર શ્રીફળનું ભક્ષણ કરવાથી શ્રીકૃચ્છ્રવ્રત કહેલું છે, વળી એક માસ કમળના ડોડામાં ઉત્પન્ન થયેલાં ફળ જમવાથી પદ્મકૃચ્છ્રવ્રત કહેલું છે.૩૦

કેવળ આમળાં એક મહિનો જમવાથી શ્રીકૃચ્છ્રવ્રત કહેલું છે. એક માસ પાંદડાં જમવાથી પત્રકૃચ્છ્રવ્રત કહેલું છે. એક માસ પુષ્પોનું ભક્ષણ કરવાથી પુષ્પકૃચ્છ્રવ્રત કહેલું છે.૩૧

એક માસ મૂળ જમવાથી મૂળકૃચ્છ્ર. એક માસ જળ પીવાથી જળકૃચ્છ્ર. આ રીતે વિચક્ષણ પુરુષોએ એક માસ પર્યંત દૂધ આદિકનું પાન કરી તે તે કૃચ્છ્રવ્રત કહેલું છે. અર્થાત્ દધીકૃચ્છ્ર, છાસકૃચ્છ્ર, શાકકૃચ્છ્ર, ચણકકૃચ્છ્ર. વિગેરે કૃચ્છ્રવ્રતો કહેલાં છે.૩૨

પાદકૃચ્છ્રવ્રત- દિવસમાં એકજવાર મધ્યાહ્ન પછી ભોજન કરવું, એકવાર બપોરપછી નક્ત ભોજન કરવું. ત્રીજે દિવસે દિવસમાં માગ્યા વિના જે કાંઇ મળે તેનું ભક્ષણ કરવું, અને ચોથે દિવસે ઉપવાસ કરવો તેને પાદકૃચ્છ્રવ્રત કહેલું છે.૩૩

પ્રાજાપત્ય કૃચ્છ્રવ્રત- ત્રણ દિવસ પ્રાતઃકાળે ભોજન કરવું, ત્રણ દિવસ સાયંકાળે, ત્રણ દિવસ માગ્યા વિના જે મળે તેનું ભોજન અને ત્રણ દિવસ ઉપવાસ કરવા, આ બાર દિવસનું પ્રાજાપત્યકૃચ્છ્રવ્રત કહેલું છે.૩૪

અતિકૃચ્છ્વ્રત- હે વિપ્ર ! ત્રણ દિવસ ઉપવાસના છોડીને બાકી ખોબામાં આવે તેટલું અન્ન જમીને પ્રાજાપત્ય વ્રતની જેમ બાર દિવસનું વ્રત કરવું, તેને અતિકૃચ્છ્રવ્રત કહેલું છે. અર્થાત તે ત્રણ દિવસ પ્રાતઃકાળે, ત્રણ દિવસ સાયંકાળે, ત્રણ દિવસ માગ્યા વિના મળેલાં ભોજનને ખોબામાં આવે તેટલું અન્ન જમવું અને ત્રણ દિવસ ઉપવાસ કરવા, આ બાર દિવસના વ્રતને અતિકૃચ્છ્ર કહેલું છે.૩પ

વળી આપસ્તંબમુનિએ બાર દિવસના પ્રાજાપત્ય વ્રતને ચાર ભાગમાં વેચી, જેવો જેનો વર્ણ તેના અનુસારે પાદકૃચ્છ્વ્રત કરવાનું કહેલું છે.૩૬

ત્રણ દિવસ ઉપવાસ કરવા તે પ્રથમ પાદ કહેલું છે. માગ્યા વિના જે મળે તેનાથી ત્રણ દિવસ પસાર કરવા તેને બીજું પાદ કહેલું છે. ત્રણ દિવસ સાયંકાળે ભોજન કરે તેને ત્રીજું પાદ કહેલું છે અને ત્રણ દિવસ પ્રાતઃકાળે ભોજન કરે તેને ચોથુંપાદ કહેલું છે.૩૭

શૂદ્રોએ પ્રાતઃકાળે જમવારૃપ ચોથા પાદનું વ્રત કરવું. વૈશ્યે સાયંકાળે જમવારૃપ ત્રીજાપાદનું વ્રત કરવું, ક્ષત્રિયોએ માગ્યા વિના જે મળે તેનું ભોજન કરવારૃપ બીજાપાદનું વ્રત કરવું. અને બ્રાહ્મણે ત્રણ દિવસ ઉપવાસ સહ પહેલા પાદનું વ્રત કરવું.૩૮

