તરંગ - ૩૪ - શ્રીહરિએ કાલિનાગનો મોક્ષ કર્યો એ નામે ચોત્રીશમો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:01am

 

પૂર્વછાયો- ત્રવાડી મોતીરામને ત્યાં, આવ્યો વિવાહનો પ્રસંગ । ગાડાં જોડી સામાન લેવા, ચાલ્યા કરીને ઉમંગ ।।૧।।

જોખનને ઘનશ્યામજી, ધર્માદિ કેટલાક જન । સર્વેને લઇ મોતીત્રવાડી, નિકળિયા શુભ મન ।।૨।।

દેવી પાટણના મારગે, ગયાછે દુબરાગામ । રાત રહીને ચાલ્યા ત્યાંથી, ઉતરોલે શુભ ઠામ ।।૩।।

તેથી પશ્ચિમ દિશામાં, એક રૂડું ઉપવન । શાકબાટી ત્યાં બનાવીને, કરી લીધાં છે ભોજન ।।૪।।

પછે ગયા દેવી પાટણે, બગીચે કર્યો મુકામ । ત્રૈણ્ય દિવસ ત્યાં રહ્યા છે, લીધો સામાન તમામ ।।૫।।

ચોપાઇ- બટઘોડા લીધા છે ત્યાં ચાર, જોયે તે ચીજો લીધી અપાર । મોતીરામ કહે સુણો હીરા, સર્વે લેઇ જાઓ ઘરે વીરા ।।૬।।

અમે તરાઇ દેશમાં જૈશું, ચોખા લેઇને ઘેર આવીશું । હીરા ત્રવાડી સામાન લઇને, પોક્યા છુપૈયાપુરમાં જૈને ।।૭।।

ધર્મદેવ ને બન્ને કુમાર, મોતીરામ બીજા જનસાર । ગયા તરાઇ દેશમાં તેહ, ચોખા લીધા છે બે ગાડાં એહ ।।૮।।

ત્યાંથી પાછા વળીને સધાવ્યા, વચ્ચે બલ્લામપુરીમાં આવ્યા । કર્યો કંપુમાં ઉતારો આવી, રૂડી જગ્યા જોઇ મન ફાવી ।।૯।।

મોતીત્રવાડી ને ઘનશ્યામ, કરી મરજી જોવા તે ગામ । ચાલ્યા બન્ને તે સુંદરવાને, પેલા આવ્યા છે તે હાથીખાને ।।૧૦।।

તેમાં નવસો રહ્યા છે હાથી, બન્ને જોઇ વળ્યા છે સંગાથી । ત્યાં થકી આવ્યા છે રાજદ્વાર, જોયું દિવાનખાનું તે ઠાર ।।૧૧।।

પછે આવીયા બગીચામાંયે, જોયા સિંહાદિ જાન્વર ત્યાંયે । જોયા સર્વે ઠેકાણાં તેવારે, ત્યાંથી આવ્યા પોતાને ઉતારે ।।૧૨।।

આવીયો છે ત્યાં નારી ઠગારી, કામરુદેશમાંહી રેનારી । હતો રાજાનો દિવાન ત્યાંય, તેને જાદુ કર્યો ક્ષણમાંય ।।૧૩।।

પડયો પૃથ્વી ઉપર દિવાન, ભુલી ગયો છે દિલનું ભાન । તેને જોઇને મોતીત્રવાડી, નાઠા પ્રાણ લઇ દોટ કાડી ।।૧૪।।

જૈને ઉભા રહ્યા થોડા દૂર, ઘનશ્યામે તે જાણ્યું જરૂર । ચમત્કાર હું દેખાડું આજ, ત્યારે થાશે દિવાનનું કાજ ।।૧૫।।

પૈસા લેવાનું કર્યું છે કામ, પણ ખોડ ભુલાવું આ ઠામ । તે વિના એ સાજો નહિ કરે, વણમોતે આ દિવાન મરે ।।૧૬।।

એક આંબાનો વૃક્ષ છે પાસે, તેના સામું જોયું અવિનાશે । ધર્ણિ સહિત ધ્રુજવા લાગ્યો, જાણે ભાંગી પડયો છે કે ભાંગ્યો ।।૧૭।।

