તરંગ - ૨૯ - શ્રીહરિયે મલ્લનો પરાજય કર્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:56am

 

પૂર્વછાયો- અવધપુરમાં વાલિડે, ચરિત્ર કર્યાં છે જેહ । વિસ્તારીને વર્ણવું, સુણો રામશરણજી તેહ ।।૧।।

સખા સર્વે સંગે લેઇને, ચાલ્યા રમવા માટ । કેસરીસંગ આદિ સર્વે, આવ્યા પોતે રામઘાટ ।।૨।।

મલ્લયુદ્ધની કુસ્તી કરે, ગુણસાગર ઘનશ્યામ । એ સમે આવ્યા નેપાલના, મહાબલી મલ્લ તે ઠામ ।।૩।।

દેશાંતરમાં જીત કરી, આવ્યા અયોધ્યામાંય । પ્રભુને રમતા દેખીને, પોતે રમે છે ત્યાંય ।।૪।।

પોતાના જે સર્વે સખા, તે દ્વારાએ કર્યું કાજ । હજાર હજાર હસ્તિનું, મુક્યું બળ મહારાજ ।।૫।।

ચોપાઇ- શ્રીહરિએ કર્યા બળહીનરે, ગતિભંગ થયા છિન્નભિન્ન રે । જોતાં જોતાં તેને જીતી લીધારે, સર્વના ગર્વ ઉતારી દીધારે ।।૬।।

ચાલી અવધપુરીમાં વાતરે, ઘનશ્યામના બળની ખ્યાતરે । અયોધ્યાપુરીના મલ્લ જેહરે, થયા તત્પર જીતવા તેહરે ।।૭।।

બીજે દિવસે થયું સવારરે, કરે વાત સહુ નરનાર્યરે । રાજાના ભત્રિજા જે કહેવાયરે, ઘનશ્યામને જીતવા જાયરે ।।૮।।

દિલ્લીશંગ આદિ ભીમશંગરે, જીતીને જેને લેવો છે રંગરે । રાયદર્શનસિંહજી નામરે, તેણે વાત જાણી છે તમામરે ।।૯।।

તે જાણે છે પ્રભુનો પ્રતાપરે, રાય વિચારેછે મન આપરે । કહે ત્રણ્યને બોલાવી પાસરે, સુણો પુત્ર કહું છું હુલ્લાસરે ।।૧૦।।

હરિપ્રસાદ પાંડેના તનરે, તમે ઓળખતા નથી મનરે । એમાં શું આવશે પરિણામરે, વિચારીને જાજો તેહ ઠામરે ।।૧૧।।

સુણી રાજાનાં એવાં વચનરે, બોલ્યા અભિમાની ત્રૈણે તનરે । હાલ તમારી નજરે જોતેરે, જીતીને આવીશું અમે પોતેરે ।।૧૨।।

થશે અમારી પૂરણ આશરે, મોજ માગીશું તમારી પાસરે । તારે તો રાજા કે ભલે જાવોરે, બળ તમારૂં સર્વે બતાવોરે ।।૧૩।।

હું પણ જાવો આવું છું ત્યાંયરે, મલ્લયુદ્ધ કરો તમે જ્યાંયરે । જેના જીત્યાના પડશે દાવરે, તેને આપીશ હું શરપાવરે ।।૧૪।।

ચાલ્યા ત્રૈણ જણા નિરધારરે, મન જીત્યાનો હર્ખ અપારરે । ગયા મારુતીને પગે લાગીરે, પોતપોતાતણી જય માગીરે ।।૧૫।।

બૃહટ્ટા નામે શાખા નગરરે, તેમાં છે ધર્મદેવનું ઘરરે । એક છે આંબલી કેરૂં વૃક્ષરે, ઘર આગળ પ્રૌઢ પ્રત્યક્ષરે ।।૧૬।।

મધ્ય બજારનો છે ત્યાં ભાગરે, ત્રણ્યે ઉભા રહ્યા જોઇ લાગરે । શૂરવીર હતા તે તણાંણારે, બીજા જોવા હજારો ભરાણારે ।।૧૭।।

રાજ મંડળ લઇ રાજનરે, તેય જોવા આવ્યા કરી મનરે । શૌકાર જે ધનદ સમાનરે, સંગાથે લાવ્યા છે આપી માનરે ।।૧૮।।

મોટી આંબલી હેંઠે અનુપરે, કુવાના કાંઠા ઉપર ભૂપરે । ગાદી તકીએ આવી બીરાજ્યારે, સર્વે લોક ભરાણાં છે ઝાઝાંરે ।।૧૯।।

ઘનશ્યામને બોલાવ્યા રાયેરે, કરી વાત સહુ સમુદાયેરે । મોટાભાઇએ સુણી તેહ વારરે, કરે છે પોતે દીલ વિચારરે ।।૨૦।।

કહે શ્રીહરિને બલરામરે, હવે શું કરશો ઘનશ્યામરે । પરીક્ષા જોવા રાજાજી આવ્યારે, સાથે મોટા મોટા મલ્લ લાવ્યારે ।।૨૧।।

