તરંગ - ૩ - ભક્તિ માતાને અર્થે સિદ્ધિયો થાળ લાવી

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:14pm

તરંગ ૩ - ભક્તિ માતાને અર્થે સિદ્ધિયો થાળ લાવી

પૂર્વછાયો- અવધપ્રસાદજી કહે, તમે સુણો રામશરણ; કહું કથા અમૃત જેવી, બાલલીલા સુખકર્ણ ।।૧।।

શ્રદ્ધા સહિત જે સાંભળે, શ્રીહરિના ગુણ સાર । ગર્ભવાસનું દુઃખ જાય, પામે ભવજળ પાર ।।૨।।

દુર્લભ છે આતો દેવને, પ્રગટ પ્રભુનો જોગ । મળ્યા તેનો તરત ટાળ્યો, ભવજળરૂપી રોગ ।।૩।।

અંતર શત્રુની પિડાથી, શ્રીહરિ કરશે સહાય। માન મુકી દઇ માનશે, તે સુખી અવિચળ થાય ।।૪।।

ચોપાઇ- એક સમય શ્રીભક્તિમાત, લઇ ઉત્સંગમાં જગતાત । બેઠાં છે અતિ આનંદભેર, સ્તનપાન કરાવે છે ઘેર ।।૫।।

કાલિદત્ત પાપી સરદાર, તેણે મારવા કર્યો વિચાર । ઉપજાવિ છે કૃત્યાઓ ત્યાંય, કે'છે વિચારીને મનમાંય ।।૬।।

જાઓ ધર્મને ઘેર સમાજ, તેમના પુત્રને મારો આજ । એવું સાંભળી કૃત્યાઓ ચાલી, આવી ધર્મને ત્યાં દઇ તાલી ।।૭।।

કરી આસુરી માયા અપાર, ઉપાડી લીધા ધર્મ કુમાર । લઇ ચાલી આંબાવાડીમાંય, પૂર્વ દિશાભણી ગઇ ત્યાંય ।।૮।।

કરી વિકટ દૃષ્ટિ તે વાળે, બળવા લાગી છે તેહ કાળે । નવ સેવાયો તેનો જે તાપ, મુકી દિધા પ્રભુજીને આપ ।।૯।।

એકએકને કહે છે વાત, મારો મારો કરો એની ઘાત । પ્રભુ-ઇચ્છા મહાબલવાન, એવે સમે આવ્યા હનુમાન ।।૧૦।।

પ્રેમે લાગી પ્રભુજીને પાય, સુતસમીર જે કહેવાય । ઝાલી કૃત્યાઓને ઝટપટ, પુછે તાણી બાંધી લટપટ ।।૧૧।।

પછાડી પછે પૃથ્વીની માથ, મૃતતુલ્ય કરી કપિનાથ । શીરકેશ ઝાલી નિજ હાથ, ચકચુર કરી છે સંગાથ ।।૧૨।।

કોપે ચડયા પવન કુમાર, માર્યો કૃત્યાઓને બહુ માર । કરે પ્રારથના દુરમતિ, જીવતી જવાદ્યોને મારુતિ ।।૧૩।।

છુપૈયાપુરમાં કોઇ કાલ, નહિ આવિયે ૧કેસરીબાલ । માટે આપોને જીવતદાન, નથી સહેવાતો માર નિદાન ।।૧૪।।

તારે મારુતિયે મુકી દીધી, ચાલી કૃત્યાઓ ત્યાં થકી સિધ્ધિ । નાઠી પ્રાણ લઇને નઠારી, કાલિદત્ત પાસે ગઇ નારી ।।૧૫।।

પકડયો છે પાપીને ત્યાં આવી, નાખ્યો અસુરને ગભરાવી । હરામી થયો હાલ બેહાલ, જાણે નજીક આવ્યો છે કાલ ।।૧૬।।

પછે પાછા વળ્યા હનુમાન, આવ્યા જ્યાં રહ્યા છે ભગવાન । તેડી લીધા ત્રિભોવનનાથ, લાવી સોંપ્યા માતાજીને હાથ ।।૧૭।।

માતાજી લ્યો આ પુત્ર તમારા, છે એ સૃષ્ટિના સર્જનહારા। અક્ષરાધિપતિ અવિનાશી, પુરુષોત્તમ સુખના રાશી ।।૧૮।।

જેનું જોગીયો ધરે છે ધ્યાન, તમારા સુત છે ભગવાન । બ્રહ્મમોલ વાસી બહુનામી, અનંત બ્રહ્માંડતણા સ્વામી ।।૧૯।।

જેના કટાક્ષે કંપે છે કાલ, જેને માને મોટા લોકપાલ । ધન્ય છે ભાગ્ય તમારું માતા, તવ પુત્ર ત્રિભુવન ત્રાતા ।।૨૦।।

રુડી રીતેથી રક્ષા કરશે, તમારી આપદાને હરશે । માટે ચિંતા મ કરશો માય, સુખ દેશે સઘળું સદાય ।।૨૧।।

