તરંગ - ૬૪ - શ્રીહરિએ અવધપુરીના શિવરત્ન આદિ વિદ્યાર્થીઓને ચોવીશ અવતારરૂપે દર્શન દીધાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:34pm

 

પૂર્વછાયો - અવધપુરે ધર્મ રહ્યા, સાથે ત્રૈણે કુમાર । પ્રેમવતી ને સુવાસિની, આનંદ પામે અપાર ।।૧।।

એકસમે આવ્યું સર્જ્યુમાં, જબર જળ જરૂર । સ્વર્ગદ્વારિ તણાવા માંડી, ખળભળ્યું સહુ પુર ।।૨।।

દર્શનસિંહરાયે જાણ્યું, આવ્યો કરીને પ્રીત્ય । પૂજા કરી શ્રીફળ ચુંદડી, વધાવ્યાં રૂડી રીત્ય ।।૩।।

તોપણ પાછાં હઠયાં નહિ, નિર્મલ ગંગામાત । પુર વધારે ચડવા લાગ્યું, વિચારે સહુ વાત ।।૪।।

ચોપાઇ - પુર ચઢતું આવે અધિક, સર્વે લોક ધરે મન બીક । આવ્યો ત્યાં દર્શનસિંહરાય, તેણે કર્યા અનેક ઉપાય ।।૫।।

પણ પાછું હઠે નહિ જળ, કોઇનું ચાલી શક્યું નહિ બળ । રાજા આદિક સર્વે જે લોક, અકળાયા થયો મનશોક ।।૬।।

બોલ્યો રાજાનો ગોર વચન, મુજ વેણ સુણો હે રાજન્ । પતિવ્રતા નારી હોય આજ, વધાવે તો થાય રૂડું કાજ ।।૭।।

પાણી પાછું હઠે તતકાળ, એવું વચન સુણી ભૂપાળ । કરાવ્યો શેરમાંયે તપાસ, કોઇ પતિવ્રતા છે પ્રકાશ ।।૮।।

પતિવ્રતાપણાની હિંમત, કોઇ સ્ત્રીયે ધરી નહિ મત્ય । વાત ચાલી રહી ઘરોઘેર, સુવાસિનીયે જાણી તે પેર ।।૯।।

ભક્તિમાતાને શ્રીહરિ સંગે, ગયાં સર્જ્યુગંગાયે ઉમંગે । રામઘાટે આવ્યાં શુભમતિ, લીધું શ્રીફળ હાથમાં સતી ।।૧૦।।

બોલ્યાં સાધવી મુખથી વેણ, હે ગંગામા સુણો સુખદેણ । પતિવ્રત સાચું હોય મારૂં, પાછું હઠજો અંબુ તમારૂં ।।૧૧।।

એમ કહી પગે લાગ્યાં ત્યાંયે, શ્રીફળ નાખ્યું તે ગંગામાંયે । અકસ્માત થયો હડુડાટ, પાણી પાછું હઠયું ઘડુડાટ ।।૧૨।।

સર્વે લોકોએ દેખી નવાઇ, આપી રાજાને જઇ વધાઇ । ધર્મદેવ છુપૈયાના વાસી, તેના મોટા પુત્ર સુખરાશી ।।૧૩।।

રામપ્રતાપજી નામ જેહ, તેમનાં પત્નિ સતી છે એહ । એમણે વધાવ્યાં ગંગામાંઇ, પાણી પાછું હઠી ગયું ત્યાંઇ ।।૧૪।।

સુણી પ્રસન્ન થયો ભૂપાળ, સતીને તેડાવ્યાં તતકાળ । બહુમાન દઇને બોલાવ્યાં, દરબારમાંય પધરાવ્યાં ।।૧૫।।

રાજાએ પોતાની રાણી પાસ, પૂજા કરાવી તે સુખરાશ । ભારે ભારે વસ્ત્ર અલંકાર, સુવાસિનીને આપ્યાં તે વાર ।।૧૬।।

કરી પ્રારથના શુભ મતિ, નિર્મલ મનથી પ્રેમ અતિ । મૂર્તિમાતા સુવાસિનીબાઇ, ઘરે આવ્યાં સદા સુખદાઇ ।।૧૭।।

