તરંગ - ૩૨ - શ્રીહરિને દર્શને નવયોગેશ્વર આવ્યા એ નામે બત્રીશમો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:59am

 

પૂર્વછાયો- જીવન જમવા જાય છે, સુંદર તીનવા ગામ । સગાં સૃહૃદસંગ ચાલ્યાં, શું કર્યું ત્યાં ઘનશ્યામ ।।૧।।

પિરોજપુરની હદમાં, પિપળાનું વૃક્ષસાર । તેની તળે બેસી ગયા, શ્રીહરિ ધર્મ કુમાર ।।૨।।

મામા કહે છે કેમ બેઠા, ચાલો ઉતાવળા આજ । એવું સુણી ઉભા થઇને, આવી મળ્યા મહારાજ ।।૩।।

ઝાંઝર ચરણે પેર્યાં તેનો, શબ્દ થયો ગંભીર । ધરણી ધમકી તે સમે, સુણ્યો માતાયે ધીર ।।૪।।

ચોપાઇ- પછે પોક્યા છે તીનવા ગામેરે, સત્કાર કર્યો હાથીરામેરે । જમવા બેઠા બ્રાહ્મણ જ્યાંયેરે, એક કૌતુક નિપજ્યું ત્યાંયેરે ।।૫।।

ભૂતિયા કુવામાં રહ્યાં ભૂતરે, પંક્તિ ટાંણે આવ્યાં છે કપુતરે । લાવ્યાં અભક્ષ્ય વસ્તુ તે ઠારરે, પાક બગાડવાનો વિચારરે ।।૬।।

એવે આવી પોક્યા સુખકારીરે, ભૂત પ્રેતને રાખ્યાં છે વારીરે । અરે દુષ્ટ આ શું કરોરે, પાપી તમે સર્વે પાછાં ફરોરે ।।૭।।

કુવામાંથી તો કાઢયાંતાં અમેરે, વળી ફેર ક્યાંથી આવ્યાં તમેરે । ભૂત કહે છે હે ભગવનરે, તમે સુણજ્યો સત્ય વચનરે ।।૮।।

બદ્રિકાશ્રમમાં મોકલ્યાં જોઇરે, એમાંનાં નથી અમે તો કોઇરે । અમે આટલાં તો આંહિ નોતાંરે, તે સમે અયોધ્યામાં ગયાંતાંરે ।।૯।।

એવું સાંભળીને દીનદયાળરે, ત્રાસ દેખાડયો છે તત્કાળરે । તારે ભય પામી પાછાં ગયાંરે, ભૂતિયા કુવામાં જઇ રહ્યાં રે ।।૧૦।।

ભૂત આવ્યાંતાં મૂર્તિમાનરે, સર્વે લોકોયે દેખ્યાં સમાનરે । વશરામ વળી વળી પુછેરે, કોણ હતું ને કારણ શું છેરે ।।૧૧।।

એવું સુણીને ભૂધર ભ્રાતરે, વિસ્તારીને કહી સહુ વાતરે । પછે જમીને થયા તૈયારરે, ચાલ્યા છુપૈયાપુર મોઝારરે ।।૧૨।।

વચ્ચે જાતાં બોલ્યા વશરામરે, આવો મારા ખભાપર શામરે । મામા ઘણું જમ્યા છૈયે અમોરે, નહિ તેડી શકો આજ તમોરે ।।૧૩।।

એવું વાક્ય સુણી તેડી લીધારે, પોતાને સ્કંધે બેસારી દીધારે । તેને વિસ્મે પમાડવા કાજેરે, જુઓ લીલા કરી મહારાજેરે ।।૧૪।।

પોતાના અંગમાં તેણી વારરે, ધર્યો ત્રૈણ્યલોકતણો ભારરે । હેઠે બેસી ગયા વશરામરે, ખભેથી ઉતાર્યા ઘનશ્યામરે ।।૧૫।।

કર જોડીને કરે સ્તવનરે, સુણો સત્ય કહું ભગવનરે । તમારી માયાનું બળ સારરે, કોઇ પામી શકે નહિ પારરે ।।૧૬।।

એમ કરતાં શ્રીઘનશ્યામરે, પધાર્યા ઘેર પૂરણકામરે । પુછે શ્રીહરિને પ્રેમવતીરે, સુણો સુત મારા મહામતીરે ।।૧૭।।

જાતાં દોડયાતા મારગમાંયરે, એવી શી ભીડ પડીતી ત્યાંયરે । માતાજી જો હું દોડયો ન હોતરે, ભૂત રસોઇ બગાડી દ્યોતરે ।।૧૮।।

ત્યાર પછી આવી એકાદશીરે, સહુ વૈષ્ણવના મન વશીરે । જોખન ગયા કરવા સ્નાનરે, નારાયણસરમાં નિદાનરે ।।૧૯।।

