તરંગ - ૨ - શ્રી હરિ પ્રગટ થયા

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:13pm

 

પૂર્વછાયો- રામશરણજીયે પુછિયું, સુણો પિતા બંધુસાર । પુરૂષોત્તમ શ્રીહરિયે, કેવી રીતે લીધો અવતાર ।।૧।।

અલબેલો આનંદઘન, છે અલૌકિક અનૂપ । શા કારણ મહાપ્રભુયે, ધર્યું મનુષ્યનું રૂપ ।।૨।।

આતુરતા મુજ અંતરે, સાંભળવાની અપાર । પુરો મનોરથ માહેરો, વિમલ કહો વિસ્તાર ।।૩।।

ચોપાઇ- તે સાંભળી અવધપ્રસાદ, કહે સુણો તજીને પ્રમાદ । તમે પુછયું મને જે સાક્ષાત, છે અગમ અગોચર વાત ।।૪।।

ભવ બ્રહ્મા તે ભેદ ન પામે, વાણી ચાર વેદની વિરામે । પણ તમને કહું છું પ્રીતે, સુણો રામશરણ એકચિતે ।।૫।।

એક સમય બદ્રિકાશ્રમ,આવ્યા દુર્વાસા ઋષિ અગમ । જ્યાંહાં બેઠી છે મોટી સભાય, સુણે સુધા જેવી વારતાય ।।૬।।

મોટામોટા મલ્યા મુનિજન, બેઠાં ભક્તિ ધર્મ ત્યાં પાવન । વાત સુણે એકચિત્તે કરી, નથી ભાન બીજું કાંઇ જરી ।।૭।।

ઋષિ ઉભા રહ્યા ઘણીવાર, થયો ન કોઇથી સત્કાર । ચઢયો દુર્વાસાને મન ક્રોધ, બોલ્યા મુખેથી વાણી વિરોધ ।।૮।।

તન તપ્યું છે ક્રોધને તાપ, તતકાલ દિધો છે ત્યાં શાપ । મૃત્યુલોકમાં અવતરજો, ૧વસુધા ઉપર વિચરજો ।।૯।।

પામજો ત્યાં ઘણું અપમાન, અસુર કરશેજ હેરાન । એવો શાપ સુણ્યો છે જે વારે, સહુ સભા કંપિ મન ત્યારે ।।૧૦।।

સચ્ચિદાનંદ આપેછે ધીર, નવ બીશોમાં થાશો અધિર । દીલમાંહી તમે ન ડરશો, ચિતમાં ચિંતા નવ કરશો ।।૧૧।।

શાપ થયો છે મારી ઇચ્છાય, સાચું માનજો સર્વ સભાય । ભર્તખંડમાં અધર્મ જામ્યો, વસુધા પર ધર્મ વિરામ્યો ।।૧૨।।

મારે ધરવો હવે અવતાર, હરવા ભયને ભૂમિનો ભાર । માટે તમે સહુ દેહ ધારો, વાત હૃદયમાંહી વિચારો ।।૧૩।।

તમે દેહ મનુષ્યનું સજજો, ભક્તિભાવથી મને ભજજો । ભક્તિ ધર્મથી જન્મ ધરીશ, રુડી રીતે હું રક્ષા કરીશ ।।૧૪।।

સાથે અક્ષરમુક્ત લાવીશું, ભલા ભક્તને મન ભાવિશું । વાલાજીનું તે સુણી વચન, ધર્યા સર્વેયે મનુષ્યનાં તન ।।૧૫।।

સુણો રામશરણ સાક્ષાત, પૂર્ણ પુરૂષોત્તમની વાત । જીવરાણીને દીધું વચન, એજ પ્રમાણે ધર્યું છે તન ।।૧૬।।

દેશ કૌશલ અયોધ્યા ગામ, મખોડાઘાટ સુંદર ઠામ । મનોરમા સરીતા છે સાર, તેથી ઉત્તરમાં ગાઉ ચાર ।।૧૭।।