આ વ્રતમાં સાયંકાળે બાર કોળિયા જમવા, પ્રાતઃકાળે પંદર કોળિયા જમવા, માગ્યા વિનાનાં ભોજનમાં ચોવીસ કોળિયા જમવા અને અંતે ઉપવાસ કરવાના જાણવા૩૯

કૃચ્છ્રાર્ધવ્રત- એક દિવસ સાયંકાળે અને એક દિવસ પ્રાતઃકાળે જમવું, બે દિવસ માગ્યા વિના મળેલું જમવું ને બે દિવસ ઉપવાસ કરવા.૪૦

કૃચ્છ્રાતિકૃચ્છ્રવ્રત- કેવળ દૂધનું પાન કરી એકવીસ દિવસ પસાર કરવા તે અને જળનું પાન કરી બાર દિવસ પસાર કરવા તેને પણ ગૌત્તમમુનિએ કૃચ્છ્રાતિકૃચ્છ્રવ્રતકહેલું છે.૪૧

પારાકકૃચ્છ્રવ્રત- હે ઉત્તમવિપ્ર ! બાર દિવસ ઉપવાસ કરવા તેને ઋષિમુનિઓએ સર્વપાપને નાશ કરનાર અને પાપીને પૂર્ણ શુદ્ધ કરનાર પારાકકૃચ્છ્રવ્રત કહેલું છે.કૃચ્છ્રાતિકૃચ્છ્રવ્રતમાં જળપાન કરવાની નિયમ પ્રમાણેની આજ્ઞા છે જ્યારે અહીં પ્રાણની ગ્લાનિ નિવૃત્ત થાય તે માટે પૂરતું જળ પીવું. કોઇ પણ વ્રતમાં જળ ન પીવું એવો નિયમ નથી.૪૨

સૌમ્યકૃચ્છ્રવ્રત- વ્રત કરનાર પુરુષે પ્રથમ દિવસે તલનો ખોળ, બીજે દિવસે સાથવો, ત્રીજે દિવસે છાસ અને ચોથે દિવસે ઉપવાસ કરવો. જાબાલિમુનિએ આ ચાર દિવસનું સૌમ્યકૃચ્છ્રવ્રત કહેલું છે.૪૩

તેમ જ તલનો ખોળ, છાસ, જળ અને દર્ભના જળનું એક એક દિવસ સેવન કરી પાંચમે દિવસે ઉપવાસ કરવો, તેને પરાશરમુનિના મતે સૌમ્યકૃચ્છ્રવ્રત કહેલું છે.૪૪

તલનો ખોળ, ભાતનું ઓસામણ, છાસ, જળ અને સાથવાનું સેવન કરી પાંચ દિવસ પસાર કરવા ને છઠ્ઠે દિવસે એક ઉપવાસ કરવો તે યાજ્ઞાવલ્ક્યમુનિના મતે સૌમ્યકૃચ્છ્રવ્રત કહેલું છે. અહીં દ્રવ્ય લેવાનું માપ તો પ્રાણયાત્રા ચાલે એટલું જ સમજવું.૪૫

તુલા પુરુષ કૃચ્છ્રવ્રત- તલનો ખોળ, ભાતનું ઓસામણ, છાસ, સાથવો અને જળ આ પાંચ દ્રવ્યોમાંથી એક એક દ્રવ્યનો ત્રણ ત્રણ દિવસ સેવન કરી પંદર દિવસ પસાર કરવા તેને તુલા પુરુષ કૃચ્છ્રવ્રત કહેલું છે. આ યાજ્ઞાવલ્ક્યનો મત છે.૪૬

ઓસામણ, તલનો ખોળ, છાસ, જળ અને સાથવો, આ પાંચ દ્રવ્યોને ત્રણ ત્રણ દિવસ ક્રમથી જમીને પછીના છ દિવસ ઉપવાસ કરવા આ એકવીસ દિવસના વ્રતને યમના મતે તુલા પુરુષ કૃચ્છ્રવ્રત કહેલું છે. આવી રીતે કહેલાં સર્વે વ્રતોમાં પોતાની શક્તિ પ્રમાણે થઈ શકે તે કરવાં.૪૭-૪૮

બ્રહ્મકૂર્ચવ્રત- સર્વે વ્રતોમાં ઉત્તમ બ્રહ્મકૂર્ચવ્રત તમને કહું છું. આ બ્રહ્મકૂર્ચવ્રત કરનાર સર્વ પાપથી મૂકાય છે.૪૯

તે વ્રત કરનાર મનને નિયમમાં રાખી પ્રથમ દિવસે ઉપવાસ કરે, બીજા દિવસે દર્ભજળની સાથે અતિશય પવિત્ર એવાં પંચગવ્યનું પાન કરે.પ૦

