પૂર્વછાયો- છુપૈયામાં ઘનશ્યામજી, કરે ચરિત્ર અપાર । સંત હરિજન સાંભળો, કહું લીલાનો વિસ્તાર ।।૧।।
એક સમે જ્યેષ્ઠ માસમાં, જાંબુડાં પાક્યાં જોય । ઘનશ્યામજી સખા લેઇ, ગયા જમવા સોય ।।૨।।
જોખન વીરજાત્રવાડી, મહામતી મંછારામ । વેણી માધવ પ્રાગ આદે, સાથે શ્રીસુખધામ ।।૩।।
છુપૈયાથી પશ્ચિમ દિશે, સુંદર સ્થાનક જેહ । પીરોજપુર જ્યાં ગામ છે, ત્યાં ત્રવાડી આનંદ તેહ ।।૪।।
તેના વાડામાં છે જાંબુડો, ભારે મોટું એક વૃક્ષ । સર્વને તેડી ત્યાં ગયા છે, જાંબુડાં ખાવા પ્રત્યક્ષ ।।૫।।
ચોપાઇ- સર્વે ચડયા જાંબુડાને ઝાડે, પાકાં પાકાં વેંણીને તે પાડે । રૂડાં પાકાં તે વેંણીને ખાધાં, બીજાં ખોળામાં તે ભરી લીધાં ।।૬।।
પછે સર્વે તો ઉતર્યા ભોંય, જુવે દિશાઓ આવે છે કોય । શ્રીહરિ તો હેઠે નવ આવે, પગ વડેથી ડાળ હલાવે ।।૭।।
પાકાં પાકાં સર્વ પાડી નાખ્યાં, કાચાં જાંબુડાં ઉપર્ય રાખ્યાં । ધોબીરામ અવધ છે એક, વિચારીને બોલ્યો તે વિશેક ।।૮।।
તમો ભાઇ સુણો ઘનશ્યામ, આવું શું કરો છો તમે કામ । એટલામાં આવ્યો રખવાળ, જાંબુડાની તે લેવા સંભાળ ।।૯।।
તેને દેખીને ડરવા લાગ્યા, મોટાભાઇ સહિત તો ભાગ્યા । ગયા છુપૈયાપુર મુકામ, જાંબુડે રહ્યા છે ઘનશ્યામ ।।૧૦।।
હરિવરને એકલા જાણી, બોલ્યો રખવાળ મુખવાણી । બધાં જાંબુડાં ખૈ ગયા મારાં, આવાં લક્ષણ કયાંથી તમારાં ।।૧૧।।
એવું બોલીને મારવા આવ્યો, એકલા જાણીને મન ફાવ્યો । ધીરા રહી બોલ્યા અવિનાશી, પાડનારા ગયા સહુ નાશી ।।૧૨।।
આમાં તે શું થયો છે બગાડ, અમે કર્યો નથી ભંજવાડ । તોંયે ઉપાડયો મારવા હાથ, નાઠા ત્યાંથી પછી દિનોનાથ ।।૧૩।।
દોડયા પાછળ ઝાલવા કાજે, તેનો કર ગ્રહ્યો મહારાજે । કર ખેંચીને પછાડયો ધર્ણ, ત્યારે તે થયો છે તુલ્ય મર્ણ ।।૧૪।।
છાનામાના આવ્યા પ્રભુ ઘેર, કોઇ જાણી શક્યા નહી પેર । ઠીક ઠરેલ ડાયા થયા છે, બોલ્યા વિના તે બેસી રહ્યા છે ।।૧૫।।
જ્યેષ્ઠ બંધુએ પુછયું છે એમ, કહો ઘનશ્યામ થયું કેમ । હરિ કે તમો બંધુ કહાવ્યા, મુને એકલો મુકીને આવ્યા ।।૧૬।।
એમ કહી બોલ્યા ઘનશ્યામ, હરિઇચ્છાયે થાય જે કામ । પાછો આવ્યો હતો વેણીભાઇ, બાજ્યા બેઉ તે હાક બજાઇ ।।૧૭।।
રખવાળને ઠેઠ પોકાડયો, તેને મૃત્યુંનો માર્ગ દેખાડયો । એવું સુણી હાસ્ય વચન, સર્વે થયા મનમાં પ્રસન્ન ।।૧૮।।
વળી છુપૈયાપુર મોઝાર, એક વિપ્ર આવ્યા નિર્ધાર । એનું ગોરખપુર છે ગામ, રુડું રામરત્ન એવું નામ ।।૧૯।।
ભાગવત ભણેલો તે સાર, તે આવ્યો ધર્મદેવને દ્વાર । ધર્મદેવ કે છે મહારાજ, કરી જાણો છો સપ્તાનું કાજ ।।૨૦।।
કહે બ્રાહ્મણ હા કરી જાણું, મારે મુખેથી કેમ વખાણું । વૃષદેવે કર્યો સતકાર, કરાવી છે રસોઇ તૈયાર ।।૨૧।।
જમી તૃપ્ત થયા છે તે વિપ્ર, હરિપ્રસાદજી બોલ્યા ક્ષિપ્ર । સુણો રામપ્રતાપ કુમાર, સપ્તા કરાવીયે આણે ઠાર ।।૨૨।।
સંબંધીને આપો સમાચાર, સહુ આવે છુપૈયા મોઝાર । તે સુણી પત્ર લખાવ્યા રામે, આવ્યા સર્વે સંબંધી તે ઠામે ।।૨૩।।
તરગામી બલદેવ આવ્યા, સગાં સંબંધીને મન ભાવ્યા । ગાય ઘાટ થકી મોતીરામ, વળી ત્રવાડી ઉન્મત નામ ।।૨૪।।
