પૂર્વછાયો- શ્રીહરિયે અભ્યાસ કર્યો, અવધપુર મોઝાર । શેરમાં સદકીર્તિ ચાલી, વખાણે છે નરનાર્ય ।।૧।।
નિગમ નિજલોકે રહ્યા, કરે છે મન વિચાર । મહાપ્રભુજી વિદ્યા ભણ્યા, શુભમતિ વેદચાર ।।૨।।
તે વેદ તો આપણ છૈયે, માટે ચાલો પ્રભુ પાસ । ભાવથી દર્શન કરીએ, આશ પુરે અવિનાશ ।।૩।।
એવું વિચારી વેદ ચાર, આવ્યા અયોધ્યામાંયે । બ્રહટાશાખા નગરમાં, ધર્મનું દ્વાર છે જ્યાંયે ।।૪।।
વિપ્રવેશ કરીને આવ્યા, બેઠા છે જ્યાં બલવન । ચંદન પુષ્પવડે કર્યું, પ્રાણપતિનું પૂજન ।।૫।।
ચોપાઇ - ચારે વેદોએ પૂજન કીધું, સુખ દર્શનનું ઘણું લીધું । વેદેસહિત વિશ્વઆધાર, કર્યાં ભોજન નાનાપ્રકાર ।।૬।।
નીંબવૃક્ષ હેઠે શુભમન, ચોતરા પર કર્યાં આસન । કર્યું તે સ્થળે સર્વે શયન, પૂર્ણબ્રહ્મ સનાતન ધન્ય ।।૭।।
બીજે દિવસે પ્રાતઃકાલ, વેલા ઉઠયા ભક્ત પ્રતિ-પાલ । પિતા સહિત શ્રીભગવાન, સર્જુયે ગયા કરવા સ્નાન ।।૮।।
વેદેસહિત કર્યું મજ્જન, રામઘાટમાં પુન્યપાવન । પછે હનુમાનગઢી ગયા, દર્શન કરી પ્રસન્ન થયા ।।૯।।
બેઠો છે ત્યાં પંડિત પવિત્ર, વાંચે વાલ્મિકી રામ ચરિત્ર । કરે સમ વિષમ ઉચાર, તારે બોલ્યા છે ધર્મકુમાર ।।૧૦।।
સુણો પંડિતજી સદબુદ્ધ, કેમ બોલો છો વાણી અશુદ્ધ । એવું કહીને પ્રકમા ફરેછે, મારુતિને પ્રસન્ન કરે છે ।।૧૧।।
કહે પંડિત અવજ્ઞા કરી, તમે શાસ્ત્રમાં શું જાણો જરી । તે સમે વેદ આવ્યા છે સાથ, બોલ્યા અથર્વવેદ સનાથ ।।૧૨।।
આવો ગર્વિષ્ઠ તું નહિ સારો, અભિમાનથી શબ્દ ઉચારો । વિપ્ર ગર્વમાં તણાઇ ગયો, પોતાના કર્મેથી અંધ થયો ।।૧૩।।
પછે મારુતિ પ્રત્યક્ષ આવી, કરે છે શ્યામની પૂજા ભાવી । ચાર નિગમ આવ્યા છે સાથ, તેની પૂજા કરી ત્યાં સનાથ ।।૧૪।।
તારે પૂજારી કે શીર નામી, તમે કેની પૂજા કરી સ્વામી । વળતા બોલ્યા શ્રીહનુમાન, આવ્યા છે આ સ્વયં ભગવાન ।।૧૫।।
ચતુર્વેદને લાવ્યા છે સંગે, એમની પૂજા કરી ઉમંગે । એવું વચન સુણીને ક્ષિપ્ર, આવ્યો અંધ થયો છે જે વિપ્ર ।।૧૬।।
કહે બ્રાહ્મણ સંકટ હરો, મારો અપરાધ ક્ષમા કરો । વેદ વદે વિમળ વચન, આ પ્રભુનું કરજ્યો ભજન ।।૧૭।।
તેથી સર્વે વાતે સારૂં થશે, મોટા સંકટ તે ટળી જશે । વેદ બોલ્યા છે એમ વિચારી, રજા માગીને કરી તૈયારી ।।૧૮।।