તે થકી ઉત્તર દિશામાંયરે, બેઠા છે નવ વૈરાગી ત્યાંયરે । મધુવૃક્ષ તળે બેઠા તેહરે, નાની નાની વયમાં છે એહરે ।।૨૦।।

અહોનિશ પ્રભુમાં છે મનરે, તેમણે દીઠાછે ત્યાં જોખનરે । જાણ્યા પ્રભુતણા મોટાભાઇરે, સ્નાન કાજે આવે છે તે આંઇરે ।।૨૧।।

યોગી ઉભા થયા તેણીવારરે, કર્યો આદરથી નમસ્કારરે । બોલ્યા નમ્ર થઇને વચનરે, સુણો બળદેવજી પાવનરે ।।૨૨।।

તમારા ભાઇ જે ઘનશ્યામરે, ક્યાં બિરાજેછે પૂરણકામરે । પામ્યા આશ્ચર્ય રામપ્રતાપરે, તેમને ભાઇ પુછેછે આપરે ।।૨૩।।

તમે શ્યામને ક્યાંથકી જાણોરે, વિસ્તારીને તે વાત વખાણોરે । ત્યારે યોગી બોલ્યા ત્યાં વાણરે, અમારે પૂર્વની ઓળખાંણરે ।।૨૪।।

કહે અનંત ક્યાં તમે રોછોરે, વસુધાપર ક્યાં તમે વિચરોછોરે । યોગી કે છૈયે રમતારામરે, ફરીયે તીર્થમાં ઠામોઠામરે ।।૨૫।।

તમારા ભાઇછે ભગવાનરે, અક્ષરાધિપતિ છે નિદાનરે । તેથી માન્યું છે અમારૂં મનરે, કરવા આવ્યા છૈયે દર્શનરે ।।૨૬।।

બોલ્યા અનંત થઇ પ્રસન્નરે, સંતો તમારી બુદ્ધિને ધન્યરે । ચાલો હું કરી લેઉં મજ્જનરે, આપણ સાથે જૈયે સદનરે ।।૨૭।।

સ્નાન કરી રહ્યા અહિનાથરે, નવ સંતને લીધાછે સાથરે । પછે ચાલ્યા ત્યાંથી તતકાળરે, આવ્યા પોતાને ઘેર ક્રપાલરે ।।૨૮।।

આંબલી હેઠે સુંદર સ્થાનરે, દીશે ચોતરો શોભાયમાનરે । બેઠા છે ત્યાં અકળ સ્વરૂપરે, અનંતકોટી મુક્તના ભૂપરે ।।૨૯।।

યોગી આવ્યા જ્યાં છે ઘનશ્યામરે, પ્રેમપૂર્વક કર્યા પ્રણામરે । બેઠા દર્શન કરી સન્મુખરે, પામ્યા કોટી કોટી ઘણું સુખરે ।।૩૦।।

ધર્મદેવને કે છે અનંતરે, દાદા જુઓ બેઠા છે આ સંતરે । હોય નવ યોગેશ્વર જાણેરે, મુને નિશ્ચે છે એહ પ્રમાણેરે ।।૩૧।।

જુવો કાન્તિ કેવી દીશે રૂડીરે, કામક્રોધ નથી મતિ કુડીરે । એવું સુણી ધર્મ આવ્યા બારરે, મોટાભાઇ પણ છે તે ઠારરે ।।૩૨।।

કરજોડી કહે બલરામરે, હે સંતો કહો તમારાં નામરે । ત્યારે નામ બતાવે છે યોગીરે, સુણો ધર્મને ભૂધર ભોગીરે ।।૩૩।।

હરિ કવિ બુદ્ધ અંત્રીક્ષ રે, પિપ્યલાયન ચમસ પ્રત્યક્ષરે । દુમીલ કર્ભાજન આવિર્હોત્રરે, એવાં નામ અમારાં પવિત્રરે ।।૩૪।।

તેવું સાંભળીને ધર્મદેવરે, પામ્યા આનંદ આનંદ એવરે । ધન્ય ધન્ય દિન ઘડી આજરે, થયાં દર્શનથી રૂડાં કાજરે ।।૩૫।।

યોગી શ્રીહરિને અનુસરેરે, જુદી જુદી પૂજાઓ તે કરેરે, ઇંદ્રાદિક આકાશમાં આવ્યારે, પુષ્પ આદિ સામગ્રીયો લાવ્યારે ।।૩૬।।

કરે દુંદુભીનાદ અપારરે, પુષ્પ વર્સાવે ચંદનસારરે । છુપૈયાપુરનાં નરનાર્યરે, દોડીને આવ્યાં ધર્મને દ્વારરે ।।૩૭।।

નવયોગી પૂજાયો કરેછેરે, ભાળી નેત્રમાં પ્રેમ ભરેછેરે । નવયોગેશ્વર છે અનુપરે, પ્રભુયે ધર્યાં તેટલાં રૂપરે ।।૩૮।।

