પૂર્વછાયો- ગામ ગુંડામાં કુંજગલિ, ત્યાં મહાપ્રભુ રહ્યા રાત । ત્યાર પછી શું કામ થયું, વિસ્તારી કહું તે વાત ।।૧।।
સંધ્યા સમો થયો તે સ્થળે, મંદિરમાં તેણી વાર । શ્રીહરિ સાથે ધર્મ આવ્યા, ઠાકોરજીને દ્વાર ।।૨।।
હરિમૂર્તિ સિંહાસનમાં, શોભી રહી છે અનુપ । સન્મુખ આવી ઉભી રહી, તેહ મૂર્તિ તદ્રૂપ ।।૩।।
પોતે જાણ્યું મુજ નિયંતા, મહાપ્રભુ સુખધામ । જોઇ અતિ આનંદ પામી, હેઠે આવી કર્યો વિશ્રામ ।।૪।।
ચોપાઇ- તે મૂર્તિયે કર્યો નમસ્કાર, પેરાવ્યો એક પુષ્પનો હાર । પાછી જઇ ઉભી સિંહાસન, જુવે પ્રત્યક્ષ હજારો જન ।।૫।।
એવું અદ્બુત ચરિત્ર જોઇ, પૂજારી રહ્યો છે મનમોઇ । રામદાસ કરે છે વિચાર, થયો ચરિત્રમાં તદાકાર ।।૬।।
ઘણા વર્ષથી સેવા કરું છું, એક ચિત્તેથી ધ્યાન ધરું છું । તોયે દુરલભ છે દર્શન, આજે કોને થયા છે પ્રસન્ન ।।૭।।
સર્વે સમજી ગયા તે ઠામ, પ્રભુના પ્રભુ છે ઘનશ્યામ । એવું ધારી સહુ નરનારી, કરી સ્તુતિ જાય બલહારી ।।૮।।
પછે આંબાની વાત સંભારી, રાજા ગુમાનસિંહે ઉચ્ચારી । ભગવદી કુંવરબા રાણી, ચંદુસિંહે હકીકત જાણી ।।૯।।
તેણે ધર્મને તરત તેડાવ્યા, પુત્ર સહિત પ્રેમે બોલાવ્યા। આપ્યું આસન સુંદર સાર, કોડે કોડે કર્યો સતકાર ।।૧૦।।
આંબા નીચે દબાણા જે દુત, તેની રક્ષા કરી અદ્બુત । એવા કીયા તમારા છે તન, કરવાં છે અમારે દર્શન ।।૧૧।।
તારે શિર પર મુક્યો હાથ, બતાવ્યા છે મુનિવર નાથ । શ્રીજીને દેખ્યા બાળ સ્વરૂપ, ઘણો વિસ્મય પામી ગયો ભૂપ ।।૧૨।।
રખેને રામચંદ્રજી હોય, એની કળા જાણે નહિ કોય । હોય જો રામચંદ્ર અભિન્ન, ચરણ બેમાં જોયે સોળે ચિહ્ન ।।૧૩।।
પ્રભુને તો પડે નહિ છાંય, અતિ કોમળ અંગ દેખાય । વળી આજાનબાહુ વિશાળ, હોય તો ખરા દીનદયાળ ।।૧૪।।
પછે તો રાજા ચોકમાં આવ્યા, શ્રીહરિને ત્યાં પાસે બોલાવ્યા । પ્રભુ આવી ઉભા સનમુખ, છાયા દેખી નહિ થયું સુખ ।।૧૫।।
ચરણમાં જોયાં છે સોળ ચિહ્ન, નિર્ખિ નિર્ખિ થયો તદલીન । ત્યારે રાજાને નિશ્ચય થયો, એના મનનો સંશય ગયો ।।૧૬।।
નમી પડયો કુટુંબ સહિત, થયું છે બહુ લોકને હિત । સત્ય માન્યું જાણ્યા ભગવન, કરે મધુરી વાણી સ્તવન ।।૧૭।।
કુળે સહિત આશ્રિત થયો, કાંઇ સંદેહ તેને ન રહ્યો । પછે મન કરીને ઉમંગ, ઢળાવ્યો એક રુડો પલંગ ।।૧૮।।
