તરંગ - ૧૯ - શ્રીહરિએ વશરામમામાને અક્ષરમુક્ત સહિત પોતાનું દર્શન દીધું

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 11:04pm

 

પૂર્વછાયો- શ્રીઘનશ્યામ સંભારીને, ગાઉંછું બાલચરિત્ર । સારી મતિ દેજ્યો મુજને, થાઉં તે પુન્ય પવિત્ર ।।૧।।

એક સમે છુપૈયા વિષે, દુંદત્રવાડીને ઘેર । ગોર આવ્યો છે ગયાજીનો, ગયાદત્ત રુડીપેર ।।૨।।

તેણે દીઠા ઘનશ્યામને, ઉઠીને આવ્યા તે પાસ । ઓશરીમાં બેઠા જમે છે, દહિભાત અવિનાશ ।।૩।।

નિર્ખે છે તે એક નજરે, જોઇ રહ્યો ઘણીવાર । શ્રીહરિની ઇચ્છા થકી, થયું કામ એનું તે ઠાર ।।૪।।

કામાદિ એના અંગમાંથી, શત્રુ નિકળ્યા બહાર । મૂર્તિમાન આવીને ઉભા, પગે લાગે છે તેવાર ।।૫।।

ચોપાઇ- અંતરશત્રુ ઉભા સન્મુખ, ગોર શાંતિ પામ્યા થયું સુખ । પુરોહિત બન્યા ગુણવાન, થયા છે જાણે સમાધિવાન ।।૬।।

એટલામાં તો આવ્યા ત્યાં ધર્મ, વદે ગોરને વચન પર્મ । રસોઇ પડી મુકીને આજ, તમે શું જુવો છો મહારાજ ।।૭।।

ગોર બોલ્યા છે જોડીને હાથ, સુણો હરિપ્રસાદ સનાથ । મોટાં મોટાં કર્યાં મેં તો તીર્થ, પણ એથી સર્યો નહિ અર્થ ।।૮।।

મારૂં શાંતિ પામ્યું નહિ ચિત્ત, આજતો સુખ પામ્યો અમિત । તમારા પુત્રનું જોયું મુખ, મટયું અંતરશત્રુનું દુઃખ ।।૯।।

જોગી જતી જંગમ સન્યાસી, ઘણા જોયા મેં યોગઅભ્યાસી । કર્યા સંગસમાગમ વેશ, નવ શાંતિ થઇ લવલેશ ।।૧૦।।

તમારા પુત્રની જોઇ કાંતિ, અહિં આવીને પામ્યો હું શાંતિ । ઘણું તપ કર્યું ધરી ધીર, પણ નોતું થયું મન સ્થિર ।।૧૧।।

એમ કેતાં કેતાં કામ સિધાં, અલૌકિક ત્યાં દર્શન દિધાં । શંખ ચક્ર ગદા પદ્મધારી, એવે રુપે જોયા શ્રીમુરારી ।।૧૨।।

અલૌકિક પ્રતાપ બતાવ્યો, ગયાદત્તને નિશ્ચે કરાવ્યો । જોઇ પ્રારથના કરે ગોર, અહો હો થયું આશ્ચર્ય જોર ।।૧૩।।

શ્રીહરિચરણે ધર્યું શીષ, કરી સ્તુતિને આપે આશિષ । જય જગકર્તા જગવાસી, જય અક્ષરપર અવિનાશી।।૧૪।।

તમે વિશ્વપતિ છો વિધાતા, શરણાગતવત્સલ સુખદાતા । વાલીડા બ્રહ્મમોલનાવાસી, જય અક્ષરપર અવિનાશી ।।૧૫।।

મહા અખંડ જ્ઞાન અમોઘ, પ્રભુજી તમે આનંદ ઓઘ । માયાતીત માયાથી ઉદાસી, જય અક્ષરપર અવિનાશી ।।૧૬।।

જય અનંત આશ્ચર્યકારી, જય અવતારના અવતારી । દેવના દેવ ઇશ વિલાશી, જય અક્ષરપર અવિનાશી ।।૧૭।।

