તરંગ - ૪૩ - શ્રી હરિયે બલ્લામપઢરીમાં બાદશાહને ચમત્કાર દેખાડયો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:09am

 

પૂર્વછાયો- ત્યાર પછી દિન કેટલે, કર્યું છે એક ચરિત્ર । રામશરણજી સાંભળો, પાવન પૂન્ય પવિત્ર ।।૧।।

એકસમે શ્રીશ્યામ સાથે, મોટાભાઇ જોખન । ઘેલા નવલ કિશોરને, જનકરામ પાવન ।।૨।।

એ આદિ જન કેટલા, તેણે ઉર કર્યો ઉછાવ । શિવરાત્રિને દિન ચાલ્યા, મહાદેવિયે તળાવ ।।૩।।

૧બોધીનો એક વૃક્ષ મોટો, ચોતરો છે ત્યાં વિશાળ । વસ્ત્ર ઉતારી મુક્યાં સર્વે, તે જગાયે તત્કાળ ।।૪।।

ચોપાઇ- શૌચવિધિ કરીને તે આવ્યા, પેઠા તળાવમાં સહુ નાવા । સ્નાન કર્યું તેમાં ઘણીવાર, પછે નિકળ્યા જળથી બાર ।।૫।।

ગંગાધરને ચઢાવા જળ, કર લોટા ભર્યા છે વિમલ । બીજા સર્વે ગયા છે અગાડી, ઘનશ્યામ રહ્યા છે પછાડી ।।૬।।

જેવા દેવળમાં જઇ પેઠા, ૨ત્રિપુરાંતકને નવ્ય દીઠા । થયા ૩પિનાકી મારૂતીરૂપ, સર્વે જોઇ રહ્યા છે અનૂપ ।।૭।।

કરે વિચાર ભૂલ્યા શું ભાન, કયાંથી આવી ઉભા હનુમાન । ચિત્તડામાં લાગી છે ચટકી, બધા ઉભા રહ્યા ત્યાં અટકી ।।૮।।

કૃષ્ણ કે કેમ ઉભા રહ્યા છો, શું ભાળી ચિંતાતુર થયા છો । જળ ચઢાવીને તમો ચાલો, અમને જાવા મારગ આલો ।।૯।।

તારે સર્વે બોલ્યા છે વચન, અહીં આવોને જક્તજીવન । તમે જુવો ત્રિભુવનપતિ, આતો ઉભા રહ્યા છે મારુતી ।।૧૦।।

એવું સુણી બોલ્યા મહારાજ, તમે પેલેથી ભુલ્યા છો કાજ । અમને મુકી આગળ્ય આવ્યા, માટે શંભુને તમે રિસાવ્યા ।।૧૧।।

એમ કહીને આગળ થયા, બીજા સર્વે કેડે ઉભા રહ્યા । દીધાં પિનાકીયે દરશન, સહુનાં દિલ થયાં પ્રસન્ન ।।૧૨।।

શિવજીને તે જળ ચડાવ્યું, પ્રેમ કરીને શીષ નમાવ્યું । શ્રીહરિને કરે છે પ્રણામ, બોલ્યા મસ્તક નામી તમામ ।।૧૩।।

સ્વામીજી સુણો સુખના રાશી, આતો તમે કર્યું અવિનાશી । મહાપ્રભુના ચરણ વંદ્યા, હાસ્ય કરીને અતિ આનંદ્યા ।।૧૪।।

વળી બીજી કહું વાત એક, સુણતાં ટળે તાપ અનેક । ધર્મદેવતણા સાઢુ જેહ, નામ છે બલદીધર તેહ ।।૧૫।।

તેના ભાઇ મોરલી ગંગાધર, તે બે જણા રાજાના નોકર । આવ્યા લશ્કરસાથે ફરતા, ઘણા દિનથી નોકરી કરતા ।।૧૬।।

બલ્લામપઢરી જેછે ગામ, ત્યાં કર્યો છે નવાબે મુકામ । તેને મળવા જાવું નિર્ધાર, બલદીધર કરે વિચાર ।।૧૭।।

માણેકધર પુત્ર છે જેહ, તેને સાથે લઇ ચાલ્યા એહ । આવ્યા બલ્લામપઢરી ગામ, પોતાના ભાઇનાં પુછયાં નામ ।।૧૮।।

