તરંગ - ૩૦ - શ્રીહરિને સાથળે ખાંપો વાગ્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:56am

 

પૂર્વછાયો- અવધપુરે ધર્મભક્તિ, વર્તે છે નિર્મલ મન । વર્ણાશ્રમનો ધર્મ પાળે, સાથે છે બેઉ તન ।।૧।।

પ્રેમવતી કહે ધર્મને, સ્વામી સુણો મારી વાત । સિધું હવે થોડું રહ્યું છે, લાવો બીજું પ્રભાત ।।૨।।

થોડા દિવસ કેડે પછે, જાવું છુપૈયાપુર । એવું સુણી હરિપ્રસાદજી, વાત વિચારે છે ઉર ।।૩।।

વધારે દિન રેવું નથી, પણ થોડું રહ્યું અનાજ, પ્રેમવતીને પુછયું ફરી, શું કરવું હવે કાજ ।।૪।।

બે ચાર માસ ચાલે તેવું, છે કાંઇ ઘરમાં અન્ન । મૂર્તિ કે મુદલ નથી, માની લેજ્યો તે મન ।।૫।।

ચોપાઇ- ઘરમાં બેઠા કૃષ્ણ કૃપાળુ, દહિં ભાત જમે છે દયાળુ । સુણ્યો માત પિતાનો ઉચાર, વાલીડે કર્યો મન વિચાર ।।૬।।

જમતાં જમતાં ઘનશ્યામ, શ્રીમુખેથી બોલ્યા હરિ નામ । અવતારે જાણ્યું મનમાંઇ, પોતે આવ્યા છે તરત ત્યાંઇ ।।૭।।

કર્યો શ્રીહરિને નમસ્કાર, પૂજા કરી ત્યાં રૂડે પ્રકાર । શત બે મોરું આગળ ધરી, કરે પ્રાર્થના ફરી ફરી ।।૮।।

કરજોડી ઉભા સન્મુખ, પુછયું માતાજીએ પામી સુખ । કોણ ઉભું છે તમારે આગે, કર જોડી જોડી પગે લાગે ।।૯।।

ત્યારે બોલ્યા પ્રભુ તતખેવ, એ તો દર્શને આવ્યા છે દેવ । પછે દેવ મંદિરમાં ગયા, નિજ મૂર્તિ વિષે લીન થયા ।।૧૦।।

સોનાની મોર પિતાને આપી, એમ સંકટ નાખ્યું છે કાપી । કૃષ્ણ કહે દાદા હવે જાઓ, જોઇએ તે સિધું લઇ આવો ।।૧૧।।

આપણે રહેવું છે એક માસ, એમ વાત કરે અવિનાશ । ત્યાં તો આવ્યા મોટાભાઇ આપ, દીઠો ઘનશ્યામનો પ્રતાપ ।।૧૨।।

ધર્મદેવને ભાઇ જોખન, ગયા સિધું લેવા શુભ મન । તેવે રસોઇ થઇ છે તૈયાર, થાળ ધરાવ્યો વિષ્ણુને સાર ।।૧૩।।

મૂર્તિ કે છે સુણો ઘનશ્યામ, હવે રસોઇ થૈ છે તમામ । તવ પિતા ને મોટાભાઇને, બોલાવી આવો કેડે જાઇને ।।૧૪।।

એવું સુણી ગયા મન ભાવ્યા, પિતા બંધુને બોલાવી લાવ્યા । હરિપ્રસાદજી તેણીવાર, જમવા બેઠા સાથે કુમાર ।।૧૫।।

ધર્મદેવને કે પ્રેમવતી, હવે સિધુ માં લાવશો રતિ । કાલે જાવું છે છુપૈયાપુર, એવો વિચાર રાખી જરૂર ।।૧૬।।

બીજે દિન થયુંછે પ્રભાત, કરી રસોઇ તૈયાર માત । ધર્મ સહિત બન્ને કુમાર, જમાડીને જમ્યાં તેણીવાર ।।૧૭।।

બન્ને પુત્રને લેઇને સંગે, ચાલ્યા છુપૈયાપુર ઉમંગે । નિત્ય આનંદમાં દિન જાય, કરે શ્રીહરિ સહાય સદાય ।।૧૮।।

ત્યારપછી તે કેટલે દિન, જુવો લીલા કરે છે જીવન । વેણી માધવ પ્રયાગ સાર, સુખનંદન એ સખા ચાર ।।૧૯।।