અનંતકોટી બ્રહ્માંડાધીશ, અક્ષરાધિપતિ જગદીશ । ચિત્રવિચિત્ર જક્ત વિકાસી, જય અક્ષરપર અવિનાશી ।।૧૮।।

કરી પ્રારથના થોડીવાર, પછે ઐશ્વર્ય સમાવ્યું સાર । ગયાદત્તની પાસે નૌતમ, હતું ચંદન કાષ્ટ ઉત્તમ ।।૧૯।।

ઉષ્ણ તેલ ગમે તેવું હોય, નાખે ઘસીને છાંટો જો કોય । તરત બને છે શીતલતાય, ફરીને પાછું ગરમ નથાય ।।૨૦।।

એવું લાવ્યો તો કાષ્ટ અમૂલ, આપ્યું ધર્મને લીધું ન મૂલ । કહે આ વડે કરો પૂજન, તવ પુત્ર વિષે દઇ મન ।।૨૧।।

હવે ત્યાર પછી એક વાર, ધર્મ બેઠા છે પોતાને દ્વાર । વિચારે છે તે સમય મન, વારે વારે બને છે વિઘન ।।૨૨।।

માટે પદ્મપુરાણની કથા, વાંચુ ઘેર બેસીને સર્વથા । વળી કરાવું હું અનુષ્ઠાન, સ્વસ્તિવાચન આદિક ધ્યાન ।।૨૩।।

એમ ધારીને કર્યો આરંભ, રોપ્યો ચોતરા ઉપર સ્તંભ । સગાં કુટુંબી સઘળાં જન, સુણે કથા તે પુણ્યપાવન ।।૨૪।।

ત્યારે શ્રીહરિ થયા તૈયાર, પેર્યા વસ્ત્ર અને અલંકાર । આવી બેઠા છે કથામાં આપ, ટાળવા સર્વેના ત્રણ તાપ ।।૨૫।।

એવી ચાલે છે રૂડી કથાય, આવ્યો એકાદશી મહિમાય । અશ્વમેઘથી સોળઘણું ફળે, કરે એકાદશી તેને મળે ।।૨૬।।

એકાદશી મહિમા અપાર, વશરામે તે કર્યો વિચાર । હું કરતો નથી કોયદિન,મારી મતિ ઘણીછે મલિન ।।૨૭।।

હવે હમેંશાં વ્રત આદરું, કોડે કોડે એકાદશી કરૂં । એવો મનમાં કર્યો વિચાર, જાણ્યો અંતરજામીયે સાર ।।૨૮।।

ઘનશ્યામજી કહે છે મામા, સુણો તમે આવી મુજસામા । તમે નિમ જે લીધો મનથી, ધારી જો કરો હવે તનથી ।।૨૯।।

અહિં પામશો સુખનો વર્ગ, પરલોકે પામો ૧અપવર્ગ । એમ કહિ બતાવ્યું રૂપ, અક્ષરધામ તણું અનુપ ।।૩૦।।

અનંતકોટી મુક્ત સહિત, દેખાડયું ધામ માયારહિત । થોડીવાર જણાવ્યો પ્રતાપ, મુકી માયા પ્રભુજીયે આપ ।।૩૧।।

સર્વ કથા સુણે છે તે સ્પષ્ટ, ઓચિંતાનું આવી પડયું કષ્ટ । એક અસુર મોટો ત્યાં આવ્યો, બીજા કેટલા પાપીને ત્યાં લાવ્યો ।।૩૨।।

કરી આસુરી માયા અપાર, અકસ્માત કર્યો અંધકાર । થવા માંડયો છે ઉલકાપાત, જાણે કરશે જનની ઘાત ।।૩૩।।

દેવતાઓને ત્રાસ પમાડયા, નિજસ્થાનકમાંથી નસાડયા । વસુધા થઇ કંપાયમાન, જાણે આવ્યું ખરું અવસાન ।।૩૪।।

ચડયો આકાશમાં ચકચુર, થયો અનેકરૂપે તે ભુર । દેખાડયું ભયંકર આચર્ણ, કર્યો ૨સવિતા ધુંધલ વર્ણ ।।૩૫।।