માતાએ કરી પ્રભુને વાત, અથ ઇતિ બનીતી જે ખ્યાત । કૃષ્ણ કહે સુણો માતા સાર, એ છે રેવતીનો અવતાર ।।૧૮।।

માટે એમાં તો નથી નવાઇ, સતી શીરોમણી છે સદાઇ । એવું સાંભળીને સર્વે જન, નરનારી વિસ્મે પામ્યાં મન ।।૧૯।।

વળી એક સમે મહારાજ, શ્રીહરિયે કર્યું મોટું કાજ । કેટલાએક પોતાના શિષ્ય, પાસે બોલાવ્યા શ્રી જગદીશ ।।૨૦।।

શિષ્ય સહિત તૈયાર થયા, રામઘાટે સર્જ્યુપર ગયા । કદમવૃક્ષ હેઠે મોરારી, સભા કરી બેઠા ભયહારી ।।૨૧।।

માંહોમાંહી કરે છે તે પ્રશ્ન, આપે ઉત્તર શ્રીહરિકૃષ્ણ । એમ કરતાં વિતી ઘણી વાર, શું કરતા હવા ધર્મકુમાર ।।૨૨।।

જુજવેરૂપે દર્શન દીધાં, કામ વિદ્યાર્થીયોનાં કીધાં । કેટલા દેખે છે રામરૂપે, કેટલા નૃસિંહજી અનૂપે ।।૨૩।।

વામનરૂપે દેખે છે કોઇ, શિવસ્વરૂપમાં રહ્યા મોઇ । અક્ષરાધિપતિ અવિનાશી, એવા દેખે કોઇ સુખરાશી ।।૨૪।।

કોઇ દેખે છે વૈરાટરૂપે, કોઇ દેખે છે કૃષ્ણસ્વરૂપે । કોઇ વાસુદેવ પર્શુરામ, વરાહ મચ્છ કચ્છ તે ઠામ ।।૨૫।।

હંસ હયગ્રીવ તેમાં કોઇ, દેખી વિસ્મે પામ્યા પ્રીતપ્રોઇ । ચંદ્ર સૂર્ય આદિ એ આકાર, એવા ભાસે છે ધર્મકુમાર ।।૨૬।।

કોઇ કે નરવીર છે એજ, જુવો કેવું ઝળકે છે તેજ । એવી રીતે અલૌકિક ભાવ, સર્વને દેખાડે છે દેખાવ ।।૨૭।।

પછે ત્યાંથી શ્રીહરિ સધાવ્યા, પોતાને ઘરે પ્રભુજી આવ્યા । પોતાના શિષ્ય તેહ વિખ્યાત, ભક્તિમાતાને કરી છે વાત ।।૨૮।।

છાત્ર થયા છે આનંદ ભેર, ગયા પોતપોતાને તે ઘેર । અયોધ્યાપુરીમાં ભગવન, એવાં ચરિત્ર કરે પાવન ।।૨૯।।

એક સમય અવધમાંયે, આવ્યા મલ્લ નખલૌના ત્યાંયે । કેટલા છે મહાબલવાન, ઘણા મલ્લ જીતી લીધું માન ।।૩૦।।

દેશાંતરથી ઇનામ ૧લાધ્યાં, સોનાનાં પુતળાં પગે બાંધ્યાં । દર્શનસિંહને તે મળીયા, મલ્લયુદ્ધ માગે છે બળીયા ।।૩૧।।

હે રાજન જે કૈયે તમને, મલ્લકુસ્તી આપોજ અમને । નૈતો સવામણ સોનું સાર, પુતળું ઘડી આપો આવાર ।।૩૨।।

એવાં વચન સુણી તેવાર, કર્યો રાજાયે બહુ સત્કાર । આપ્યો ઉતારો સુંદર સ્થાન, મહીપાળે દીધું ઘણું માન ।।૩૩।।

તમે આવજો આવતી કાલ, તેનો ખુલાસો આપીશું હાલ । પછે રાજાયે વિચાર્યું કરત, પોતાના મલ્લ બોલાવ્યા તરત ।।૩૪।।

કેછે મલ્લને વાત વિસ્તારી, રાજા દર્શનસિંહ વિચારી । નખલૌકેરા આવ્યા છે મલ્લો, યુદ્ધ માગ્યો છે તેમણે ભલ્લો ।।૩૫।।