પંચગવ્યમાં ગોમૂત્ર, ગોમય, ગોક્ષીર, ગોદધિ અને ગાયનું ઘી દર્ભજળની સાથે ગ્રહણ કરવું. આ પ્રમાણે ર્નિદેશ કરેલા નિયમ પ્રમાણે પંચગવ્યનું પાન કરવું તે અતિશય પવિત્રકારક અને દેહની શુદ્ધિ કરનારું કહેલું છે.પ૧

હવે પંચગવ્યને ગ્રહણ કરવામાં ગાયોનો નિયમ કહું છું. લાલ ગાયનું મૂત્ર લેવું, શ્વેત ગાયનું છાણ લેવું, પીળી ગાયનું દૂધ લેવું, નીલી ગાયનું દહીં લેવું અને કાળી ગાયનું ઘી ગ્રહણ કરવું, આ પૂર્વોક્ત ગાયના અભાવમાં એક કપીલા ગાયનું પંચગવ્ય ગ્રહણ કરવું, પંચગવ્ય સ્વીકારવામાં આ પ્રમાણેનો વિધિ જાણવો.પર-પ૩

તે પણ આ પ્રમાણે લેવું ગોમૂત્ર આઠ માષ, ગોમય સોળ માષ, દૂધ બાર માષ, દહીં દશ માષ, ઘી આઠ માષ અને દર્ભજળ ચાર માષ પરિમિત ગ્રહણ કરવું, તેમાં ગોમૂત્ર ગ્રહણ કરતી વખતે ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ કરવું, ગોમય ગ્રહણ કરતી વખતે ''ગન્ધદ્વારાં દૂરાધર્ષામ્'' મંત્રનું ઉચ્ચારણ કરવું.પ૪-પપ

દૂધ ગ્રહણ કરતી વખતે ''આપ્યાયસ્ય સ મે તુ તે'' આ મંત્રનું ઉચ્ચારણ કરવું, દહીં ગ્રહણ કરતી વખતે ''દધિક્રાવ્ણો અકારિષમ્'' આ મંત્રનું ઉચ્ચારણ કરવું. ઘી ગ્રહણ કરતી વખતે ''તેજો અસિ શુક્રમસિ'' આ મંત્રનું ઉચ્ચારણ કરવું અને દર્ભજળ ગ્રહણ કરતી વખતે ''દેવસ્ય ત્વા સવિતુઃ'' આ મંત્રનું ઉચ્ચારણ કરવું.પ૬

આ કહેલા મંત્રથી પવિત્ર પંચગવ્યનો અગ્નિની સમીપે ઊભા રહી હોમ કરવો. ત્યારે સાત પત્રવાળા, અખંડિત અગ્રભાગવાળા અને લીલી કાંતિવાળા દર્ભોથી તે પદાર્થનો સ્વીકાર કરી વિધિ પ્રમાણે પંચગવ્યનો હોમ કરવો.પ૭

તે હોમ ''ઇરાવતી ધેનુમતી'' ''ઇદં વિષ્ણુર્વિચક્રમે'' ''માનસ્તોકે તનયે માન'' ''શંવતી પારયતિ'' અને ''શન્નો દેવીરભિષ્ટય'' આ પાંચ ઋચાઓ વડે કરવો. અને તેમાંથી બચેલાં પંચગવ્યને દર્ભજળની સાથે વ્રત કરનારા દ્વિજાતિ પુરુષે પાન કરવું, ત્યારે પ્રણવનું ઉચ્ચારણ કરતાં બરાબર હલાવી અભિમંત્રિત કરી તેનું પાન કરવું. તે વખતે ખાખરાના મધ્યમપત્રરૃપ પાત્રથી અથવા કમળના પત્રરૃપ પાત્રથી અથવા સુવર્ણ કે ચાંદીના પાત્રથી તથા જમણા હાથના બ્રહ્મતીર્થથી પાન કરવું. આ બે દિવસનું બ્રહ્મકૂર્ચ નામનું વ્રત શરીરનાં સર્વ પ્રકારનાં પાપોને બાળી નાખે છે.પ૮-૬૧

યતિસાંતપન અને આગ્નેયકૃચ્છ્રવ્રત- શંખમુનિના કહેવા પ્રમાણે આજ રીતે અભિમંત્રિત કરેલા પંચગવ્યને દર્ભજળની સાથે ત્રણ દિવસ સુધી સેવન કરે તેને યતિસાંતપનવ્રત અને બાર દિવસ તલથી જીવન વિતાવે તેને આગ્નેયકૃચ્છ્રવ્રત કહેલું છે.૬૨