કાંઇ કામ પડે કોઇ દિન, કહેજો માતા હું છું આધીન । એમ કહિ અંતર્ધાન થયા, મારુતિ નિજ સ્થાનકે ગયા ।।૨૨।।

એવાં અદ્ભુત જોઇ ચરિત્ર, માતા થયાં છે શાંત પવિત્ર । આતો આશ્ચર્ય કારક વાત, છુપૈયાપુરમાં કહી માત ।।૨૩।।

વળી છઠે દિવસે તે ઠામ, આવી રાક્ષસી કોટરા નામ । વિકરાલ ભયંકર વેશ, ભાળીને ભય પામે સુરેશ ।।૨૪।।

કરવા વાલિડાને વિઘન, આસુરી એમ ધારતી મન । વાંકી દૃષ્ટિ જ્યાં વિઠલે કીધી, દુઃખદાયકને બાળી દીધી ।।૨૫।।

વળી બીજી કહું એક વાત, છુપૈયાપુરની જે સાક્ષાત । ભક્તિમાતાનાં ભલાં ભોજાઇ, જેનું નામ તે લક્ષ્મીબાઇ ।।૨૬।।

પુછ્યું આવીને તેમણે એમ, કહો છોટીબા જમ્યાનું કેમ । હાલ રસોઇ કરૂં કે નહિ, કહો તમારો વિચાર સહિ ।।૨૭।।

ત્યારે માતા કહે પ્રીત પ્રોઇ, ધીરે ધીરે કરોને રસોઇ । પછે રસોડામાં જઇ પોતે, કરે ધીરેથી રસોઇ જોતે ।।૨૮।।

ક્ષુધા તો પ્રાપ્ત થઇ છે તને, વિચારે માતાજી નિજ મને । હજુ રસોઇને ઘણી વાર, હવે શાનો કરૂં હું આહાર ।।૨૯।।

પોઢયા પારણે જગજીવન, પ્રભુએ જાણી લીધું પાવન । કરી ઇચ્છા મન કીરતાર, અષ્ટ સિદ્ધિઓ આવી તેઠાર ।।૩૦।।

થાળ ભરીને લાવી તૈયાર, માંય ભોજન ચ્યાર પ્રકાર । કહે માતાને લ્યો તમે જમો, આપ માટે લાવ્યાં છૈયે અમો ।।૩૧।।

જમોને દયા કરીને આજ, કરો અમારાં પૂરણકાજ । ત્યારે માતા બોલ્યાં તતકાલ, તમે કોણને કોનાં છો બાલ ।।૩૨।।

તેવું સાંભળીને કહે વાત, અમો અષ્ટસિદ્ધિ છૈયે માત । તમારે તો જમવાની વાર, થઇ નથી રસોઇ તૈયાર ।।૩૩।।

પુરુષોત્તમ જે નારાયણ, અક્ષરાધિપતિ નારાયણ । એતો પુત્ર થયા છે તમારા, નરવીર છે જક્તથી ન્યારા ।।૩૪।।

તેમણે ઇચ્છા કરી છે આજ, થાળ લાવ્યાં છીએ તમો કાજ । તર્ત કરી છે રસોઇ તાજી, માટે જમી લ્યોને તમે માજી ।।૩૫।।

એવું સુણીને કહે છે માત, સિદ્ધિયોને તે સ્નેહથી વાત । ખરિ ખાત્રી મુને જ્યારે થાય, ત્યારે મુજથી એ તો જમાય ।।૩૬।।

એવી સાંભળી માતની વાણી, બોલી ઉઠયા ત્યાં સારંગપાણી । આતો દેવનું લાવેલું અન્ન, તમો સુખેથી કરો ભોજન ।।૩૭।।

એમ કહી અકેકોજ ગ્રાસ, થાળમાંથી જમ્યા અવિનાશ । ત્યારે થયાં છે માતા પ્રસન્ન, કર્યું થાળનું અન્ન પ્રાશન ।।૩૮।।

પછે કરાવ્યાં છે જલપાન, માતાજીને દીધાં બહુમાન । જાણી પ્રસાદનો મહિમાય, સિદ્ધિયો પણ જમી છે ત્યાંય ।।૩૯।।

એટલે લક્ષ્મીબાઇ ત્યાં આવ્યાં, શિરો સુંદર કરીને લાવ્યાં । જુવે છે ભક્તિમાતાની પાસ, આઠે સિદ્ધિયો ઉભી પ્રકાશ ।।૪૦।।

દિવ્યદેહને જોબનવાન, દિવ્યકાંતિ અને રૂપવાન । દિવ્ય વસ્ત્ર કર્યાં પરિધાન, ચારે કોર ઉભી ગુણવાન ।।૪૧।।