તેને સાથે લઇ મનધીર, ગયા ખંપાસરોવર તીર । ત્યાં છે બાવો હરિદાસ નામ, પર્ણકુટી બાંધી છે તે ઠામ ।।૨૦।।

બાવો વાંચે છે રામચરિત્ર, બેઠા સાંભળવા તે પવિત્ર । કથા સાંભળી ત્યાં થોડીવાર, પછે ઉઠયાછે ધર્મકુમાર ।।૨૧।।

ખંપા સરોવરે ભગવાન, સખા સહિત કર્યું છે સ્નાન । શ્યામ કહે સખાને સમક્ષ, ઓલ્યાં સામાં દિશે શાનાં વૃક્ષ ।।૨૨।।

એનો સુંદર સુગંધ આવે, મારા મન વિષે બહુ ભાવે । માટે ચાલો તે વૃક્ષની પાસ, લઇયે સુંદર તેનો સુવાસ ।।૨૩।।

જળથી નિકળ્યા પ્રભુ બાર, ચાલ્યા આગળ ધર્મકુમાર । સુખનંદન કે સુણો ભાઇ, એ વૃક્ષ કદમ સુખદાઇ ।।૨૪।।

ઓલ્યો બીજો તરૂ જો દેખાય, નામ કેવડો તેતો કેવાય । ઘનશ્યામ કહે ચાલો જૈયે, પેલો કેવડો આપણે લૈયે ।।૨૫।।

પછી કદમ પુષ્પના હાર, ગુંથીને પેર્યા કંઠમોઝાર । લીધા કેવડા એમ કહીને, ઉભા કદમ હેઠે જઇને ।।૨૬।।

સખાઓને કહે નિરબંધ, અહો આતો ઘણી છે સુગંધ । એમ કહીને વીણે છે ફુલ, શ્યામ સુંદરને સાનુકુળ ।।૨૭।।

બીજા સખા તે ગુંથે છે હાર, નાભી સુધી પોચે એવા સાર । બાજુબંધ તોડા ટોપી અગ્ર, કર્યા પુષ્પ પોશાગ સમગ્ર ।।૨૮।।

પેરાવ્યા મહાપ્રભુને પ્રીતે, રૂડા શોભી રહ્યા રસ રીતે । કળિયો મુકી કેવડા કેરી, જાણે મુનિના મન લહેરી ।।૨૯।।

સખા વખાણે વારમવાર, કેવા શોભે છે પ્રાણઆધાર, બાવો મઢીમાંથી આવ્યો બાર, જોઇ ઠેરીગયો છે તે ઠાર ।।૩૦।।

તેવે સમયે ત્યાં ગાયો આવી, પ્રભુયે પોતા પાસે બોલાવી । વાલિડો જાણે બંસી બજાવે, ઘેરા સાદે કરીને બોલાવે ।।૩૧।।

આવી ગાયો દોડી સન્મુખ, ઉંચા રાખ્યા છે પૂંછ ને મુખ । પાછી વાળે છે તેનો ગોવાળ, પણ વળતી નથી તેકાળ ।।૩૨।।

આવી હિંસોરા કરતી જ્યાંયે, ઘનશ્યામજી ઉભાછે ત્યાંયે । હજારો ગાયો હેત કરીને, આવે છે મળવા શ્રીહરિને ।।૩૩।।

ગાયો આવતી દેખીને શ્યામ, કર્યું સખાસંગે જુવો કામ । ખંપા સરને તીર પ્રત્યક્ષ, મોટું છે આંબલી કેરું વૃક્ષ ।।૩૪।।

તેના ઉપર ચડયા શ્રીરંગ, સઘળા સખા લેઇને સંગ, ઉંચું જુવે છે આતુર થઇ, આંબલી વૃક્ષ હેઠળ રઇ ।।૩૫।।

પાછી વાળે ગોવાળ તેવાર, પણ ખસ્તી નથી તે લગાર । જાણ્યું શ્રીહરિયે મનમાંય, મુને મુકી ગાયો નહીં જાય ।।૩૬।।

ઘનશ્યામે કર્યો લાંબો હાથ, ચાલી છે તે ગાયો એકસાથ । ચાલો હેઠે જઇએ સખા સહુ, વાર લાગી તરુ પર બહુ ।।૩૭।।

