પૂર્વછાયો
શ્રોતાજન સહુ સાંભળો, વળી કહું ચરિત્ર નવીન । શરદઋતુના નજીકમાં, આવ્યા નવરાત્રિના દિન ।।૧।।
છેલ્લે દિવસે સુવાસિની, ઇંદિરા આદિ કેવાય । બીજી કેટલી બાયું આવી, ભક્તિપાસે સમુદાય ।।૨।।
વિનયથી તે કેવા લાગી, માતાને દેઇ માન । આજ્ઞા તમારી જો હોય તો, ગીત ગૈયે ગુણવાન ।।૩।।
માંડવી મુકી ફરતાં ગૈયે, કરી દીપક પ્રકાશ । એવું સુણી પ્રેમવતી કહે, ભલે કરો એ વિલાસ ।।૪।।
મૂર્તિ માતાની આજ્ઞા માગી, માંડવી મુકી સાર । અનેક દીવા પ્રગટાવીને, ગાવા લાગી તેહ વાર ।।૫।।
ચોપાઇ
ભક્તિમાતાના આંગણામાંય, સર્વે બાયું ભેગી થઇ ત્યાંય । મધ્યે માંડવી મુકી છે સારી, રાત્રિના વિષે ગાયછે નારી ।।૬।।
ઇચ્છારામ સાથે ઘનશ્યામ, જોવા આવ્યા છે પૂરણકામ । ચોત્રા ઉપર બેઠા જરુર, અતિ આનંદ વાધ્યો છે ઉર ।।૭।।
આવી અનેક ગોપી અનૂપ, ગોલોકથકી દિવ્ય સ્વરૂપ । દારાઓ સાથે લાગી તે ગાવા, ધર્મનંદનને તે રિઝાવા ।।૮।।
શ્રીહરિને કર્યા નમસ્કાર, ગોપી ગાવા લાગી તેહવાર । ફરતી જાય ને ગાય છે ગીત, મધુરે સ્વરે કરીને પ્રીત ।।૯।।
સર્વે સંગાથે પાડે છે તાળી, મોહ પામે રસિક તેભાળી । ઘમઘમ ઘુઘરીયો ગાજે, છમછમ તે નેપુર બાજે ।।૧૦।।
ઝગમગ દાગીના ઝળકે, ઝબઝબ વિજળી ઝબકે । ઝટપટ ત્યાં પાવ ઉપાડે, તનન તાનમાં તાળી પાડે ।।૧૧।।
ઝમઝમ ઝાંઝર ઝમકે, ચમચમ નક્ષત્ર ચમકે । ઠમઠમ ચાલે છે ઠમકે, ધમધમ ધરણી ધમકે ।।૧૨।।
ફરરર ભૃકુટી ફરકે, જોઇ થરરર અનંગ થરકે । દેખી ગોપીનું ગાન ગંભીર, આકાશમાં ચંદ્ર થયો સ્થિર ।।૧૩।।
છુપૈયાપુરના વાસી જન, મોહ પામી ગયા સહુ મન । એવું દેખી વેણીરામ પુછે, બાળકોને આ કોણ આવ્યું છે ।।૧૪।।
ત્યારે બોલ્યા બલભદ્ર વીર, સુણો સખા તમે થઇ સ્થિર । આતો અમને કરવા પ્રસન્ન, આવ્યા ગોલોકથી ગોપીજન ।।૧૫।।
એમ સખાને કહ્યું વિખ્યાત, મૂર્તિમાતાને કરી તે વાત । ગોપીકાઓ રમી ઘણીવાર, રાજી થયા છે ધર્મકુમાર ।।૧૬।।
પછે કહ્યું તે ગોપીજનને, માગો વર જે ગમે તમને । ત્યારે બોલ્યાં રાધા કર ભામી, અમને સેવામાં રાખો સ્વામી ।।૧૭।।
તે સુણી બોલ્યા શ્રીઘનશ્યામ, તમને દેશું જે રુડાં ધામ । વળી સત્સંગના અધિકારે, કરજ્યોે સેવા રુડે પ્રકારે ।।૧૮।।
દેશ કાઠીયાવાડ જે તેમાં, રાજ ઝાલાનું કેવાય જેમાં । તે મધ્યે મુળી સુંદર ગામ, રાજા પરમાર અભિરામ ।।૧૯।।
તેહ પુરમાં મંદિર એવું, કરાવીશું મોટું મેરૂં જેવું । તેમાં રાધાકૃષ્ણમૂર્તિ સારી, શ્રીહરિકૃષ્ણ નામે અમારી ।।૨૦।।