યામ્યકૃચ્છ્રવ્રત- ગાય પ્રથમ આરોગેલા અને પછી છાણ સાથે બહાર નીકળેલા જવના સાથવાને એક માસ જમે તેને યામ્યકૃચ્છ્રવ્રત કહેલું છે.૬૩

યાવકવ્રત - ગાયના છાણ સાથે નીકળેલા જવનું એક માસ ભક્ષણ કરવું તેને ઉત્તમ યાવક્વ્રત કહેલું છે.૬૪

કૌબેરકૃચ્છ્રવ્રત- એક માસ પર્યંત પોતાના ખોબામાં સમાય તેટલા તલના ખોળનું ભક્ષણ કરવું તેને કૌબેરકૃચ્છ્રવ્રત કહેલું છે.૬૫

ગોવ્રત- ગોમૂત્રથી સ્નાન કરવું, ગોમયનું ભક્ષણ કરવું, ગાયોની મધ્યે સદાય નિવાસ કરવો અને ગાયના છાણ ઉપર જ શયન કરવું.૬૬

હે ઉત્તમવિપ્ર ! ગાયો જ્યાં સુધી જળપાન કે આહાર ન કરે ત્યાં સુધી જળ કે આહાર ન કરવો. ગાયો ઊભી રહે ત્યાં સુધી ઊભા રહેવું અને બેસે પછી બેસવું. આ રીતે એક માસ વર્તવું તેને ગોવ્રત કહેલું છે.૬૭-૬૮

ઉદ્દાલકકૃચ્છ્રવ્રત- ઉકાળેલા દૂધમાં મેળવેલ દહીં માત્ર જમીને બે માસ રહેવું, એક પખવાડીયું માત્ર દૂધપાન કરીને રહેવું, પછી આઠ દિવસ માત્ર દહીં જમવું, ત્રણ દિવસ ઘી, અને છેલ્લે ત્રણ દિવસ ઉપવાસ કરવા. આ પ્રમાણે ત્રણ માસમાં એક દિવસ ઓછું વ્રત કરવું તેને ઉદ્દાલકકૃચ્છ્રવ્રત કહેલું છે આ વ્રત વીરાસન સાથે કરવામાં આવે તો બહુજ ફળદાયી થાય છે.૬૯-૭૦

વીરાસનનું લક્ષણએ છે કે દિવસે ઊભા રહેવું અને રાત્રીએ બેસવું આ પ્રમાણેનું વીરાસન મહાપાતકને નાશ કરનારૃં કહેલું છે.૭૧

હે રૃડાવ્રતવાળા શિવરામવિપ્ર ! આ લોકમાં સર્વ પ્રકારનાં પાપોને શમાવનારાં સર્વે પ્રકારનાં કૃચ્છ્રવ્રતો તમને મેં કહ્યાં.૭ર

ઉત્તમ દ્વિજોએ વર્ષમાં એકવાર કોઇ પણ એક કૃચ્છ્રવ્રત અજાણતાં થયેલા કોઇ અભક્ષ્યના ભક્ષણ દોષથી મુક્ત થવા કરવું તેમાં ઉપરોક્ત કોઇ ને કોઇ એક કૃચ્છ્રવ્રત તો અવશ્ય કરવું.૭૩

આ કૃચ્છ્રવ્રત જાણે કે અજાણે થયેલાં સર્વ પાપથકી નિવૃત્તિ કરે છે અને તેથી શુદ્ધ થયેલા પુરુષોને નરક કે યમયાતના ભોગવવી પડતી નથી. આ પ્રમાણે શાસ્ત્રો કહે છે.૭૪

શોભા, સંપત્તિને પ્રાપ્ત કરવાની ઇચ્છા, પોતાના દેહને પુષ્ટ કરવાની કે સ્વર્ગની ઇચ્છા અને ભગવાનને પ્રસન્ન કરવાની ઇચ્છા જે પુરૃક્ષને હોય તે પુરુષોએ સર્વ પ્રકારે આ કૃચ્છ્રવ્રતો કરવાં.૭પ

આલોકમાં જે પુરુષ નાનું કે મોટું પાપ કરીને જો તેનું પ્રાયશ્ચિત કરતા નથી. તે પુરુષો ચોક્કસ નરકમાં પડે છે.૭૬

ને તેનાં દુઃખો ભોગવીને બહુ કાળને અંતે યમરાજાના આદેશથી બચેલાં પાપને ભોગવવા માટે કૂતરાં, ભુંડ આદિક નીચ યોનિમાં વારંવાર જન્મ પામે છે.૭૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ પ્રાયશ્ચિત વિધિના પ્રકરણમાં ચાંદ્રાયણાદિ વ્રતોનાં લક્ષણોનું નિરૃપણ કર્યું, એ નામે સુડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૭--