તરંગ - ૨૩ - શ્રીહરિએ છુપૈયાપુરમાં ભાઇને વિશ્વરૂપ દેખાડયું

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:51am

 

રાગ સામેરી- ખેતરમાંથી ઘેર આવ્યા, મુકામ છે તરગામ । પ્રેમવતી પ્રત્યે કહે છે, પોતે પૂરણકામ ।।૧।।

અમે તો બ્રહ્મચારી થૈશું, તજીશું ઘરબાર । દિલગિરીથી કહે છે દીદી, એ શું બોલો છો કુમાર ।।૨।।

બ્રહ્મચારી કેમ થાવું છે, શું પડયું તમને દુઃખ । જીવનપ્રાણ હું જીવું છું, તે જોઇ તમારૂં મુખ ।।૩।।

એમ કહીને પૂર્ણ પ્રેમે, ફેરવે મસ્તકે હાથ । રસોઇ તૈયાર થઇ છે, તે ચાલો જમીએ સાથ ।।૪।।

હરિ કહે છે સુણો માતા, મુને જમવું નથી આજ । ભાઇ મને મારવા આવ્યા, ખેતરમાં શા કાજ ।।૫।।

તે અમે ઘેર આવ્યા નાશી, લાગી મનમાં બીક । એવી વાત કરે છે ત્યાં તો, આવ્યા ભાઇ નજીક ।।૬।।

માતા ખીજ્યાં મોટાભાઇને, ગયાતા મારવા કેમ । એવું સુણી સંકોચ પામ્યા, થયા દિલગીર એમ ।।૭।।

માતા નોતી ખબર્ય મુને, માટે ઉપાડી ધોલ । ઘનશ્યામ પરબ્રહ્મ છે, તેનો હવે થયો તોલ ।।૮।।

ભૂલ થઇ માતા મારી, અપરાધ કરજ્યો માફ । એમ કૈ ગયા ખેતરમાં, રામપ્રતાપજી આપ ।।૯।।

તાર પછે બીજે દિવસે, રીસાણા મહારાજ । સવારે ગયા છાનામાના, કર્યું છે એવું કાજ ।।૧૦।।

વાલમ ત્યાં થકી વિચર્યા, ગયા તીનવા ગામ । ભૂતીયા કુવામાં જઇને, છાના રહ્યા તેહ ઠામ ।।૧૧।।

ઘરે તો હવે શું થયું છે, કરે છે સર્વે તપાસ । માતપિતા થયાં ઉદાસી, વણ દીઠે અવિનાશ ।।૧૨।।

આકુળ વ્યાકુળ થઇને, પુછે તે ઠામો ઠામ । સગાં સુહૃદ સર્વે મળી, જોયું સઘળું ગામ ।।૧૩।।

મોટા ભાઇને ચિંતા લાગી, ગયા મામાને ઘેર । હે મામા હવે હું શું કરૂં, ઘનશ્યામની શી પેર ।।૧૪।।

માતપિતા મુને વઢે છે, જાણીને મારો દોષ । મામાએ ત્યાં ધીરજ આપી, ન કરશો અપશોષ ।।૧૫।।

એવું સુણીને ચાલ્યા ત્યાંથી, જ્યેષ્ટીકા પકડી હાથ । ભમેચા ગામે માધવને, આવી પુછયું અહિનાથ ।।૧૬।।

ત્યાં કાંઇ સુદ્ધ પામ્યા નહિ, આવ્યા છુપૈયામાંયે । સગાં સ્નેહી સર્વેને પુછયું, વશરામજીને ત્યાંયે ।।૧૭।।

મામાએ કહ્યું નથી આવ્યા, છુપૈયામાં ઘનશ્યામ । ચાલો હવે શોધ કરીએ, ગયા હશે કોણ ગામ ।।૧૮।।

એવું કહીને ચાલ્યા ત્યાંથી, વશરામને જોખન । નારાયણસર ઉપર, જોયું છે સઘળું વન ।।૧૯।।

નટવરને દેખ્યા નહિ, આવ્યા છે પીરોજપુર । ત્યાંય નથી ઘનશ્યામજી, થયા અધિર આતુર ।।૨૦।।

નિરાશ થૈને આવિયા, બે જણ તીનવા ગામ । પ્રથિતપાંડેને પુછીયું, વાત કરી છે તમામ ।।૨૧।।

તેણે કહ્યું ભાઇ હાલમાં, આવ્યા નથી ઘનશ્યામ । એવામાં જલભરી આવી, અમરબાઇછે નામ ।।૨૨।।

