તરંગ - ૨૦ - શ્રીહરિએ નારાયણસરોવરે મામાને અલૌકિક રુપે દર્શન દીધું

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 11:05pm

 

પૂર્વછાયો- ધર્મ ભક્તિએ મન ધાર્યું, થાય છે વિઘ્ન અપાર । માટે છુપૈયા મુકી ચાલો, અવધપુર મોઝાર ।।૧।।

સાધન સર્વે લીધાં સાથ, પોતે થયાં તૈયાર । છુપૈયાપુરથી ચાલીયાં, લીધા સાથે બેઉ કુમાર ।।૨।।

વચ્ચે મખોડા ઘાટ થઇ, આવ્યાં સર્જુને તીર । વાણે બેસી ઉતરવું છે, સર્જુગંગાનું નીર ।।૩।।

નાવિકને દર્શન દિધાં, સુખકારી ઘનશ્યામ । કૃષ્ણસ્વરૂપે ચતુર્ભુજ, કેશવ પૂરણકામ ।।૪।।

ખેવટીયાને નિશ્ચે થયો, જે આતો પ્રભુ છે આપ । સેવા કરું હવે સ્નેહથી, તો ટાળે ત્રિવિધી તાપ ।।૫।।

ચોપાઇ- બોલ્યો નાવિક નમ્ર વચનરે, સુણો ભક્તિ ધર્માદિ પાવનરે । તમારા પુત્રે દર્શન દીધાંરે, બાળી કલ્મષ કલ્યાણ કીધાંરે ।।૬।।

તમ પાસે લેવું નથી દામરે, મારે કરવું તમારું કામરે । તમને ઉતારું ગંગા પારરે, ત્યાં સુધી મુને આપો કુમારરે ।।૭।।

મુને રમાડવા થઇ પ્રીતરે, ચોરી લીધું જાણે મારું ચિત્તરે । મહા દુઃખરુપી આ સંસારરે, મુને પમાડશે પ્રભુ પારરે ।।૮।।

આપ્યા ખેવટીયાને કુમારરે, પછે ઉતર્યા ગંગાની પારરે । થોડી વારમાં હરખે ભર્યાંરે, રામઘાટે જઇને ઉતર્યાંરે ।।૯।।

કર્યો ખેવટીયે નમસ્કારરે, પછે ચાલ્યા ત્યાંથી નિરધારરે । ચારે જણાનો સુંદર વેષરે, કર્યા અવધપુર પ્રવેશરે ।।૧૦।।

અયોધ્યાની છે શોભા અપારરે, જોતા જાયછે પુર બજારરે । શાખા નગર બ્રહટા નામેરે, કર્યા મુકામ આવી તે ઠામેરે ।।૧૧।।

એમ ઠરી રયાં નિજસ્થાનરે, સુખેથી ભજેછે ભગવાનરે । એક દિવસ ધારીને મનરે, ગયાં મંદિરે કરવા દર્શનરે ।।૧૨।।

હનુમાનગઢી જન્મસ્થાનરે, કર્યાં દર્શન ધરીને ધ્યાનરે । બીજાં મંદિરે દર્શન કીધાંરે, ભકિતમારગનાં સુખ લીધાંરે ।।૧૩।।

ત્યાંથી આવ્યાં પોતાને ઘેરરે, નિજ ધર્મ પાળે રૂડી પેરરે । પછે જમ્યાની થઇ તૈયારીરે, બોલ્યા હરિપ્રસાદ વિચારીરે ।।૧૪।।

સુણો રામપ્રતાપજી સુધરે, ભાઇ લેઇ આવો તમે દૂધરે । પિતાનું વચન સુણી તે વારરે, તર્ત ગયા પોતે દુધ લેવારે ।।૧૫।।

ધનીરામ આપો મને દુધરે, હમણાં પૈસા આપીશું સુધરે । તે કહે ઉધારે દેતો નથીરે, પેલા પૈસા લાવો ઘરમાંથીરે ।।૧૬।।

એવું સુણીને પાંડે જોખનરે, પૈસા લેવા આવે છે ભુવનરે । જાણી અંતરજામીયે પેરરે, મોટાભાઇ પાછા આવે છે ઘેરરે ।।૧૭।।

બી રૂપ ધર્યું અવિનાશરે, આવ્યા આહિર પાસ ઉલ્લાસરે । પૈસા આપીને ત્યાં દુધ લીધુંરે, પાછું પ્રયાણ ઘેરજ કીધુંરે ।।૧૮।।

અનંતને મળ્યા મન ધીરરે, સાથે ઘેર આવ્યા બેઉ વીરરે । ઘનશ્યામને આવતા જોઇરે, બોલ્યાં પ્રેમવતી મન મોઇરે ।।૧૯।।

સુણો રામપ્રતાપજી સારરે, તમો સંગે છે કોનો કુમારરે । શ્રીહરિતો ઘરમાં જમે છેરે, તમ સાથે આ કોણ ભમે છે રે ।।૨૦।।

