પૂર્વછાયો - મોટાભાઇના જે સસરા, બલદેવજી છે નામ । ફણસ લેવા તે જાય છે, વેણીપુર નિજ ગામ ।।૧।।
ગાડું જોડીને તૈયાર થયા, સાથેછે બેઉ સુત । લક્ષ્મીપ્રસાદ જનક ને, બેઉ ભાઇ સપુત ।।૨।।
બે બંધુ બેઠા શકટમાં, તે દેખ્યું શ્રીઘનશ્યામ । માતાને કે મારે જાવું છે, આમની સાથે તેઠામ ।।૩।।
ફણસની સાખો ખાવાનું, મારે તો છે ઘણું મન । એમ કહી ગાડાંમાં બેઠા, ભયહારી ભગવન ।।૪।।
ગાડું ત્યાંથી હંકાવિયું, તે વેગે ચાલ્યા જાય । ભમેચા ને વેણીપુરના, વચ્ચે આવ્યા સમુદાય ।।૫।।
ચોપાઇ - કકરાસરોવર છે ત્યાંયે, ગાડાં છોડયાં તે સમીપમાંયે । તેની તીરે ફણસનાં વૃક્ષ, સારાં શોભી રહ્યાં છે પ્રત્યક્ષ ।।૬।।
ખટવાઆંબે બાંધ્યા બળધ, જનકરામે કીધા ૧સાવધ । બીજા ચડયા ફણસને વૃક્ષે, બલદેવપ્રસાદ સમક્ષે ।।૭।।
લેવા માંડયા છે જ્યારે તે ફળ, હેઠે ઉભા છે પ્રભુ અકળ । વ્હાલો બોલ્યા ગંભીર વચન, તમો ભાઇયો સુણો પાવન ।।૮।।
ફણસ ફળ પાકાં જો હોય, અમને આપજ્યો તમો સોય । ઉપરવાળા બોલ્યા છે વચન, આ વૃક્ષે નથી પાક્યાં જીવન ।।૯।।
બીજા વૃક્ષપર જોઇ લેશું, પાક્યાં હશે તો તમને દેશું । ત્યારે બોલ્યા છે શ્રીઘનશ્યામ, કેમ નથી બોલો છો શું આમ ।।૧૦।।
જુવો જુવો આ પાકી ગયાં છે, અમને આપ્યા જેવાં થયાં છે । એમ કેતાં ફણસ સઘળાં, નીચે ખરી પડયાં તે સબળાં ।।૧૧।।
એવું જોઇને તે સર્વે જન, હેઠે ઉતરીયા એક મન । આવ્યા ઉભા છે જ્યાં ઘનશ્યામ, પ્રેમપૂર્વક કર્યા પ્રણામ ।।૧૨।।
મંદ મંદ કરે પ્રભુ હાસ, બોલ્યા મિષ્ટ વાણી અવિનાશ । સુણો રૂપધર તમે ખ્યાત, વળી સાચી કહું છું હું વાત ।।૧૩।।
કેતા હતા એકે પાક્યું નથી, ત્યારે જુવો આવી પડયાં ક્યાંથી । ભાઇ રૂપધરજીના જેહ, ભેલૈરામ બોલ્યા સુણો તેહ ।।૧૪।।
તમે સલુણા શ્રીઘનશ્યામ, આ તો દિસે છે તમારૂં કામ । નૈતો ફળ લઇ જૈયે ઘેર, ઓરડામાં રાખીયે રૂડી પેર ।।૧૫।।
પંનરદિને પાકે આ ફળ, પણ આજ થયું છે અકળ । તરત હાલમાં જમાય આજ, ભલું રૂડું કર્યું તમે કાજ ।।૧૬।।
સૌના જમ્યામાં આવશે હાલ, ઘણું સારૂં કર્યું તમે લાલ । તે જોઇ પગે લાગ્યા સનાથ, એકેકું ફળ લીધું છે હાથ ।।૧૭।।
જમવા લાગ્યા સર્વે જરૂર, શ્રીહરિયે વિચાર્યું છે ઉર । સારાં મોટાં ફણસ બે લીધાં, લક્ષ્મીપ્રસાદ આદિને દીધાં ।।૧૮।।
ચાલ્યા ઉપડાવી તે એકાંતે, ખટવાઆંબે ગયા નિરાંતે । ત્રૈણે જણ જમ્યા નિરધાર, એમ કરતાં વીતી ઘણી વાર ।।૧૯।।
પછે આવ્યા સરોવર તીર, કર મુખ ધોયા મતિધીર ।। જળમાં ક્રિડા કરે છે ત્યાંયે, સ્નાન કર્યાં સરોવરમાંયે ।।૨૦।।
બલદેવે ફળ ઉતરાવ્યાં, સર્વ શકટમાંહિ ભરાવ્યાં । બન્ને ભાઇ અને ભગવાન, કરે સરોવરમાંહિ સ્નાન ।।૨૧।।
ત્યારે બલદેવે બોલાવ્યા બાર્ય, ઘેર જવાને થયા તૈયાર । ગાડાં ભરાવી ચાલ્યા ચતુર, સર્વે ઘેર આવ્યાછે જરૂર ।।૨૨।।
ધર્મ ભક્તિને કયું છે સર્વ, સુણી રાજી થયાં છે અપૂર્વ । નિત્ય લીલા કરેછે પરબ્રહ્મ, તેનો કોઇ જાણે નહિ મર્મ ।।૨૩।।
વળી એકસમે બીજી વાર, કર્યું ચરિત્ર સુણો તે સાર । દુંદ ત્રવાડીના પુત્ર જેહ, મોતી ત્રવાડી નામે છે તેહ ।।૨૪।।