તેણે કહ્યું ઘનશ્યામ તો, બેઠા છે કુવામાંયે । ભૂતીયે કુવે બખોલમાં, છાના રહ્યા છે ત્યાંયે ।।૨૩।।

તે સુણી તરત ત્યાં ગયા, કુવા ઉપર નિરધાર । કુપ આદિ સર્વ જગ્યામાં, જોઇ વળ્યા તે વાર ।।૨૪।।

કુવા મધ્યે છે ખરા પણ, દીધાં નહીં દર્શન । બળદેવે હિમત મુકી, ગભરાણા ઘણું મન ।।૨૫।।

ઉદાસથી પોકાર કર્યો, છેક થયા છે નિરાશ । હે ભ્રાત હે બંધુ હવે તો, દર્શન દ્યો અવિનાશ ।।૨૬।।

તમવિના માતપિતાને, જમ્યાં થયા ત્રણ દિન । મુખ તમારું જોશે ત્યારે, કરશે જલપ્રાશન ।।૨૭।।

સજળ લોચન વડેથી, બોલ્યા થઇ નિરમાન । કર વધાર્યા કુપમાંથી, દયાળુ શ્રીભગવાન ।।૨૮।।

હાથ ઝાલીને બારય કાઢયા, જોખનભાઇએ ત્યાંય । વિસ્મય પામ્યાં જન સર્વે, લીલા જોઇ મનમાંય ।।૨૯।।

મોટાભાઇ આનંદ પામ્યા, મળ્યા વળી હેત દેઇ । ત્યાંથકી તરગામે આવ્યા, ઘનશ્યામજીને લેઇ ।।૩૦।।

માતપિતાને મળ્યા પ્રેમે, કર્યાં દીલ પ્રસન્ન । માતાજીએ રસોઇ કરી, જમ્યાં સર્વે ભોજન ।।૩૧।।

આનંદમાં દિન જાયછે, વર્તે નિર્મળ મન । ત્યાર પછે થોડા દન કેડે, વિચાર કર્યો પાવન ।।૩૨।।

ચાલો છુપૈયાપુર જૈયે, સર્વે નિજભોવન । એવું ધારીને આવ્યા સર્વે, જન્મસ્થાન સદન ।।૩૩।।

છુપૈયા કેરાં જન સર્વે, આવ્યાં ધર્મને દ્વાર । કુશલ પુછી બેઠાં સર્વે, વર્ત્યો જયજયકાર ।।૩૪।।

ઘણા દિવસ વિતી ગયા, છુપૈયાપુર મોઝાર । સુખકારી ઘનશ્યામજી, કરે ચરિત્ર અપાર ।।૩૫।।

એકસમે બે ભાઇ જમી, બેઠા ચોતરો જ્યાંયે । વેણી માધવ પ્રયાગ આદ્યે, પાનબીડાં જમે ત્યાંયે ।।૩૬।।

સર્વે સખા ભેગા રમેછે, પ્રભુ જમે મુખપાન । તે વેણીના ઉપર થુંક્યા, ભયહારી ભગવાન ।।૩૭।।

દેખીને મોટાભૈયે મારી, શ્રીહરિને લપડાક । આંખ્ય ચડાવી પ્રભુ બોલ્યા, કર્યું ચરિત્ર અથાક ।।૩૮।।

ભાઇ તમોને મોટા જાણી, રાખું છું તમારો માપ । પણતમે ભુલી જાઓ છો, પ્રૌઢ અમારો પ્રતાપ ।।૩૯।।

એમ કહીને રૂપ દેખાડયું, વિશ્વનું આધાર જેહ । કોટી કર ને કોટી ચર્ણ, અવયવ સાથે તેહ ।।૪૦।।

તે દેખી ભાઇ ત્રાસ પામ્યા, થર થર કંપે કાય । હે દાદા આંહિ વેલા આવો, હવે રહ્યું નવ જાય ।।૪૧।।

એવું સુણીને ધર્મ ઉઠયા, આવ્યા ત્યાં તતકાળ । સમાવી લીધું રૂપ પોતે, હતા એવા થયા બાળ ।।૪૨।।

મોટાભાઇએ કરી સર્વે, પિતાજીને વાત । આશ્ચર્ય પામ્યા મન સર્વે, આ તે શું છે સાક્ષાત ।।૪૩।।

ઇતિ શ્રી મદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ છુપૈયાપુરમાં ભાઇને વિશ્વરૂપ દેખાડયું એ નામે ત્રેવીસમો તરંગઃ ।। ૨૩ ।।