તમારે યુદ્ધ દેવોજ પડશે, નહિ તો અવળા તે નડશે । સવામણ સોનાનું પુતળું, દેવું પડશે તે થાશે અવળું ।।૩૬।।

દેશાંતરના રાજાના જે મલ્લ, એને જીતીને આવ્યા પ્રબલ । એવી સુણી રાજાજીની વાણી, મલ્લ હિંમત હારીયા જાણી ।।૩૭।।

એમાં વૃદ્ધ મલ્લ હતો એક, બોલ્યો ધીર ધરી તે વિવેક । તમે સુણો ભાઇ કહું અમો, શીદ કાયર થાવોછો તમો ।।૩૮।।

આ ભૂમિકાછે રઘુવીરની, તેમાં લજ્જા છે રણધીરની । આપણને જીતે મલ્લ આજ, જાશે રામચંદ્રજીની લાજ ।।૩૯।।

એમાં આપણી લાજ ન જાય, માટે જીતાડશે રઘુરાય । રાખો હિંમત ને યુદ્ધ કરો, બીજા સંશય મન ન ધરો ।।૪૦।।

વળી રાજા કહેછે વચન, મલ્લ હિંમત રાખજ્યો મન । કદાપિ તમો પામશો હાર, આંહિ આવ્યા છે ધર્મકુમાર ।।૪૧।।

તે મલ્લને જીતી લેશે આજ, નહિ જાવાદે તમારી લાજ । એવું કહી મંડપ રચાવ્યો, મોટો વિશાળ તે મનભાવ્યો ।।૪૨।।

બહુનામીને બોલાવા માટે, મોકલ્યો દૂતને એણી વાટે । આવ્યા શ્રીહરિ મંડપ જ્યાંયે, ઘણો ઉમંગ છે મનમાંયે ।।૪૩।।

રાજાયે કર્યો બહુ સત્કાર, આપ્યું આસન સુંદર સાર । ઘણા સખાને સંગાથે શ્યામ, બેઠા મંડપમાં અભિરામ ।।૪૪।।

આવ્યા છે તે મલ્લ બળવાન, તેને પણ રાયે દીધું માન । વાજે વાજીંત્ર નાનાપ્રકાર, જોવા મળ્યા છે લોક અપાર ।।૪૫।।

રાજા બેઠા છે મોટા આસન, ઘણો હર્ષ થયો એને મન । પોતાના અધિકારી છે જેહ, પટાવત કારભારી તેહ ।।૪૬।।

સૌને મહીપે આપ્યું છે માન, બેઠા યોગ્યરીતે નિજસ્થાન । ઘનશ્યામને પાસે બોલાવ્યા, સુંદર આસને પધરાવ્યા ।।૪૭।।

મલ્લ અખાડામાંયે મળિયા, યુદ્ધ કરવા આવ્યા બળિયા । મલ્લયુદ્ધ કરે માંહોમાંયે, જુવે સભાસદ સહુ ત્યાંયે ।।૪૮।।

ઘુઘુવાટા કરે છે હુંકાર, ગુઢ ગંભીર શબ્દ અપાર । કરે બાહુ તણા ઠબકારા, તાલ કુટે મુખ બચકારા ।।૪૯।।

લોઢાના પડછંદા ત્યાં લાગે, એક એકનાં અંગે ત્યાં વાગે । જોવા આવ્યા છે હજારો લોક, ચારે વર્ણના મળ્યા છે થોક ।।૫૦।।

એમ અખાડામાં ઘણીવાર, મલ્લયુદ્ધ કરે છે અપાર । અયોધ્યા પુરીના મલ્લ જેહ, હાર પામી ગયા પછી તેહ ।।૫૧।।

ગતિભંગ થઇ ગભરાણા, તેમાં બે ત્રણ મલ્લ મરાણા । દાવપેચ કર્યા ઘણીવાર, પણ છેવટે પામીયા હાર ।।૫૨।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ અવધપુરીના શિવરત્ન આદિ વિદ્યાર્થીઓને ચોવીશ અવતારરૂપે દર્શન દીધાં એ નામે ચોસઠમો તરંગ ।।૬૪।।