તે વેદવિધિ અનુસારે, બેસારીશું તે હાથે અમારે । અનેક જીવના મોક્ષ સારૂં, એવું કરવું છે ધાર્યું અમારું ।।૨૧।।
એમ કહી આનંદ પમાડ્યાં, વ્હાલે રસરંગેથી રમાડ્યાં । પછે મળ્યા સૌને મહારાજ, એમ જનનાં કરે છે કાજ ।।૨૨।।
પછે તેવારે પ્રસાદી દીધી, ગોપીઓએ ભાવ કરી લીધી । પતાસાં લીધાં પૂરણ પ્રીતે, રસ રંગે રમ્યાં રુડી રીતે ।।૨૩।।
કર્યો શ્રીહરિચરણનો સ્પર્શ, ગોપીકાઓ થઇ છે અદર્શ । વ્યોમ ૧અયને ચાલી અશોક, સરવે ગોપી ગઇ ગોલોક ।।૨૪।।
નિજ નગ્રની નારીઓ જેહ, આવી કોટિશીર્ષા પાસે એહ । સુણો ઘનશ્યામ મહારાજ, તેમને પ્રસાદી આપી આજ ।।૨૫।।
માટે અમને આપો મોરારી, તમારી પ્રસાદી સુખકારી । એવું સુણીને ધર્મકુમારે, પતાસાં આપ્યાં છે તેણીવારે ।।૨૬।।
મહાપ્રભુની પ્રસાદી લીધી, નારાયણને નમ્રતા કીધી । પામી આનંદ મન અપાર, પછે સર્વે ગયાં નિજ દ્વાર ।।૨૭।।
ત્યારે કેડે ગયા થોડા દિન, આવી દિવાળી વર્ષ નવીન । રૂડા દિન દિવાળીના સારા, સૌને હર્ષવૃદ્ધિ કરનારા ।।૨૮।।
વસ્ત્ર અને અલંકાર ધારી, જાય દર્શને સૌ નરનારી । વળી સગાસંબંધીને ઘેર, મળવા જાય આનંદભેર ।।૨૯।।
સતી સુવાસિની જે પાવન, બોલ્યાં માતાના પ્રત્યે વચન। માતાજી રજા આપોતો આજ, જૈયે દર્શન કરવા કાજ ।।૩૦।।
ઇચ્છારામ અને ઘનશ્યામ, બન્ને ભાઇ સાથે અભિરામ । અલંકાર પેરી પટકુળ, અમે જૈયે છૈયે સાનુકુળ ।।૩૧।।
પછે આંગળીયો ગ્રહી પ્રીતે, ચાલ્યાં સુવાસિની રુડી રીતે । જ્યાં જ્યાં દેવતણાં છે જે સ્થાન, દર્શન કરેછે ભગવાન ।।૩૨।।
સગાસંબંધીનાં જેજે ઠામ, તેને ઘેર ગયા ગુણગ્રામ। સર્વેને મળી રહ્યા છે જ્યારે, રાત્રિએ ઘેર આવ્યા છે ત્યારે ।।૩૩।।
તેસમે ધર્મદેવે તેવાર, મેરૈયાં કરી રાખ્યાં તૈયાર । પુર્યું દિવેલ બત્તી સહિત, કર પકડ્યાં છે કરી હિત ।।૩૪।।
પ્રગટ્યા દીપક યોગિનાથે, ચાલ્યા સર્વે સખાઓને સાથે । આગડી માગડી મેહરૈયાં, કરેછે એમ ઉચ્ચાર છૈયાં ।।૩૫।।
શ્રીહરિ પણ એમ ઉચ્ચારે, બાળમિત્ર સાથે વારે વારે । ઘરોઘર ફર્યા ગિરિધારી, તેલ પુરાવે છે સુખકારી ।।૩૬।।
મેરૈયાં મુકવાનું જે સ્થળ, ત્યાં મુકી આવ્યાં બાળ સકળ । પછે આવ્યા પોતાને ભુવન, નાનાભાઇ સાથે ભગવન ।।૩૭।।
માતાએ કરી રૂડી રસોઇ, જમવા તૈયાર થયા તે જોઇ । હરિપ્રસાદ ને ત્રૈણ બંધુ, જમવા બેઠા છે ગુણસિંધુ ।।૩૮।।
જમતામાં બોલ્યા જગતાત, દીદી સુણો કહું એક વાત । અન્નકોટ છે આવતી કાલ, તે સગવડ કરો તમે હાલ ।।૩૯।।
