તરંગ - ૧૦૧ - અવધપુરીને વિષે છુપૈયેથી સખા શ્રીહરિને મળવા આવતાં શ્રીહરિયે માર્ગમાં તેમની રક્ષા કરી

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:28pm

 

 

પૂર્વછાયો

છુપૈયાપુરમાં રહ્યા છે, સખા સરવે જેહ । વાલમનો વિયોગ પડ્યો, વિચારે છે મન તેહ ।।૧।।

સુખનંદન આદિ કૈયે, વેણી માધવ પ્રયાગ । મળવા સારુ તે જાય છે, છાના માના મહાભાગ ।।૨।।

મીનસાગરે પિપળો છે, મોટો તરુવર જ્યાંય । તેના તળે ભેગા થયા છે, સુખી થકા સહુ ત્યાંય ।।૩।।

એકચિત્તે થૈ ચાલ્યા ત્યાંથી, સખા સર્વે સંગાથ । અયોધ્યાને રસ્તે ચાલિયા, સ્નેહવડેથી સનાથ ।।૪।।

મનોરમા સરિતા આવી, વારી વહે ભરપૂર । એક એકને કેવા લાગ્યા, અંતર થૈને આતુર ।।૫।।

 

 

ચોપાઇ

આડી આવી સરિતા આ ઠાર, તે કેમ કરી પામીશું પાર । ઉભા ત્યાં એક એકની પાસ, સખા મને થયા છે ઉદાસ ।।૬।।

મિત્ર મળવા આવે છે આજે, એમ જાણીયું છે મહારાજે । બહુનામી વિપ્રરૂપે થયા, સખાઓ ઉભા છે તિયાં ગયા ।।૭।।

અજાણ્યા થઇને પુછ્યું એમ, કયાં જાવું છે કહો ભાઇ કેમ । નાના નાના છો સઘળા બાળ, શા કામે આવ્યા છો આણે કાળ ।।૮।।

વિસ્તારીને કહી છે તે વાત, ત્યારે બોલ્યા છે ભૂધરભ્રાત । સર્વે ચાલો અમારે સંગાથે, ચિંતા ન કરશો મન સાથે ।।૯।।

અયોધ્યાએ જાવું છે અમારે, ચાલો સોબત થાશે તમારે । એમ કહી ચાલ્યા સહુ સંગે, જળ પાર થયા છે ઉમંગે ।।૧૦।।

સખા સર્વે થયા ક્ષુધાતુર, પાસે ભાતું નથી તે જરુર । તે સમે આવ્યો પિપળો સાર, તેના હેઠે બેઠા નિરધાર ।।૧૧।।

સખા સર્વે થઇને પ્રસન્ન, વાડવ પ્રત્યે બોલ્યા વચન । જો જાવું હોય તો જાજ્યો તમે, આ વૃક્ષ નીચે બેસીશું અમે ।।૧૨।।

અમને ક્ષુધા લાગી અપાર, પાસે ભાતું નથી નિરધાર । માટે અમે બેસીશું આ સ્થાન, ધીરા ધીરા આવીશું નિદાન ।।૧૩।।

ત્યારે બ્રાહ્મણ બોલ્યા વચન, કેમ મુંઝાવો છો તમે મન । ઘણીવારથી કેતા શું નથી, લ્યો ભાતું આપું મુજ પાસેથી ।।૧૪।।

ભેગા બેસી જમીએ અત્યારે, મારી પાસે છે ભાતું વધારે । ત્યારે સખાઓ બોલ્યા વચન, અમે બ્રાહ્મણના છૈયે તન ।।૧૫।।

ત્યારે પ્રભુ કહે છે વચન, હું પણ બ્રાહ્મણનો છું તન । તમે શરમ ન રાખશો મન, ભેગા બેસી કરીએ ભોજન ।।૧૬।।

પછે ભેગા બેઠા છે સમાન, કરવા લાગ્યા છે ભોજનપાન । જમ્યા સાથવો મીઠા મિશ્રિત, પછે ત્યાંથી ચાલ્યા છે અભીત ।।૧૭।।