ધર્મદેવ રહ્યા તરગામ, તેમણે વાત જાણી એ ઠામ । રામપ્રતાપ ને યોગીનાથ, ઘેલા ત્રવાડીને લીધા સાથ ।।૧૯।।

આવ્યા બલ્લામપઢરી સાર, ધર્મ સહિત બન્ને કુમાર । સૈન્ય બડકાબગીચામાંયે, ધર્મદેવ પુછે આવી ત્યાંયે ।।૨૦।।

ગુરુબકસ કાયથ એક, ચોકીમાં બેઠા છે તે વિશેક । તેના પાસે આવી કહે ધર્મ, ભાઇ મુને કહો અનુકર્મ ।।૨૧।।

મોરલી ગંગાધર બે નામ, બેનું લછમનપુર ગામ । બેઉ ભાઇ છે બ્રાહ્મણજાત, આ લશ્કરમાં નોકરીયાત ।।૨૨।।

એવું સુણી બોલ્યા છે કાયથ, હું બતાવું ચાલો મારી સાથ । થયો આગળ કાયથ એવ, તેની કેડે ચાલ્યા ધર્મદેવ ।।૨૩।।

એક પીપળાનો આવ્યો વૃક્ષ, તે સ્થળે રોપ્યો તંબુ પ્રત્યક્ષ । તેની આજુબાજુમાંયે ભ્રષ્ટ, કરે છે જીવની હિંસા દુષ્ટ ।।૨૪।।

હરિપ્રસાદે તે દેખ્યું દ્રષ્ટિ, દયા આવી થઇ મન કષ્ટી । જોયું સુતસામું તત્કાળ, દિલ સમઝી ગયા દયાળ ।।૨૫।।

પામ્યું સંકોચ પિતાનું મન, જાણી ગયા જરુર જીવન । કર્યો સંકલ્પ જીવનપ્રાણ, આવા પાપમાં થાવો ભંગાણ ।।૨૬।।

એવો સંકલ્પ કર્યો જ્યાં સત્ય, જુવો તેમને પડી વિપત્ય । ઘણાં સૈન્યમાંછે જાનવર, ગજ ઘોડા આદિ બલધર ।।૨૭।।

બાંધી સાંકળો વજ્રસમાન, તેને તોડી નાખી બલવાન । સામસામા લડેછે અપાર, ગજરાજ કરે છે ચિકાર ।।૨૮।।

સૈન્યવાળા ત્રાસી ગયા મન, જે જ્યાં તે ત્યાંના સહુજન । અકસ્માત થયું છે આચરણ । સહુનાં જાણે આવ્યાં છે મરણ ।।૨૯।।

પ્રાણ લઇ નાઠા બારે વાટ, પ્રભુયે ઘડયો છે જુવો ઘાટ । નાશી છુટી હવે ક્યાં જઇશું, કોણ જાણે જીવતા રહીશું ।।૩૦।।

કોઇ રહ્યું ન રાજાની પાસ, પામ્યો નવાબ તો ઘણો ત્રાસ । એક વસ્ત્ર પેરીને તે નાઠો, આવો સમો આવી ગયો માઠો ।।૩૧।।

ભયભીત થયું તેનું ચિત્ત, કંપે થરર પત્રની રીત । છિન્નભિન્ન ૧બેબાકળો થયો, પીપળા ઉપર ચડી ગયો ।।૩૨।।

પાપકર્મ દેખી પ્રભુ રુઠયા, સૈન્યવાળાના દિવસ ઉઠયા । છિન્નભિન્ન કર્યું પારાવાર, વંખેરી નાખ્યું સૈન્ય અપાર ।।૩૩।।

ચડયો નવાબ બોધીને વૃક્ષે, શ્રીહરિયે જોયું છે તે ચક્ષે । બીજું રૂપ ધર્યું છે દેવેશ, કર્યો પીપળામાં પ્રવેશ ।।૩૪।।

પૃથ્વી સહિત વૃક્ષ ધ્રુજાવ્યો, બહુ નવાબને બિવરાવ્યો । જાણ્યું નવાબ આયુષ ખુટયો, મારા પુન્ય તણો પાયો તુટયો ।।૩૫।।

ત્રાહે ત્રાહે પાડે છે પોકાર, અલ્લા અલ્લા કરે છે ઉચ્ચાર । દયા આવી પ્રભુજીને મન, બોલ્યા વૃક્ષમાં રહી વચન ।।૩૬।।