દીનનગરનો કણબી એક, રામદીન નામે છે વિશેક । તેની પાસેથી જે મોતીરામે, બળદ રાખ્યો તે નિજકામે ।।૨૫।।
તેહને લેવા સારૂં એ જાય, બેઉ પુત્ર સાથે સમુદાય । ધર્મદેવ ને શ્રીઘનશ્યામ, સાથે લેઇ ચાલ્યા મોતીરામ ।।૨૬।।
બળદ રક્ષક કહે વચન, સુણો મોતીરામ શુભ મન । મારો બળદ છે બળવાન, ભારે ગંભીર તે ગુણવાન ।।૨૭।।
પચાસ મણ હોય ગાડે ભારે, તેને તાણી જાય આણીવાર । પણ ઉભો રહે નહિ પળ, એવું જબર છે એમાં બળ ।।૨૮।।
ચાલ્યો જાય એ ઝપાટાબંધ, બોજનો નવ ગણે સંબંધ । એવું સુણી બોલ્યા ઘનશ્યામ, તમે સુણો મામા મોતીરામ ।।૨૯।।
એવો બળદ જોરાવર હોય, હું કહું તે કરો તમે સોય । બેસું હું જ્યારે ગાડાંનીમાંયે, ચાલે ઉભો રહે નહિ ક્યાંયે ।।૩૦।।
ત્યારે વાત તે ખરી હું જાણું, પરીક્ષા કરી એમ પ્રમાણું । એવું સાંભળતાં રામદીન, ગાડું જોડાવ્યું તરત સ્વાધીન ।।૩૧।।
ચાકર ગાડું જોડીને લાવ્યો, શ્રીહરિ પાસે હર્ખેથી આવ્યો । મહાપ્રભુ બેઠા ગાડાંમાંય, ખેડું હાંકવા લાગ્યો છે ત્યાંય ।।૩૨।।
ડારો દઇને હાંકવા લાગ્યો, એક તસુ ચાલે નહિ આગો । પામ્યા આશ્ચર્ય સહુ મનમાંઇ, આનું કારણ શું હશે ભાઇ ।।૩૩।।
કોઇના કયા વિના તેઠામ, હેઠે ઉતરિયા ઘનશ્યામ । પછે બળદ ચાલવા લાગ્યો, ગાડું ખેંચીને જાયછે ભાગ્યો ।।૩૪।।
રામદીન બોલ્યા ધર્મ સાથ, બળદને મેં ફેરવ્યો હાથ । તમારા પુત્ર જે છે શ્રીહરિ, તેમને બેસારો હવે ફરી ।।૩૫।।
ઉભો રેશે નહિ ચાલ્યો જાશે, ત્યારેજ ખરી ખાતરી થાશે । તેવું સુણી બોલ્યા નરવીર, સુણો રામદીન થઇ સ્થિર ।।૩૬।।
તમારી મરજી હોય જેમ, બેલને ફેરવો હાથ તેમ । હવે તો નહિ બેશીયે અમે, સત્ય માની લેજ્યો ભાઇ તમે ।।૩૭।।
પણ ટોપી છે જુવો અમારી, મામા ગાડાંમાં મેલો વિચારી । પછે ગાડું તેનું ચાલ્યું જાય, ત્યારે બળના વખાણ થાય ।।૩૮।।
પછે મોતીત્રવાડીયે ત્યાંયે, ટોપી મુકી દીધી ગાડાંમાંયે । ખાંતેથી ખેડું ગાડું ચલાવે, પણ બળદને નવ ફાવે ।।૩૯।।
ચાલી શક્યો ન બળધ ગાડે, અટકી ઉભો ત્યાં અંક આડે । રામદીન થયો દિગમૂઢ, દિસે ગહનગતિ આ ગૂઢ ।।૪૦।।
તેનો ભાઇ માતાદીન એક, બોલ્યો ધારીને મન વિવેક । ભાઇ આ ટોપીમાં ક્યાં છે ભાર, પણ સમઝવાનો છે સાર ।।૪૧।।
ધર્મ દેવના પુત્ર પવિત્ર, છે આ ઘનશ્યામનાં ચરિત્ર । ઘનશ્યામ સદા સુખકારી, મોટા ઇશ્વર છે અવતારી ।।૪૨।।
મુને તો નિશ્ચે ભાસે છે એમ, મનમાં શું ધરો તમે વેમ । એમ કહીને પગે લાગ્યા બે ભ્રાત, રુદામાંહિ થયા રળીયાત ।।૪૩।।
બળદ આપ્યો છે તતખેવ, મોતીરામ ત્રવાડીને એવ । ધર્મ સહિત તે સર્વ આવ્યા, છુપૈયાપુર બળદ લાવ્યા ।।૪૪।।
એમ વર્તે છે કલ્યાણકારી, જેની ગહન ગતિ છે ન્યારી । ભવ બ્રહ્મા પામી જાય હાર, પ્રભુનો કોઇ પામે ન પાર ।।૪૫।।
પુરૂષોત્તમ અક્ષરવાસી, લીલા કરે છે શ્રીઅવિનાશી । એતો ભક્તનાં કલ્યાણ કરવા, વળી આશ્રિતનાં દુઃખ હરવા ।।૪૬।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ દીનનગરમાં મામાની સાથે બળદ લેવા ગયા ને ગાડાંમાં ટોપી મુકીને તેમાં અતુલ ભાર મુક્યો એ નામે સડસઠમો તરંગઃ ।।૬૭।।