મોટાભાઇ કહે સુણો માતારે, ભાઇ તો મારી સાથે આવ્યાતારે । અમે આવ્યા છૈયે બેઉ સાથરે, ક્યાંથી ઘરવિષે હોય નાથરે ।।૨૧।।

જુવે રસોડામાં બલરામરે, બેઠાબેઠા જમે ઘનશ્યામરે । બીજું રૂપ કર્યું અદર્શરે, નથી માયા તણો કાંઇ સ્પર્શરે ।।૨૨।।

પછી જમવા બેઠા સંગાથરે, લીધી રોટલી માતાએ હાથરે । આવ્યો ઓચિંતો મર્કટ એકરે, તેણે ઝડપી લીધી વિશેકરે ।।૨૩।।

જઇ બેઠો તે આંબલી વૃક્ષરે, શ્રીહરિએ જોયું છે પ્રત્યક્ષરે । નાથે નજર તે મીઠી બાંધીરે, થઇ મર્કટને તો સમાધિરે ।।૨૪।।

રહી રોટલી કર મોઝારરે, દિન વિતી ગયા ત્રણ ચારરે । પછે મહારાજે દયા કીધીરે, તેની સમાધિ ઉતારી દીધીરે ।।૨૫।।

આવ્યો મર્કટ પ્રભુની પાસરે, કર જોડી નમ્યો કરી હાસરે । જોયું નજરે તે સર્વે જનેરે, ગયો મર્કટ નિર્મળ મનેરે ।।૨૬।।

એવું જોયું ચરિત્ર વિલાસીરે, પામ્યાં આશ્ચર્ય અયોધ્યાવાસીરે । માતાપિતાને આનંદ આપેરે, શરણાગતનાં કષ્ટ કાપેરે ।।૨૭।।

વળી ત્યાર પછી એકવારરે, બી ચરિત્ર કર્યું કીરતારરે। લેઈ ભાંણામાં પુરી ને દહિંરે, જમવા બેઠા ઓશરીમાંહિરે ।।૨૮।।

એક મર્કટ આવ્યો ૧અડપીરે, લીધી કરથી પુરી ઝડપીરે । જઇ બેઠો છે આંબલી ડાળેરે, તેને શ્રીઘનશ્યામજી ભાળેરે ।।૨૯।।

થોડી દયા આવી મનમાંયરે, હાથ વધાર્યો હરિએ ત્યાંયરે । કરવડે ઝાલ્યું ગરદનરે, કર્યો પૃથ્વી ઉપર મર્દનરે ।।૩૦।।

એવે મર્કટે ચીચીયા પાડયારે, બીજા મર્કટ આવીયા દોડયારે । ઘનશ્યામને મારવા મારરે, ભેગા થઇ કરે કીલકાર રે ।।૩૧।।

ગુણવંતને ઘેરોજ દીધોરે, વિઠલે મન વિચાર કીધોરે । આવ્યાં છે ત્યાં મર્કટ જેટલાંરે, ધર્યાં રૂપ પ્રભુએ તેટલાંરે ।।૩૨।।

હરિપ્રસાદ મન વિચારેરે, રખે માંકડાં સુતને મારેરે । કર લાકડી લીધી છે ત્યાંયેરે, આવે પ્રભુ બીરાજ્યા છે જ્યાંયેરે ।।૩૩।।

હરિએ ધર્યાં રુપ અનેકરે, નસાડયાં માંકડાં તે વિશેકરે । છીન ભીન કરીને ભગાવ્યાંરે, કૈકનાં ચરણ ઝાલીને ફગાવ્યાંરે ।।૩૪।।

પિતાજી પાસે આવીને પુછેરે, મારા લાડીલા કુંવર શું છેરે । તમે મર્કટ નસાવી દીધાંરે, ઘણાં રુપેથી દર્શન દીધાંરે ।।૩૫।।

એનું કારણ શું છે તે હરિરે, મુને વાત કરો સત્ય ખરીરે । જેણે ખાધી પ્રસાદી તમારીરે, તેને શું ફળ મળશે મુરારીરે ।।૩૬।।

હરિ કહે ૧નરેશ તે થશેરે, વળી મોક્ષ ગતિને પામશેરે । બીજાં મર્કટ થાશે ત્યાં દાસરે, સેવા કરશે રહીને પાસરે ।।૩૭।।

ગતિ ગોવિંદજીની ગૂઢરે, તે તો સમજી ન શકે મૂઢરે । પછે પોતાની ઇચ્છાએ કરીરે, આવ્યાં ત્યાં બીજાં મર્કટ ફરીરે ।।૩૮।।

અનુક્રમે કર્યાં છે દર્શનરે, બેઠા સન્મુખ વાળી આસનરે । એવે સમે છુપૈયાથી આવ્યારે, મોતીરામજી સંદેશો લાવ્યારે ।।૩૯।।