હવે સાંભળી લે તું રાજન, એક વાત કહું છું પાવન । તારા સૈન્યમાં થાય છે પાપ, તેથી પામ્યો છું તું પરિતાપ ।।૩૭।।

હોય જીવ્યાની આશા જો તારે, હિંસા બંધ કર્ય આંણીવારે । પ્રતિજ્ઞા કરે તો ટળે ત્રાસ, નહિં તો પળમાં થશે નાશ ।।૩૮।।

સામા ઉભા છે ધર્મના તન, એછે અલ્લા પોતે ભગવન । એવું વાક્ય સુણી સ્તબ્ધ થયો, દશદિશાયોમાં જોઇ રહ્યો ।।૩૯।।

આજુબાજુમાં કોઇ ન દીઠું, ઉંડું મન વિચારમાં પેઠું । કોણ બોલ્યો કયાંથી આવ્યો શબ્દ, જાણ્યા વિના થયો છું હું સ્તબ્દ ।।૪૦।।

હું તો જાણું છું બોલ્યા છે અલ્લા, તમે આંઇ આવો છોજી ભલ્લા । કરું છું આજથી હું પ્રતિજ્ઞા, હવે લોપું નહીં તવ આજ્ઞા ।।૪૧।।

કદી હિંસા થાવા નહિ દેઉ, વાત સોગન ઉપર લેઉં । દયાળુને દયા દિલ આવી, લીધું વૃક્ષથી રૂપ સમાવી ।।૪૨।।

થયો પીપળો કંપતો બંધ, પામ્યો નવાબ રુડો સંબંધ । ધીરો ધીરો ઉતારિયો ધરણ, બીતો બીતો આવ્યો પ્રભુશરણ ।।૪૩।।

કર જોડીને કરે છે સ્તુતિ, અલ્લા આપો મુને સદમતિ । તુમ ખુદા હો મૈં હું ગુલામ, તેરે ચરણે રહું આઠોજામ ।।૪૪।।

એવું સુણીને નમ્ર વચન, પુરૂષોત્તમ થયા પ્રસન્ન । સુણો વચન મારું રાજન, કાંઇ ચિંતા ન રાખશો મન ।।૪૫।।

મનમાં ધરશો નહિં ભ્રાન્તિ, હમણાં થશે કષ્ટની શાંતિ । એવું કેતાં કેતાં એક સરત, હાથી ઘોડા ઠેરી ગયા તરત ।।૪૬।।

સૈન્યતણાં જાનવર સઘળાં, નિજસ્થાનકે આવ્યાં સઘળાં । રાજા પ્રધાન આદિક સર્વ, જોઇ પ્રતાપ ઉતાર્યો ગર્વ ।।૪૭।।

સર્વે સૈન્ય સહિત તો ભૂપ, નમ્યા શ્રીહરિચરણ અનૂપ । અક્ષરાધિપતિ છે સમીપ, એવું સમજી ગયો મહીપ ।।૪૮।।

દેખાડયો છે પોતાનો પ્રતાપ, હિંસા બંધ કરાવી છે આપ । પછી તે ગામના જમીદાર, નામે પરમાત્મા નિરધાર ।।૪૯।।

તેને ઘેર રહ્યા દિન ત્રૈણ્ય, મળ્યા માંણ્યકધર પ્રવીણ । બલદીધર સર્વે મળિયા, પછે ઘર સામા તે વળિયા ।।૫૦।।

એમ ધર્મ આદિ તરગામ, આવી ઠરિયા પોતાને ઠામ । બીજી લીલાનો કહું વિસ્તાર, સુણો રામશરણજી સાર ।।૫૧।।

બલદેવપ્રસાદને દ્વાર, માતંગ છે ઉન્મત્ત સાર । મહાબલી ગણે ન કોઇને, ભય પામે મનુષ્ય જોઇને ।।૫૨।।

બલદેવ આપે છે જે લોટ, તેમાં માવત પાડે છે ખોટ । ચુંવાલીશ મેં તરંગે તેહ, વિસ્તારે જુક્ત કેવાશે એહ ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિયે બલ્લામપઢરીમાં બાદશાહને ચમત્કાર દેખાડયો એ નામે તેતાલીશમો તરંગઃ ।।૪૩।।