ગયા સર્જાુ ગંગાને તીર, વિપ્રરૂપ બોલ્યા નરવીર । નૌકામાં બેસવું પડે આજ, પૈસા છે કે નથી કો તે કાજ ।।૧૮।।

નવ હોય તો લ્યો હું જ આપું, તમારા સર્વનું કષ્ટ કાપું । એમ કહી નૌકામાં બેસાર્યા, સખા સર્વેને પાર ઉતાર્યા ।।૧૯।।

રામઘાટે ઉતારીને લાવ્યા, ખેવટિયાને પૈસા ચુકાવ્યા । વિપ્ર વેષ વ્હાલો બોલ્યા એમ, ભાઇ તમે કહો હવે કેમ ।।૨૦।।

નગ્રમાં જાશો એકલા તમે, કે પોંચાડવા આવીયે અમે । સખા કે હવે તો જાશું અમે, સુખેથી ભાઇ પધારો તમે ।।૨૧।।

એ વચન સુણી દ્વિજરાજ, પછે તે પ્રમાણે કર્યું કાજ । સખા સર્વે થયા છે આતુર, ત્યાંથી ચાલિયા થોડેક દૂર ।।૨૨।।

નથી રસ્તો સુઝતો કોઇને, સર્વે ઉભા રહ્યા છે જોઇને । હવે ક્યાં મળશે ઘનશ્યામ, પ્રાણવલ્લભ પૂરણકામ ।।૨૩।।

ગંજાવર છે શેર ગંભીર, કયાં બેઠા હશે શ્રી નરવીર । હવે કોણ દિશામાંહિ જૈશું, કેમ કરી પ્રભુ ભેગા થૈશું ।।૨૪।।

કયાંથી પત્તો લાગે આણે ઠામ, કઇ દિશામાં હશે મુકામ । વિપ્રને રાખ્યો હોત તો સારું, એમ સખાયે મન વિચાર્યું ।।૨૫।।

તેમ કેતા છતા ભયભીતા, ચિત્તમાં ચાલી રહી છે ચિંતા । અંતર્યામીયે તે જાણી લીધું, બીજું સ્વરૂપ ધારણ કીધું ।।૨૬।।

ઉભા છે સખા થૈને ઉદાસ, તેની પાસે આવ્યા અવિનાશ । સર્વે સખા સાથે વેણીરામ, તેને દેખી બોલ્યા ઘનશ્યામ ।।૨૭।।

અહો પ્રિય બંધુ મમ મિત્ર, ક્યારના આવ્યાછોજી પવિત્ર । એમ કહીને સ્નેહ સહિત, મળ્યા સખાઓને કરી પ્રીત ।।૨૮।।

રાજીતણા પુછ્યા સમાચાર, પ્રેમપૂર્વક પ્રાણઆધાર । પછે પોતે થયા છે અગાડી, સખા સર્વે આવે છે પછાડી ।।૨૯।।

મળ્યા મારગમાં ઘનશ્યામ, સખા રાજી થયા છે તેઠામ । બાળમિત્રને લેઇ સંગાથ, ઘેર આવ્યા નટવરનાથ ।।૩૦।।

વાતોે કરતા થકા પરસ્પર, વળી બોલ્યા છે શ્યામસુંદર । ઘેર જાઓ સખા સહુ તમે, ચાકરને બોલાવિયે અમે ।।૩૧।।

એમ કહી પાછા વળી ગયા, દૂર જૈને અંતર્ધાન થયા । મિત્રમંડળ ગયું છે ઘેર, ત્યારે ઓશરીમાં રુડી પેર ।।૩૨।।

ત્યાંહાં બેઠા છે પૂરણકામ, સામા મળવા આવ્યા શ્રી શ્યામ । અજાણ્યા થૈને બોલ્યા દયાળ, અહો ભાઇ તમે નાના બાળ ।।૩૩।।