હરિપ્રસાદજી તતકાળ, મોટો મંડપ બાંધ્યો વિશાળ । સર્વેને બોલાવ્યા છે તે ટાણે, બેસાર્યા અધિકાર પ્રમાણે ।।૨૫।।
પોતાના ગામના સુબોધ, પેલવાન આદિ અવિરોધ । વળી બીજા ઘણાયેક જન, પ્રેમે બેસાર્યા આપી આસન ।।૨૬।।
પૂજ્યું ભાગવત ઘણી પ્રીતે, પુરાણીની પૂજા કરી હેતે । શ્રોતા સર્વે થયા સાવધાન, એક ચિત્તે સુણે ધરી ધ્યાન ।।૨૭।।
મોતીરામમામાના ઉત્સંગે, બેઠા શ્રીહરિસુણે ઉમંગે । કથા ઉપર છે ઘણો પ્યાર, ઘનશ્યામ થયા તદાકાર ।।૨૮।।
એમ સુણે ત્રિભોવન તાત, પુરાણી કહે ધર્મને વાત । તમારા પુત્ર છે ઘનશ્યામ, તે તો દીસે છે પૂરણકામ ।।૨૯।।
આ મૂર્તિ અકળ સુખકારી, છે અવતારના અવતારી । એમ વીતિ ગયા દન સાત, પછે કથા કરી સમાપત ।।૩૦।।
પૂર્ણાહુતી સમો થયો જ્યારે, હજારો લોક ભરાયા ત્યારે । પુરાણીને માટે લાવ્યા દુધ, ઉનું કરેલું સ્વાદિષ્ટ શુદ્ધ ।।૩૧।।
બાલમુકુંદ વિષ્ણુ છે જ્યાંયે, પેલું નૈવેદ્ય ધરાવ્યું ત્યાંયે । પયપાત્ર મુક્યું સિંહાસન, તેને જોઇ રહ્યા છે જીવન ।।૩૨।।
બેઠા છે મામાના ખોળામાંયે, હરિયે હાથ વધાર્યા ત્યાંયે । પાત્ર ઉપાડી લીધું છે પોતે, દૂધ પીધું છે સર્વને જોતે ।।૩૩।।
પામી વિસ્મય સર્વે સભાય, અહો આશ્ચર્ય આ શું કે'વાય । ધર્મદેવે ત્યાં આરતી કીધી, કથાની સમાપ્તિ કરી લીધી ।૩૪।।
ત્યાં કુબેર ભંડારી આવ્યા, વેષ બ્રાહ્મણનો ધરી લાવ્યા । ચૌદ મોરો લાવ્યા છે જરુર, આવી મુકી છે પાટ ઉપર ।।૩૫।।
કર્યો મહાપ્રભુને પ્રણામ, ગયા કુબેર પોતાને ઠામ । આપ્યાં વસ્ત્ર આભૂષણ સાર, તેની શોભા તણો નહિં પાર ।।૩૫।।
પુરાણીએ પુછયું મહારાજ, કોણ મોરો મુકી ગયો આજ । શ્રીહરિ કે સુણો કહું તેહ, હતા કુબેર ભંડારી એહ ।।૩૭।।
અમારી ઇચ્છાયે કરી આવ્યા, તમારે માટે મોરો લાવ્યા । સુણ્યાં પ્રભુનાં એેવાં વચન, પુરાણીજી થયા છે પ્રસન્ન ।।૩૮।।
વળી બીજું કહું છું ચરિત્ર, સુણે તે જન થાય પવિત્ર । તીનવા ગામમાં નિરધાર, હતું સર્વેને જમણવાર ।।૩૯।।
મોતીરામ આદિ નરનાર, તીનવે જાવા થયા તૈયાર । રામપ્રતાપજી પણ જાય, હરિયે જાણ્યું છે મનમાંય ।।૪૦।।
તીનવે હાથીરામને ઘેર, જમવા જાવું છે રૂડી પેર । માટે આવીશ હું તમસંગે, મુને સાથે તેડો રસરંગે ।।૪૧।।
મોટાભાઇ કહે મહારાજ, દીદીને સાથે આવજ્યો આજ । અમારી જોડયે આવશો નહી, રામપ્રતાપજી કહે સહી ।।૪૨।।
એવું સુણીને પ્રાણજીવન, કરવા માંડયું પોતે રૂદન । ઢળી પડયા છે ઓશરીમાંયે, કર ચર્ણ ઘસે વળી ત્યાંયે ।।૪૩।।
કરે માનુષી લીલા અપાર, મૂર્તિમાતા આવ્યાં તેણીવાર । ખમા ખમા તમો મારા તન, તમો શીદ કરો છો રૂદન ।।૪૪।।
ચાલો આપણ બન્ને ત્યાં જૈયે, મોટા ભાઇના અગાડી થૈયે । કર ઝાલી ઉભા કરે માત, જુઠું જુઠું રૂવે જગતાત ।।૪૫।।
એટલામાં આવ્યા વશરામ, કેમ રૂવો છો શ્રીઘનશ્યામ । ચાલો જમવા થાવો તૈયાર, જુવો સખા આવ્યા છે આ ઠાર ।।૪૬।।
એમ કહી લીધું આલિંગન, તારે છાના રહ્યા છે જીવન । પછે ભક્તિમાતાયે ઉમંગે, વસ્ત્ર ઘરેણાં પેરાવ્યાં અંગે ।।૪૭।।
ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે ધર્મદેવે સપ્તા કરાવી એ નામે એકત્રીશમો તરંગઃ ।।૩૧।।