ગાદી તકીયા રુડા બિછાવ્યા, ધર્મસહિત ત્યાં પધરાવ્યા । ટોપી સુરવાલ ને ડગલી, આપી છે ભરગજીની ભલી ।।૧૯।।
સાચા મોતીની માળા પેરાવી, વળી હેમની કંઠી ધરાવી । કર્યું પૂજન નાના પ્રકાર, પછે પેરાવ્યા પુષ્પના હાર ।।૨૦।।
અતિ ઉમંગે આરતી કીધી, મૂર્તિ મનમાં ધરી લીધી । રજા માગીને આવ્યા ઉતારે, ધર્મસહિત સર્વે વિચારે ।।૨૧।।
બીજે દિવસે વેલી સવાર, ભર્યો સામાન ગાડાં મોઝાર । ધર્મસહિત શ્રીઘનશ્યામ, આવી ઉભા રહ્યા તર ગામ ।।૨૨।।
વિવેકી બળદેવપ્રસાદ, કરે વાત તજીને પ્રમાદ । ઘેલા ત્રવાડી વળી સુબોધ, નવલકિશોર અવિરોધ ।।૨૩।।
એ આદિ સર્વને કરી વાત, વિસ્તારી છે પ્રભુતા વિખ્યાત । વાત સુણીને આનંદ પામ્યાં, માતાજી સંકટ સહુ વામ્યાં ।।૨૪।।
એક સમે શ્રીધર્મે વિચાર્યું, ભાગીરથીએ જાવાનું ધાર્યું । ઘેલા ત્રવાડી મેડઇરામ, વસંતાબાઇ ચંદન નામ ।।૨૫।।
ભક્તિમાતા ને રામપ્રતાપ, ઘનશ્યામ ઇચ્છારામ આપ । એ આદિ સહુ તૈયાર થાય, ગંગાજીના મેળા પર જાય ।।૨૬।।
પછે ચાલ્યા ત્યાંથી રુડી પેર, આવ્યા જ્યાં રહ્યું છે ગુંડાશેર । ત્યાંથી બહરામ ઘાટે ગયા, સર્જ્યુ ઉતરી ચાલતા થયા ।।૨૭।।
આવ્યા લખનૌ શેરની માંયે, ગોમતી નદીનો ત્રટ જ્યાંયે । પડી નિશા રવિ થયા અસ્ત, સરિતા તીરે રહ્યા સમસ્ત ।।૨૮।।
એક દિવસ રહીને ચાલ્યા, કાનપુરમાં આવીને મળ્યા । કર્યું ભાગીરથીવિષે સ્નાન, પાંચ દિવસ રહ્યા તેહ સ્થાન ।।૨૯।।
ભાવ કરીને સજ્જન મળ્યા, કરી તીરથ પાછા વળ્યા । બંકી નવાબગંજમાં રૈને, બીજે દિવસે ચાલ્યા ત્યાં થૈને ।।૩૦।।
નાનાભાઇ જેછે ઇચ્છારામ, વસંતાબાઇયે તેડયા તેઠામ । તે જોઇ બોલ્યા ભૂધરભ્રાત, ચંદામાશી સુણો એક વાત ।।૩૧।।
વસંતાયે તેડયા ઇચ્છારામ, તમે મુને તેડો ગુણગ્રામ । પ્રેમવતીજી બોલ્યાં છે ત્યારે, સુણો સુંદર શ્યામ આવારે ।।૩૨।।
તમારે વિષે છે બહુ ભાર, તેડીને ન ચલાય લગાર । ત્યારે બોલ્યા ત્રિભુવનરાય, ઇચ્છારામ તેડયા કેમ જાય ।।૩૩।।
સુણો માતા કહે રહો છાના, ઇચ્છારામ તો છે હજુ નાના । વસંતાબાઇ આગલ્ય થાય, નાનાભાઇને તેડી ચાલ્યાં જાય ।।૩૪।।
ત્યારે ઇચ્છા કરી કરતાર, નાના ભાઇમાં વધી ગયો ભાર । વસંતાબાયે ઉતાર્યા નીચે, મુક્યા સર્વ મનુષ્યના વચે ।।૩૫।।