લ્યો આ શિરો જમો છોટીબાઇ, આ સ્ત્રીઓ કોણ આવી છે આંઇ । ત્યારે બોલ્યાં છે મૂરતી માત, પુછો ઘનશ્યામને એ વાત ।।૪૨।।

ત્યારે પુછયું પ્રભુજીને જ્યાંયે, બોલ્યા મધુરી વાણીથી ત્યાંયે । મંદ મંદ કરીને તે હાસ, કહે મામીને જક્તનિવાસ ।।૪૩।।

મામી તમે કરી ઘણીવાર, નવ રસોઇ થઇ તૈયાર । અમારી ઇચ્છાયે સ્ત્રીયો આવી, થાળ ભરીને સિદ્ધિયો લાવી ।।૪૪।।

જમ્યાં તેમાંથી માતા અમારી, તમે જમો રસોઇ તમારી । અમે પણ કર્યાં છે ભોજન,જમી તૃપ્ત થયા છૈયે મન ।।૪૫।।

સુણી આશ્ચર્ય પામ્યાં તે મામી, પાસે ઉભાં રહ્યાં શીશ નામી । જોયું સિદ્ધિયો સામું જીવન, અણીમાદિક કરે સ્તવન ।।૪૬।।

કર જોડી કહે છે વચન, સુણો વિનંતિ કંજલોચન । આજ કર્યાં કૃતાર્થ અમને, હમેશાં જમાડીશું તમને ।।૪૭।।

દિનદિન પ્રત્યે બેઉવાર, લાવીશું નવાં ભોજન સાર । થયા પ્રસન્ન પ્રભુજી ધીર, બોલ્યા વાણી મૃદુલા ગંભીર ।।૪૮।।

હવેથી મામી કરે જો વાર, નિત્ય લાવજો રસોઇ ત્યાર । મામી કરે છે મન વિચાર, નહિ મનુષ્ય આ નિરધાર ।।૪૯।।

પુરુષોત્તમ પૂરણ-બ્રહ્મ,અક્ષરાધિપતિ પોતે પર્મ । જેની આજ્ઞા માને રવિશશિ, મૂરતી મુજ મનમાં વશી ।।૫૦।।

પ્રેમનાં આંશું આવ્યાં લોચન, કહે ઘનશ્યામજી છો ધન્ય । મેં તો પ્રથમથી જાણ્યા નોતા, આવા પ્રૌઢ પ્રતાપજ સોતા ।।૫૧।।

મહિમા અલૌકિક તમારો, પોકી ન શક્યો વિચાર મારો । તમો જેવા તો તમો છો એક, નથી તમારા જેવા અનેક ।।૫૨।।

કોટી બ્રહ્માંડમાં જોયું મથી, તમ જેવા બીજા કોઇ નથી । એમ કહી ગદગદ કંઠે, મામી થયાં અતિ ઉત્તકંઠે ।।૫૩।।

નિજ વાંક તણી ક્ષમા માગી, પ્રીતથી પ્રભુને પાય લાગી । બ્રહ્મમોલના વાસી જરૂર, એમ જાણ્યું છે મામીએ ઉર ।।૫૪।।

મહારાજ ઘનશ્યામ પાસ, સિદ્ધિયો ઉભી આણી ઉલ્લાસ । આજ્ઞા આપોને શ્રીભગવાન, અમે જાઇએ તે અમારે સ્થાન ।।૫૫।।

એમ કહીને સિદ્ધિયો ચાલી, મામી વલોટાવે કર ઝાલી । છુપૈયાપુર બારણે ગયાં, મધુવૃક્ષ હેઠે ઉભાં રહ્યાં ।।૫૬।।

મળી લક્ષ્મીબાઇને તે પોતે, ગઇ આકાશ મારગે જોતે । બહુનામીનાં બાલચરિત્ર, શિખે સુણે તે થાય પવિત્ર ।।૫૭।।

પછે પોતાનાં મામી તે વેર, આવ્યાં આશ્ચર્ય પામીને ઘેર । ધર્મદેવને રામપ્રતાપ, બેઠા ચોતરા ઉપર આપ ।।૫૮।।

આવતાં જોયાં છે લક્ષ્મીબાઇ, પુછે રામપ્રતાપજી ભાઇ । કહો મામી હતાં કોણ એહ, તમે વળાવા ગયાંતાં તેહ ।।૫૯।।

મામીએ કહી સઘળી વાત, સુણી ધર્મ થયા રળીયાત । ધર્મકુળનો મહીમા જાણ્યો, લક્ષ્મીબાઇએ નિત્ય વખાણ્યો ।।૬૦।।

નિત્ય નિત્ય નવો મહિમાય, સમજે લક્ષ્મીબા મનમાંય । મુને પૂરવનાં પુણ્ય મળ્યાં, પાપ અનેક જન્મનાં બળ્યાં ।।૬૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે ભક્તિ માતાને અર્થે સિદ્ધિયો થાળ લાવી એ નામે ત્રીજો તરંગ ।।૩।।