તરંગ - ૨૨ - છુપૈયાપુરથી ધર્મભક્તિ કુટુંબ સહિત તીનવા ગામમાં રહેવા ગયાં ને ત્યાં શ્રીહરિએ તે કૂવામાંથી ભૂતનો ઉદ્ધાર કર્યો
પૂર્વછાયો- એક સમે છુપૈયા વિષે, ચાલી રહી છે વાત । સૈન્ય સાથે નવાબ આવ્યો, બહુ કરશે ઉત્પાત ।।૧।।
ધર્મ ભક્તિએ વિચાર્યું છે, આપણે કરવું કેમ । બે સુતને લૈ ચાલો જૈયે, ઉપાધિ ન થાય જેમ ।।૨।।
એમ ધારી છુપૈયા તજી, ગયાં તીનવા ગામ । પ્રથિત પાંડે બ્રાહ્મણ છે, તેને ઘેર રાખ્યો મુકામ ।।૩।।
તે પાંડેજીની પ્રિયાનું, બચનાબાઇ છે નામ । ભક્તિમાતાને ભાવ વડે, કહે છે રૂડું કામ ।।૪।।
ઓલ્યા કુવે પાણી ભરવા, દિવસે જાજ્યો નીત । વેળા કવેળા જાશો નહિ, વચન ધરજ્યો ચિત ।।૫।।
ચોપાઇ- એ કુવામાં ઘણાંક છે ભૂત, જેને તેને નડેછે કપૂત । છોટી બાએ કહ્યું બહુ સારૂં, તમે ભલુંજ ઇચ્છયું અમારું ।।૬।।
પ્રભુ ઇચ્છાયે ભુલ્યાં તે વાત, ગયાં જળ ભરવા ત્યાં માત । સંધ્યાકાળ તે થયો છે જ્યારે, ઘડો બાંધીને ફાંસ્યો છે ત્યારે ।।૭।।
કુંભ જળમાં ડૂબાવે ખાલી, ઝટ ભૂતડે લીધો છે ઝાલી । માતાને યાદ આવ્યું મનમાં, તેવો ત્રાસ પડયો છે તનમાં ।।૮।।
ઘડો દોરડું બેઉ મુકી દીધાં, ઘેર સામા પ્રયાણજ કીધાં । આવ્યાં ઉતાવળાં થકાં ઘેર, જાણી અંતરજામીએ પેર ।।૯।।
માતાને પુછે શ્રીમહારાજ, ઘડો દોરડું ક્યાં ગયાં આજ । ભક્તિમાતાએ કારણ કીધું, કુવામાં ભૂતડે તાણી લીધું ।।૧૦।।
કરી ઇચ્છા જે ધર્મકીશોર, ભૂતયોનિ મટાડું તે ઠોર । કુવામાં જઇ રૂપ દેખાડું, આજ મોક્ષગતિને પમાડું ।।૧૧।।
બીજે દિવસ શ્રીઘનશ્યામ, તે કુવે ગયા છે અભિરામ । માંઇ પડવા થયા તૈયાર, ગામ લોક આવ્યાં તેહ ઠાર ।।૧૨।।
તમે પડશો માં ધર્મસુત, કુવામાં તો રેછે ઘણાં ભૂત । કહ્યું માન્યું નહિ તેહ કાળ, પડયા કુવામાં દિનદયાળ ।।૧૩।।
ઝબકીને ત્યાં ભૂતડાં જાગ્યાં, પ્રભુના તેજે બળવા લાગ્યાં । કરજોડી કહે શિરનામી, સુણો વિનતિ અંતરજામી ।।૧૪।।
ઘણા દિવસથી રહ્યાં છૈયે, કુવો મુકી હવેતો ક્યાં જૈયે । ત્યારે પુછેછે શ્રીઘનશ્યામ, તમે બધાં ક્યાંથી આણે ઠામ ।।૧૫।।