દુંદત્રવાડી માંદા થયા છે રે, તમારી વાટ જોઇ રહ્યાછેરે । માટે ચાલોજ છુપૈયાપુરરે, કરો ૨તાકીદ થાશે અસુરરે ।।૪૦।।

ધર્મભક્તિને શ્રીબલરામરે, મોતી વશરામ ઘનશ્યામરે । આવ્યા છુપૈયાપુર છે જ્યાંયરે, દુંદત્રવાડી ઇચ્છે છે ત્યાંયરે ।।૪૧।।

સર્વે સગાં પરીવાર આવ્યાંરે, પુછયું કુશળ પ્રેમે વધાવ્યાંરે । દુંદ ત્રવાડી પાસે તે ગયારે, ઘનશ્યામજી ત્યાં ઉભા રહ્યારે ।।૪૨।।

પોતે બતાવ્યું છે સર્વ જ્ઞાનરે, છોડાવ્યું દેહ ગેહનું ભાનરે । તજાવ્યો માયાતણો સંસર્ગરે, આપ્યો શ્રીહરિએ ૩અપવર્ગરે ।।૪૩।।

પોતાનું જે છે અક્ષરધામરે, તેમાં પોંચાડયા સુંદરશ્યામરે । કરવા નિજ પિતાનું શ્રાદ્ધરે, ગયા મોતીરામ નિરબાધરે ।।૪૪।।

નારાયણસરપર આવ્યારે, કર્યું શ્રાદ્ધને શોક સમાવ્યારે । એવે સમે શ્રીઘનશ્યામરે, ગયા સખા લઇને તે ઠામરે ।।૪૫।।

દીધાં દર્શન મામાને ત્યાંયરે, આશ્ચર્ય પમાડયા જલમાંયરે । મામા સ્થિર થયા તેહવારરે, પોતે નિકળ્યા જળથી બારરે ।।૪૬।।

ઘનશ્યામને કર્યા પ્રણામરે, કર જોડીને પામ્યા વિરામરે । કેમ પ્રણામ કરો છે મામારે, તમે ઉભા રહી મુજ સામારે ।।૪૭।।

તારે ગદ ગદ કંઠે થયારે, મામો કર જોડી ઉભા રહ્યારે । બોલ્યા મુખે મધુર વચનરે, ભાઇ તમેતો છો ભગવનરે ।।૪૮।।

આજતો સંદેહ સર્વ ગયોરે, મારા મનમાં નિશ્ચય થયોરે । પુરુષોત્તમ છો તમે આપરે, અક્ષરાધિપતિ છો અમાપરે ।।૪૯।।

એવું કહીને આવ્યા સહુ ઘેરરે, પછી બીજી કહું એક પેરરે । તેને સુણો થઇ સાવધાનરે, હવે શું કરેછે ભગવાનરે ।।૫૦।।

સર્વે સખા લેઇ તેહ વારરે, રમવા જાવા કર્યો વિચારરે । સખાએ અંગે પેર્યાં અપારરે, રૂડાં વસ્ત્ર અને અલંકારરે ।।૫૧।।

નથી વસ્ત્ર પેર્યાં હરિએ જ્યારેરે, માતા તે જોઇને બોલ્યાં ત્યારેરે । આવો સુંદર વસ્ત્ર પેરાવુંરે, રૂડાં ભૂષણ આજ ધરાવુંરે ।।૫૨।।

હરિ કહે મેં પેર્યાં અપારરે, વસ્ત્ર ઘરેણાં નાના પ્રકારરે । એમ કહી બતાવ્યું અનુપરે, પોતાનું મૂળ દિવ્ય સ્વરૂપરે ।।૫૩।।

જોઇ આશ્ચર્ય પામ્યાં છે માતારે, ધન્ય ધન્ય તમે સુખદાતારે । માતાએ મોકલ્યા છે રમવારે, ભાઇ વેલા આવજ્યો જમવારે ।।૫૪।।

સર્વે સખા લઇને સંગાથરે, નારાયણસરે ગયા નાથરે । રમતમાં નિશા પડી જોયરે, તોય ઘેર નથી આવ્યા કોયરે ।।૫૫।।

ભક્તિમાતા થયાં ચિંતાતુરરે, ગયાં તેડવા થઇ આતુરરે । કરે ઉંચે નાદે તે પોકારરે, ઘેર ચાલો ચાલોને કુમારરે ।।૫૬।।

હવે ક્યાં સુધી રેશો રમવારે, ક્યારે આવશો ઘેર જમવારે । એવું સુણીને ઘેર પધાર્યારે, સર્વેના મનોરથ સુધાર્યારે ।।૫૭।।

પ્રેમવતીએ પ્રેમે રમાડયારે, ભાત્ય ભાત્યના થાળ જમાડયારે । હરખી નિરખી વારણાં લહેછેરે, રાજી રાજી સદાયે રહે છેરે ।।૫૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ નારાયણસરોવરે મામાને અલૌકિક રુપે દર્શન દીધું એ નામે વીશમો તરંગઃ ।। ૨૦ ।।