નમ્રતાથી કર્યો નમસ્કાર, આજ્ઞા કરે છે શ્રીભરતાર । આવજ્યો સતસંગ મોઝાર, કરીશું તમ માટે વિચાર ।।૧૯।।
સચ્ચિદાનંદ ઉત્તમાનંદ, એવાં નામો આપીશું આનંદ । ત્યાં રાખશું સમીપ અમારે, નથી આવ્રણ કોઇ તમારે ।।૨૦।।
એમ આજ્ઞા પામીને તે ગયા, ચારે વેદ તે અદૃશ થયા । ધર્મે જોયું તે ભ્રાંતિરહિત, ઘેર આવ્યા છે પુત્ર સહિત ।।૨૧।।
વિસ્તારીને તે સર્વે વિગત, મોટા ભાઇને કહી તે સત । એવી લીલા કરે વારમવાર, હરવા ભૂમિતણો સહુ ભાર ।।૨૨।।
વળી અવધપુરી મોઝાર, આવી એકાદશી એકવાર । સર્જ્યુગંગામાં કરવા સ્નાન, ધર્મદેવ ગયા બુદ્ધિવાન ।।૨૩।।
સાથે લીધા છે બન્ને કુમાર, આવ્યા ગંગા કિનારે તે વાર । વસ્ત્ર મુક્યાં છે ત્યાં વિપ્ર પાસ, કર્યાં સ્નાન કરીને હુલ્લાસ ।।૨૪।।
ત્યારે ગંગાજી પ્રત્યક્ષ આવ્યાં, મૂર્તિમાન થઇ પૂજા લાવ્યાં । કર્યો કંકુનો ચાંદલો સાર, કંઠે પેરાવ્યા પુષ્પના હાર ।।૨૫।।
થયા પ્રસન્ન દેવદેવેશ, ગંગાયે કર્યો જલ પ્રવેશ । નરનારી કરે છે વિચાર, પામે લોક આશ્ચર્ય અપાર ।।૨૬।।
ત્યાંથી ચાલ્યા છે અક્ષરપતિ, કરી કનકભુવને ગતિ । હનુમાનગઢી જન્મસ્થાન, કર્યાં દર્શન સઘળે સ્થાન ।।૨૭।।
ધર્મ જોખન પ્રભુ પાવન, ત્યાંથી આવ્યા છે નિજસદન । ધર્મ સહિત બન્ને કુમાર, ભેગા બેસી કર્યાં ફળાહાર ।।૨૮।।
વળી એક સમે ભગવાન, થયા તૈયાર કર્યું છે સ્નાન । નિત્યવિધિ કરીને અનૂપ, પૂજ્યું પોતે પોતાનું સ્વરૂપ ।।૨૯।।
નિજ ઘર ઓશરીને સ્થાન, બેઠા ધરે લાલજીનું ધ્યાન । મોટાભાઇને આવ્યું છે હાસ, ગયા ઘરમાં કર્તા વિલાસ ।।૩૦।।
આવ્યાં સુવાસિનીબાઇ બાર્ય, ત્યાં તો દેવ આવ્યા નિરધાર । ધનદ વળી વરુણદેવ, આવ્યા જ્યાં રહ્યા છે વાસુદેવ ।।૩૧।।
પૂજાયો કરી પૂર્ણ પ્યારે, ઉમંગથી આરતી ઉતારે । એવું દેખી સુવાસિનીબાઇ, બોલ્યાં આશ્ચર્ય આ શી નવાઇ ।।૩૨।।
આવ્યા છે કોણ આ બેઉ જોડ, એમાં દિશે નહિ કાંઇ ખોડ । મૂરતિમાતાયે સુણ્યું તરત, આવ્યાં બારણે ઉઠીને તરત ।।૩૩।।
ઇચ્છારામજી ઉત્સંગમાંયે, તેણે સહિત આવ્યાં છે ત્યાંયે । ત્યારે અદૃશ થયા તે દેવ, જોયું ચરિત્ર અવશ્યમેવ ।।૩૪।।
પ્રેમવતી ને પોતે ભોજાઇ, કરે વિચાર આ શું વડાઇ । અહો અહો નિરંતર રેછે, ઘનશ્યામના ગુણ કહે છે ।।૩૫।।