આંહી આવી શક્યા કેવી રીતે, મુને વાત કરો એકચિત્તે । વેણીરામ આદિ સખાઓએ, કહ્યું સર્વે વૃત્તાંત તેઓએ ।।૩૪।।

નિજ ચાકર સૂરજબળી, જળ મંગાવ્યું તેસાથે વળી । બાળમિત્રના કર ને ચરણ, ધોવરાવે છે દુઃખહરણ ।।૩૫।।

પછે શું કરે છે ભગવાન, પ્રીતે કરાવે છે જળપાન । પોતાના હાથે કરી શ્રીહરિ, અબખોરા આપે ભરી ભરી ।।૩૬।।

ત્યારે બોલ્યા છે રામપ્રતાપ, સુણો ઘનશ્યામ-ભાઇ આપ । ઘરમાંહિ છે શર્કરા સારી, નાખો એમાં ગળ્યું થશે વારી ।।૩૭।।

રસ કરીને કરાવો પાન, ત્યારે બોલ્યા વળી ભગવાન । કુવામાં શર્કરા છે ભરેલી, સારી સ્વાદિષ્ટ છે તે ઠરેલી ।।૩૮।।

તેમાંથી કાઢી કરાવ્યું પાન, બળભદ્ર જાણો બળવાન । માતપિતા મોટાભાઇ જેહ, તેમને રસ પાયો છે તેહ ।।૩૯।।

જળપાનથી થયા પ્રસન્ન, પામ્યા આશ્ચર્ય અતિશે મન । આ શું સઘળા કુવાનું વાર, સાકર જેવું મિષ્ટ અપાર ।।૪૦।।

ત્યારે બોલ્યા છે જીવનપ્રાણ, તમે ભાઇ સુણો મુજવાણ । અમારા સખા આવ્યા છે આજ, એમને માટે કર્યું એ કાજ ।।૪૧।।

સખા કાજે ધારું તેતો થાય, સત્ય માની લેવુંજ સદાય। એમ કેતા છતા અવિનાશે, કર્યો વિચાર મન હુલ્લાસે ।।૪૨।।

પછે સુવાસિનીબાઇ પાસે, રસોઇ કરાવી છે હુલ્લાસે । સખાઓને આનંદ પમાડ્યા, પાસે બેસીને પોતે જમાડ્યા ।।૪૩।।

જમતા થકા બોલ્યા જીવન, હે સખા સુણો મુજ વચન । મનોરમા નદી પાર ઉતાર્યા, ટીમણ આપી નાવ બેસાર્યા ।।૪૪।।

તમને જે તેડી લાવ્યા આજ, તે અમે આવ્યાતા સુખસાજ । એવું સાંભળીને સર્વે મિત્ર, અતિ આનંદ પામ્યા પવિત્ર ।।૪૫।।

બીજું કોણ સુધલે અમારી, તમો વિના શ્રીદેવ મોરારી । એમ કરે છે વાત વિચાર, આવ્યા મોતીત્રવાડી તેવાર ।।૪૬।।

સખાઓના જોવા સમાચાર, છુપૈયેથી આવ્યા નિરધાર । પેલવાનને લાવ્યા છે સંગે, મળ્યા શ્રીહરિને રસરંગે ।।૪૭।।

ઘનશ્યામે કર્યો સતકાર, બેઉને જમાડ્યા તેણીવાર । પાંચ દિવસ રાખ્યા છે પાસે, પછે આજ્ઞા આપી અવિનાશે ।।૪૮।।

સખાસહિત કર્યા વિદાય, હવે શું કરે છે જગરાય । પોતે રહ્યા છે અયોધ્યામાંય, કરે છે રુડાં ચરિત્ર ત્યાંય ।।૪૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે અવધપુરીને વિષે છુપૈયેથી સખા શ્રીહરિને મળવા આવતાં શ્રીહરિયે માર્ગમાં તેમની રક્ષા કરી એ નામે એકસો ને એકમો તરંગઃ ।।૧૦૧।।