છુપૈયાપુર પાવન ધામ, તેમાં ભક્તિ ધરમ છે નામ । વિપ્ર સરવરીયા બ્રહ્મરૂપ, સામવેદી પાંડે તે અનુપ ।।૧૮।।

તેથી જન્મ ધર્યો નિરધાર, થયા પ્રગટ ધર્મકુમાર । સંવત્ અઢાર સાડત્રીસ, ચૈત્ર સુદી નવમીની નિશ ।।૧૯।।

દશઘડી રાત્રી ગઇ જ્યારે, પોતે પ્રગટયા પ્રભુજી ત્યારે । સુતિકાગૃહમાંહી છે માત, બેઠાં બાયું પાસે પાંચસાત ।।૨૦।।

શોભે સર્વ તે સુખનું મૂલ, વલી ગ્રહ સર્વ અનુકુલ । પોતાનાં બેન બાઇ વસંતા, ચંદનબાઇ છે ગુણવંતા ।।૨૧।।

શુભમતિ તે સુંદરબાઇ, સુર્જાને લક્ષ્મીબાઇ સુહાઇ । એ' આદિ બાઇયુંછે સર્વ પાસ, આપ્યાં દર્શન શ્રી અવિનાશ ।।૨૨।।

મોટો તેજ સમૂહનો તાર, જોયો સુતિકાગૃહ મોઝાર । ભાળીને સહુ વિસ્મિત થયાં, એકચિત્તે કરી જોઇ રહ્યાં ।।૨૩।।

તેમાં કિશોર મૂર્તિ ભાળી, કોટિક કામ સમાન રુપાળી । અતિ શ્વેતને પ્રકાશે યુક્ત , નિર્ખિ થયાં છે મન આસક્ત ।।૨૪।।

દિઠા કૃશ્ન ચતુર્ભુજ ધારી, વારે વારે જાયે બલહારી । પીતાંબર વસ્ત્ર અલંકાર, કીરીટાદિક ભૂષણ સાર ।।૨૫।।

દશ દિશા થઇ દીપ્યમાન, જેને જોઇ ભાનુ ભુલે ભાન । કોટી અક્ષરમુક્તને સંગે, વળી જોયા એવા રસ રંગે ।।૨૬।।

આવીછે પૂર્વની સ્મૃતિ મન, ભક્તિમાતા કરે છે સ્તવન । થયાં ગદગદ કંઠે સ્થિર, બોલે મધુર વાણીથી ધીર ।।૨૭।।

જય અનેક બ્રહ્માંડાધિશ, જય જક્તપતિ જગદીશ । જય અનંત આશ્ચર્યકારી, જય અક્ષરધામ વિહારી ।।૨૮।।

જય અખિલ જક્ત આધાર, જય કોટિશીર્ષાકીરતાર । જય ઉદ્ભવ પાલન કર્તા, જય કાલ ગતિને સંહર્તા ।।૨૯।।

જય પ્રણત પાલ દયાલ, જય કરુણાનિકેત કૃપાલ । જય અજ અજાત સુનામ, જય માયાતીત સુખધામ ।।૩૦।।

જય ગંભીર ગુણના ગ્રામ, જય પ્રેમીના પૂરણ કામ । જય કુશલ કલ્યાણ દાતા, જય ભુધરજી મુજત્રાતા ।।૩૧।।

જય શેષ મહેશના સ્વામી, જય બલવંત બહુનામી । જય ધર્મધુર દ્રઢધારી, જય સેવકના સુખકારી ।।૩૨।।

જય સગુણ નિર્ગુણ અવ્ય, જય ભક્તવત્સલ છો ભવ્ય । જય સચ્ચિદમુદ ઘન, જય સ્વતંત્ર સુખ સદન ।।૩૩।।

જય અનંત ગુણ અપાર, આપ અવતારી છો નિર્ધાર । કરી પ્રારથના એકમન, સુણીને પ્રભુ થયા પ્રસન્ન ।।૩૩।।