એવું કહીને ઉતરે જ્યાંયે, ખસ્યો ચર્ણ ખાંપો વાગ્યો ત્યાંયે । જમણી જંઘામાંથી નિર્ધાર, ચાલી શ્રોણીત કેરી ત્યાં ધાર ।।૩૮।।

દેખી રૂધિરધાર પ્રકાશ, સખા સર્વે થયા છે ઉદાસ । એવામાં આવ્યા ઇંદ્રાદિ દેવ, જોવા ચરિત્ર અવશ્યમેવ ।।૩૯।।

શ્રીહરિને વાગ્યું છે જે ઠાર, જાણ્યું મેઘપતિયે તે વાર । વાસવે કર્યો મનવિચાર, બોલાવ્યા છે અશ્વિનીકુમાર ।।૪૦।।

વૈદપાસે કરાવ્યો ઉપાય, પાટા સાથે બાંધી છે દવાય । સ્વામીજી પાટો આ રેવા દેજ્યો, મારા સર્ખું કામકાજ કેજ્યો ।।૪૧।।

એમ કહી ઇન્દ્રાદિક ગયા, આજ્ઞા માગીને અદૃશ્ય થયા । સુખનંદન સખો છે જેહ, આવ્યો ઉતાવળો ઘરે તેહ ।।૪૨।।

ધર્મદેવને તે કેવા લાગ્યો, ઘનશ્યામને તો ખાંપો વાગ્યો । એવું સુણીને ધર્મ સધાવ્યા, ખંપાસરોવર પર આવ્યા ।।૪૩।।

પૂછયું ધર્મે આવીને તે ઠામ, પાટો કોણે બાંધ્યો વેણીરામ । ત્યારે વેણી કહે સુણો ધર્મ, સાચી વાત કહું નથી શર્મ ।।૪૪।।

દેવના વૈદ આવ્યાતા ત્યાંયે, પાટો બાંધી ગયા પળમાંયે । એવું સુણીને થયા પ્રસન્ન, ઘરે આવ્યા તેડી નિજ તન ।।૪૫।।

ભક્તિ આદિક થયાં ઉદાસ, સર્વે આવી મળ્યાં પ્રભુપાસ । પ્રેમવતી કહે ઘનશ્યામ, આ શું વાગ્યું ને શું કર્યું કામ ।।૪૬।।

માતાજીનું તે મન મનાવા, પાટો છોડીને લાગ્યા બતાવા । નથી માલમ પડતું કાંઇ, જુવો માતા વાગ્યું છે કે નાંઇ ।।૪૭।।

ત્યારે સુંદરીબાઇયે જોયું, કાંઇ વાગેલું નવ દેખાયું । ખાંપો વાગ્યોછે તેનું નવીન, થોડું દેખાયું છે એક ચિહ્ન ।।૪૮।।

જાણ્યાં સર્વેયે રૂડાં ચરિત્ર, સુણીને થયાં પુન્ય પવિત્ર । ખાંપો વાગ્યો છે તેહજ ઠામ, માટે ખંપાસરોવર નામ ।।૪૯।।

વચનામૃતમાં છે તે વાત, શ્રીજીના મુખની તે વિખ્યાત । તારે કેડે ગયા થોડા દિન, બીજું કહું ચરિત્ર નવીન ।।૫૦।।

એકસમે સખા લેઇ સાથ, ગયા ખંપાસરોવરે નાથ । ત્યાંછે આંબાનું વૃક્ષ વિશેષ, તેને હેઠે આવ્યાછે દેવેશ ।।૫૧।।

ઘણા કાળનો રેછે ત્યાં નાગ, પણ આજ આવ્યો રૂડો લાગ । સહકારથી નીકળ્યો બાર, શ્રીહરિને કર્યો નમસ્કાર ।।૫૨।।

પ્રભુયે કર્યો ચર્ણનો સ્પર્શ, તેના શિરપર ઉત્કર્ષ । મટી ગયોછે સર્પનો દેહ, થયો દિવ્ય ચતુર્ભુજ તેહ ।।૫૩।।

આજ્ઞા માગીને તૈયાર થયો, અમર માર્ગમાં ચાલ્યો ગયો । પછે મહાપ્રભુ આવ્યા ઘેર, કહી માતપિતાને તે પેર ।।૫૪।।
 

ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિને સાથળે ખાંપો વાગ્યો એ નામે ત્રીશમો તરંગઃ ।।૩૦।।