ઘણો ઘણો ઉડાવે છે ગર્દ, થયા કાયર કાયર મર્દ । શરવૃષ્ટિ કરે સુસવાટ, થાય વિદ્યુતના ચળકાટ ।।૩૬।।

શૈલ વર્ષાવે છે ફેરી ફેરી, છુપૈયાપુર લીધું છે ઘેરી । સર્વે સમરે છે ઘનશ્યામ, લેઇ લેઇ જુદાં જુદાં નામ ।।૩૭।।

હે સખા બંધુ દિનદયાળ, હવે રાખો અમારી સંભાળ । હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, કરો રક્ષા અમારી આ ઠામ ।।૩૮।।

પાપી ચંડાળને મારો મારો, આપ આવી અમને ઉગારો । એવું સુણીને ધર્મકુમારે, સંભાર્યું ચક્રને તેહવારે ।।૩૯।।

આવી પોચ્યું છે સુદર્શન, કરી નાખ્યું પાપીનું છેદન । એની જોડે હતા બીજા દૈત, નાઠા ત્રાસીને પ્રાણ સહિત ।।૪૦।।

આસુરી માયા રહિ ન કોઇ, રાજી રાજી થયાં જન જોઇ । આવ્યા અમર સહુ આકાશે, કરે દુંદુભીનાદ વિલાસે ।।૪૧।।

ગાય ગાંધર્વ રંભાદિ નાચે, ૩પુરુહૂત જોઇ જોઇ રાચે । થાય પુષ્પની વૃષ્ટિ અપાર, કરે દેવ જયજયકાર ।।૪૨।।

એમ ઉગાર્યા પોતાના ભક્ત, વળી સુખી થયું બધું જક્ત । આવા શ્રીહરિના ઉપકાર, ભુલે તેને છે ધિક ધિક્કાર ।।૪૩।।

વળી ત્યાર પછી એકદિન, કરી હરિેયે લીલા નવીન । જન્મસ્થાનને કુવે હુલાસ,ઉભાં પ્રેમવતી સુત પાસ ।।૪૪।।

ભક્તિમાતાનાં ભોજાઇ આવ્યાં, જગવંતા જાંબુફળ લાવ્યાં । બીજાં નારંગીનાં ફળ સાથ, આપ્યાં ભક્તિમાતાજીને હાથ ।।૪૫।।

ઉભાં ઉભાં જમે છે તે માતા, સામું જોઇ રહ્યા સુખદાતા । શ્રીહરિ લાંબો કરીને હાથ, ફળ માગે ત્રિભુવન નાથ ।।૪૬।।

કર ખીંચે છે માતાનો ગ્રહિ, મુકાવે પણ તે મુકે નહિ । એક નજરે જુવે છે પ્યારા, મુખે બોલાવે છે બચકારા ।।૪૭।।

તોયે માતાજી આપતાં નથી, તેનું કારણ હું કહું કથી । ઘનશ્યામ જો આફળ ખાશે, તરત પુત્રને માંદગી થાશે ।।૪૮।।

એમ ધારી આપ્યાં નહિ ફળ, બહુનામી બતાવે છે બળ । કર વધારી ઝડપી લીધું, ફળ પૃથ્વી ઉપર પાડી દીધું ।।૪૯।।

માતાએ કરી મનમાં રીશ, કર મુકાવી દીધો તે દીશ । તે કુવાનો જેહ પરથાર, પડયા તે ઉપર ભવતાર ।।૫૦।।

ખમા ખમા કરી તેડી લીધા, કર્યું ચુંબન શીતળ કીધા । કરી માનુષી લીલા રુવે છે, પગ પછાડી સામું જુવે છે ।।૫૧।।

તમે છાના રહો ઘનશ્યામ, જનુની કહે લ્યોને આ જામ । પછે રાજી થયા પરમેશ, નથી રીશ કાંઇ લવલેશ ।।૫૨।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ વશરામમામાને અક્ષરમુક્ત સહિત પોતાનું દર્શન દીધું એનામે ઓગણીસમો તરંગઃ ।। ૧૯ ।।