હરિ કહે બીશો નહિ આજરે, સૌને વ્હાલી છે પોતાની લાજરે । એમ કહી તે ઘરમાં ગયારે, રજા માગીને તૈયાર થયારે ।।૨૨।।

કર્યા માતાપિતાને પ્રણામરે, ચાલ્યા કુસ્તીકાજે ઘનશ્યામરે । માત પિતા થયાં છે ઉદાસીરે, સમર્યા અંતરે અવિનાશીરે ।।૨૩।।

એમને ધીર રેવા અનુપરે, ધર્યું વૈરાજપુરૂષનું રૂપરે । ઘડી એક દીધું દર્શનરે, પાછા બાળક થયા જીવનરે ।।૨૪।।

એવું આશ્ચર્ય દેખીને મનરે, ધર્મભક્તિ થયાં છે પ્રસન્નરે । રામપ્રતાપને કહે ભાઇરે, હવે ચિંતા નથી જુવો કાંઇરે ।।૨૫।।

મલ્લ રહ્યા છે જ્યાં નિરધારરે, આવ્યા તે સ્થળે ધર્મ-કુમારરે । પેલો ઉભો થયો ભીમસંગરે, કુસ્તી કરવા ધરી ઉમંગરે ।।૨૬।।

તાલ બજાવી તૈયાર થયોરે, મધ્ય બજારમાં ઉભો રહ્યોરે । તેના સનમુખ આવ્યા મુરારીરે, જોવા સ્થિર થયાં નરનારીરે ।।૨૭।।

આવ્યા આકાશમાં સહુ દેવરે, દેખે વિમાનમાં બેસી એવરે । હવે સાંભળતાં સહુ જનરે, ભીમસંગ બોલે છે વચનરે ।।૨૮।।

જુવો ઘનશ્યામ મારું જોરરે, દેખાડું હું તમને કઠોરરે । જાણતા નથી પ્રાક્રમ મારુંરે, ભલભલાના ગર્વ ઉતારુંરે, ।।૨૯।।

એમ કૈ લોહ સાંકળ લીધીરે, એક ચર્ણ સાથે બાંધી દીધીરે । જેમાં ચોવીસ મણ છે ભારરે, જોઇ રહ્યા છે લોક અપારરે ।।૩૦।।

જોવા આવ્યા છે સઘળા જનરે, તેમને કહે ભીમ વચનરે । સહુ સંઘાથે પકડીને તાણોરે, પછે મારૂં પરાક્રમ જાણોરે ।।૩૧।।

સર્વે લોકોએ ઝાલી સાંકળરે, બહુ ખેંચે છે કરીને બળરે । પણ ખસે નહિ તેનો પગરે, ત્યાંથી હઠે નહિ એક ડગરે ।।૩૨।।

અભિમાની થયો મદઅંધરે, બોલ્યો શ્રીહરિ સાથે સમંધરે । જુવો ધર્મસુત ઘનશ્યામરે, મારું બળ કેવું છે આ ઠામરે ।।૩૩।।

તમારે મન હિંમત હોયરે, ખેંચો સાંકળ ઝાલીને સોયરે । ચર્ણ હઠાવો જો કદી મારોરે, તો તો રંગ દેવાય તમારોરે ।।૩૪।।

તેવું સાંભળીને મોટાભાઇરે, કરે છે ચિંતા તે મનમાંઇરે । આવ્યાં છે ત્યાં ઘણાં નરનાર્યરે, કરે તે પણ મન વિચારરે ।।૩૫।।

ક્યાં આ મલ્લને ક્યાં ઘનશ્યામરે, આ તો વિપ્રીત થાય છે કામરે । ઘનશ્યામજીએ ઇચ્છા કરીરે, રૂપ અદ્બુત દેખાડયું હરિરે ।।૩૬।।

જેને જેવી ઇચ્છા હતી મનરે, તેને તેવાં દીધાં દર્શનરે । તે સાંકળ પાસે પ્રભુ ગયારે, ભીમસંગ સામા ઉભા રહ્યારે ।।૩૭।।

જોયા ભીમસંગે ઘનશ્યામરે, કરડી મૂર્તિ દેખી તેહ ઠામરે । હજારો હાથીનું જેમાં જોરરે, એવા ભાળ્યા છે ધર્મકિશોરરે ।।૩૮।।

ઘણો ત્રાસ પામ્યો છે તનમાંરે, પણ લાજે લેવાણો મનમાંરે । ઘનશ્યામજી આવ્યા છે ચાલીરે, ડાબે હાથે સાંકળ ત્યાં ઝાલીરે ।।૩૯।।

જેવા ખેંચે છે ધર્મકુમારરે, તેવે કટકા થયા અગીયારરે । ભીમસેન ખેંચાયો તે વારરે, પડયો દૂર જઇને અપારરે ।।૪૦।।

ચાલે મુખે રૂધિરની ધારરે, જોઇ હાંસી કરે નરનાર્યરે । સભામાં આવી બોલ્યો નિર્બળરે, દીલીસંગ તું લાવ્ય સાંકળરે ।।૪૧।।