પછે બોલ્યા છે દેવ મોરારી, તમે સાંભળો નારી ઠગારી । જો દિવાનને સાજો કરશો, તો તો મૃત્યુ થકી ઉગરશો ।।૧૮।।

નૈતો આંબાની દશા છે જેવી, તેના ભેગી તમારી છે એવી । સ્ત્રીયોયે તેહ વિચાર્યું કાજ, મળ્યો સગ્દુરુ માથાનો આજ ।।૧૯।।

આપણાથી ઘણું એનું જોર, દીસે બાલકડો જાદુખોર । સાજો કર્યો દિવાનને ત્યાંયે, શીશ નામ્યાં પ્રભુ પદમાંયે ।।૨૦।।

બોલ્યો દિવાનજી ઉભો થૈને, કર જોડીને સન્મુખ રૈને । તમે કોણ અને ક્યાંથકી આવ્યા, મારા તો આજ પ્રાણ બચાવ્યા ।।૨૧।।

ધર્મે વાત કરી છે વિસ્તારી, ત્યારે બોલ્યો દિવાન વિચારી । મારા ઇષ્ટદેવ રઘુવીર, પોતે છે આ ઘનશ્યામ ધીર ।।૨૨।।

એવો નિશ્ચે કર્યો તેણીવાર, આપ્યાં વસ્ત્ર આદિ અલંકાર । પ્રભુયે દેખાડયો છે પ્રતાપ, ત્યાંથી ચાલી નિકળ્યા છે આપ ।।૨૩।।

ધર્મઆદિક સર્વે કેવાય, તેણે સહિત એ ચાલ્યા જાય । આવ્યા તે લોહસીસાઇ ગામ, મામા ઘેલાત્રવાડી ત્યાં નામ ।।૨૪।।

તેને ઘેર રહ્યા એક રાત, બીજે દિવસે ચાલ્યા પ્રભાત । આવ્યા છુપૈયાપુર મોઝાર, થયાં રાજી સહુ નરનાર્ય ।।૨૫।।

પછે ખેડુયે છોડયું છે ગાડું, એમાં વિઘ્ન થયું એક આડું । જેનું લગ્ન લીધું છે હુલાસ, એજ આવ્યો બળદની પાસ ।।૨૬।।

બળદે ચક્ષુમાં માર્યું શૃંગ, એક નેત્ર કરી નાખ્યું ભંગ । નેત્ર નિકળી પડયું છે બાર, ચાલી રૂધિરની તેમાં ધાર ।।૨૭।।

તે દેખી સર્વે થયાં ઉદાસ, ભાઇ આ શું થયું અવિનાશ । ત્યારે બોલી ઉઠયા ઘનશ્યામ, મામા હું કહું તે કરો કામ ।।૨૮।।

ઘડીવાર એને પાટો બાંધો, મટી જાશે રહે નહીં વાંધો । શ્રી મુખે બોલ્યા છે અવિનાશ, મામાને આવ્યો છે વિશ્વાસ ।।૨૯।।

કહ્યું તેમ કર્યું નિરધાર, નેત્ર નવીન થયું તેવાર । દેખી પ્રભુની આ પ્રભુતાઇ, સર્વેના મનમાં છે નવાઇ ।।૩૦।।

સુર્જા મામી સંદેહ રહિત, જમાડયા ઘનશ્યામ સહિત । એમ આનંદમાં દિન જાય, શ્રીહરિ કરે નિત્ય સહાય ।।૩૧।।

વળી વેણી માધવ પ્રયાગ, સખા સાથે લેઇને સુહાગ । છુપૈયામાં ખેલે ઠામો ઠામ, રમે રમત શ્રીઘનશ્યામ ।।૩૨।।

એવા રમતા થકા એ પેર, આવ્યા સુરજા મામીને ઘેર । સંતાઇ જવાની રમે રમત, કરે મનગમતી ગમત ।।૩૩।।

ઘણી લીલા કરી તેહ ઠામ, પછે ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ । મોતીમામાનું ખેતર જ્યાંયે, ગયા સર્વે સખા લેઇ ત્યાંયે ।।૩૪।।

ફરેછે ત્યાં શેલડીનો કોળ, ગોવિંદને જમવો છે ગોળ । ગોળ શેલડીયો બહુ જમ્યા, લીલા ચણા જમીને ત્યાં રમ્યા ।।૩૫।।