વહે ત્રણે પ્રકારે પવન, મંદ સુગંધ શીત ભુવન । આવ્યા અદૃશ દેવતા સર્વ, કરે વંદના મુક્ીને ગર્વ ।।૩૫।।

પુરૂષોત્તમ પૂરણ બ્રહ્મ, તવ ગહન ગતિ અગમ । ભવ બ્રહ્મા જાયે બલિહારી, જય અવતારના અવતારી ।।૩૬।।

નેતિ નેતિ કહે છે નિગમ, તવ ગુણ ગાયછે આગમ । હરિજનના છો હિતકારી, જય અવતારના અવતારી ।।૩૭।।

તવ પ્રતાપ કોણ પ્રમાણે, ૧ઇશ વાગીશ દિશ ન જાણે । ગુણાતીત અખંડવિહારી, જય અવતારના અવતારી ।।૩૮।।

સચરાચર ભિન્ન અભિન્ન, પરાત્પર છો અપરિછિન્ન । નાથ નિર્ગુણ નિર્વિકારી, જય અવતારના અવતારી ।।૩૯।।

કલા અંશ આદિ અવતાર, ધરો છો પ્રભુ અનંતવાર । અધુના તો ગતિ અતિ ન્યારી, જય અવતારના અવતારી ।।૪૦।।

આતો રૂપ અલૌકિક કેવું, દીવ્યભાવથી દેખાય તેવું । ધર્મકુલવિષે તનુ ધારી, જય અવતારના અવતારી ।।૪૧।।

પ્રગટ થઇ કરોજી સાય, પૂરણ પુરૂષોત્તમરાય । ભૂમિનો ભાર નાખ્યો ઉતારી, જય અવતારના અવતારી ।।૪૨।।

એમ કહી દુદુંભીના નાદ, કરે પુષ્પવૃષ્ટિ સ્તુતિવાદ । વરસાવે પિયુષ વિચારી, જય અવતારના અવતારી ।।૪૩।।

એમ ૧ત્રિદશ આપીને માન, ગયા પોતે પોતાને તે સ્થાન । થયો ધરણીમાં આનંદકારી, જય અવતારના અવતારી ।।૪૪।।

એક અનેક આશ્ચર્ય જોઇ, ભક્તિમાતા રહ્યાં મન મોઇ । શીશુરૂપ થયા ઘનશ્યામ, સ્તનપાન કરે છે તે ઠામ ।।૪૫।।

પછી માતાજી પામ્યાં આનંદ, જોઇ રૂપ છુટયો ભવફંદ । પ્રભુયે ધર્યું પ્રાકૃત રૂપ, કરે બાલચરિત્ર અનુપ ।।૪૬।।

ધર્મ ભક્તિ પૂર્ણ ભાગ્યવાન, દિધાં યાચકને બહુ દાન । જાતકર્મ કુંવરનું કીધું, શુભકારજ સર્વનું સિધું ।।૪૭।।

ચાલી વધાઇની રૂડી વાત, છુપૈયાપુર વિષે સાક્ષાત । ધર્મ કુંવરને તેહ વાર,વધાવા આવે છે નરનાર ।।૪૮।।

કરે પુષ્પની વૃષ્ટિ અપાર, હૈયે હર્ષતણો નહિ પાર । પર્મ મંગલ સુખદાયક, પ્રગટયા ત્રિભુવન નાયક ।।૪૯।।

ભક્તને થયો હર્ષ વિલાસ, તે સમે પાપીને પડયો ત્રાસ । થયા અસુર તો ચિંતાતુર, ભય પામ્યા સર્વ ભરપુર ।।૫૦।।

ઘનશ્યામજી સુખના સિંધુ, દયાસાગર દીનના બંધુ । પ્રગટયા પ્રભુ એવા પ્રકાર, ધર્મ સ્થાન એ અવતાર ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિ પ્રગટ થયા એ નામે બીજો તરંગઃ