એમ પૂજા કરી અંગીકારરે, સર્વે લોક કરે છે વિચારરે । નવ રૂપ ધર્યાં ઘનશ્યામેરે, પામ્યાં આશ્ચર્ય સૌ તેહ ઠામેરે ।।૩૯।।

પૂજા કરી રહ્યા તે પાવનરે, બોલ્યા શ્રીહરિ સાથે વચનરે । હે પ્રાણપતિ શ્રીજગદીશરે, અમપર ક્રપા કરી ઈશરે ।।૪૦।।

અતિ આનંદ સંતોષ દીધારે, નવજણાને ક્રતાર્થ કીધારે । થાશો જક્તમાં પ્રસિદ્ધ જ્યારેરે, સતસંગમાં આવીશું ત્યારેરે ।।૪૧।।

તમારી આજ્ઞા અનુસરશુંરે, સ્નેહસહિત સેવા કરશુંરે । એવું વચન આપો અમનેરે, કર જોડી કૈયે છૈયે તમનેરે ।।૪૨।।

પછે શ્રીહરિ પર્મ ઉદારરે, બોલ્યા પ્રસન્ન થઇને તે વારરે । કાઠીયાવાડ આવજ્યો સુખેરે, રાખીશું અમારે સનમુખેરે ।।૪૩।।

હાલ સર્વે તીરથમાં ફરજ્યોરે, પ્રગટ પ્રમાણે વાત કરજ્યોરે । એમ કેછે મહાપ્રભુ વાતરે, એવામાં આવ્યા છે ધર્મતાતરે ।।૪૪।।

ઘનશ્યામ સુણો શબ્દ મારોરે, યોગી સહિત જમવા પધારોરે । મોટાભાઈ વળી યોગી સાથરે, જમવા પધાર્યા મુક્તનાથરે ।।૪૫।।

ઘનશ્યામ મોટાભાઈ ધર્મરે, એક બાજુએ બેઠા છે પર્મરે । સામા યોગેશ્વરને બેસાડયારે, સારી જુક્તી કરીને જમાડયારે ।।૪૬।।

જમી તૃપ્ત થયા ચળુ કીધારે, પવિત્ર તે મુખવાસ લીધારે । સર્વે ઉઠીને આવ્યા છે બારરે, બેઠા ચોતરે જક્ત આધારરે ।।૪૭।।

રજા માગી લીધી યોગીરાજરે, ચાલ્યા કરી પોતાનું તે કાજરે । બન્ને કુમાર સહિત વૃષરે, ચાલ્યા વળાવવા ઉતકર્ષરે ।।૪૮।।

આવ્યા નારાયણસરતીરરે, યોગી કે હવે ઉભા રહો ધીરરે । અમે જાઇશું ભેટીયા ગામરે, સરોવરે કરશું મુકામરે ।।૪૯।।

મધુવૃક્ષ મોટું છે ત્યાં એકરે, તેના હેઠે રેશું ધરી ટેકરે । ઘનશ્યામનું ધ્યાન ધરીશુંરે, એની ઇચ્છા હશે તે કરીશુંરે ।।૫૦।।

એવું કહીને અદૃર્શ થયારે, નભમારગમાં ચાલ્યા ગયારે । ધર્મ સહિત સઘળા જનરે, પાછા આવ્યા પોતાને ભુવનરે ।।૫૧।।

વળી એકસમય શ્રીધર્મરે, બન્ને પુત્ર સાથે અનુક્રમરે, મોતીત્રવાડી ને વશરામરે, જાય છે એ બખરોલીગામરે ।।૫૨।।

વચ્ચે આવ્યું તે ભેટીયા ગામરે, તેના તળાવે સુંદર ઠામરે । તે જગ્યાયે દેખ્યા નવ યોગીરે, મહા અદ્બૂત ભક્તિના ભોગીરે ।।૫૩।।

રહ્યા અદૃશ્ય ત્યાં યોગીરાજરે, તેણે આવ્યા જાણ્યા મહારાજરે । મૂર્તિમાન થયા છે તે ત્યાંયરે, આવી નમ્યા ઘનશ્યામ છે જ્યાંયરે ।।૫૪।।

કર્યા પ્રણામ નિર્મળ મનરે, બેઠા જઇ પોતાને આસનરે । એ ચરિત્ર જોઇ બોલ્યા તાતરે, સુણો મોતીત્રવાડી આ વાતરે ।।૫૫।।

એછે નવ યોગીતણાં રૂપરે, છુપૈયામાં આવ્યાતા અનુપરે । પામ્યા આશ્ચર્ય સર્વેય ત્યાંયરે, ચાલ્યા વિચારીને મનમાંયરે ।।૫૬।।

ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિને દર્શને નવયોગેશ્વર આવ્યા એ નામે બત્રીશમો તરંગ ।।૩૨।।