ભક્તિ માતાજી કહે છે એમ, ભાઇને હેઠે મુક્યા તે કેમ । વસંતાબા કહે સુણો બેન, કાંઇ પડતું નથી આ ચેન ।।૩૬।।
આતો ભાર અતુલ જણાય, મારાથી તો તેડયા નવ જાય । પ્રેમવતીજી કહે છે આમ, એતો ઘનશ્યામનું છે કામ ।।૩૭।।
કૃષ્ણ મુકે નહિં હવે કેડો, માટે બેન તમે એને તેડો । ઇચ્છારામને તેડે ચંદન, ત્યારે માનશે એમનું મન ।।૩૮।।
ચંદનાયે તેડયા નાનાભાઇ, કેછે ભાર નથી આતો કાંઇ । હરિનું ધાર્યું ન કર્યું હોત, તો તો માલમ સર્વે પડોત ।।૩૯।।
એમ કરતાં અયોધ્યા આવ્યું, સર્વેના મનમાં ઘણું ફાવ્યું । શાખા નગ્ર બ્રહટા બજાર, આવ્યાં ધર્મભક્તિ નિજ દ્વાર ।।૪૦।।
કર્યો છે ઉતારો ઘરમાંયે, પાંચ દિવસ રહ્યા છે ત્યાંયે । કર્યાં સર્વે મંદિરે દર્શન, તરગામે આવ્યા તે સદન ।।૪૧।।
પછે બુદ્ધિશાળી બલદેવ, વળી વિવેકી છે ધર્મદેવ । પોતાની શક્તિ પ્રમાણે રીત, જમાડયા બ્રાહ્મણ ઘણી પ્રીત ।।૪૨।।
કુટુંબીને જમાડયા રમાડયા, જનને ત્યાં આનંદ પમાડયા । પાછું લાલને જનોઇ દીધું, વેદવિધિયે વિધાન કીધું ।।૪૩।।
વળી તેને બીજે દિન ધર્મ, જમાડે છે કુટુંબી પર્મ । જમતામાં નિશા થવા આવી, રસોઇ ખુટી વાત જણાવી ।।૪૪।।
ધર્મના સાઢુ બલદીધર, તેમણે આવી કહ્યું તત્પર । પાક ખુટે એવું મુને લાગે, માટે આપણે ચેતવું આગે ।।૪૫।।
વૃષ કહે પ્રભુને સંભારો, કાંઇ ફિકર મન ન ધારો । ત્યાં થકી ઉઠીને આવ્યા તરત, કરે છે પાકશાળામાં સરત ।।૪૬।।
ત્યાંતો જમતા જોયા જીવન, હરિપ્રસાદ વિચારે મન । પ્રથમ હરિ જમી રહ્યા છે, માદેવીસરે નાવા ગયા છે ।।૪૭।।
એટલામાં કયાંથી આવે આંઇ, મુને લાગે છે આતો નવાઇ । એવું વિચારે છે મનસાથ, સખાસાથે આવ્યા યોગીનાથ ।।૪૮।।
પાકશાળામાં જેછે સ્વરૂપ, થયા અંતર્ધાન અનુપ । મહાઅદ્બુત ઐશ્વર્ય જોયું, ધર્મદેવતણું મન મોયું ।।૪૯।।
બલદીધરને કેછે પ્રીતે, હવે જમાડજ્યો રુડી રીતે । નહીં ખુટે આ પાક તમારો, એવો નિશ્ચે થયો છે અમારો ।।૫૦।।
ભલે જમાડો હજારો જન, હવે ચિંતા નથી કાંઇ મન । પછે જમી રહ્યા સહુ લોક, જુવે પાકશાળામાં અશોક ।।૫૧।।
પાક વધી પડયો છે ત્યાં જેહ, નાખ્યો તળાવમાં લેઇ તેહ । મીન સાગર આદિક જંત, તેહને ખવરાવ્યો અત્યંત ।।૫૨।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે આંબાહેઠેથી શ્રીહરિયે રાજાના અનુચરને ઉગારી લીધા એ નામે બેતાલીશમો તરંગઃ ।।૪૨।।