સખા સર્વેને મન ગમે છે, કેરાવના દાણા તે જમે છે । તેના છોડ ઉપાડીને ધારે, એક બીજાને તે ફટકારે ।।૩૬।।

સખા સંગાથે છે સાનુકુળ, નાખે સામસામા વળી ધુળ । નાચે કુદે ને ઠેકડા ભરે, એમ છુપૈયા પાછળ ફરે ।।૩૭।।

પેર્યાં સુંદર ઝાંઝર પાય, તેના શબ્દ અલૌકિક થાય । સખા સહિત ત્યાંથી સધાવ્યા, પાછા મીન સરોવરે આવ્યા ।।૩૮।।

મધુવૃક્ષ હેઠે મહારાજ, આવી ઉભા છે સખા સમાજ । તે તરુમાંથી ત્યાં તતકાળ, મોટો નિકળ્યો છે એક વ્યાલ ।।૩૯।।

ડંસ કરવા આવ્યો નઠોર, ક્રોધી વિરોધી જાત કઠોર । કરી અમૃતદૃષ્ટિ શ્રીહરિ, તેના સામું જોયું દયા કરી ।।૪૦।।

ગતિ વિનાને થયું છે જ્ઞાન, બોલ્યો પ્રભુજીને દેઇ માન । જય કેશવ પર્મ કૃપાળુ, દીનબંધુ તમે છો દયાળુ ।।૪૧।।

પુરૂષોત્તમજી પરબ્રહ્મ, અક્ષરાધિપતિ તમે પર્મ । નારાયણ છો નિરવિકારી, અવતાર કેરા અવતારી ।।૪૨।।

ભવ બ્રહ્માદિના છો આધાર, સર્વેના નિયંતા નિરધાર । હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, તમે પ્રગટયા છો આણે ઠામ ।।૪૩।।

છુપૈયાપુર કર્યું પાવન, ધર્મ ભક્તિથકી ધર્યું તન । હે હરિ હવે સંકટ હરો, આત્યંતિક મોક્ષ મારો કરો ।।૪૪।।

સખા સર્વે ઉભા છે આઠાર, અક્ષરમુક્ત છે અવતાર । ધન્ય છુપૈયાપુરની ધરણી, ધન્ય આંહિના પ્રાણીની કરણી ।।૪૫।।

વન વેલી લતાયો ને વૃક્ષ, તેનાં ભાગ્ય મોટાં છે પ્રત્યક્ષ । કૃપા કરી છે અશરણશરણ, આ પૃથ્વી પર કર્યું વિચરણ ।।૪૬।।

થશે ઘણા જીવનો ઉદ્ધાર, એમાં સંશય નથી લગાર । આ ભૂમિકામાં કોઇ મરશે, તે અક્ષરમાં જઇ ઠરશે ।।૪૭।।

કાલીંદ્રિના ધરામાં હું રેતો, ઘણા કાળથી દુઃખ સહેતો । તોય તવ પ્રતાપ ન જાણ્યો, જેવો છે તેવો મેં ન પ્રમાણ્યો ।।૪૮।।

તેદિ તમારા સામો હું થયો, એનો એ ભાવ હજુયે રહ્યો । તેથી સામો થયો છું હું આજ, હવે ક્ષમા કરો મહારાજ ।।૪૯।।

પોતાનો કરી સેવામાં થાપો, પ્રભુજી અભયપદ આપો । સુણી પ્રાર્થના સુખકારી, તે પર કૃપા કરી મોરારી ।।૫૦।।

એને સર્પનો દેહ છોડાવ્યો, માયાબંધન પાશ તોડાવ્યો । ચતુર્ભુજ ધરાવ્યું છે રૂપ, નિર્મલ નિર્વિકાર અનૂપ ।।૫૧।।

ક્ષણ માત્ર થયો છે સંસર્ગ, તેમાં પામી ગયો અપવર્ગ । એવા ભૂધરજી ભક્તાધીન, નિત્ય લીલાઓ કરે નવીન ।।૫૨।।

ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ કાલિનાગનો મોક્ષ કર્યો એ નામે ચોત્રીશમો તરંગ ।।૩૪।।