ઠાકોરજી છે આપણે ઘેર, તેમને જમાડો રુડી પેર । પુરો અન્નકોટ તે આ વારે, મારું મન માને દીદી ત્યારે ।।૪૦।।
જમી રહ્યા છે શ્રીઘનશ્યામ, પછે ચળુ કર્યું તેહ ઠામ । બહુનામી આવ્યા ત્યાંથી બાર, ચોત્રા ઉપર વિશ્વઆધાર ।।૪૧।।
તે સમે પાસે છે વેણીરામ, એના પ્રત્યે બોલ્યા ઘનશ્યામ। હે સખા સુણો નિર્મળ મન, કાલે આવજ્યો મુજ ભુવન ।।૪૨।।
અન્નકોટની સામગ્રી થાશે, ઠાકોરજી આગળ ભરાશે । પછી દિવાળીને દિવસે સાર, ભક્તિમાતાએ કર્યો વિચાર ।।૪૩।।
દીપોત્સવીની નિશામાં જાગ્યાં, સર્વે સાંમગ્રી કરવા લાગ્યાં । પ્રેમવતીજી પાસે બેઠાં છે, સૌને યોગ્ય કામ બતાવે છે ।।૪૪।।
ચંદા વસંતા સુંદરીબાઇ, સુવાસિની આદિ આવો આંઇ । ભેગાં થૈને બેસો મુજ પાસ, તમને કામ કહું હુલ્લાસ ।।૪૫।।
યોગ્ય રીતે બતાવ્યું છે કામ, સર્વે કાજ કરે છે તેઠામ । મંગાવ્યાં સર્વે જાતનાં અન્ન, કરી વ્યવસ્થા ધારીને મન ।।૪૬।।
ઋષિપત્નીઓ સઘળી આવી, ભક્તિ માતાના મનમાં ભાવી । પ્રેમવતીજીયે સોંપ્યાં કામ, નોંખાં નોંખાં ઘટિત તમામ ।।૪૭।।
ચણાનું કર્યું બેશન તૈયાર, બનાવી છે સામગ્રી અપાર । ખારી પુરી મોળી પુરી સારી, ગાંઠીયા વિગેરે સુખકારી ।।૪૮।।
મશાલા થકી બને જે સાર, તે વસ્તુ સહુ કરી તૈયાર । સૂત્રફેણી જલેબી ને ખાજાં, મોતૈયા વળી ઘેબર ઝાઝાં ।।૪૯।।
પેંડા બરફી ગુંજાં મરકી, ગુંદરપાક બનાવ્યો નક્કી । બુંદી કણસૈકળી મિષ્ટાન્ન, એ આદિ બીજાં કૈ પકવાન ।।૫૦।।
અતિ ઉત્તમ એતો છે મિષ્ટ, ભક્તિમાતાએ કર્યાં સ્વાદિષ્ટ । તેસમે પોતે શ્રીઘનશ્યામ, બહુનામી બતાવે છે કામ ।।૫૧।।
જેને જે ચીજ આવડે નહી, હરિ તેને શિખવે છે સહી । ચાસણી કેરી સામગ્રી જેહ, કરે સુવાસિનીબાઇ તેહ ।।૫૨।।
એલચી ને ચણા સાકરીયા, શર્કરાનાં સાહિત્ય કરીયાં । મગફળી દાણા પુરવીદાણા, રેવડી કાજુદાણા વખાણ્યા ।।૫૩।।
પતાસાં વિગેરે સહુ વસ્તુ, સુવાસિનીએ કરી સમસ્તુ । સુરજાબાઇ કરે છે જે કામ, તેને જોવે છે શ્રીઘનશ્યામ ।।૫૪।।
બાજરા મગનો જેહ પિષ્ટ, કુલેરલાડુ કીધા સ્વાદિષ્ટ । તાંદુલ પિષ્ટ હરીસો જેહ, વસંતાબાએ કર્યો છે તેહ ।।૫૫।।
સારો હલવો સ્વાદુ અપાર, દળના લાડુ કર્યા છે સાર, ખસખસના મોદક જેહ, ચાસણી પાયેલા વળી તેહ ।।૫૬।।
ચંદનબાએેે કર્યું એ કામ, થયા પ્રસન્ન પૂરણકામ । ભક્તિમાતા આદિ ભલી નારી, કરી રાત્રિમાં સામગ્રી સારી ।।૫૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિની ઇચ્છા થકી નવરાત્રિની લીલામાં ગોપીઓ આવીને અન્નકોટનો પ્રારંભ કર્યો એ નામે છન્નુંમો તરંગઃ ।।૯૬।।