નીચયોની પામ્યાં છો શા માટે, લોકને પીડો છો કેવા ઘાટે । વળતી બોલે ૧વંતરવેલ, સુણી રહ્યા છે શ્રીઅલબેલ ।।૧૬।।
પૂર્વ હતા અમે ત્રૈણવર્ણ, બાવા બ્રાહ્મણ મુલ્લાં આચર્ણ । કોઇ આવી ચડયો બાદશાહ, કર્યો મુકામ અહીં અથાહ ।।૧૭।।
થોડા કારણથી થયો ક્રોધ, બોલાબોલીમાં વધ્યો વિરોધ । પછે તો થયું છે યુદ્ધાચર્ણ, પામ્યા લડાઇમાં અમે મર્ણ ।।૧૮।।
તેથી થૈ અમારી અધોગતિ, તેદિના અમો છૈયે દુષ્ટમતિ । હવે તો ગમે તે આજ્ઞા કરો, પણ અમારાં સંકટ હરો ।।૧૯।।
એમ ભૂતે સ્તુતિ બહુ કરી, પછે આજ્ઞા આપી છે શ્રીહરિ । તમે તો જાઓ બદ્રિકાશ્રમ, થાશે મોક્ષગતિ અનુક્રમ ।।૨૦।।
મૂર્તિમાન થકા તતકાળ, ગયા બદ્રીકાશ્રમ વિશાળ । કૃષ્ણ નીકળ્યા કુપથી બહાર, પ્રૌઢ પ્રતાપી ધર્મકુમાર ।।૨૧।।
તીનવાપુરના સહુ જન, પામ્યા આશ્ચર્ય આનંદ મન । એમ ભૂતનો કર્યો ઉદ્ધાર, હરિકૃષ્ણજી પરમ ઉદાર ।।૨૨।।
માતા-પિતા સંબંધી સહિત, ઘેર આવ્યા ત્યાં કરીને હિત । આવું પર્મ પવિત્ર આખ્યાન, જે કોઇ સાંભળે પુન્યવાન ।।૨૩।।
ભૂત પ્રેત પિશાચ ન નડે, ઘનશ્યામજીની કૃપા વડે । વિઘ્ન વિકટ વિપત વામે, અંતે અક્ષરધામ ને પામે ।।૨૪।।
માતપિતાજી પુન્ય પાવન, વળી વિચાર ફેરવ્યો મન । તીનવાથી ગયાં તરગામ, કર્યો ત્યાં જઇ સુખે મુકામ ।।૨૫।।
કરું ઉદ્યમ તો હવે ઠીક, રાખું ખેતર ગામ નજીક । સારી જમીન જોઇ ઠરાવી, ભાગ રાખીને ખેતી કરાવી ।।૨૬।।
ગામ થકી તે દીશા પશ્ચિમે, ત્રૈણ ખુણી ખેતર છે સીમે । ખેતીનો કર્યો આરંભ તેમાં, સારો મોલ પાકી શકે જેમાં ।।૨૭।।
મકઇ ચીભડાં તેમાં વાવ્યાં, બીજ ભેગાં બન્નેનાં નખાવ્યાં । ધર્મ દેવ તેને સુધારવા, ગયા મજુર લઇ ફરવા ।।૨૮।।
લાગી ખેતરમાં ઘણીવાર, ઘેર રસોઇ થૈ છે તૈયાર । પછી કેવા લાગ્યાં પ્રેમવતી, સુણો ઘનશ્યામ મહામતી ।।૨૯।।
તમે જમીને થયા તૈયાર, તમારા પિતાને લાગી વાર, માટે જાઓ ખેતરમાં આજ, તમે બેસી રેજ્યો એછે કાજ ।।૩૦।।
માતાનાં એવાં સુણી વચન, ગયા ખેતરમાં ભગવન । ધર્મદેવને કરી છે વાત, તમે જમવા પધારો તાત ।।૩૧।।
પોતે બેઠા મજુરની પાસ, વૃષદેવ ગયા છે આવાસ । મજુરની સાથે ઘનશ્યામ, કરાવે છે જુવો કેવું કામ ।।૩૨।।