તેણે શ્રીહરિને બાંધુ આજરે, ખેંચિને પાડું તો રહે લાજરે । સભા કહે શું વપુ વગોયુંરે, જવાદ્યો તમારું બળ જોયુંરે ।।૪૨।।

હે દીલીસંગ હે માનસંગરે, તમારો હોય જો એ ઉમંગરે । ઉઠો હુંસ પુરી કરો તમેરે, તમારૂં બળ દેખીએ અમેરે ।।૪૩।।

તારે બોલ્યા છે તે સુણો ભાઇરે, અમે જોવા આવ્યા છૈયે આંઇરે । પણ ભીમને હોય અધુરુંરે, લ્યો આ સાંકળને કરો પુરુંરે ।।૪૪।।

એવું કહી સાંકળ ઉપાડીરે, લાવી મુકી તે ભીમ અગાડીરે । લીધી છે સાંકળ ભીમે હાથરે, બોલ્યો ગર્વિષ્ટ સભા સંગાથરે ।।૪૫।।

જુવો શ્યામને બાંધી લેઉં છું રે, જોત જોતામાં પાડી દેઉં છું રે । ઘનશ્યામજી ગર્વ ગંજનરે, સુણ્યાં ભીમનાં ક્રુર વચનરે ।।૪૬।।

શ્રીહરિએ તે સાંકળ લીધીરે, પોતાના પગમાં બાંધી દીધીરે । સભા મધ્યે ઉભા છે જીવનરે, બોલ્યા ભીમની સાથે વચનરે ।।૪૭।।

ખેંચીને પાડી નાખો અમોનેરે, રાજા શરપાવ આપે તમોનેરે । એવે ટાણે પામ્યા છે દર્શનરે, ભક્તિધર્મ આદિ સહુ જનરે ।।૪૮।।

થયા વૈરાજપુરૂષ રૂપેરે, દીધાં દર્શન આપે અનુપેરે । કોટી શીર્ષાસ્વરૂપે જણાણારે, સર્વ આધારભૂત ગણાણારે ।।૪૯।।

ભીમસેન જુવે તતકાળરે, તેણે તો દીઠા નાનેરા બાળરે । વાધ્યો અંગમાં હર્ષ અપારરે, કરસાંકળ ઝાલી તે ઠારરે ।।૫૦।।

બોલ્યો ગર્વિષ્ઠ સુણો હે ભાઇરે, જુવો સાંકળ મેં કરસાઇરે । શેરબાર સર્જ્યુ ગંગામાંઇરે, ઘનશ્યામને નાખું છું ત્યાંઇરે ।।૫૧।।

ખેંચે જોર કરી મરે કુટીરે,પોતાનો તંગીયો ગયો તુટીરે । ઘનશ્યામ તસુ નથી ખસ્તારે, સર્વે લોક જુવે છે ત્યાં હસ્તારે ।।૫૨।।

ઘણો ક્રોધ ભરાયો ગમારરે, તેના બળનો આવ્યો છે પારરે । ખેચીં સાંકળ તેવીજ તુટીરે, ભીમના હાથમાંથી વછુટીરે ।।૫૩।।

પાછો ધક્કો લાગ્યો એકદમરે, દૂર જઇ પડયો સો કદમરે । હતું આંબલીનું વૃક્ષ એકરે, અથડાઇ પડયો ત્યાં વિશેકરે ।।૫૪।।

અંગભાંગ્યું વાગ્યું અતુલરે, મોઢામાં ભરાણી ઘણી ધુડરે । આવી મૂર્છાને પડયો છે ધરણીરે, કરી ભીમ સાથે એવી કરણીરે ।।૫૫।।

પામ્યા આશ્ચર્ય સર્વ મનરે, શ્રી હરિને જાણ્યા ભગવનરે । રાજા લાવ્યાતા પોશાગ જેહરે, આપ્યો ઘનશ્યામજીને તેહરે ।।૫૬।।

રહ્યા આકાશમારગે દેવરે, બ્રહ્માદિકે કરી ઘણી સેવરે । તે ગયા પોતપોતાને સ્થાનરે, એવી લીલા કરી ભગવાનરે ।।૫૭।।

રાજા પ્રજા મળી નરનાર્યરે, કર્યા શ્રીહરિને નમસ્કારરે । વિસ્મે પામ્યા થકા ગયા ઘેરરે, જય પામ્યા એણી પેરરે ।।૫૮।।

ગયો ભીમનો ગર્વ ઉતરીરે, આવી નમ્યો જ્યાં ઉભા છે હરિરે । કરી વંદના મસ્તક નામીરે, ઘણી ભુલ્ય કરી છે મેં સ્વામીરે ।।૫૯।।

માતપિતા આદિ ઘનશ્યામરે, પછે પધાર્યા પોતાને ઠામરે । આવી લીલા અપાર કરેછેરે, હરિજનનાં દુઃખ હરેછેરે ।।૬૦।।

ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે મલ્લનો પરાજય કર્યો એ નામે ઓગણત્રીસમો તરંગઃ ।। ૨૯ ।।