વળી એકસમે અહિનાથ, ઘનશ્યામને લેઇ સંગાથ । ગયા દર્શન કરવા કાજ, જન્મસ્થાનક ગઢીયે આજ ।।૩૬।।
હનુમાનગઢીમાં પવિત્ર, ચાલે અધ્યાત્મ રામચરિત્ર । દરશન કરીને ત્યાં શ્યામ, બેઠા કથા સુણવા તે ઠામ ।।૩૭।।
મોટાભાઇ કે ચાલો જીવન, મંદિરોમાં કરીયે દર્શન । પછે આવીને બેસોજી પ્રીતે, કથા સાંભળજો રૂડી રીતે ।।૩૮।।
દ્વાદશીનાં છે પારણાં ખ્યાત, ઘેર્ય વાટ જોતાં હશે માત । ત્યારે બોલ્યા છે ભૂધરભ્રાતા, સુણો ભાઇ તમે સુખદાતા ।।૩૯।।
ઉતાવળ હોય તો જોખન, ઘેર જૈને કરી લ્યો ભોજન । કથા ચાલે છે નિર્ગુણ સારી, વાત વૈરાગીની અવિકારી ।।૪૦।।
કથા સુણી દર્શન કરીશું, ત્યારે ઘેર પગલાં ભરીશું । મોટાભાઇ તો તૈયાર થયા, જન્મસ્થાનક મંદિરે ગયા ।।૪૧।।
રૂડું મંદિરમાં સિંહાસન, બેઠા રામલક્ષ્મણ પાવન । સિંહાસન પર દેવ પાસ, દેખ્યા ઘનશ્યામ અવિનાશ ।।૪૨।।
વસ્ત્ર ઘરેણાં અંગે અનૂપ, જોયા ભાઇને બાલસ્વરૂપ । એવાં અલૌકિક દર્શન, પામ્યા વડીલ બંધુ જોખન ।।૪૩।।
પામતા થકા આશ્ચર્ય મન, ત્યાંથી ગયા કનકભોવન । પેલાં દર્શન થયાં છે જેવાં, પામ્યા ત્યાં પણ એવાં ને એવાં ।।૪૪।।
જે જે મંદિરે ગયા જોખન, તે તે ઠેકાણે જોયા જીવન । ઉતાવળા તે ત્યાંથી સધાવ્યા, પાછા હનુમાનગઢી આવ્યા ।।૪૫।।
ઘનશ્યામને ત્યાં પણ નિર્ખ્યા, નિજ રુદયમાં ઘણું હર્ખ્યા । એવું ઐશ્વર્ય જોયું તે ઠામ, પછે આવ્યા છે પોતાને ધામ ।।૪૬।।
ઘર કેરી ઓસરી છે જ્યાંય, દિઠા શ્રીહરિને વળી ત્યાંય । વાત કરે છે પિતાની સાથ, એવા સમર્થ છે દીનાનાથ ।।૪૭।।
એમ કરતાં આવ્યા નજીક, પુછે મનમાં વિચારી ઠીક । વાટ જોતાં આવ્યા અમો, ક્યારના ઘેર આવ્યા છો તમો ।।૪૮।।
બોલ્યા દામોદર દીનબંધુ, સુણો અનંત સદગુણ- સિંધુ । અમે સઘળે કર્યાં દર્શન, ક્યારના આવ્યા છૈયે ભુવન ।।૪૯।।
રામકથા જે મેં સુણી લીધી, વિસ્તારીને તે દાદાને કીધી । કદી જુઠું કેતાં હૈયે અમો, નક્કી દાદાને પુછી લ્યો તમો ।।૫૦।।
ભક્તિધર્મને કહ્યું વિસ્તારી, ઘનશ્યામની છે ગતી ન્યારી । પ્રભુનો પાર નથી પમાતો, અતિ અદ્બુત પ્રાક્રમ આતો ।।૫૧।।
ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે અયોધ્યાપુરીમાં કુબેરભંડારી ને વરુણદેવે શ્રીહરિની પૂજા કરી એ નામે ઓગણચાલીશમો તરંગ ।।૩૯।।