મજુરતો નિંદે છે એ ઘાસ, મકૈ કાઢી નાખે અવિનાશ । ખડ રેવા દીધું સાનુકુળ, કાઢયું મકૈ ચીભડીનું મુળ ।।૩૩।।
એક મજુર રાખ્યો તેહ ઠામ, જેનું સુરજબલી છે નામ । એણે જાણ્યા નહી સુખકંદ, વળી તે જાતનો છે વાળંદ ।।૩૪।।
તરત દોડીને આવ્યા તે ઘેર, મોટા ભાઇને સુણાવી પેર । તરત ભાઇ ઉઠયા મનધારી, આવ્યા ખેતરમાં તે વિચારી ।।૩૫।।
કેમ ભાઇ તમે કરો આમ, ક્યાંથી કરવા શીખ્યા આ કામ । અહિપતિનું સુણી વચન, બોલ્યા બહુનામી બલવન ।।૩૬।।
અમે બગાડ કરતા નથી, મોટાભાઇ જુવો નજરેથી । ભાઇ કહે ઘરે જાઓ તમો, તમારૂં કામ કરીશું અમો ।।૩૭।।
તોય ઉઠયા નહિ અલબેલ, કરે ખેતરમાં એવો ખેલ । ભાઇને રીશ ચડી તે વારે, હાથ ઉપાડયો મારવા તારે ।।૩૮।।
પ્રભુ ચેતી ગયા ધર્યો ત્રાસ, પોતાનું રૂપ કર્યું પ્રકાશ । થયા કીશોર મૂરતિ જેવા, ઘનશ્યામ ચતુરભુજ એવા ।।૩૯।।
સંકર્ષણને દીધું દર્શન, તારે ધીરા પડયા છે જોખન । કરજોડી કરેછે સ્તવન, મુખથી બોલ્યા નમ્ર વચન ।।૪૦।।
ભાઇ તમે તો છોજી શ્રીકૃષ્ણ, મુને દીધાં અલૌકિક દ્રશ્ન । પ્રભુ હું છું સેવક તમારો, અપરાધ ક્ષમા કરો મારો ।।૪૧।।
તમારૂં તેજ કરે દહન, પાણી વિના સુકાય છે તન । બળભદ્રની વિનતિ જેહ, ધરી ધ્યાનમાં હરિયે તેહ ।।૪૨।।
પોતાનું તેજ સમાવી લીધું, જ્યેષ્ઠબાંધવનું કામ કીધું । કર વધાર્યો હરિએ મોટો, કુવામાંથી ભર્યો જળ લોટો ।।૪૩।।
એવી રીતથી પાયું ત્યાં પાણી, વડા બાંધવછે એમ જાણી । ત્યાંથી ઉઠયા પછી ઘનશ્યામ, ઘેર આવ્યા છે આનંદધામ ।।૪૪।।
આવી અમૃત રૂપી કથાય, સુણે તેને મહાસુખ થાય । બળે કોટી જન્મ કેરાં પાપ, ટળે ત્રૈણ પ્રકારના તાપ ।।૪૫।।
હરિના જન હરિને ભજે, પ્રાણ જાતાં સુધી નવ તજે । ચિત્ત રાખીને સુણે ચરિત્ર, કુટુંબ સોત થાય પવિત્ર ।।૪૬।।
ઇતિ શ્રી મદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે છુપૈયાપુરથી ધર્મભક્તિ કુટુંબ સહિત તીનવા ગામમાં રહેવા ગયાં ને ત્યાં શ્રીહરિએ તે કૂવામાંથી ભૂતનો ઉદ્ધાર કર્યો એ નામે બાવીસમો તરંગઃ ।।૨૨ ।।